શુક્રવાર, 28 જૂન, 2013

હલેસું જ્યારે સુપડું બની રહે છે - દેવદત્ત પટ્ટનાઇક


એક માટે જે મહત્વનું છે, તે બીજાં માટે મહત્વનું ન પણ હોય
હિંદુ પરંપરાના મહાગ્રંથ રામાયણ, અને મહાભારત,ની જેમ લગભગ સમાંતર સમય કાળ દરમ્યાન રચાયેલ, ગ્રીક પરંપરાના મહાગ્રંથ ઈલિયડ અને ઑડીસ્સી છે. પરંતુ રામાયણ અને મહાભારત સંપત્તિના વિષયની આસપાસ વણાયેલ કુટુંબ કથાઓ છે, જ્યારે ઈલિયડ અને ઑડીસ્સી, પોતાનાં ઘરથી દૂર, કોઇ બીજાં માટે લડી રહ્યા હોય એવા કોઇ એક પરાક્રમી યોધ્ધાની કહાણીઓ છે.
પોતાની પત્ની પૅનૅલૉપ અને નવજાત પુત્ર, ટેલૅમકસ,ને એકલાં મૂકીને પૂર્વના સુદૂરના શહેર ટ્રૉયપર વિજય મેળવાવા, ગ્રીક લશ્કરની પરાણે આગેવાની લઇને, ઑડીસ્સસને યુધ્ધ કરવા જવું પડ્યું છે,  કારણ કે સ્પાર્ટાના રાજા મેલૅનૌસની પત્ની હેલનને ટ્રૉયનો રાજકુંવર ઉઠાવી ગયો છે. લડાઇ દસ લાંબાં વર્ષો સુધી ચાલે છે. તે પછી ઘર તરફ સૈન્યને હંકારી જવાનો સમય પાકે છે. પણ ઑડીસસને સમુદ્રના દેવ, પૉઝૈડન સાથે અણબનાવ થવાને કારણે વળતાની દરિયાઇ સફરમાં આવી પડેલાં - વહાણનાં ભાંગી જવાં, તોફાનો અને એવાં કેટાલાંય - આકસ્મિક જોખમોને પરિણામે તે બીજાં દસ વર્ષ સુધી ઘરે પાછો નથી પહોંચી શકતો.
કોઇ ઑડીસ્સસને કહે છે કે આ બધી અણધારી ઘટનાઓનો અંત આવીને, તેને શાંતિ ત્યારે જ મળશે જ્યારે તે એવા કોઇ અંતરિયાળ પ્રદેશમાં પહોચશે, જ્યાં કોઇએ ન તો હલેસું કે ન તો વહાણ  કદી જોયાં હોય, જ્યાં લોકો હલેસાં ને અનાજ ઝાટકીને દાણા અને કુશકી છૂટાં પાડતાં સુપડાં તરીકે સમજશે અને વાપરશે. બીજા શબ્દોમાં, તેણે એવા પ્રદેશમાં પહોંચવું રહ્યું, જ્યાં તેના  વિચારોથી બધાં જ સાવ અજાણ હોય.
બધી જ અન્ય પૌરાણિક કથાઓની માફક, અહીં પણ આપણે રૂપકો અને સૂચક અર્થનો ખજાનો જોઇ શકીએ છીએ. પ્રસ્તુત કહાણી આપણને શું સુચવી જાય છે?  આ કથાનો સંદેશ છે કે આપણા માટે જે બહુ મહત્વનું છે તે બીજાંને મન મહત્વનું બિલ્કુલ ન પણ હોય, જેમ કે હલેસું અને વહાણ ઑડીસ્સસ માટે જેટલું મહત્વ ધરાવતા હતાં, તેટલું તેનું મહત્વ અંતરિયાળ પ્રદેશનાં લોકો માટે નહોતું. વિશ્વ અતિ વિશાળ છે.સમુદ્રની સફરની આકસ્મિક ઘટનાઓ સામે ટક્કર ઝીલવા માટે ઑડીસ્સસ માટે હલેસું અતિ મહત્વ ધરાવે છે. પરંતુ અંતરિયાળ પ્રદેશના જે લોકોએ હલેસું કે સમુદ્ર કદી ભાળ્યાં પણ નથી તેમને મન તેનું મહત્વ જરા પણ નથી.  એક માટે જે મહત્વનું છે, તે બીજાં માટે મહત્વનું ન પણ હોય.
આપણી આ દુનિયામાં દરેક વસ્તુ, કે વાત,નો અર્થ તેના સંદર્ભની સાથે બદલાઇ જાય છે. સમુદ્રની સફર ખેડનારને લાકડાંના એક સપાટ ટુકડામાં હેલેસું દેખાશે, પણ જેમણે જનમ ધરીને કદી સમુદ્ર કે વહાણ જોયાં જ નથી, તેમને તો તેમાં અનાજ અને કુશકી છૂટાં પાડવાનું સુપડું પણ દેખાય. આ કથાનકોમાં, એ એકલવીરમાં આપણને, આપણાં પોતાનાં જીવનના સંગ્રામોની સામે મથામણોમાં ઉલઝી ગયેલ, આપણી જાત પણ દેખાતી હોય.પણ બીજાં બધાંની નજરમાં એવું  જ દેખાતું હોય તેમ જરૂરી નથી. બધાં હલેસાંને હલેસાં તરીકે જ જૂએ તે જરૂરી નથી. એટલે આપણાં હલેસાંમાં કોઇ સુપડું જૂએ તો તેનાથી અકળાઇ ગયે ચાલે નહીં. વીસ વીસ વર્ષનાં વહાણાં વીતી ગયા પછી, જ્યારે ઑડીસ્સસ ઘરે પાછો ફરે, ત્યારે તેની બધી જ મથામણો અને તેણે ભોગવેલી પીડાઓને, તેની તરફની સહાનુભૂતિથી જ બધાં જોશે  એમ તેણે માની ન લેવું જોઇએ.  એ લોકો તો તેને માત્ર પોતાની પત્ની અને નવજાત પુત્રને પાછળ એકલાં છોડી અને બહારની દુનિયામાં નામ કમાવા નીકળી પડેલ એક મોહાંધ માણસ તરીકે પણ જૂએ!
*      સનડે મીડડેની 'દેવલોક' પૂર્તિમાં એપ્રિલ ૨૮, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
v 
·        અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   જુન ૨૮, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો