શુક્રવાર, 23 ઑગસ્ટ, 2013

ચિત્રાંગદાનાં કાયાપરિવર્તનો - દેવદત્ત પટ્ટનાઇક

અર્જુન તો ચિત્રાંગદાને તે જે છે તે માટે પ્રેમ કરે છે, નહીં કે જે હોવાનો તે ડોળ રહી હતી તે માટે

થોડા સમયમાં પહેલાં, કશિશ ફિલ્મ મહોત્સવમાં, ઋતુપર્ણ ઘોષની 'ચિત્રાંગદા' જોઇ. રવિન્દ્રનાથ ઠાકુરનાં નાટકનો પરિચય કરાવતું ફિલ્મનું કથાવસ્તુ મને ગમ્યું, જો કે ફિલ્મની વધારે પડતી નાટકીયતા,
ઘીસાપીટ્યા સંવાદો અને સ્વ-ભાન જાતીય દ્રશ્યો ઓછાં પસંદ પડ્યાં.

જે લેખક /દિગ્દર્શક/ અદાકાર ની ફિલ્મ ચોખેર બાલી (આંખમાં પડેલું કણું) મને બહુ જ ગમી હતી, અને મહેલોના કાવાદાવા અને ધર્મ તેમ જ જાતીય રાજકારણના દાવપેચનાં ચિત્રાંકનથી હચમચાવી કાઢે તેવી ફિલ્મ - અંતર્‍મહલ(અંદરનાં રહેઠાણ) - ના સર્જક એવા, ઋતુપર્ણ ઘોષને મળવાની મને અદમ્ય ઇચ્છા તો હતી જ. એ ઇચ્છા ફળીભૂત થાય તે પહેલાં જ, મારો તેમની સાથે મેળાપનો સંપર્ક ગોઠવી આપતા હતા, તે મિત્રએ જાણ કરી કે ઋતુપર્ણ અવસાન પામ્યા છે. પચાસથી પણ ઓછી તેમની વયમાં, હાર્ટ ઍટૅક! હું તેમને કદી મળ્યો નહોતો, પણ કોઇ સ્વજન ગયા જેટલું દુખ થયું.

જ્યારે મેં એક સામયિકમાં વાંચ્યું હતું કે તે મારૂં મહાભારત પરનું પુસ્તક 'જયા' વાંચી રહ્યા છે અને દ્રૌપદીનાં પાત્ર પરથી એક ફિલ્મ પણ બનાવવાનું વિચારી રહ્યા છે, ત્યારે હું બહુ ખુશ થયો હતો. પરંતુ, એ ફિલ્મ તો હવે ક્યારે પણ નહીં બને.

મહાભારતમાં, ચિત્રાંગદા તો માત્ર મણિપુરની રાજકુંવરી છે. તેના પિતાને કોઇ પૂત્ર નથી, એટલે તે તેને
અર્જુન સાથે, તેની સાથેનાં લગ્નથી થનારાં બાળકો પર પોતાનો હક્ક અર્જુન નહીં કરે એ શરતે, લગ્ન કરવાની સંમતિ આપે છે. અહીં એક પ્રકારનાં માતૃલક્ષી સમાજ વ્યવસ્થાનાં ચિહ્ન જોવા મળે છે, જ્યાં પૂત્રીનાં સંતાન વડીલોપાર્જીત મિલકતનાં વારસ ગણાય. પાછળથી, ચિત્રાંગદાનો પૂત્ર, બબ્રુવાહન, અર્જુનને ઓળખી નથી શકતો અને યુધ્ધમાં અર્જુનને હરાવે છે.

પરંતુ, રવિન્દ્રનાથ ઠાકુરે, કદાચ લોકકથાઓથી પ્રભાવીત થઇને, મહાભારતની આ પ્રાચીન કથા ને એક અદ્‍ભૂત સ્વરૂપમાં રજૂ કરેલ છે. તેમની નૃત્યનાટિકામાં, ચિત્રાંગદાના પિતા પૂત્રને ઝંખે છે, પણ દેવોએ તો તેમને પૂત્રી બક્ષી છે. પોતાની આ પૂત્રીને એક પુરુષની જેમ , એક યોધ્ધાને છાજે તે રીતે ઉછેરે છે. એક વખતે, શિકારના ખેલમાં એ પૂત્રી, બાર વર્ષના વનવાસની સજા ભોગવી રહેલા એવા સોહામણા અર્જુનને પકડી લાવે છે. તે અર્જુનના પ્રેમમાં તો પડે છે, પણ તેને શંકા છે કે તેના આ પૌરૂષ દેખાવને કારણે અર્જુન તેને પસંદ નહીં કરે. એવું બને પણ છે -તેનાં આ પુરુષને છાજે તેવાં શૌર્યને કારણે અર્જૂન તેને પુરુષ જ માની બેસે છે. એટલે ચિત્રાંગદા, પોતાને થોડી વધારે સ્ત્રૈણાકર્ષણયુકત બનાવવા માટે કામદેવ મદનની મદદ માંગે છે. અર્જુનની સમક્ષ તે આ રીતે રજૂ થાય છે, અને ત્યારે અર્જુન તેના પ્રેમમાં પણ આકર્ષાય છે. જ્યારે મણિપુર પર બાહ્ય આક્ર્મણ થાય છે, ત્યારે પ્રજા તેની અસલ યોધ્ધા-રાજકુંવરીની મદદનો પોકાર કરે છે. અર્જુનને પણ તેનાં આ સ્વરૂપની પહેલ વહેલી જાણ તો તે સમયે જ થાય છે. તે આ અસાધારણ મહિલાને મળવા માગે છે. એટલે, હવે ફરીથી, ચિત્રાંગદા પોતાનાં મૂળ સ્વરૂપ માટે મદનની મદદ માગે છે. અર્જુન હવે, તેના માટે, વધારે ઉત્કટ પ્રેમાવેશ અનુભવે છે. આમ, અર્જુન તો ચિત્રાંગદાને તે જે છે તે માટે પ્રેમ કરે છે, નહીં જે હોવાનો તે ડોળ રહી હતી તે માટે.

ફિલ્મમાં, ૠતુપર્ણ દ્વારા અભિનીત પાત્ર રુદ્ર સાથે પ્રેમમાં છે તેમ કહેનાર પુરૂષને જ્યારે જાણ થાય છે કે, રુદ્ર પોતાની યૌનજાતિ બદલવા માટેની શસ્રક્રિયા કરાવી અને સ્ત્રીમાં પરિવર્તીત થવાનું નક્કી કરે છે, ત્યારે તે
રૂદ્રનો અસ્વીકાર કરે છે. રુદ્રનો પ્રેમી તે જે છે તેને પ્રેમ કરે છે, તેની જાતિ પરિવર્તનના વિચારને નહીં. પણ રુદ્રની ઇચ્છાઓનું શું? તેની ઇચ્છાઓ એના પ્રેમીની, કે સમાજની,ઇચ્છાઓથી ઓછી મહત્વની છે? વાર્તાકાર તો આપણને વિચાર કરતાં કરી શકે. અને ઋતુપર્ણ ઘોષ આવા અનેક વિચારોનાં વમળો સર્જતા ગયા છે. એ માટે હું તેમનો આભારી છું. મારા મિત્ર, તારા આત્માને ચિરઃશાંતિ પ્રાપ્ત થાઓ.