ગુરુવાર, 18 જુલાઈ, 2013

હવે શું શીખવું તે શી રીતે નક્કી કરવું? - રાજેશ સેટ્ટી


એ મુલાકાત મને હજી સુધી યાદ છે. હું ત્યારે ઉચ્ચ માધ્યમિક શાળામાં ભણતો હતો, જ્યારે મારા કાકાના મિત્ર અમારે ઘરે આવ્યા હતા. મારા કાકાની દ્રષ્ટિએ એ મિત્ર "ખાસ" હતા કારણ કે તેઓ પાસે વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાનની સ્નાતક પદવીઓ  હતી. સવાલ તો મારો બાલિશ લાગ્યો હશે, પણ હું તો હતો પણ છોકરૂં, એટલે મેં તો પૂછી પણ નાખ્યું હતું કે " પણ આ બધા વિષયોમાં તમારે સ્નાતક કેમ થવું પડ્યું?" જવાબ એટલો જ હતો કે "કારણકે હું તેમ કરવા પાત્ર હતો." પછીથી તેમણે મને એક કાર્ડ આપ્યું, જેના પર
પહેલું નામ  અટક

 બી.એ., બી. કૉમ., બી.એસસી.
એમ વંચાતું હતું.
જો કે ત્રણ ત્રણ વિષયોમાં સ્નાતક પદવીઓ ધરાવનાર વ્યક્તિને જીવનમાં તેનો કોઇ જ ફાયદો ન મળ્યો. સંપત્તિ નીવડવાને બદલે, તે પદવીઓ એક જવાબદારી બની રહી.
એવું કેમ થયું?
પહેલી નજરે જે "ક્યા બાત હૈ" દેખાતું હતું, તેનાથી તેમને તેમનાં કામમાં કોઇ જ વ્યૂહાત્મક મૂલ્ય વૃધ્ધિ જ થઇ નહીં.
એ સમયે મને થોડી નવાઇ તો લાગી હતી, પણ પછી એ વાત વીસરાઇ ગઇ.
હવે તે પછીના બે દાયકા પસાર કરીને આગળ વધી જઇએ. મને ફરીથી આવા જ અનુભવો થઇ રહ્યા છે., પહેલાના કિસ્સા  જેટલા આત્યંતિક તો નહીં, પણ તેનાથી ખાસ્સા સરખા મળતા તો કહી શકાય એવા તો ખરા!
અત્યારે મારે એવાં ઘણાં લોકોને મળવાનું થાય છે જેઓ એ સારો એવો ખર્ચો કરીને એમબીએની પદવી તો મેળવી છે, પણ તેનો કોઇ જ મહત્વનો ફાયદો નથી ઉઠાવી શકયાં; પોતાના હાથે આખાં ઘરનાં રંગરોગાન કરી કાઢ્યાં, કારણકે તેઓ તેમ કરી શકે છે તેમ બતાડી આપવું હતું.
આપણે હવે આપણા મૂળ , મુદ્દાના, સવાલ પર આવીએ –
હવે શું શીખવું તે શી રીતે નક્કી કરવું? 


હવે પછી, આ લેખમાં આપણે આ સવાલના જવાબ શોધવાના વિકલ્પો અને તેને લગતી કેટલીક હાથવગી મદદગાર માહિતીઓ જોઇશું.
સહુથી પહેલાં તો મુદ્દાની વાત કરીએ. શીખવું એટલે કોઇ બાબતે પારંગત થવા માટે સભાન પ્રયાસ માત્ર જ નહીં. આપણે આપણાં રોજબરોજનાં કામોમાંથી કંઇક ને કંઇક શીખતાં જ રહેતાં હોઇએ છીએ. એટલે કે "શીખવુ" એ આપણા સભાન પ્રયાસો અને આપણાં રોજબરોજનાં દ્વારા મળતી શીખ.
"શીખવું" એ આપણી અત્યારની આવડત અને ભવિષ્યની "સુસંગત" ક્ષમતાના માટેની મહત્તમ લાભની પરિસ્થિતિની સમતોલ જાળવણી છે. 
વૈન ગ્રેત્ઝ્કી સાચું જ કહે છે કે હૉકીની રમતમાં આપણે દડો ક્યાં છે તે બાજૂ નહીં, પણ ગૉલ કઇ  તરફ કરવાનો છે તે તરફ નજર રાખવાની છે. અને આ વાત માત્ર કોઇ પણ રમતને જ નહીં, પણ આપણી કારકીર્દીમાટે પણ એટલી જ મહત્વની છે.
સામાન્ય રીતે તો, આપણી આવડતો એટલી તો હોવી જ જોઇએ કે, ઉપલબ્ધ બધા જ વિકલ્પોમાં પણ, હાથ થોડો વધારે લાંબો કરવા માત્રથી જ ધારેલાં પરિણામો, અપેક્ષિત સમયમાં, પાર પાડી શકાય. થોડો વધારે લાંબો હાથ કરવાનો હિસાબ એટલા સારૂ રાખવો જોઇએ કે ખરો વિકાસ એ સ્થિતિમાં જ થતો હોય છે.બીજા શબ્દોમાં કહીએ તો આપણાં લક્ષ દરેક સમયે આપણી પહોંચથી એક બે સ્તરે દુર પરવડતાં હોવાં જોઇએ. બીજું કારણ એ પણ છે કે જો દરેક વખતે કામ સહેલાઇથી જ પાર પડતાં રહેશે, તો થોડા સમય પછી જીવનમાં નીરસતા પેસી જશે. મોટા ભાગે, લોકો અહીં સુધી તો સારી રીતે પહોંચી જતાં હોય છે.
"કામ કરતાં કરતાં શીખવા" વિશે બીજો મુદ્દો એ છે કે તેમ કરતાં ભવિષ્યમાં બહુ જ મોટાં કે મહત્વનાં કાર્ય સિધ્ધ કરી શકવાની આપણી ક્ષમતા વિકસવી જોઇએ. આ થોડું મુશ્કેલ કહી શકાય, કારણકે ભવિષ્યના એ મહત્વનાં કાર્ય, કે લક્ષ્ય, માટે કેવી આવડત અને કૌશલ્ય જોઇશે તેને સમજવા માટે ખાસ્સું ગહન આંતર્‍દર્શન અને વિચારમંથનની જરૂર રહે છે. આના માટે થોડાં ઘણાં જોખમો પણ ઉઠાવવાં પડે, કારણકે અનાગતમાં શું હશે જ તે સાવે સાવ નિશ્ચિતપણે પારખી શકીએ એવા પ્રખર "ભવિષ્યવેતા"  આપણે ન જ હોઇએ. ભવિષ્ય ભાખી ન શકાય, તો તેના વિકલ્પે જરૂરથી વધારે આવડતોને ભાથામાં જરૂર બાંધી શકાય.જો આમાં આપણે ઊણા પડ્યાં તો આપણી સ્થિતિ હેમિંગ્વેની પ્રશિષ્ટ કૃતિ The Sun Also Risesના મુખ્ય પાત્ર માઇક કૅમ્પબેલે વર્ણવેલ  "Gradually.. Then Suddenly / (ધીમેથી.. અચાનક)" માંના  આશ્ચર્યનો સામનો કરવા જેવી થઇ રહેશે. [અનુવાદકની નોંધઃ"Gradually ... then suddenly" /ધીમેથી..અચાનક" એટલે લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનું ચપટી વગાડતાં નિરાકરણ શોધવાની વૃત્તિ.. 'The Sun Also Rises' નવલકથા પરથી, ૧૯૫૭માં એ જ નામની ફિલ્મ પણ બનાવવામાં આવી છે.]
કેટલાંક સદાબહાર કૌશલ્યો
પરિવર્તન તો શ્વાસ અધ્ધર થઇ જાય એ ઝડપે થઇ રહ્યાં છે, પરંતુ, કેટલાંક મૂળભૂત કૌશલ્યો સર્વસામાન્ય કહી શકાય એવાં છે. તેમાં કરેલાં રોકાણ કદી પણ નકામાં જવાની શક્યતા નથી. તે પૈકી કેટલાંક અહીં નોંધેલ છે:
(એ દરેકની વિસ્તૃત સમજુતી આ લેખના વ્યાપમાં આવરી શકાય તેમ નથી. તેને લગતા સ્ત્રોતની કડીઓ સાથે દર્શાવેલ છે.)
-       
- અર્થપૂર્ણ સંબંધો કેમ બાંધવા અને નિભાવવા (Download Lasting Relationships eBook)

- મહત્વની વાત કરવાની કળા (Read: How to weave a story around your startup)

- પોતાની આગવી છાપ કેમ ઊભી કરવી (Download Personal Branding for Technology Professionals)

- પ્રભાવશાળી વૃતાંતનું ઘડતર અને રજૂઆત (Read: How to CRAFT a conversation that moves the needle)

- પોતાની વિશિષ્ટતા શી રીતે કેળવવી (Download: 25 Ways to Distinguish Yourself)

- કદી પૂરી ન પડે તે - સર્જનાત્મકતા (e.g.: How to design business cards that make you think)

- બીન-સાહિત્ય પુસ્તકનું વાંચન અસરકારકપણે કેમ માણશું (blog post)

- અહંને ઊંબરે જ કેમ કરી રોકી રાખવો (Take the 3-minute Ego Test)

- બીજા અંક માટેની સજ્જતા (blog post )

- સવિનય અસહમતિની કળા (blog post)

- પોતાનાં સબળ પાસાં પારખવા અને નિખારવાની કળા (Read: 7 Ways to Identify Your Strengths)

- લાભાલાભના ગુણાકારના પાયાના સિધ્ધાંતો (Course: The Art of Leverage – Request an invitation)

- પસંદગીપાત્રતા (A chapter in Beyond Code – free download)
આવાં ઘણાં બીજાં કૌશલ્યો આ યાદીમાં ઉમેરી શકાય. આ પ્રકારનાં કૌશલ્ય કોઇ શાળા કે કોલેજ્માં તો શીખવાડાતાં નથી, તેથી આપણું કામ જ આપણને શીખવાડતું રહે છે. અથવા તો ક્યાં પછી, આપણે સભાન પણે જે કોઇ કૌશલ્યોની જરૂરીયાત પારખી અને તેમાં પ્રાવીણ્ય મેળવવા, નિશ્ચિત પ્રયાસો કરીને તે શીખતાં રહેવું પડે.
યોગ્ય કોષ્ટક બનાવીને પ્રગતિની સમયાંતરે સમાલોચના
માપ પરિમાણો તો ઘણાં હોઇ શકે (આર્થિક પરિમાણો તેમાં સિંહફાળો ધરાવે છે!), આપણે તેમાં ગુંચવાઇ પણ જઇએ. પણ આપણાં 'ભણતર'માં 'ગણતર'નું પ્રમાણ સારૂં હશે, તો આપણે ખરેખર કામની વાત બાબતે જ શીખી રહ્યાં છીએ એવી એક વાત તો તરત જ ધ્યાન પર આવી જતી હોય છે :
એ જ, કે તેથી વધુ સારાં, પરિણામો મેળવા માટે (અને વધુ યોગદાન આપવા માટે), ગત વર્ષ કરતાં, ઓછી મહેનત (કે સમય કે ખર્ચ) થાય.
નીચે જણાવેલ માપ-પરિમાણ આસપાસનાં પરિવર્તનોની અસર પણ બતાવતું રહે છે. તેજ રીતે, આ પરિમાણ, ઉમરની સાથે  વધારે પુખ્ત થતું રહે છે. મજાની વાત તો એ છે કે - આનાથી વિપરીત પણ સાચું છે. જો આપણે યોગ્ય વિષયો વિશે નહીં શીખતાં હોઇએ, તો  દેખાશે કે
એ જ, કે તેથી વધુ સારાં, પરિણામો મેળવા માટે (અને વધુ યોગદાન આપવા માટે), ગત વર્ષ કરતાં, વધારે  મહેનત (કે સમય કે ખર્ચ) થાય.
આ બધો હિસાબ છે બહુ જ અંગત, એટલે માત્ર આપણે જાતે જ આ હિસાબની દેખરેખ અને વિશ્લેષણ કરતાં રહેવું પડે.
જરા પણ સમય બગાડ્યા સિવાય, સાચા રાહબરની સંગત કરીએ 
તાજેતરના એક રેડિયો વાર્તાલાપના અંતમાં શ્રીની સરીપલ્લીએ મને એક સવાલ કર્યો હતો - જો તમારે જીંદગી ફરીથી જીવવાની આવે, તો શું શું બદલીને જીવવા માગશો?" મારો જવાબ તો સીધો સાદો જ હતો, "ખાસ કંઇ જ નહીં. મારી અત્યાર સુધીની જીંદગીથી હું, એકંદરે, સંતુષ્ટ છું. પણ જો કોઇ એક બદલાવ કરવો જ હોય, તો મારે મારા માર્ગદર્શકો થોડાં વર્ષ પહેલેથી મળે એમ કરવું છે."
મારાં જીવનનાં ઘડતરમાં બહુ જ મહત્વનો ફાળો આપનાર  એ અદ્‍ભૂત રાહબર લોકોની મને બહુ જ ખોટ સાલે છે.સાચું પૂછો તો, એ ખોટ તો મને ભૂતકાળમાં પણ વર્તાતી જ હતી.
[સંલગ્ન વાંચન: Creating the ultimate lasting impression]
યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શકના મળવાથી જીવન પર જાદુઇ અસર થવાનું શક્ય બની રહે છે. એ માર્ગદર્શકોસાથે થતી વાતચીતમાંથી પણ આપણને હવે પછી શું શીખવું તે નક્કી કરવાના રસ્તા મળી આવતા રહે છે. 
જો રાહબરની સંગતનાં કારણોની તલાશ કરવી હોય, તો દસ કારણો તો અહીં જ જોવા મળશે.
જ્યારે "કામ" ન કરતાં હોઇએ ત્યારે પણ શીખવાનું ચાલુ રાખીએ
અહીં આપણા માનસીક દ્રષ્ટિકોણ અને આપણાં કૌશલ્યોનું સંયોજન કરવાની વાત છે.જો આપણે યોગ્ય કૌશલ્ય, તેમ જ દ્રષ્ટિકોણ, વિકસાવામાં  રોકાણ કરતાં હશું, તો તો "કામ" પર નહીં હોઇએ તો પણ આપણી શીખવાની પ્રક્રિયા ચાલુ જ રહેશે, અને તેના લાભ મેળવવા  બહુ રાહ પણ નહીં જોવી પડે. હવે દુનિયાની નજરે આપણે "કામે" લાગેલાં દેખાશું , પણ આપણા માટે તો એ એક માત્ર ખેલ  બની રહેલ છે. જેવું આપણે તેના વિશે સભાન થવાનું છોડીને,"કામ"ને આપણી ચાહત બનાવી દીધી, ત્યારથી શીખવાની પ્રક્રિયા પ્રબુધ્ધ્પણે ચાલુ જ છે.
બંને વાત મહત્વની છે :
૧ : કામ કરતા રહેવું (એટલે કે અર્થપૂર્ણ પરિણામો સિધ્ધ કરતાં રહેવું)
૨ : "કામ" વગર જ શીખતા રહેવું (કામ માટે એટલો લગાવ થવો કે સમયનો અહેસાસ જ ન રહે)
જો પહેલો ભાગ ખુટતો હશે,તો આપણે કામ અને કામના આનંદવચ્ચેનો ફરક નથી પાડી શક્યાં એમ માની શકાય.
ખરો પડકાર તો ભવિષ્યના 'પ્રવાહ'ને પારખીને તેની સાથે વહેતા રહેવામાં છે. જો આપણા આત્મવિશ્વાસ પર વિશ્વાસ મુકવા જેટલો આત્મવિશ્વાસ આપણામાં હશે, તો તે આંતર્‍કોઠાસૂઝ જ આપણને જરૂરી કૌશલ્યો ખોળી આપશે.
આદર્શ મેળવણી
કેટલાંક કૌશલ્યોનાં જોડાણોના સમુહ એવા હોય છે કે જેની મેળવણી ટુંકા ગાળામાં સારાં પરિણામો પણ આપે અને લાંબા ગાળાની (અનુચિત?!) સ્પર્ધાત્મક સરસાઇ પણ બનાવી રાખવામાં પણ આડો આંક વાળી દે.
જેમ કે - આ વર્ગીકરણમાં સદાય રહે તેવી એક આવડત છે:  રજૂઆત કરવાનું કૌશલ્ય. જો એ હસ્તગત કરીએ તો આપણાં હાથ પરનાં કામોની પ્રભાવશાળી રજૂઆતવડે અરધી લડાઇ તો જીતાઇ જ જાય. આ હુન્નરને એક કળાને સ્તરે લઇ જવામાં વર્ષો પણ લાગી શકે છે, એટલે તેનાથી મળતી સ્પર્ધાત્મક સરસાઇ, એ "ભાવિ ક્ષમતા'નો (અનુચિત?!) લાભ પણ નીવડશે. બીજાં કોઇએ આ કળામાં આપણી સાથે હરીફાઇ કરવા વર્ષોના અભ્યાસની તપસ્યા કરવી પડે. રાતોરાત આ કળામાં માહેર તો કોઇ પણ નથી જ થઇ શકવાનું. એટલે જેટલી વહેલી આપણે શરૂઆત કરીશું, તેટલો વધારે લાભ આપણી તરફેણમા.
આપણે બહેતર થયા ખરા?
અને છેલ્લે, એક આખરી સવાલ - આ કૌશલ્ય મેળવવાથી આપણે બહેતર થયા - માત્ર પોતાની જાત માટે જ નહીં, પણ આપણાં કુટુંબ, આસપાસના સમાજ માટે પણ? આપણા અંતરાત્માની લીટમસ કસોટી પર જવાબ ખરો ઉતરતો જણાય, તો પછી બેધડક આગળ વધીએ!
·        અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   જુલાઇ ૧૮, ૨૦૧૩