સોમવાર, 19 ઑગસ્ટ, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ત્રીજો - ગુચ્છ ૪

#116 પરિવર્તક થવાનું ધ્યેય રાખીએ 

| માર્ચ ૨૫, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 

જીવનની દરેક બાબતોમાં જેને લાગૂ પડતું જોઇ શકાય તેવી એક બહુ જ સાદી શોધ શું છે, તેનો મારો જવાબ તો છે - ઘંટ વક્ર [Bell Curve]. ઘંટ વક્ર સિધ્ધાંત - જો એવો કોઇ સિધ્ધાંત હોય તો - વડે કેટલીય બાબતોને સમજાવી શકાય છે.

સલાહ મેળવવી તો સહેલી વાત કહી શકાય.જે આપણને બહુ અઘરૂં લાગતું હોય, તે એ વિષયના જાણકાર માટે સાવ સહેલું પરવડી શકે. ઘણી વાર, સલાહથી વધારે તો એ સલાહનો આપણે શો ઉપયોગ કરીએ છીએ તે વધારે મહત્વનું બની રહેતું હોય છે. બધાં જ સલાહને માનતાં પણ નથી હોતાં. એક કાબેલ શિક્ષક પાસેથી શીખવાની દ્રષ્ટિએ લોકોને અલગ અલગ રીતે વર્ગીકૃત કરી શકાય.

[એ કાબેલ શિક્ષક્ને આપણને શીખવાડવા માટે કેમ તૈયાર કરવા એ તો તેનાથી પણ મોટો સવાલ છે. તેની કિંમત ચૂકવવાની આપણી તૈયારી છે? જો કે, આ બધા તો એક અલગ જ ચર્ચા માંગી લે છે.)

અત્યારે તો આપણે શીખનારાંઓને ઘંટ વક્રની મદદથી વર્ગીકૄત કરીએઃ

સંગ્રાહકો/ Collectors :

ખરા અર્થમાં તો તેમને જૂની વસ્તુઓના સંગાહક કહેવાં જોઇએ. તેમને મળતી બધી સલાહને સંઘરવાનો તેમને શોખ હોય છે. તેઓ પુસ્તકો, બ્લૉગ્સ વાંચશે, લોકોની સલાહ પૂછ્યા કરશે. અને પછી તેમને જે સલાહ કે સૂચન મળશે, તેમને તેમનાં મનને માળીયે સાચવી રાખશે.

સલાહોને તેઓ ત્યાં સુધી મમળાવ્યા કરશે, જ્યાં સુધી તેમને એક કે બે એવા પ્રસંગો ન મળી રહે, જ્યાં તે સલાહ કામ ન આવે. બસ, એ ઘડીથી તે સલાહ કચરાના ડબ્બામાં, અને નવી સલાહની શોધ શરૂ.

અનુયાયીઓ / Followers :

આ લોકો ખાસ્સાં નિષ્ઠાવાન હોય છે. તેમને જે કંઇ મળે, તેનો તેઓ પૂરેપૂરો ઉપયોગ કરવામાં માને છે. જે કંઇ શીખવા મળે તેનો તેઓ જૂદી જૂદી રીતે ઉપયોગ કરશે. જીવનમાં તેઓ ઠીક ઠીક સફળ પણ થાય છે.

પ્રતિબધ્ધકો / Committers :

આ પ્રકારનાં લોકો નવું નવું કરતાં રહેવા પ્રતિબધ્ધ હોય છે. તેઓ શીખે છે પણ ઝડપથી, અને જે કંઇ શીખ્યાં હોય તેનો અમલ પણ તરત કરે છે.પોતાની અંગત કે વ્યાવસાયિક જીંદગીમાં તેઓ નવી નવી ઊંચાઇઓ પણ સર કરે છે.પોતાનાં ક્ષેત્રમાં તેઓ બીજાંઓ માટે ઉદાહરણ બની રહે છે.

પરિવર્તકો / Transformers :

આ લોકો પોતાની જાતનું પરિવર્ત્ન કરતાં રહે છે અને જે કંઈ શીખે તેને નવા આયામ આપતાં રહે છે. પોતાની આસપાસનાં લોકોને પણ તેઓ પરિવર્તીત કરે છે, અને તે રીતે પોતના પ્રભાવનું વર્તુળ વધારતાં રહે છે. બીજાંઓની જીંદગીમાં પ્રકાશનો પુંજ બનીને, તેઓ તેમને પ્રતિબધ્ધક કે પરિવર્તક બનવામાં મદદગાર પણ બની રહે છે.

એક પ્રશિક્ષક તરીકે, જેમનામાં ક્ષમતા છે તેવાં સહુને પરિવર્તકની કક્ષાએ લઇ જવામાં મને રસ છે. એટલે, કોને માર્ગદર્શન આપવુ તે બાબતે હું થોડો સાવધ જરૂર રહું છું. કોઇ પણ વ્યક્તિ જ્યારે પ્રતિબધ્ધક પરવડે છે, ત્યારે તેનાં પ્રશિક્ષકને ગર્વ પણ થાય છે. એમ થવું તે જ પોતે એક અમૂલ્ય ભેટ બની રહે છે. પણ જો પોતાનાં શિષ્ય, કે તાલીમાર્થી, જો પરિવર્તક બને, તો ગુરૂની ખુશીનો પાર નથી રહેતો.

ચાલો, પરિવર્તક થવાની ગાંઠ વાળીએ. આપણાં ગુરૂને એનાથી વધુ મોટી કોઇ ભેટ આપણે નહીં આપી શકીએ.


#117 પ્રોત્સાહનના પ્રભાવ સમજીએ
| માર્ચ ૩૦, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 

આપણે બે ઉદાહરણો જોઇએ :

૧. જમીન /મકાન બાંધકામના દલાલ અને તેમનાં પ્રોત્સાહનો:

થોડા દિવસો પહેલાં હું ફ્રીકોનૉમિક્સ વાંચતો હતો. સ્ટીવન લૅવિટ્ટે પુસ્તકનાં ઘણાં પ્રકરણોમાં પ્રોત્સાહનના પ્રભાવની વાત કરી છે.એક ઉદાહરણમાં એમ કહેવાયું છે કે જમીન /મકાનના દલાલો તેમના અસીલની મિલ્કતને બદલે, ઘણા ઊંચા ભાવે, પોતાની મિલ્કત વેંચવામાં વધારે રસ ધરાવતાંહોય છે.

ધારો કે આપણી પાસે કોઇ ૩૦-૩૫ લાખ રૂપિયાની કિંમત હોય તેવી મિલ્કત છે. સામાન્ય રીતે એમ મનાય કે દલાલ સાથે આપણે નક્કી થયેલી પ્રોત્સાહનની શરતો મુજબ, તે તેને બને તેટલી વધારે કિંમતે વેંચી આપશે. જેમ ભાવ ઊંચો અપાવશે, તેમ તેની દલાલી પણ વધારે જ છૂટશે. ખરૂં ને? પણ લેવિટ્ટ્નું કહેવું છે, "ના". જો મકાન માટે કોઇ ૩૬ લાખ રૂપિયા આપતું કોય તો વધારાના એક કે બે લાખની કિંમત મેળવવામાં સમય બગાડવાને બદલે, તે અસીલને ૩૬ લાખ રૂપિયામાં મિલ્કત વેંચી દેવા સમજાવશે. આમ થવાનું કારણ છે પ્રોત્સાહનનું માળખું. જેમ કે:

દલાલને મળવાપાત્ર દલાલી : (અ): વેચનાર અને લેનાર, બંન્ને પાસેથી, નક્કી થયેલ કિંમતના ૩%

અન્ય સહ-દલાલની સાથે વહેંચવા પાત્ર દલાલીઃ (બ): ૧.૫%

તેને ભાગે મળનારું ચોખ્ખું કમિશનઃ (ક): ૧.૫%

આમ, વધારાના એક લાખ રૂપિયાના ભાવ પેટે મળવાપાત્ર કમિશન : રૂ. ૧૫૦૦/

૧૫૦૦ રૂપિયા માટે કરીને, તે વધારાનો સમય વ્યય કરવાનું ન પણ વિચારે.

૨. ટીવી શૉ: ડીલ કે નો ડીલ

કવિતા અને હું કોઇ કોઇ વાર આ શૉ જોઇએ છીએ. વેબસાઇટ પર સમજાવ્યા મુજબ, નિયમો તો સરળ છે :

ખેલની શરૂઆતમાં ૨૬ બ્રીફકેસ મૂકવામાં આવેછે, જે દરેકમાં ૧ રૂપિયાથી લઇને દસ લાખ રૂપિયા (કોઇ વાત તેનાથી પણ વધારે) મૂકેલા હોય છે. દરેક હરીફે પોતાની પસંદની બ્રીફકેસ ઉપાડી લેવાની રહે છે. દરેક રાઉન્ડમાં , શૉની યજમાન, હૉવી મંડૅલ, સ્પર્ધકોને થોડાં ડબ્બા ખોલવાનું કહે.

જેમ જેમ દરેક રાઉન્ડ આગળ વધતાં જાય , તેમ દરેક સ્પર્ધકે નક્કી કરતાં રહેવું પડે કે તેને મળેલ બ્રીફકેસ હજુ ખોલ્યા વિના રહેવા દેવી છે કે, એ ડીલમા જે રકમ મળી છે તે લઇ ને બહાર નીકળી જવુ છે. એક વાર બેંકની દરખાસ્ત સ્વિકારી , તે પછી તે નિર્ણય બદલી ન શકાય.

સ્પર્ધક તેમનાં મિત્ર કે સગાંસંબંધીની સલાહ પૂછી શકે, પણ આખરી નિર્ણય તો તેણે જાતે જ લેવો પડે.

એવું લાગે કે આ ખેલમાં તો બહુ રકમ જીતી શકાતી હશે. જો કે મોટા ભાગના કિસ્સાઓમાં, કોઇ પણ ખેલાડી સરેરાશ ૧૦૦ રૂપિયાથી વધારે નથી જીતી શકતાં. જ્યારે પણ સ્પર્ધક "ડીલ" કે "નો ડીલ' વચ્ચે નિર્ણય લઇ રહેલ હોય છે ત્યારે દર્શકોની પ્રતિક્રિયા જોવાલાયક હોય છે. શ્રોતાગણમાંથી "નૉ ડીલ"ની સલાહની ગુંજ સાંભળવા મળતી રહે છે. 'નો ડીલ' બોલનારાં ૧૦૦થી પણ વધારે દર્શકો હોય જ , એટલે સ્પર્ધક પણ 'નોડીલ' જ કહે તેમ જ માની શકાય. દર્શકો માટે પ્રોત્સાહન જૂઓ. સ્પર્ધક ગમે તેટલું જોખમ ઊઠાવે, ગમે તેટલું જીતે કે હારે, દર્શકો માટે તો ખેલ રોમાંચક જ બની રહે છે. પણ જો સ્પર્ધક કોઇ જ જોખમ ઉઠાવવાનું બંધ કરી દે તો, ખેલ સાવ નીરસ બની જાય. શ્રોતાઓએ ખેલની રોમાંચકતા જાળવી રાખવા શું કરવું જોઇએ? બસ "નો ડીલ"ની ચીચીયારીઓ કરતાં રહીને સ્પર્ધક પણ ડીલ ન કરે તેમ મનાવતાં રહેવું જોઇએ. ?

પ્રોત્સાહકો બહુ જ પ્રભાવશાળી પરવડી શકે છે. આપણને આપણી રીતે વર્તવા માટે પ્રોત્સાહકો હોય છે. તો આપણી આજૂબાજૂનાં લોકોને તેમની રીતે વર્તવા તેમનાં આગવાં પ્રોત્સાહકો હોય છે. આમ, પ્રોત્સાહકોના પ્રભાવને સમજાય તો લોકોની વર્તણૂક ને પણ સમજી શકાય.


#118 રાઇના દાણા જેટલો, પણ બદલાવ, જરૂર લાવીએ…

| માર્ચ ૩૦, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 
લૉરેન ઐસલીની "ધ સ્ટાર થ્રોઅર[તારા ફેકનારો]વાર્તા તો બધાં એ લાગભગ વાંચી / સાંભળી જ હોય.

એક વાર ફરીથી જોઇએ…

________________________________________

તારા-માછલીની વાત

એક વારની વાત છે. એક જ્ઞાની પુરુષ લેખનકાર્ય કરવા હંમેશ સમુદ્ર કાંઠે જતો.પોતાનું કામ શરૂ કરતાં પહેલાં, તે સમુદ્ર તટ પર ટહેલવા નીકળવાની તેને ટેવ હતી. એક દિવસ, પાણીની નજીકના કિનારા પર એક મનુષ્ય આકૃતિ નૃત્ય કરતી હોય તેમ તેને જણાયું. પોતાના પર જ હસીને તેને થયું કે, અહીં વળી નૃત્ય કરવા કોણ આવે. પણ હવે ચાલવાની ઝડપ વધારીને, તે જલદીથી ત્યાં પહોંચી ગયો.

નજદીક પહોંચતાં તેને કળાયું કે એ માનવ આકૃતિ કોઇ યુવાન છે, અને તે જે કંઇ કરી રહ્યો હતો, તે નૃત્ય તો નહોતું જ. એ યુવાન વાંકો વળી, કાંઠાની જમીન તરફ ઝૂકી, કંઇક નાની વસ્તુઓ ઉપાડી અને સમુદ્રમાં ફેંકી રહ્યો હતો.

સાવ નજદીક પહોચીને 'શુભ સવાર'નાં અભિવાદન સાથે તેણે એ યુવાનને પૂછ્યું, 'આ તમે શું કરી રહ્યા છો?" યુવાન થોડો થંભ્યો, અને પછી જવાબમાં કહ્યું, "આ તારા-માછલીઓને સમુદ્રમાં ફેંકી રહ્યો છું." હવે વધારે અચરજ પામેલા, જ્ઞાની પુરુષે આગળ પૂછવું જ પડ્યું કે "પણ આ તારા-માછલીઓને સમુદ્રમાં શા કારણથી ફેંકવી પડે છે?" પોતનાં કામમાં રોકાયા વગર જ એ યુવાને જણાવ્યું કે "સૂરજ માથાં પર આવી રહ્યો છે અને ભરતી પાછી વળી રહી છે. જો મેં એમને પાછી સમુદ્રમાં ન ફેંકી, તો તે મરી જશે."

આ સાંભળીને જ્ઞાની પુરુષ તો બોલી પડ્યો, "ભાઇ મારા, જો તો ખરો, આગળ માઇલોના માઇલો સુધી આ તારક-માછલીઓ આ કાંઠે આવી પડેલ છે. આમાં તું કેટલો ફરક પાડી શકીશ?" પેલો યુવાન ફરીથી ઝૂક્યો, એક માછલી ઉઠાવીને દરિયામાં ફેંકી, અને તેને દરિયાનાં પાણીમાં વહી જતી જોઇને કહ્યું, "આ એકને તો ફરક પડ્યો."

________________________________________

જ્યારે બહુ નાનો ફરક પડી શકે તેમ હોય છે, ત્યારે ઘણાં કારણોસર, બહુધા, આપણે કંઇ જ નથી કરતાં.

એવાં કેટલાંક કારણો છે :

* સામેની વ્યક્તિને મદદ નહીં જોઇતી હોય.

* કામ એટલું નાનું છે કે એ તો કોઇપણ કરી લેશે.

* અને હા, તમે એમ પણ માનો છો કે, ક્યાં બહુ મોટો ફરક પડવાનો છે.

* એ કામ કરો કે ન કરો, કોઇને તેની અમસ્તી પણ નોંધ ક્યાં લેવાનું છે!

પરંતુ, હવે પછી જ્યારે આવી પરિસ્થિતિમાં મૂકાઇએ, ત્યારે તારા-માછલીવાળી આ વાત યાદ કરીને, ભલે ને રાઇના દાણા જેટલો હોય, પણ ફરક જરૂર પાડીએ…


#119 'બસ, એક કદમ માટે અધૂરી રહેલી સફર’નાં લક્ષણો ટાળીએ

| એપ્રિલ ૧, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ

આપણાં કામમાં, કે બીજે કશે પણ, આમ બની શકે છે.

કામ પર બનતો એક દાખલો જ લઇએ. એક બહુ જ રસપ્રદ પરિયોજના પર આપણે કામ કરી રહ્યાં છીએ. બસ, જેને પૂરૂં કરતાંવેંત પાવર પૉઇન્ટમાં તેનું એક નાનું સરખું પ્રેઝન્ટેશન બનાવી ને તે પરિયોજનાનાં સંચાલકને સોંપી દેવાનું છે. (જો કે એ કામ તમારૂં નહોતું.) કોઇ એક ઢાંચો પણ ડાઉનલોડ કરી લીધો છે અને પંદરેક જેટલી સ્લાઇડ્સ તો બની પણ ગઇ છે. બીજી પાંચેક વિશે વિચારી પણ રાખ્યું છે. પણ આ કામ પૂરૂં થાય , તે પહેલાં બીજી એક બહુ જ મહત્વની પરિયોજનામાં વ્યસ્ત થઇ જવું પડે છે. થોડા સમય બાદ એ પ્રેઝન્ટેશનવાળી વાત પણ મન પરથી ઉતરી જાય છે.

હવે, થોડા દિવસો બાદ તમારાં સંચાલક જોડે બીજી બધી વાતો દરમ્યાન, પેલી પરિયોજનાની વાત પણ નીકળે છે, અને તે સાથે એ પ્રેઝન્ટેશન પણ યાદ આવી જાય છે. સંચાલકની સાથે તે બાબતે વાત થતાં તે એ પેઝન્ટેશન જોવા માગે છે. પોતાની જગ્યાએ પાછા ફરીને તે અધૂરૂં પ્રેઝન્ટેશન સંચાલકને મોકલી આપીએ છીએ.

આ છે "બસ, એક કદમ માટે રહેલી અધૂરી સફર"નું એક વ્યાવહારિક ઉદાહરણ. હવે જ્યારે સંચાલક એ પ્રેઝન્ટેશન જોશે, ત્યારે સૌથી પહેલાં તો તેને એમ જ થશે કે, આપણાં કામ અધૂરાં જ હોય છે. મૂળ મુદ્દે આ કામ તમારૂં નહોતું તે વાત હવે તેને કદાચ યાદ નહીં આવે. નજરે ચડશે, માત્ર શિર્ષક બાંધેલી પેલી પાંચ અધૂરી સ્લાઇડ્સ. આને જ સમાંતર એક રૂપક છે - "આખા કોરા કાગળ પર ક્યાંક દોરેલું એક કાળું ટપકું”. લોકોને સફેદ કાગળ નહીં, પણ પેલું કાળું ટપકું જ દેખાશે. જીવનનું પણ એવું જ છે. તમે તેના વિષે સત્તર સવાલ પૂછો, ગમે તેટલી તર્કબધ્ધ ચર્ચા કરો, કોઇ જ ફેર નહીં પડે તેનાથી. બદલવું તો આપણે જ રહ્યું, તેને સ્વિકારતાં શીખવું રહ્યું - સંચાલક જ્યારે પણ એ પ્રેઝન્ટેશન જોશે, ત્યાર તેનો પહેલો પ્રતિભાવ તો એ જ હશે કે, તમે કામ અધૂરૂં મૂક્યું.

અને આ તો આ રોગનાં લક્ષણોનું એક બહુ જ સાદું ઉદાહરણ છે. થોડું વધારે સારૂં કરવાં ગયાં હોઇએ, અને પછી એક કદમનાં અંતર માટે છોડી દીધાં હોય, જેટલું કામ કર્યું તેનો યશ મળ્યો હોય તેવાં કામોની યાદી બનાવીએ. સામાન્ય સંજોગોમાં , પેલાં વધારાનાં કામની વાત બહુ ઓછી યાદ રહેલી જોવા મળશે,પણ બહુ કામ અધૂરાં મુકી દીધાં એવું બહુ યાદ રહેલું જોવા મળશે. નક્કી થયા ઉપરાંતનાં વધારાંનાં કામની વાત તો જાણે સાવ જ વીસરાઇ ગઇ.

હવે જ્યારે, થોડું વધારે કામ કરવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આટલું યાદ રાખીએ :

* આપણે શું કરવાનું છે તે નિશ્ચિતપણ નક્કી કરી લઇએ અને જોઇ લઇએ કે, તે વધારાનું 'થોડું' કામ આપણાથી પૂરું તો થશે ને!’એ બાબતે જો થોડી પણ શંકા રહેતી જણાય, તો કેટલાં પગલાં વધારે ચાલી આપવા પ્રતિબધ્ધ થવું જોઇએ તે વિશે ફેર-વિચારણા કરી લેવી જોઇએ.

અને / અથવા

* બીજું કોઇ એ વધારાનું કામ માથે લેવા તૈયાર થયું છે ખરૂં! નવો ચીલો ચાતરવાને બદલે, તે વ્યક્તિને તે વધારાનાં ડગલાંની મંજિલ પૂરી કરવામાં મદદરૂપ થઇએ.


#120 યાદગાર અનુભવો સર્જતાં રહીએ

| એપ્રિલ ૪, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ

આવો થોડું આંતર્‍ચિંતન કરીએ અને છેલ્લા એક મહિનામાં થયેલાં આદાનપ્રદાનને યાદ કરીએ. એમાંનાં કેટલાં આજે તાદ્રશ યાદ આવે છે? ચાલો, એમ કરીએ કે, નીચે જણાવેલ પ્રશ્નોના ઉત્તર ખોળીએ:

* એ પૈકીનાં કેટલાં આદાનપ્રદાન આવતે મહિને પણ યાદ હશે?

* અને આવતાં વર્ષ સુધી કેટલાં યાદ રહ્યાં હશે?

* જીવનભર કેટલાં યાદ રહી જશે?

બીજા શબ્દોમાં કહીએ તો,

* એ પૈકીનાં કેટલાં આદાનપ્રદાન યાદગાર છે?

કદાચ, કોઇ જ નહીં. શક્ય છે કે ગયે મહિને જે કોઇ લોકોને મળવનું થયું, તેમાં કંઇ યાદગાર ઘટના બની ન હોય! એવું પણ બને કે જે લોકોને મળવાનું થયું હોય, તેમણે મુલાકાત યાદગાર બની રહે તેટલો સમય જ ન ફાળવ્યો હોય! આપણે એમ પણ માની શકીએ કે, એવા યાદગાર અનુભવ સર્જી શકાય તે માટે તો ખાસ પ્રકારનાં લોકોને મળવું પડે. હા, કદાચ તે સહુથી સહેલો વિકલ્પ ગણી શકાય.

હવે, ગયે મહિને જેમની સાથે મળવાનું થયું, તેમના વિષે વિચારીએઃ

* એમાંનાં કેટલાંને ગયા મહિનાની એ મુલાકાત આવતા મહિના સુધી યાદ રહેશે?

* અને, કેટલાંને આવતાં વર્ષ સુધી યાદ રહ્શે?

* જીવનભર કોને યાદ રહેશે?

બીજી રીતે જોઇએ તો,

* એ કોઇ સાથે આપણે યાદગાર પ્રસંગ / અનુભવ સર્જી શક્યાં ખરાં?

પોતાની રીતે તો બધાં પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત તો હોય જ. તેમની સાથેનાં આદનપ્રદાનમાં મૂલ્યવૃધ્ધિ માટે જો ચોક્કસ પ્રયત્ન ન કરીએ તો, સામેની વ્યક્તિનેમાટે આપણી સાથેનો તે અનુભવ યાદગાર બની રહે તે બહુ જ અસંભવ બની જાય છે.બહુ થોડાં લોકોને પોતાનાં આદાનપ્રદન યાદગાર બનાવવાની પડી હોય છે. જો આપણે પણ એમાંના એક છીએ, તો વિશિષ્ઠ બનવાની સફર પણ આપણે જરૂર આગળ વધી ચૂક્યાં છીએ.

શુભેચ્છા!

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ત્રીજો - ગુચ્છ ૪ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઑગસ્ટ ૧૯, ૨૦૧૩


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો