મંગળવાર, 30 જુલાઈ, 2013

અયોધ્યામાં શ્વાન રૂદન - દેવદત્ત પટ્ટનાઇક

એનું શું રહસ્ય છે?
આ કથા વાલ્મિકિ દ્વારા રચાયેલાં ગણાતાં, ૧૫મી સદીમાં સંસ્કૃતમાં લખાયેલ, આનન્દ રામાયણમાં જોવા મળે છે.રામના રાજ્યાભિષેક પછી લાંબા સમયે, જ્યારે દુન્યવી ગતિવિધિઓ સુપેરે ચાલતી થઇ ગઇ હતી, તે સમયની આ વાત છે. એક કુતરો રોતો રોતો રામ પાસે આવ્યો. તેને પુજારીએ માર્યું હતું , કારણકે તેણે પુજારીના ભોજન થાળમાં મો નાખ્યું હતું. રામે પુજારીને દોષી ઠરાવ્યા. પુજારીને કોઇ ખાસ સજા કરવી છે કે કેમ તેમ તેમણે તે કુતરાને પૂછ્યું. "એને મંદિરનો વડો બનાવી દો." રામે તરત જ સ્વીકારી લીધું.

બધાંને આ થોડું વિચિત્ર લાગ્યું. પુજારી કૂતરાનો દોષી હતો, તેને સજા કરવાને બદલે મંદિરના વડા તરીકેની બઢતી મળી. એનું રહસ્ય શું હતું?

કૂતરાએ સમજાવ્યું: " હું પણ એક સમયે મંદિરનો વડો હતો. જ્યારે તમે આગેવાન સ્થાન પામો છો, ત્યારે તમારામાં સત્તાવાહીપણું દાખલ થઇ જાય છે, કારણકે બધાં તમારૂં કહ્યું માનવા લાગે છે, તમારો શબ્દ એ જ કાયદો બની જાય છે.પછી તેમાંથી દુરાચાર દાખલ થાય છે. એટલે તમે વાત વાતમાં મુર્ખામીઓ કરવા લાગી જાઓ છો. તમારાં મૃત્યુ બાદ, તમને કૂતરાનો અવતાર મળે છે. જે પુજારીએ મને માર્યો છે, તે પણ મારા જેવું જ કષ્ટ ભોગવે તેમ મારી ઈચ્છા છે. એટલે મેં તેમના માટે સત્તાનું સ્થાન માગ્યું, કે જેથી તે ભ્રષ્ટાચારી બને."

આપણે પુનર્જન્મમાં માનતાં હોઇએ કે ન માનતાં હોઇએ, પણ સત્તા ભ્રષ્ટ કરે છે એટલું તો સ્વીકારીએ જ છીએ. સત્તાની વાત આવે એટલે આપણી સમક્ષ રાજકારણી કે પોલીસનું ચિત્ર ખડું થઇ જાય.પણ રાજકીય કે શાસકીય સત્તા એ જ માત્ર સત્તાનાં પદસ્થાનો નથી. ક્રિકેટ ના જ ખેલાડીઓ કે ખેલશાસકોનાં જ ઉદાહરણો જૂઓ ને! ખખડી ગયેલ બુઢ્ઢાંઓ સત્તાને વળગી રહ્યાં છે અને લોકભોગ્ય આનંદ અને મનોરંજનના એક ખેલને રહસ્યના આટાપાટાઓની ગંદી રમતમાં ફેરવી નાખી છે. બૉલીવુડમાં કાલ સુધી સહમી સહમી રહેતી તારિકાઓ , જેવી થોડી સફળતા ચાખે છે એટલે ભાત ભાતનાં નખરાંઓ કરતી થઇ જાય છે. શોહરતની સીડી પર જેવા કદમ પડે એટલે નમ્ર, સભ્ય ગણાતો હીરો આસમાનના તારા માંગતો થઇ જાય છે! કૉર્પોરેટ વિશ્વમાં મુખ્ય સંચાલકો, એક તરફ અધિવેશનો અને સમારંભોમાં મેનેજમેન્ટ મંત્રોના જાપ જપે, અને બીજી તરફ, પોતાની કંપનીઓના રજવાડામાં રાજામહારાજાને પણ શરમાવે તેવી જીવનશૈલી આલાપતા જોવા મળે છે.

સામાન્ય, સરળ માણસ દુરાચારી કેમ બની જાય છે? એ સવાલનો જવાબ શોધવો તો જોઇએ. ટેલીવિઝન સિરીયલો એ જેમને બહુ હવા આપી છે તેવા અસમાજીક તત્વો કે મનોરોગીષ્ઠોમાં હોય એવી કોઇ જન્મજાત ખામી છે? બાલ્યાવસ્થામાં પ્રેમ અને સંભાળ વિનાના ઉછેરનું પરિણામ છે? બહુ વધારે પડતી , કે પછી બહુ જ ઓછી, ધનદોલતની અસર છે? સફળતાને પચાવી શકવાની આપણી અસફળતા છે?અચાનક જ આખી દુનિયા મારી આંગળીને ટેરવે છે તેવી "હું સર્વસ્વ છું' ગ્રંથિ છે? કે પછી જે દુનિયા તેમને નગણ્ય ગણીને કાયમ ધુત્કારતી જ રહી છે તેની સામેનો શેતાની આક્રોશ છે?

ભ્રષ્ટાચારનાં હાર્દમાં ઊંડી એકલતા, શોષણ થતાં રહેવાની અને પ્રેમના અભાવની ભાવના છે. પરિણામે, દુનિયા આપણને કંઇ નુકસાન કરે તેપહેલાં તેને નુકસાન કરવાનો, કે દુનિયા આપણું શોષણ કરે તે પહેલાં તેનું શોષણ કરવાનો, બદલો લેવાની દાનતથી વળતા પ્રહાર કરવા મડી પડીએ છીએ. આપણને સલામતી અનુભવવી છે. એટલે આપણાં વાસણોને અજીઠાં કરતાં કૂતરાંઓને આપણે મારી બેસીએ છીએ. રાજકારણના દાવપેચ થી માંડીને જે કંઇ કરી શકાય તે બધું જ કરી છૂટીને, આપણને મંદિરના વડા બનવું છે. કુદરતે સ્વાભાવિક્પણે આપેલ અઢળક સૌંદર્ય અને સમૃધ્ધિને નિરાંત જીવે બેસીને માણવાની આપણી નિયતી નથી જણાતી.
*      સનડે, મિડડેની 'દેવલોક' પૂર્તિમાં જૂન ૧૬, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ.
v  અસલ અંગ્રેજી લેખ, When a dog wept in Ayodhyaલેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુલાઇ ૦૧, ૨૦૧૩ના રોજ Indian Mythology, Leadership, Ramayana, ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   જુલાઇ ૩૦, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો