સોમવાર, 8 એપ્રિલ, 2013

સમોચિત ભાગ - દેવદત્ત પટ્ટનાઈક


યોગ્યાયોગ્ય નક્કી કોણ કરે?  ઔચિત્ય તટસ્થ નહીં, પણ વસ્તુલક્ષી હોય છે.
મારા મિત્ર સાથે શરૂ કરેલી અમારી કંપની સફળ નીવડી હતી. હવે અમને જવાબદારીઓ નક્કી કરવામાં, અને સફળતાનાં ફળની વહેંચણી કરવામાં, તકલીફ પડે છે. આપણાં પુરાણોમાં કોઇ એવી ઘટના, કે તાત્વિક વાત, છે જેની મદદથી અમારી ભાગીદારીમાટે અમેસમોચિત માળખુ આલેખી શકીએ?
બે અસુર હતા જેમને છૂટા પાડવા શક્ય નહોતું, અને તેથી તેઓ અજેય બની ચૂક્યા હતા. તેમના વધતા જતા પ્રભાવથી અકળાઈને, ઇન્દ્ર સ્વર્ગની અપ્સરા, તિલોત્તમા,ને તેમને મોહપાશમાં લઇને તેમને ખતમ કરવા માટે મોકલે છે.  તિલોત્તમાપર પડેલી પહેલી નજરે જ બન્ને ભઈઓને તિલોત્તમા સાથે લગ્ન કરવા દીવાના કરી નાખ્યા.અપ્સરાએ શરમાઈને કહ્યું,"બન્નેમાંથી જે વધૂ શક્તિશાળી હશે, હું તેને પરણીશ."  બસ, કોણ નબળું છે તે નક્કી કરવા માટે બે ભાઈઓ વચ્ચે ઘમાસાણ લડાઇ થઇ. બન્ને ભાઈઓ બરાબરના બળિયા હતા, તેથી આ લડાઇમાં બન્ને મરણશરણ થઈ ગયા. તિલોત્તમા, અને ઇન્દ્ર,નો આશય સિધ્ધ થઇ ગયો.
બધા વચે એક પત્ની હોવાનાં જોખમ સમજાવવા, નારદે પાંડવોને આ કથા કરી હતી. આને કારણે પાંડવોએ નક્કી કર્યું હતું કે તેમનામાંથી કોઇ એક જ ભાઇ, વારાફરતી, એક વર્ષમાટે દ્રૌપદીનો સુવાંગ પતિ રહેશે. જ્યારે બીજા કોઇ ભાઇનો વારો હોય ત્યારે, જો કોઇ ભાઈ ભૂલથી પણ દ્રૌપદીના મહેલમાં દાખલ થઇ જાય, તો તેણે આપમેળે જ બાર વર્ષ વનવાસ ભોગવવાનો રહે તેમ પણ ઠરાવવામાં આવ્યું. દાંપત્યના આવા નિયમો નક્કી કરાયા.
ભાઇઓને આ વ્યવસ્થા ઉચિત જણાઈ. આ ક્રમિક વ્યવસ્થા સાથે દ્રૌપદી સહમત છે કે નહીં, તેવું મંતવ્ય જાણવાનું તો કોઇએ વિચાર્યું જ નહીં. તેને અર્જુન માટે પ્રેમ હતો, તો ભીમ અતિઉત્સાહી પતિ હતો, તો વળી નકુળ સહુથી વધારે દેખાવડો હતો. જો દ્રૌપદીએ જે નક્કી કરવાનું આવ્યું હોત, તો તેણે કોની ઉપર પોતાની પસંદ ઢોળી  હોત? શું તે સમોચિત રહી શકી હોત? શું તેણે એકને બદલે બીજા કોઈને પસંદ કર્યો હોત? જો તેનો પ્રેમ અસમાન જણાયો હોત, તો શું ભાઈઓની એકતા ટકી રહી હોત?
આમ તમારી સમક્ષ પ્રશ્ન એ છે કે ભાગીદારીનાં સમોચિત માળખાનો લાભાર્થી કોણ છે? તમે, તમારા ભાગીદાર, કે તમારી સંસ્થા, કે તમારાં ગાહકો? કોઇને કોઇ તો અસંતુષ્ટ  રહેવાનું જ છે. કોઇએ તો બીજાંને મળતા દેખાતા વધારાના લાભને ખમી ખાવાની પરિપક્વતા બતાવવી પડશે. મૂળ મુદ્દે, વાત વિશ્વાસની છે.  તમને વિશ્વાસ છે કે બન્ને એકબીજાંનું ભલું વાંછી જ રહ્યા છે, કે પછી કોઇ એક બીજાનો ફાયદો ઉઠાવી જશે તેવો સંશય છે? જો વિશ્વાસ નહીં હોય તો, રોકાણ કે વળતરની કોઇ પણ પ્રકારની ગણત્રીવાળી વહેંચણી કદાપિ સમોચિત નહીં પરવડે.
વેપારમાં મહેનત અને તેનાં ફળને આંકડાના પરિમાણોમાં કહી શકવું બહુ મુશ્કેલ હોય છે. સમોચિતતા નક્કી કોણ કરે?  ઔચિત્ય તટસ્થ નહીં પણ વસ્તુલક્ષી હોય છે. જુદાં જુદાં  લોકોને પોતપોતાનાં અલગ અલગ ચોકઠાં અને પોતપોતાના અલગ માપદંડ હોય છે. જોવાનું એ રહે છે કે નક્કી થતી વ્યવસ્થા બીજા પક્ષને અનુકુળ દેખાય છે, અને તેનાથી તેમને સંતોષ છે ખરો, તે ખરેખર ખુશ છે? અને બીજો પક્ષ પણ તમારા વિશે એ રીતે જ વિચારે છે? જો આમ નહીં હોય , તો તમારી નિયતિ પણ સુંદ અને ઉપસુંદ જેમ જ, લડીને એકબીજાને ખતમ કરી રહેવાની બની રહેશે. 
  • ETની 'કૉર્પૉરેટ ડૉસ્સીયર' પૂર્તિમાં જાન્યુઆરી ૧૧, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
  •   અસલ અંગ્રેજી લેખ, A fair Share, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર માર્ચ ૨૨, ૨૦૧૩ના રોજ Articles ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   એપ્રિલ ૮, ૨૦૧૩