સોમવાર, 24 જૂન, 2013

વિલીયમ બ્લેકનાં કાવ્ય "A Poison Tree" (ઝેરી વૃક્ષ)નું રસવિવરણ

ઈન્ટરનૅટ પર ખાંખાંખોળાં કરતાં, મારે હાથે William Blake(વિલીયમ બ્લેક)નું અગ્રેજી કાવ્ય, A Poison Tree”(ઝેરી વૃક્ષ), આવી ચડ્યું.
પહેલાં મૂળ અંગ્રેજી કાવ્ય વાંચીએઃ  
I was angry with my friend;
I told my wrath, my wrath did end.
I was angry with my foe:
I told it not, my wrath did grow.

And I watered it in fears,
Night & morning with my tears:
And I sunned it with smiles,
And with soft deceitful wiles.

And it grew both day and night,
Till it bore an apple bright.
And my foe beheld it shine,
And he knew that it was mine.

And into my garden stole.
When the night had veiled the pole;
In the morning glad I see,
My foe outstretched beneath the tree.
જેના પર અંકુશ મેળવવાથી માનવ જીવનના અડધા પ્રશ્નોનું નિરાકરણ શક્ય બની શકે છે, તેવી મનુષ્યનાં વર્તનની એક નબળી કડી, ક્રોધ, પ્રસ્તુત કાવ્યનો કેન્દ્રવર્તી વિષય છે. ક્રોધ અને દારૂ એ બન્ને મનુષ્ય પર એક સરખી જ અસર કરે છે - એ બન્નેની અસર હેઠળ માનવીનું ડહાપણ ભૂલાઇ જાય છે.
કોઇક કારણસર કવિ તેમના મિત્ર પર  રોષે ભરાઇ ગયા છે. તે પોતાના ક્રોધ પાસે જ ફરિયાદ કરીને, હવે શું કરવું તેની સલાહ માંગે છે; પણ નવાઇની વાત તો એ છે કે ક્રોધ તો આપોઆપ શમી જાય છે. આમ થવા પાછળનું કારણ એ છે કે ગુસ્સો તો એ મિત્ર પર આવ્યો હતો, અને પોતે જ તો ખુદનો મિત્ર છે. એટલે વધવાને બદલે ગુસ્સો શમી જાય છે, કારણકે તેઓ બન્ને એક જ છે.
પરંતુ, આપણું કાવ્ય તો  શત્રુ પરના ક્રોધ વિશે છે. કવિનો ગુસ્સો તો એ જ છે, પણ સામેનું પાત્ર હવે બીજું છે. મિત્રના કિસ્સામાં જેમ ક્રોધ શમી ગયો હતો, તેને બદલે અહીં સામે પક્ષે શત્રુ છે, એટલે ક્રોધની માત્રા વધતી જ જાય છે. કૃત્રિમ હાસ્યનું પાણી અને કપટી યુક્તિ પ્રયુક્તિઓના તડકા વડે કવિ તેનું જતન કરતા રહે છે, તેથી ક્રોધ પણ ફૂલ્યોફાલ્યો રહે છે.
ક્રોધનું જતન કરવાનું બહુ રસપ્રદ પરિણામ આવ્યું. સફરજનનાં વૃક્ષની જેમ જ, શત્રુ માટેનો ક્રોધ પણ પાંગરતો ગયો. એ ચળકાટ ભર્યાં સફરજનને જોઇએને શત્રુ પણ મનમાં ગાંઠ વાળી લે છે કે એ ફળેલ ફૂલેલ વૃક્ષ કોઇ બીજું નહીં પણ કવિ જ છે. એટલે કે આ બધું કર્યું કારવ્યું તો કવિનું જ છે.
નવાઇની ઘટના તો એ બને છે કે, એક રાત્રે જ્યાં ક્રોધ-વૃક્ષ ઊગ્યું હતું, ત્યાં શત્રુ આવી ચડે છે. કવિ તો તેના શત્રુ માટેની દુશ્મનાવટને વધારતા રહેવા દિવસ રાત એક કરી બેઠા છે; પણ શત્રુ આ બાબતે નિષ્ક્રીય છે. તેનાં આશ્ચર્ય વચ્ચે, કવિ એક સવારે જૂએ છે તો, શત્રુએ તો વૃક્ષની નીચે લંબાવી દીધું છે.
કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે આપણે આપણાં શત્રુ પર ક્રોધે ભરાઇએ, ક્રોધને વધારવા માટે તેનું લાડ પ્યારથી ખાસ્સું જતન પણ કરીએ, પણ આપણી ધારણાથી વિરૂધ્ધ, સામા પક્ષનો પ્રતિસાદ સાવ મોળો હોય છે. સરવાળે, એમ પણ કહી શકાય ક્રોધ ની પાલનહાર વ્યક્તિ તો ક્રોધને પાળે પોષે, પણ સામો પક્ષ તો ટાઢાં ટબુકલાંની જેમ આરામથી વર્તે છે અને મસ્ત રહે છે. શત્રુતાનાં વિકસેલ ઝેરી વૃક્ષ હેઠળ શત્રુ તો ટાઢો છાંયો મેળવીને વિરામ પણ પામી શકે છે.
આશા રાખું છું કે જો કોઇ વાચકને આ કાવ્યનું મારૂં અર્થઘટન જચ્યું ન હોય, તો તે મને માફ કરશે.
લેખકઃ - વલીભાઇ મુસા


v  મૂળ લેખ Expositions of Chosen Poems – 1 (A Poison Tree)  અને અનુવાદ (382) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન : ઝેરી વૃક્ષ’ (A Poison Tree) – વિલિયમ બ્લેક (William Blake)નું અંગ્રેજી કાવ્ય  શિર્ષક હેઠળ ૧૭મી જૂન,૨૦૧૩ ના રોજ લેખકની વેબસાઇટ William’s Tales (Bilingual Multi Topic Reads) પર પ્રકાશિત થયેલ.

v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   જૂન ૨૩, ૨૦૧૩