રવિવાર, 14 જુલાઈ, 2013

માનવ વસાહતોના દેવ - દેવદત્ત પટ્ટનાઇક


મનુષ્ય વસાહત બનાવતો નથી; માનવ જરૂરીયાતની પૂર્તિમાટે, તેના દ્વારા થતી શોધખોળ અને નવસર્જન વડે, વસાહતો સ્વૈચ્છિકપણે જ બની જતી હોય છે.
પ્રાણીઓ વસાહતો નથી બનાવતાં. હા, મધમાખીઓના મધપૂડા કે કીડીઓના રાફડા જરૂર હોય છે, પણ એ તો તેમની અનૈચ્છિક સહજવૃત્તિની નીપજ છે. મનુષ્ય વસાહત બનાવતો નથી; માનવ જરૂરીયાતની પૂર્તિમાટે, તેના દ્વારા થતાં શોધખોળ અને નવસર્જન વડે, વસાહતો સ્વૈચ્છિકપણે જ બની જતી હોય છે.
શિકારીઓ અને એકજૂથમાં રહેતા સમુદાયોની વસાહતો સાદી હોય છે - ગુફાઓ કે તંબુઓનો એક સમુહ હોય, જેમાં અગ્નિમાટે એક કેન્દ્ર્સ્થ જગ્યાનું પ્રાધાન્ય હોય છે. આમ તો માનવીય વસાહતોની શરૂઆત જ ત્યારથી થઇ, જ્યારે માનવીને પોતાની અગ્નિ પરનાં નિયંત્રણની શક્તિનો, અને તેના દ્વારા વનસ્પતિને બાળવી,પ્રાણીઓને ડરાવી શકવું, ભાત ભાતનાં સાધનો બનાવી શકવાં જેવા કુદરત પરના પ્રભાવનો, પરિચય થયો. દરરોજ રાત્રે, માનવીઓ અગ્નિની આસપાસ એકઠાં થઇ હુંફ અને સલામતી અનુભવતાં થયાં.   આ તેમનું પહેલું ઘર, અને પહેલી યજ્ઞશાળા હતાં.
પશુપાલન કરતા વિચરતા સમુદાયો એવાં હરતાં ફરતાં ધર બાંધતાં જે રાતવાસા સમયે ઊભું કરી લઇ શકાય. જ્યારે ખેતી પર નિર્વાહ કરતા સમુદાયોએ, તેમનાં ખેતરોની નજદીક, પ્રમાણમાં કાયમી, નિવાસસ્થાનો બનાવ્યાં. પરંતુ આ હજુ ગામડાંઓ હતાં, શહેરો હજૂ વિકસ્યાં નહોતાં.
વૈદિક સંસ્કૃતિનાં મૂળમાં યજ્ઞનો રિવાજ છે, જે ખુદ ચલ છે.તેને કોઇ સ્થાયી, નિશ્વિત જગ્યા નથી જોઇતી. તેથી હંમેશાં ભમતી રહેતી હતી એવી વિચરતી જાતિઓની એ પ્રથા હોવાનું માની શકાય. આ શહેરી સંસ્કૃતિની પ્રથા નથી જણાતી, જો કે વેદમાં 'પુર'નો ઉલ્લેખ જરૂર જોવા મળે છે, જેનો અર્થ કિલ્લો અથવા નગર થાય છે. તેનો હેતુ પ્રાણી ને સંધરવાના વાડાનો હતો કે અનાજ સંધરવાના ભંડારનો ?
આજથી ચાર હજાર વર્ષ પૂર્વનાં સિંધુ / સરસ્વતી નદી પર વસેલાં નગરો વિષે પણ આપણે જાણીએ છીએ.તેની રચનાઓમાં ઘરની આગળના રસ્તાઓની નીચે બીછાવાયેલ ગટરો જેવાં નગર આયોજન પણ દેખાય છે. જ્યારે ૨૧મી સદીનાં ગુડગાંવમાં એવાં કેટલાં ય ટાવર્સ છે જ્યાં આવી કેટલીય પ્રાથમિક સુવિધાઓ સામે દુર્લક્ષ સેવાયાનું કહેવાય છે. આવાં આયોજિત શહેરની રચના કોઇ એક કેન્દ્રસ્થ સત્તાનાં હોવા તરફ પણ નિર્દેશ કરે છે, જે આયોજન પણ કરે છે અને તેનું પધ્ધતિસરનું અમલીકરણ પણ કરે છે.  તેનાથી એવું પણ ફલિત થાય છે કે લોકો હવે કોઇ એક નિશ્ચિત જગ્યાએ રહેવા લાગ્યાં હતાં. લગભગ ૫૦૦ વર્ષ સુધી ટકી રહ્યા બાદ, વાતાવરણના ફેરફારોની સામે આ નગરો કદાચ ટકી ન શક્યા, જેથી લોકો પાછાં ગામડાં તરફ વળ્યાં. આ પ્રકારનો યાયાવરી અભિગમ ભારતના સમગ્ર ઇતિહાસ કાળ દરમ્યાન જોવા મળે છે.
રામાયણ અને મહાભારતમાં પણ કુબેર દ્વારા નિર્મિત લંકા અને એક અસૂર સ્થપતિ, માયા વડે આયોજિત , પાંડવો દ્વારા રચાયેલ, હસ્તિનાપુર જેવાં નગરોની વાત જોવા મળે છેઃ . પુરાણોમાં દેવોની નગરી અમરાવતી, નાગની નગરી ભોગવતી,યક્ષની નગરી અલકાપુરી અને અસૂરોની નગરી હિરણ્યપુરની વાત પણ જોવા મળે છે. આ બધાં શહેરો શા કારણે ઊભાં થયાં હશે? અ નગરોમાં એવું તે શું છે ગામડાંઓમાં નહોતું/ નથી?
એક જ જવાબ નજરે ચડે છે - બજાર.નગરમાં ખેડુતો, પશુપાલન કરનારા , કારીગરો એકઠા થઇ , એકબીજાની પેદાશોનો, સીધે સીધો, કે વેપારીઓ દ્વારા, વિક્રય કરી શકે છે.
પરંતુ, ભારતમાં બજાર માટે નગરોની જરૂર નથી જણાતી. ગાયો, ઘોડા, ઊંટ કે હાથીઓ જેવાં પ્રાણી વેંચવા સુધ્ધાના મેળાઓ ભરાય છે. કુંભ મેળો એ એક એવાં ચલ નગર બજારનું ઉદાહરણ છે જે દર બાર વર્ષે ભરાય છે અને વીખરાઇ જાય છે. આ બધાં સ્વયંસંપૂર્ણ વ્યવ્સ્થાવાળાં બજારો છે, જેમને નગરના આધારની જરૂર નથી, તો પછી નગરો કેમ બન્યાં?
નગરોને બે ભાગમાં વહેંચી શકાય - ગામડાંઓનો લાભ લેતાં અને ગાંડાંઓને ટેકો કરતાં. પહેલો વર્ગ એવી સામંતશાહી વ્યવસ્થા છે જેમાં ગામડાંની મહેનતથી પેદા થતી સમૃધ્ધિ રાજાઓ /જમીનદારોની સુખસાહ્યબી અને વૈભવ કાજે ખર્ચાઇ જાય છે.જ્યારે બીજો પ્રકાર મંદિર-નગરોનો કહી શકાય  જ્યાં મંદિરનાં અસ્તિત્વની આસપાસ નગરની પર્યાવર્ણીય વ્યવસ્થામાં ત્યાં વસતાં સમુદાયો એકબીજાનાં સંસાધનો અને પેદાશોની સમભાવે વહેંચણી કરે છે, કોઇ પણ એક પક્ષ બીજા પર આધિપત્ય જમાવતો નથી. ભારતમાં તાંજોર કે પુરી જેવાં આ બીજા પ્રકારનાં નગરોનો દેવનગરીઓનાં સ્વરૂપે બહોળા પ્રમાણમાં વિકાસ થયેલો જોવા મળે છે.
*      સનડે, મિડડેની 'દેવલોક' પૂર્તિમાં એપ્રિલ ૧૪, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   જુલાઇ ૧૪, ૨૦૧૩