મંગળવાર, 2 જુલાઈ, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ત્રીજો - ગુચ્છ ૨

ફેબ્રુઆરી ૧૪, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આપણા પોતાના વિકાસની સહુથી રસપ્રદ વાત એ છે કે જો આપણને આપણા વિકાસની પડી ના હોય, તો બીજાંને જરા સરખી પણ પડી નથી હોતી. કોઇ આ વિષય પર સામે ચાલીને આપણું ધ્યાન દોરતું નથી હોતું, અને એમ પણ માની લે છે કે આપણે તે અંગે બધું જ સંભાળી લેતાં હશું. સ્વ-વિકાસને તો માની લેવામાં જ આવે છે.   
દરરોજ, આપણે ક્યાં તો વિકસતાં હોઇએ છીએ, કે ક્યાં તો કરમાતાં જતાં હોઇએ છીએ. જે સ્થિતિ છે તેને, તેમ ને તેમ, ટકાવી રાખવી લગભગ અશક્ય જ કહી શકાય.
સ્વ-વિકાસ ઉપર કરેલાં છેલ્લાં એક વર્ષ દરમ્યાનનાં આપણાં રોકાણોની સૂચિ બનાવીએ. એ આપણી કુલ આવકના કેટલા ટકા છે? એક સરખામણી ની દ્રષ્ટિએ જોઇએ તો જણાશે કે સામાન્યતઃ, લોકો પોતાની કારની ખરીદ કિંમતનો ૧૦%થી વધારે હિસ્સો, દર વર્ષે, પોતાની કારની મરમ્મત અને સજાવટ (ઈંધણ સિવાયનો ખર્ચ) પાછળ ખર્ચે છે. અને જો તેમ ન કરીએ તો કાર ગમે ત્યારે બગડવાનું શરૂ કરશે, અને ત્યારે જે મરમ્મતનો ખર્ચ થશે, તે ઘણો વધારે હશે. આપણે જો " આપણી જાત"ને આપણી સહુથી મોટી સંપત્તિ ગણતાં હોઇએ તો, તેની મરમ્મત અને વિકાસ માટે આપણે કેટલું રોકાણ કરતાં રહેવું જોઇએ? અહીં આપણે કોઇ ટકાવારીની વાત નથી કરી રહ્યાં. આપણી જીંદગીની આ બાબતનો નિર્ણય આપણે જાતે જ કરવો રહ્યો.
ધારો કે આપણે ગયે વર્ષે જે કંઇ રોકાણ કર્યું તેનાથી તે પછીનાં દરેક વર્ષે ૧૦% વધારે રોકાણ કરતાં રહીએ છીએ. એનાથી આપણાં જીવનમાં બહુ મોટો ફરક પડશે ખરો? હા જી, આપણી કારકીર્દી અને જીવન,એ બન્નેમાં, આપણે "જે છીએ" અને "જે બનીશું' તે બાબતે બહુ ઘણો ફરક પડી જશે. આપણે બહુ મોટા પાયા પર રોકાણની વાત નથી કરી રહ્યાં, પણ વાત કરી છીએ લાંબા ગાળા સુધી આપણા વિકાસ માટે સમય, અને નાણાંનાં, સભાન, શિસ્તમય અને સતત થતાં રોકાણની.
વાત તો સાવ દેખીતી જ છે ને? તો ચાલો, શરૂ કરી દઇએ! હવે કોઇની રાહ શેની જોવાની?

| ફેબ્રુઆરી ૧૬, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 
કોઇ પણ સંદેશનું મહત્વ તેને લાવનાર સંદેશવાહકના અધાર પર આપણે આંકતાં હોઇએ છીએ, તે તો બહુ જાણીતી વાત છે.આપણી આસપાસના 'ઘોંઘાટ'માંથી મહત્વની માહિતિ 'ગાળી' લેવા માટેનો આ એક હાથવગો ટૂંકો માર્ગ છે. આ ઉપાય આડેધડ વાપરવો જોઇએ એમ પણ મારૂં કહેવું નથી.એ તો બહુ ખતરનાક પણ પરવડી શકે.
મારો પ્રસ્તાવ તો આ છે:
જ્યારે કોઇ આપણી પાસે વિચાર લઇ ને આવે, ત્યારે તે વિચારને તેના ઉદ્‍ગમસ્થાનથી અલગ કરી દેવાનો  પ્રયત્ન કરવો - એટલે કે કમ સે કમ, તેટલા સમય માટે સંદેશ અને સંદેશવાહકને અલગ તારવી લઇએ. આમ, સંદેશવાહક - ઉદ્‍ગમસ્થાન-  વિશેના આપણા ભૂતકાળના અનુભવો અને આકારણીમોનો ઓછાયો એ નવા સંદેશ - વિચાર પર નહીં પડે. 
આમ કરવાનું મહત્વ શું? વિચારો તો, બાળકથી માંડીને સાવ અજાણી વ્યક્તિ, કોઇ પણ જગ્યાએથી આવી શકે છે. જો  આપણાં 'ગરણાં' બહુ પ્રભાવશાળી હશે આપણે જેને મહત્વની ન ગણતાં હોઇએ, તે વ્યક્તિઓ પાસેથી આવતા વિચારોને આપણે કદાચ ઓછું મહત્વ પણ આપી બેસીએ. સામાન્યતઃ, આપણે સંદેશના સ્ત્રોતની "વિશ્વનીયતા" અને "અનુભવો"ના આધાર પર ત્યાંથી મળેલા 'વિચાર' વિચાર કરવાનું કરતાં હોઇએ છીએ. એ  પ્રક્રિયામાં, કદાચ, કોઇ 'હીરો" આપની નજરમાં ન પણ આવે એવું પણ બની શકે. દરેક 'મહાન' વિચારનું દ્યોતક - વ્યક્તિ કે સંજોગ કે સંદર્ભ - દરેક સમયે, તેને અનુરૂપ "મહાન" પાર્શ્વભૂમિકા કે અનુભવ કે / અને વિશ્વનીયતા ધરાવતું જ હોય તેવું ન પણ બને!
સારાંશ : વિચારોને દરેક દિશાએથી આવવા દો. હા, કોઇ પણ દિશામાંથી!
નોંધ - ૧: સંદેશને તેના ઉદ્‍ગમસ્થાનથી અલગ કરવા માટે, આપણને અભૂતપૂર્વ ધીરજ, સંભાળ અને ઉચ્ચ કક્ષાની સાંભળવાની ક્ષમતા જોઇશે, તે તો દીવા જેવી વાત છે. એ કૌશલ્યને મઠારતાં રહેવાની શરૂઆત તો કરી જ દેવી જોઇએ. 
નોંધ - ૨: આ બાબતને આપણે કેટલી આત્મસાત કરી છે તે અંગે તો આપણી વિવેક બુધ્ધિ તો આપણે વાપરીશું જ. નવા વિચારો આપી શકે તેવી તો કેટલી ય વ્યક્તિઓ આપણા સંપર્કમાં આવશે.પણ દરેક વધારે સમય ફાળવા યોગ્ય ન પણ હોય. એવી વ્યક્તિને પણ એક બે તક જરૂર આપવી, અને પછી જો તેમાં દમ ન જ જણાય તો એ સ્ત્રોત માટે, આપણાં "ગરણાં"ને "ફરીથી" કામે લગાડી દેવાં.

| ફેબ્રુઆરી ૨૦, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
જ્યારે જ્યારે નોકરી બદલવા ઇચ્છતી વ્યક્તિને મારે મળવાનું થાય ત્યારે હું તેમને નોકરી બદલવાનું કારણ જરૂર પૂછું. આમ કરવાથી,તેમનાં કારણો જાણવા તો મળે જ, પણ સાથે સાથે તેમની હાલની નોકરી / પ્રવૃત્તિ વિશે તેમ જ તેને બદલવા માટે શું વિચારસરણી છે, તે વિશે પણ ઘણું જાણવા મળે છે.
આપણે એક તાજેતરનો જ દાખલો જોઇએ.મેં તમને ભારતમાંના મારા ક્રમિક ઉદ્યોગસાહસિક મિત્ર, નવીન લક્કુર વિશે વાત કરી હતી. થોડા સમય પહેલાં,તેની નવી કંપની, કૉમ્પસ્સાઇટ્સ,ના પ્રારંભ સમયે હું પણ હાજર હતો. કૉમ્પસ્સાઇટ્સમાં જોડાય તેવા એક સંભવિત ઉમેદવાર (આપ્ણે તેને જય તરીકે ઓળખીશું) સાથે મને નવીન મેળવવા માંગતા હતા.  જયને મળવાનું મને બહુ ગમ્યું. વાતચીત દરમ્યાન હું એ જાણવા કોશીશ કરી રહો હતો કે નવીન જયને શા માટે પોતાની ટીમમાં સામેલ કરવા માગે છે.  મને જાણવા મળ્યું કે જય તેની હાલની કંપનીમાં છેલ્લાં નવ વર્ષથી કામ કરે છે, અને ત્યાં એ ઘણી  સારી જ્વાબદારીવાળી જગ્યા સુધીની પ્રગતિ પણ કરી ચૂક્યા છે. જયને નવીન માટે બહુ માન પણ હતું. કૉમ્પ્સ્સઈટ્સ જોડાવા અંગે વાત કરતાં તેણે એક બહુ રસપ્રદ વાત કહી - "નવીન, આ કંપની સાથે મેં નવ વર્ષ કામ કર્યું છે. મારા માટે અ બહુ જ સારાં નવ વર્ષ  રહ્યાં છે. અત્યારે, કંપની થોડી તકલીફમાં છે, તેથી હું આ હાલતમાં તો કંપની નહીં છોડી શકું. એક વાર જેવી આ સમસ્યાનું નિરાકરણ થઇ જશે, તે પછીથી આપણે સાથે કામ કરવાની શક્યતાઓના વિકલ્પો બાબતે વિચાર કરીશું." બસ, આ એક જ વાક્યથી મને સ્પ્ષ્ટ સમજાઇ ગયું કે શા માટે નવીન જયને પોતાની ટીમમાં લેવા માગે છે. 
હવે પછી જ્યારે નોકરી બદલવા માગતી વ્યક્તિ સાથે તમારે વાત થાય, તો તે એમ શા માટે કરવા માગે છે, તે જરૂર પૂછજો. આપણે જોઇ શકીશું કે, પોતાની હાલની નોકરીમાં કોઇ ને કોઇ સમસ્યા છે, માટે મોટા ભાગનાં લોકો નોકરી બદલવા માગે છે.  લો કરો વાત, જાણે કે તેઓ જે નવી નોકરીમાં જોડાશે, ત્યાં તો કોઇ જ સમસ્યા હશે જ નહીં! કેમ જાણે કે નવી જગ્યાએ એક આદર્શ નોકરી હશે!
હવે જરા જૂદી રીતે વિચારીએ -  સામાન્યતઃ, સમસ્યાઓના ઉપાયો લાવતાં રહેવાને કારણે જેમને બઢતી મળી છે તેમની વાત જોઇએ. મને એ તો ખાત્રી જ છે કે જેઓ જવાબદારીઓથી દૂર રહેવા માંગે છે, તેમને પણ પોતાની કારકીર્દીમાં પ્રગતિ તો જોઇએ છે જ. પણ આ વાત થોડી વિરોધાભાસી નથી લાગતી?
એટલે, મુદ્દાની વાત તો એ કે જો આપણે સમસ્યાઓનો સામનો જ નહીં કરીએ, તેનાથી ઊંધી દિશામાં જ ભાગતાં રહીશું, તો સમસ્યાનાં નિરાકરણ લાવવાનું ક્યારે શીખીશું
નોંધઃ હું પણ માનું છું કે ઘણી વાર હાલની નોકરીની કેટલીક સમસ્યાઓનો ઉપાય જ નવી નોકરી હોય છે.પણ અહીં આપણે એવા અપવાદરૂપ કિસ્સાઓની વાત નથી કરતાં.  સમસ્યા તો ત્યારે થશે જ્યારે સમસ્યાને કારણે નોકરીઓ બદલતા રહેવાની ભાગેડુ વૃત્તિની આદત આપણને પડી જશે.

| માર્ચ ૩, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
ઘણા સમય બાદ એક મિત્રની સાથે મને કૉફી પીવાની તક મળી. પોતાની સંસ્થામાં પોતે લડી રહ્યા હતા એવી એક આંતરિક લડાઇની તેણે વાત કરી.તેનું કહેવું હતું કે છેલ્લા બે દિવસથી તેને ઉંઘ નથી આવી, અને જ્યાં સુધી એ પ્રશ્નનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી તેને કદાચ ઉંઘ આવશે પણ નહીં. એ લડાઇને જીતવા શું કરવું જોઇએ તે અંગે મારા વિચારો એણે જાણવા હતા. તે હવે બહુ થકી ગયો હતો, તેની પત્નીને પણ આ વાતની બહુ ચિંતા રહેતી હતી. 
હું તેને બહુ લાંબા સમયથી ઓળખું છું. કોઇ પણ લડાઇ પૂરૂં લડી લીધા સિવાય છોડી દે તેમાની એ વ્યક્તિ નથી. એક વાર જો તેણે કંઇ શરૂ કર્યું, તો તેને તાર્કીક અંત સુધી લઇ જઇને જ ઝંપે તેમાંનો એ એક છે.I
આ લડાઇ કેમ જીતવી તેના પર ધ્યાન દેવાને બદલે, મેં તેને એમ પૂછ્યું કે, પહેલે પ્રથમ તો એ આ લડાઈ લડી જ શા માટે રહ્યો છે. તેનો વળતો જ જવાબ હતો કે, તેમ કરવું જ પડે તેમ છે, તેનો આંતરાત્મા જ તેને બીજું કશૂં કરવા ન આપે. એ બાબતે અમે વધારે વાત કરતા રહ્યા, મેં તેને પૂછ્યું કે જ્યારે તે "જીતશે" ત્યારે તેનાં કુટુંબીજનોને કેવું લાગશે.
તેણે બહુ પ્રમાણીકપણે કહ્યું કે તેનાથી કદાચ કોઇને ખાસ ફરક નહીં પડે. મને જરા નવાઇ લાગી, એટલે મેં હજુ થોડી વધુ પૂછપરછ કરતાં  કહ્યું કે એ લડાઈ "જીતવા"થી તેને, ખરા અર્થમાં, શો ફાયદો થશે. વાતચીત પરથી એમ લાગ્યું કે સહુથી મોટો ફાયદો કદાચ એ હશે કે તે 'સાચો' સાબિત થશે. તે હતો તો ઘણો બુધ્ધિશાળી, તેથી તે એક ખોટી લડાઇ લડી રહ્યો છે તેવો તો અંદાજ તેને આવી ગયો હતો.એ લડાઇઓ લડવા માટે વ્યતિત થઇ રહેલો સમય એ જ માત્ર નુકસાન નહોતું.તેની તે એક બહુ મોટી તકનાં સંદર્ભમાં પણ કિમંમત ચૂકવી રહ્યો હતો. આ લડાઇમાં વ્યસ્ત થઇ જવાને કારણે, તે લાંબે ગાળે બહુ જ મહત્વનાં એવાં બીજાં ઘણાં વધારે અગત્યનાં કામ માટે સમય નહોતો ફાળવી શકતો.
આમ, "આ લડાઇ કેમ કરીને જીતવી?" એ સવાલનો જવાબ આપતાં પહેલાં, "આપણે આ લડાઇ શા માટે લડી રહ્યાં છીએ?"ના સંદર્ભમાં, આપણે આપણાં જીવન પર એક નજર કરી લેવાની જરૂર રહેતી હોય છે.ક ોઇ અચરજ થાય એવો જવાબ ન મળી આવે તો નવાઇ ન લાગવી જોઇએ! 
નોંધ:  આ શ્રેણીના અન્ય લેખ જોવા માટે Squidoo Lens: Distinguish Yourself  ની મુલાકાત લેશો, અને તેના અનુવાદ જોવા માટે  આગવી પ્રતિભા/ Distinguish yourself ની મુલાકાત લેશો.

| માર્ચ ૯, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
SIPA દ્વારા યોજાયેલ એક સમારંભમાં મને ગઇકાલે, મંચ પર, ડૉ. પ્રસાદ કૈપા સાથે રહેવાનું સન્માન પ્રાપ્ત થયું હતું. એ સાજે ડૉ. કૈપાએ અનેક રસપ્રદ વિષયો બાબતે વાત કરી હતી.હાફ મુન બૅ, કેલિફિર્નીયામાં મહાકાય કોળાં વિષે તેમણે જે વાત કરી હતી, તે તો  મારાં હૃદયને સ્પર્શી ગઇ. ત્યાં દર વર્ષે એક હરીફાઇ થાય છે, જેમાં સહુથી મોટાં કોળું ઉગાડનાર વિજેતા જાહેર થાય છે. ડૉ. કૈપાએ એક એવી વ્યક્તિની વાત કરી, જેણે હરીફાઇ જીતી લીધા પછી, એક બહુ જ મજાની વસ્તુ કરી. વિજેતા કોળાંમાંના અરધાં બી તેણે પોતાના પાડોશીઓમાં વહેંચી નાખ્યાં.
જોવાની વાત તો એ છે કે તે પાડોશી પણ આ સ્પર્ધામાં તેનાં હરીફ પણ હતાં અને આવતે વર્ષે પણ હરીફ તો રહેશે જ. ત્યાં હાજર, તેનાં કુટુંબ સહિત દરેક વ્યક્તિને જબરૂં આશ્ચર્ય થયું.  જ્યારે તેને આમ કરવા વિષે પૂછ્યું, તો તેણે કહ્યું કે કોળાં પરપરાગનયનથી ઊગે છે. તેથી જો તેની આસપાસનાં બધાં જ જો તંદુરસ્ત અને મોટાં કોળાં ઉગાડતાં થઇ જશે, તો હજૂ વધારે તંદુરસ્ત અને મોટાં કોળાં ઉગાડવા માટેની એની પોતાની શક્યતાઓ પણ ઘણી જ વધી જાય. આમ, એ તેની આસપસનાં બધાને ખૂબ જ સફળતા મળે તેમ ઈચ્છતો હતો. અને તેમ કરવાથી તેની પોતાની જીતની શક્યતાઓ પણ વધતી જ હતી.
છે ને બહુ મજાની વાત. મને ખાત્રી છે કે આ વાતનું આપણાં જીવનમાંનું મહત્વ પણ તમને સમજાઇ જ ગયું હશે. જો આપણે બુધ્ધિશાળી લોકોના સંપર્કમાં રહીશું તો આપણા "વધારે બુધ્ધિશાળી" થવાના સંયોગો પણ તેટલા જ વધારે ઉજળા બની રહે છે. ચાલો, આપણે પણ આપણાં સમગ્ર સંપર્ક માળખાંના વિકાસમાં શક્ય તેટલું યોગદાન કરીએ અને સર્વજન વિકાસ માટે પ્રયત્ન કરીએ. એમ કરવાથી આપણો પોતાનો વિકાસ પણ વધારે ઝડપથી અને વધારે ઉત્કૃષ્ટપણે થશે જ ને? મને તો કોઇ જ શકા નથી!
જો એમ લાગતું હોય, કે આ બહુ મુશ્કેલ કામ છે, તો હું તમને ખાત્રી આપું છું કે એમ જરા પણ નથી. આપણે આપણી વર્તણૂકમાં થોડા, નાના નાના, સુધારા કરવાના રહેશે, જે આપણને અને, આપણાં સંપર્ક-વર્તુળને બહુ મોટા ફાયદા કરાવી શકે તેમ છે. જેમ કે :
 * હવે પછી જ્યારે પણ કોઇ સારૂં પુસ્તક વાંચીએ, તો તેની નોંધ રાખીએ.  આ નોંધ, આપણાં તારણો, આપણને દેખાતા બોધપાઠ વિગેરે  આપણાં સંપર્ક વર્તુળ જોડે વહેંચીએ.
 * હવે પછી નૅટ પર કોઇ સરસ, કામનો સંદર્ભ કે માહિતિસ્ત્રોત જોવા મળે, તો તે આપણાં સમગ્ર સંપર્ક-માળખાં જોડે વહેંચીએ.
 * હવે પછી કોઇ પ્રેરણાદાયક ફિલ્મ જોઇએ તો તેમાંથી આપણે શું શીખ્યા તે આપણી ટીમ સાથે વહેંચીએ.
હા, આ બધી બાબતો દેખાય છે સાવ સામાન્ય.પણ જરા વિચાર કરો તો.. જો આપણાં સંપર્ક-માળખામાં કોઇ સતત આવી માહિતિ વહેંચતું રહેતું હોય, તો તમને પણ તે ખરેખર મહત્વનું જણાય છે ને?
નોંધ: આ શ્રેણીમાં આવા અન્ય લેખ, અને તેના ગુજરાતી અનુવાદ, વાંચવા માટે, અનુક્રમે Squidoo Lens: Distinguish Yourself ની અને આગવી પ્રતિભા/ Distinguish yourself  ની મુલાકાત લેજો.

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’ -ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ત્રીજો - ગુચ્છ ૨ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જુલાઇ ૨, ૨૦૧૩


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો