શનિવાર, 3 ઑગસ્ટ, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ત્રીજો - ગુચ્છ ૩

| માર્ચ ૧૫, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
છેલ્લાં ચાર અઠવાડીઆમાં ત્રણ વાર આમ બન્યું. કદાચ સાવ સંજોગવશાત તેમ થયું હોય, કે પછી તેની પાછળ કોઇ ખાસ પરીબળ હશે.એટલે તેના વિશે લખવું તો જરૂર જોઇએ એમ મને લાગ્યું.
ગયાં ચાર અઠવાડીયામાં મારે ત્રણ ઉદ્યોગ સાહસિકોને મળવાનું થયું. ત્રણેય પાસે વિચારો તો અલગ અલગ હતા, પણ કેટલીક વાતો બધામાં સામાન્યપણે જોવા મળતી હતી:
કોઇએ પણ પહેલાં આથી કોઇ કંપની ચલાવી નહોતી.
દરેક પોતાનાં નવાં સાહસ માટે રોકાણ માટે નાણાં ઉભાં કરવાનાં હતાં.
નાણાં ઉભા કરવાના પ્રયાસમાં, છેલ્લા છ મહિનાથી ત્રણેય કાર્યરત હતાં અને એકેય ને હજૂ સુધી તેમાં સફળતા નહોતી મળી.
દરેકને બહુ બધાં નાણાં-સહાય રોકાણકારો સાથે મુલાકાતો થઇ ગઇ હતી; કેટલાંક ને તો કોઇ એક  સાથે એકથી વધારે બેઠકો પણ થઇ ચૂકી હતી.
દરેકને એમ હતું કે રોકાણકારોને તેમનો વિચાર "પસંદ" તો પડ્યો છે, પણ હજૂ નાણાં સહાયની કોઇ નક્કર દરખાસ્ત મળી નથી.
આજે આપણે ઉપર કહેલા છેલ્લા મુદ્દાની ચર્ચા કરીશું. એક ઉભરતા ઉદ્યોગ સાહસિક તરીકે જો તમે જો તમે ખરેખર નિષ્ઠા ધરાવતાં હશો, તો રોકાણકાર સાથે "સારી (ફળદાયક)" મુલાકાત થવાની તકો ઘણી ઉજળી જ રહેવાની. રોકાણકારને જો તમારામાં ઉદ્યોગ સાહસિક તરીકે કંઇક કૌવત દેખાશે, તો સામાન્ય રીતે તમારા પ્રસ્તવાને "નહી જામે" એમ તો નહીં જ કહી દે. જો તમે આ પસ્તાવમાં કોઇ નક્કરપ્રગતિ કરો, તો નકારાત્મક વિધાન ન કરીને,   રોકાણકાર ભવિષયમાં તે બાબતે આગળ વધી શકવા માટેના તેમના દરવાજા ખુલ્લા રાખવાનું પસંદ કરશે. એટલે રોકાણકારે તમારા પ્રસ્તાવમાટે બારણાં બંધ નથી કર્યાં એટલા સારુ કરીને આપણા પ્રસ્તાવને "સારો" માનવું તે તો કદાચ ભુલભરેલું કહી શકાય  
જરા વિચાર કરી જોજો. સામાન્ય રીતે, આપણા નવા વિચાર માટે આપણે કોની સાથે વાત કરતાં હોઇએ છીએ? જેમને આપણે ઓળખતાં હોઇએ છીએ તેમને. તેઓ તો વિચારને 'બહુ સારો' કહે તેવી શક્યતાઓ વધારે કહી શકાય.આમ આપણને ઢગલાબંધ સકારાત્મક પ્રતિભાવ મળતો હોય તેમ જણાય. પણ જરા વધારે વિચારતાં જણાશે કે આમ થવું તો કદાચ અપેક્ષિત હતું. આપણને ઓળખતાં લોકોને આપણી ટીકા  કરવામાં રસ ન હોય તે તો સ્વાભાવિક છે. જો તેમની પાસે પૂરતો સમય હશે, તો તેઓ વિગતે ચર્ચા કરે, અને એમ કરીને આપણા વિચારની પાત્રતા વિષે આપણને સમજ પડી જાય તેમ કરે ખરાં. જો કે બહુધા પ્રમાણમાં, એવું નથી બનતું, મોટે ભાગે તો 'સારો વિચાર છે' વધારે વાર સાંભળવા મળશે. 
એટલે, આપણી પાસે થોડોક પણ સારો પ્રસ્તાવ હશે, તો સકારાત્મક પ્રતિભાવોનો ઢગલો થવાની શક્યતાઓ ઘણી રહે છે - આપણને તેમાં ડુબાડી દે એમ પણ બને. એ સકરાત્મકતાના પ્રવાહમાં તણાઇ ન જવામાં જ ખરી ખૂબી છે. ખરી જરૂર તો છે આપણા પ્રસ્તાવના ચિંથરાં ઉડાડી અને તેમાંની ખામીઓ બતાવવાની. એમ થવાથી સમય અને નાણાંની બરબાદીને ટાળી શકાશે.
આવું કેમ બનતું હોય છે?
૧. મુખ્ય કારણ તો એ કે જ્યારે આપણી પાસે 'ઘણો સરસ" વિચાર હોય છે, ત્યારે તે ખરેખર 'બહુ સારો' વિચાર છે એવું બીજાંનું પ્રમાણપત્ર આપણે શોધતાં હોઇએ છીએ. અને આપણે જેની શોધ કરતાં હોઇએ, તે જ આપણને મળે.
૨. તમારાં નજદીકનાં ઓળખીતાં લોકોને ખરાબ પ્રસ્તાવને ખરાબ કહેવા માટે કોઇ કારણ નથી હોતું. વળી તેઓ તમને નારાજ કરવા પણ ન માંગતાં હોય.
૩. જો સંદેશો આપણને અનુકુળ લાગે તેવો ન હોય, તો આપણે સંદેશવાહકને દોષી ઠરાવી દેતાં હોઇએ છીએ. અને જો એમ જ  હોય, તો તો આપણા ખરાબ પ્રસ્તાવને ખરાબ ન કહેવા માટે આપણાં નજદીકનાં લોકોને કારણ પણ આપણે જ આપીએ છીએ.
૪. આપણે આપણા પ્રસ્તાવના "સારા"પણાં પર એટલાં મુસ્તાક હોઇએ કે કોઇ ઘસાતો અભિપ્રાય જાણવા મળે તો તે આપણે ન પણ 'સંભળાય'.
૫. એ પ્રસ્તાવ પર આપણે એટલાં આગળ વધી ચૂક્યાં હોઇએ કે હવે તો આપણા પ્રયત્નોને બરકરાર કરે તેવી જ વ્યક્તિની આપણને શોધ હોય.
આનાથી કંઇ અલગ કરી શાકય ખરૂં?
 કેટલાક વિકલ્પો જોઇએ:
૧. એ વિચારથી થોડું અળગાપણું કેળવીએ. આપણો પ્રસ્તાવ એ ખુદ આપણે નથી. વિચારો તો આવશે અને જશે, આપણે તો એકમેવ એક જ રહીશું.
૨. જ્યાર એ કોઇ અસહમત થાય,ત્યારે વિચારના બચાવમાં લાગી પડવાને બદલે, સામેની વ્યક્તિનો દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કરીએ.જો તેની સહમતિ જ જોઇતી હતી, તો તેમને વાત કરવાની જ શી જરૂર હતી!
૩. અલગ દ્રષ્ટિકોણ કેળવવાની ટેવ પાડીએ. દા.ત.'મેં આ વિચારની યથાર્થતા ચકાસવા ઘણું વિચાર્યું તો છે. પરંતુ મારે તેમાંની ખામીઓ શોધી શકે એવી તીખી નજરની જરૂર છે. તમે મને એમાં મદદ કરશો?'
૪. કોઇનો પ્રતિસાદ માગવો અને પોતાના નિર્ણયને સાચો ઠરાવવા ખાતર કોઇને પૂછવું એ બે અલગ બાબતો છે. જો ખરેખર પ્રતિસાદ જ જોઇતો હોય,  તો પછી જે કંઇ મળે તેને સ્વીકારવાની , સાચા અર્થમાં, પૂરી તૈયારી હોવી જોઇએ.
૫. થોડું ખમી ખાઓ. આ કંઇ તમને આવેલો અંતિમ વિચાર નથી. આંકડાઓની દ્રષ્ટિએ, બહુ થોડા વિચારો જ 'સારા' હોય છે, અને તેમાંના બહુ થોડા જ 'સફળ' થતા હોય છે. એટલે નબળા વિચારને બાજૂએ કરવાથી , નવા 'સારા" અને 'સફળ' વિચારને આવવા માટે આપણે જગ્યા બનાવતાં હોઇએ તેમ પણ બની શકે.
નોંધ: આ શ્રેણીમાં આવા અન્ય લેખ, અને તેના ગુજરાતી અનુવાદ, વાંચવા માટે, અનુક્રમે Squidoo Lens: Distinguish Yourself ની અને આગવી પ્રતિભા/ Distinguish yourself  ની મુલાકાત લેજો.

| માર્ચ ૨૦, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
માની લો કે તમે કોઇએ એક મનોહર જગ્યાએ, તમારાં કુટુંબ સાથે પર્યટન માટે આવ્યાં છો. સવાર બહુ જ ખુશનુમા છે. બાળકોએ તો આવતાં વેંત જ ધીંગામસ્તીની શરૂઆત કરી દેવાનાં એંધાંણ આપી દીધાં છે. અને ત્યારે જ તમને ખ્યાલ આવે છે કે કેમેરા સાથે લાવવાનું તો ભૂલાઇ જ ગયું. તમારાં જીવનસાથી નારાજ તો છે, પણ તેમની પાસે એક સરળ ઉપાય પણ છે – એક જ વાર વાપરી શકાય એવો કેમેરા ખરીદી લઇએ. થોડું મોંધું તો પડશે, પણ પર્યટનની મજા અધુરી અધુકડી નહીં રહી જાય.
ચાલો, સમસ્યા તો ટળી જ ગઇ. દિવસ દરમ્યાન બીજું શું શું કર્યું તે આપણી આજની વાત માટે થોડું ઓછું મહ્ત્વનું છે. પરંતુ આપણે ખરીદેલા, એક-વાર વાપરી શકાય તેવા, કેમેરાની વાત પર થોડું ધ્યાન આપીએ.જેમ કે:
૧. તે દિવસે કેમેરાનું ખાસ્સું ધ્યાન રાખ્યું. 
2. તેને સ્ટુડિયોમાં લઇ જઇ ફોટાઓની એક એક સરસ નકલ કરાવી અને એક સીડી પણ બનાવડાવી.
૩. કેમેરામાંથી ફિલ્મ કાઢતાંવેંત કેમેરા તો ફેંકી દેવા લાયક કે ફરી વપરાશને લાયક ગણી શકાય તેવો 'કચરો' બની રહ્યો.
તાર્કીક દ્રષ્ટિએ તો વાત બહુ જ યોગ્ય જણાય છે. એ એક દિવસ માટે એક-વાર-વપરાય-તેવો કેમેરા બહુ મહત્વનો હતો.પણ જેવો તેનો ઉપયોગ પૂરો થયો કે તે 'કચરો' બની ગયો.બીજા શબ્દોમાં કહીએ તો આપણે એ કેમેરા સાથે "તકવાદી" અભિગમ અનુસરી રહ્યાં. અને, તે સર્વથા ઉચિત પણ હતું.
કમનસીબે, જેમની સાથે લાંબા ગાળાનો સંબંધ વિકસાવવો જોઇએ, તેમની સાથે પણ ઘાણાં લોકો આવો, એક-વાર-વપરાશનો સિધ્ધાંત લાગુ પાડી બેસે છે. આપણી સાથે પણ આવું ક્યારેક તો બન્યું જ હોય.  કોઇ જૂના સંબંધવાળી વ્યક્તિએ આપણી મદદ માંગી હોય. આપણા વ્યસ્ત સમય-પત્રકમાંથી માંડ માંડ કરીને, તેમના માટે સમય ફાળવ્યો હોય. અને બસ, ત્યાં વાતનો અંત આવી ગયો હોય. એ વ્યક્તિ ફરી ક્યારે પણ યાદ ન પણ કરે. અરે ના, થોડી ભૂલ થઇ ગઇ - એ વ્યક્તિ ક્યારે પણ યાદ નહીં કરે તેમ નહીં પણ, 'એ વ્યક્તિ , હવે બીજી વાર જરૂર પડશે ત્યારે યાદ કરશે' એમ કહેવું જોઇતું હતું.
હવે જ્યારે આવી વ્યક્તિ આપણને ફરીથી યાદ કરે તો આપણે તેમની સાથે વ્યવહાર કરવો જોઇએ? શક્ય છે કે, આપણે તેમની સાથે સલુકાઇથી વર્તીએ, તેમની વાત પણ સાંભળીએ, કદાચ મદદ કરવા પણ તૈયાર થઇએ - પણ, મોટા ભાગે, તે હવે આપણી પ્રાથમિકતા તો નહીં જ બની રહે.આપણે બેમાંથી કોઇ એક વ્યક્તિને મદદ કરવાની પ્રાથમિકતા આપવાની હોય તો, પેલાં એક-વાર-ઉપયોગની કળાનાં માહિર વ્યક્તિએ, તેમનો વારો આવાવાની રાહ જોવી પડશે.
આપણે જ્યારે કોઇની એક-વાર-ઉપયોગની નીતિનાં ભોગ બનીએ છીએ, ત્યારે ખૂંચે તો ખરૂં! તેનાથી ઉલટું થયું હોય, તો પણ એમ જ થાય. આપણે આપણાં મિત્રોને, આપણા તરફથી, એક-વાર-ઉપયોગ-નીતિનો સ્વાદ ચખાડ્યો હોય, તો તેમને પણ કઠ્યું તો હશે જ.  એક-વાર-ઉપયોગ'ની નીતિને કચરાના ડબ્બામાં નાખી દેવાથી બહુ વધારે 'મિત્રો' બનશે તેવી કોઇ ખાત્રી તો નથી. પરંતુ જે 'મિત્રો' છે તેમને ટકાવી રાખવાની સંભાવનાઓ જરૂર વધી જશે.
શુભેચ્છાઓ!

|માર્ચ ૨૦, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
સિલિકોન વેલીમાં રહેવાના અમુક ફાયદાઓ છે, જે બીજે કશે રહેતાં હોઇએ તો ન મળે. થોડા દિવસો પહેલાં પ્રમોદ હક્કનાં એક પાણીદાર વ્યક્તવ્ય માટે મારી ઑફિસથી ચાલતા જવાય એટલે જ દૂર એક હૉટેલમાં જવાનું હતું. પ્રમોદ હક્ક નૉરવેસ્ટ વેન્ચર કેપીટલના પ્રબંધક ભાગી દાર છે.
છેલ્લાં પાંચ વર્ષથી તેઓ 'ફૉર્બ્સ મિડાસ સ્પર્શ'માં સહુથી સફળ સોદો કરનારાઓમાં સ્થાન મેળવતા રહ્યા છે. ૨૦૦૪માં, છેલ્લા એક દાયકાની કામગીરીને આધારે, ફૉર્બ્સે તેમને #૧ સાહસી રોકાણકાર તરીકે બીરદાવ્યા હતા. હક્ક્નાં પાણીદાર વ્યકત્વ્યમાં, ત્રીજાં વિશ્વના દેશોમાં આધ્યાત્મીકતા, ઉદ્યોગ સાહસિકતા, રાજકારણ અને જીવન જેવા વિષયોને આવરી લેવાયા હતા. 
જે વિષય મને દિલથી બહુ જ અસર કરી ગયો તે હતો - ત્રીજાં વિશ્વના દેશોમાં 'સૂક્ષ્મ ૠણ'નો વિકાસ અને અસરો.
હક્કે તેમની ખાસ પસંદની, યુગાન્ડાની સખાવત સંસ્થા  ઑપર્ચ્યુનિટી ઇન્ટરનેશનેલ, વિશે વાત કરી. આજની તારીખે, એ સંસ્થાએ આર્થિક રીતે નબળા વર્ગના ૧૨,૮૧૭થી વધારે શ્રમીકો ને,ઓછામાં ઓછા $૫૦ સુધીનાં ધિરાણ કર્યાં છે.
ઘાસનાં મૂળીયાંના સ્તરના આ પ્રકારના પ્રયાસોને કારણે  કેટકેટલા દેશોમાં કેટલાયે સમુદાયોનાં કલેવરો જ બદલી રહ્યાં છે. ખાસ નોંધવા લાયક બાબત એ છે કે પરત ચુકવણીનો દર ૯૮%થી પણ ઊંચો રહે છે.
આમ કેમ શક્ય બન્યું હશે?
જેના જવાબમાં છે - ઉત્તરદાયિત્વ માળખાનું ઘડતર. ધિરાણ મેળવનારાંઓને ૨૦/૨૦નાં જૂથમાં વહેંચી લેવામાં આવે છે. દરેક ધિરાણ મેળવનાર તે જૂથનાં અન્ય ૧૯ ધિરાણ મેળવનારનું સહ-જવાબદાર બને છે. દર અઠવાડીએ જૂથનાં સભ્યો મળે, અને એકબીજાંના વેપારધંધાના હાલચાલ જાણતાં રહે છે - ખાસ કરીને, જૂથનાં સભ્યો દ્વારા પરત કરાઇ રહેલ મુદ્દલ અને વ્યાજની પરિસ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવે.  પોતાની, અને જૂથનાં બીજાં ૧૯ અન્યની, જવાબદારી અદા કરવામાં સહ-ભાગીદારીનો આ એક અનુકરણીય દાખલો ગણાય છે.
આમાંથી આપણે શું પાઠ લઇશું?
આપણા માટે, અને આપણી સાથે કામ કરનાર આપણાં આપસી જૂથ વચ્ચે, જવાબદારીની વહેંચણીનું માળખું આપણી કામગીરી પર બહુ પ્રભાવકારી પરિણમી શકે છે. આપણે અને આપણાં સંલગ્ન જૂથનાં સભ્યો જે કંઇ કરવા માટે વચનબધ્ધ થાઇએ છીએ, તેની સ્વૈચ્છિકપૂર્તતાની ગુણવત્તા પર આ પ્રકારની માળખાંકીય વ્યવસ્થાની બહુ મોટી અસર થતી જોવા મળે છે. આપણી આસપાસનાં માળખામાં જવાબદારીની વહેંચણીની વ્યવસ્થાનો હમણાં જ હિસાબ માંડી જોઇશું!? વધારે સારાં પરિણામો મેળવતાં રહેવા માટે એ માળખાંની ઝીણી નકશી પરનાં જાળાંને કેમ કરીને સાફ કરી શકાય તેમ દેખાવા લાગી ગયું છે ને?

| માર્ચ ૨૨, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
સકારાત્મક પ્રતિસાદનાં વહેણમાં ડૂબી ન જવાની – Original Article: Don't look to get drowned in positive feedback અને તેનો ગુજરાતી અનુવાદ #111 જો જો, સકારાત્મક પ્રતિસાદમાં ડૂબી ન જવાય  -  વાત તો આપણે કરી ગયાં છીએ. આજની વાત એક દ્રષ્ટિએ તેનું અનુસંધાન કહી શકાય. કેટલાંક વાચકોએ મને જણાવ્યું કે એકલો નકારાત્મક પ્રતિસાદ પણ મદદરૂપ ન થાય. હું તમારી સાથે સહમત છું.
નોંધઃ બીજાં શું કહે છે તેની બહુ પરવા ન કરનારાંઓ, પોતા પર મુસ્તાક લોકો પૈકી જો તમે એક હો, તો તમારા માટે તો મારે એટલું જ કહેવાનું કે તમારાં જીવવનો રાગ તમે ખુદ જ આલાપતાં રહો.
આપણાંમાંનાં બીજાં બધાં તો  ભાત ભાતનાં લોકોથી ઘેરાયેલાં રહે છે. આજની ચર્ચા માટે આપણે એમાંથી ત્રણ પ્રકારનાં લોકોની વાત કરીશું.  
સીધી સપાટ રેખા-કારો: આ લોકો એમનાં પોતાનાં કામમાં બહુ જ વ્યસ્ત રહે છે. તેમને તમારા વિચાર સામે જોવાનો કે પ્રતિસાદ આપવાનો સમય જ નથી.તેઓ 'ઠીક દેખાય છે' કે પછી 'રસ પડે તેવું છે' એવું કંઇક ગણગણી રહેશે. 
સભાન વિવેચક: આ લોકોને તમારી, તમારા વિચારો, તમારા પ્રકલ્પ માટે ખરી ભાવના છે. તમારી પ્રગતિમાં તેઓને સાચે જ રસ છે. આ પ્રકલ્પ તમને શી રીતે અસર કરશે તેનાં બહ્દ ચિત્રને લક્ષમાં રાખીને તેઓ તમારા પ્રકલ્પની પ્રમાણીક આલોચના કરશે.
કરવા ખાતર કરનારા, બેપરવા વિવેચકો: તમારો પ્રકલ્પ તમને કે તમારાં જીવન પર શું અસર કરશે તે બૃહદ ચિત્રમાં તેઓને બહુ રસ નથી. કોઇકને તો વળી તમારામાં જ બહુ રસ નહીં હોય. તમે પ્રતિસાદ માંગ્યો, એટલે તેમણે આપ્યો. અમુક આત્યંતિક કિસ્સાઓમાં તો કેટલાક પ્રતિસાદ તમને લાંબે ગાળે નુકસાન પણ કરી શકે.
નિર્ણય કરતી વખતે, પહેલાં પ્રકારનાં લોકોને તો ધ્યાન પર લેવાની જરૂર નહીં. "નોંધપાત્ર ચોખ્ખો વિવેચના આંક" એ સભાન વિવેચકો અને બેપરવા વિવેચકો વચ્ચેનો તફાવત દર્શાવે છે.તેને આ સમીકરણમાં મૂકી શકાય:
"નોંધપાત્ર ચોખ્ખો વિવેચના આંક"= સભાન વિવેચકો - બેપરવા વિવેચકો
છેલ્લાં કેટલાંક વર્ષોથી આ આંક હકારાત્મક(+)બની રહે, અને વધતો રહે, તે માટે હું સજાગપણે પ્રયત્નશીલ છું. મને તેનાથી  ઘણો ફાયદો પણ થયો છે. હા, આ આંક વધારવો એ સહેલું કામ નથી. તે માટે લાંબા ગાળાના, મજબૂત, ટકાઉ સંબંધ બાંધવા પડે#. આપણા મોટા ભાગના મિત્રો અને સંબંધીઓ પહેલી શ્રેણીમાં ગણાય, તેઓ આપણને નારાજ કરવામાં રસ ન ધરાવતા હોય.
નોંધ: આ શ્રેણીમાં આવા અન્ય લેખ, અને તેના ગુજરાતી અનુવાદ, વાંચવા માટે, અનુક્રમે Squidoo Lens: Distinguish Yourself ની અને આગવી પ્રતિભા/ Distinguish yourself  ની મુલાકાત લેજો.
# મૂળ અંગ્રેજીમાં #3 Build strong relationships અને તેનો ગુજરાતી અનુવાદ #3 મજબૂત સંબંધ બાંધો જૂઓ.

| માર્ચ ૨૩, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
સવાલો વિશે મેં ઘણું લખ્યું છે, અને હજૂ ઘણું લખાશે પણ ખરૂં. ઇન્ટરનેટને કારણે, આપણા સવાલોના જવાબો શોધવાનું  સહેલું પણ થયું છે. પણ , તેને કારણે સમસ્યા પણ ઊભી થાય છે. જેવો આપણા મનમાં સવાલ પેદા થાય, એટલે આપણે ત્યાં જઇને જવાબો ખોળવા લાગી પડીએ છીએ. મોટા ભાગે કોઇ એક જ નહીં, પણ ઘણા વૈકલ્પિક જવાબો પણ મળે છે. એટલે, આપણો બાકીનો સમય, જૂદા જૂદા સ્ત્રોતોમાંથી મળેલા જવાબોનાં વિશ્લેષણમાં પસાર થઇ જાય છે. બહુ બધા વૈકલ્પિક જવાબો મળવાની શક્યતાઓને કારણે હવે સાચો જવાબ નક્કી કરવો એ હવે વળી એક નવી સમસ્યા થઇ પડી છે. આ બધાંમાં આપણો સવાલ ખોટો હોઇ શકે તેવી શક્યાતા તો આપણે વિચારી જ નથી હોતી. મેં લગભગ નવ ટપાલ-યાદીઓમાં નોંધણી કરી છે. દરેક બહુ જ સક્રિય છે. ત્યાં થતી ચર્ચાઓમાંથી બહુ જાણવાનું પણ મળે છે. જ્યાં શક્ય હોય, ત્યાં હું પણ ચર્ચામાં શામેલ પણ થાઉં છું.ગયે અઠવાડીયે, એક યાદી પર બહુ રસપ્રદ સવાલ પૂછાયો હતો. સવાલ આમ તો બહુ સાદો હતો -
બહિર્ગમન મુલાકાતમાં મારે પ્રમાણીક થવું જોઇએ?
આના જવાબમાં ત્રણ પ્રતિભાવ પણ આવ્યા હતા. ત્રણેય પ્રતિભાવ ઘણા સારા હતા. ત્રણેય અલગ અલગ દ્રષ્ટિકોણ ધરાવતા હતા. દરેક પ્રતિભાવે મને વિચાર કરતો કરી મૂક્યો. એ દ્રષ્ટિએ પણ પ્રતિભાવો મૂલ્યવાન ગણાય. તે પછીનું બીજું પગલું છે, એ પ્રતિભાવોનું વિશ્લેષણ અને તેના પરથી તારણ પર આવવાનું. જો કે મને તો મૂળ સમસ્યા વિશે જ પૂરી ખાત્રી નહોતી. મારો પ્રતિભાવ, આ મુજબ હતોઃ
બહિર્ગમન મુલાકાતમાં પ્રમાણિક રહેવું જોઇએ કે કેમ તે સવાલથી એવું માની શકાય કે, તમારી પાસે એવી કોઇ માહિતિ છે જેને જણાવવાથી મનદુઃખ કે ગેરસમજ પેદા થઇ શકે. એટલે એવી માહિતી જણાવવી કે કેમ તે કદાચ તમારો સવાલ હોઇ શકે. મારો પ્રતિપ્રશ્ન એ છે કે જ્યારે તમે તે સંસ્થામાં હતાં ત્યારે જ યોગ્ય વ્યક્તિને એ માહિતીની જાણ શા માટે નહોતી કરાઇ? આ પ્રશ્નનો કોઇ જવાબ સાચો પણ હોય , કે ખોટો પણ હોઇ શકે છે. ખરી વાત તો એ છે કે બહિર્ગમન મુલાકાતની બહુ ચર્ચામં પડવાને બદલે, તમે હવે પછી જે જગ્યાએ કામ કરો, તે જગ્યાએ આવી પસંગ પડ્યે આવી માહિતી પ્રમાણીક, નિર્ભીક પણે જણાવી શકાય તેવું વાતાવરણ હોય તે જોવું વધારે જરૂરી છે.
મારૂં માનવું છે કે ખરી સમસ્યા એ હતી કે તે જગ્યાએ એક (કે એકથી વધુ) એવી પરિસ્થિતિ હતી જે બહુ ઇચ્છનીય ન કહી શકાય - ન કહી જાય, ન સહી જાય  - એ પ્રકારની હશે. એટલે હવે ખરો સવાલ એ છે કે આવી પરિસ્થિતિમાં ભવિષ્યમાં ફરી પાછું ન મુકાવું પડે તેમ કેમનું કરવું.
પહેલો સવાલ યથાર્થ જરૂર છે, અને તેનો જવાબ પણ ખોળી કાઢવો જોઇએ એ પણ  ખરૂં. પણ ખરો સવાલ એ થયો ને કે
"જ્યાં હું મુક્તપણે, મારાંમૂલ્યો અને સિધ્ધાંતો અનુસાર, કામ કરી શકું એવાં વાતાવરણવાળી સંસ્થા શી રીતે શોધવી?"
યાદ રહે કે ખોટા સવાલનો સાચો જવાબ મળે તો પણ તેનો કોઇ અર્થ નથી.

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’ -ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ત્રીજો - ગુચ્છ ૩ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઑગસ્ટ ૩, ૨૦૧૩


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો