ગુરુવાર, 15 ઑગસ્ટ, 2013

વનમાં, સંન્યાસી - દેવદત્ત પટ્ટનાઇક

ભારતમાં સંન્યાસીના ઋષિ, બ્રાહ્મણ, યોગી, સાધુ, સિધ્ધ,યતિ, કવિ, સંત, મુનિ,શ્રમણ,તપસ્વી, ગુરુ, મહંત , બુધ્ધ, અર્હત, તિર્થંકર, જિન વગેરે એમ ઘણા શબ્દો પર્યાયવાચક મનાય છે.     પણ દરેકનો અર્થ અલગ અલગ છે.
આપણે ગમે તે માનીએ પણ હકીકત એ છે કે સમગ્ર વિશ્વમાં કુંભ મેળાની પ્રસિધ્ધિ ભભૂત ચોળેલું શરીર, રાખથી રગદોળાયેલ વાળ અને ચિત્તભ્રમ જણાતી અવસ્થામાં ડોલતા રહેતા, ગંગાસ્નાન કરતા નાગા બાવાઓને કારણે જ છે. જાહેરમાં જવલ્લેજ જોવા મળતી  તેમની અલંકૃત ઉગ્ર ભવ્યતા જાહેર માધ્યમોને તેમના થકી ભારત તરફ આકર્ષે છે, અને સાથે ખેંચી લાવે છે - કોણ છે આ લોકો? સામાન્ય દુનિયા જેને નથી પામી શકી તેવાં કોઇ જ્ઞાન સાથે આ લોકોને કોઇ સંબંધ છે? ખેર, દુનિયાનાં લોકોને ભારતમાં મહા યોગીની ખોજ તો રહે જ છે.
ભારતમાં સંન્યાસીના ઋષિ, બ્રાહ્મણ, યોગી, સાધુ, સિધ્ધ,યતિ, કવિ, સંત, મુનિ,શ્રમણ,તપસ્વી, ગુરુ, મહંત , બુધ્ધ, અર્હત, તિર્થંકર, જિન વગેરે એમ ઘણા પર્યાયવાચક શબ્દો મનાય છે. પણ દરેકનો અર્થ અલગ અલગ છે. દરેકની બારીકીઓ સમજવા માટે ભારતીય ઉપખંડમાંના ચિંતનના ઇતિહાસને સમજવો જરૂરી બની રહે છે.
વેદની ઋચાઓમાં 'ઋષિ' શબ્દનો વારંવાર પ્રયોગ થતો જોઇ શકાય છે. અહીં તેમને આર્ષદ્રષ્ટા -બીજાં જે નથી જોતાં, કે જોઇ શકતાં, તેવી દ્રષ્ટિવાળી વ્યક્તિ - તરીકે વર્ણવાયા છે. તેઓ એ કુદરતને 'જોઇ' અને વેદને 'સાભળ્યા', જે તેમણે ૠચાઓ વડે બીજાંઓને જણાવ્યાં.  તેઓને પાર્થિવ વસ્તુને પેલી પાર તેમાંના, ઉર્મિલ અને બૌધ્ધિકઅગોચર સ્વરૂપને જોઇ શકતા 'કવિ' તરીકે વર્ણવાયા છે.  તેઓ વિચારોને ચિંતન, કે તેથી પણ વધારે, મહત્વ આપે છે. આપણી આજની દ્રષ્ટિમાં તો ફરરતી શ્વેત દાઢી અને જટાવાળા વૃધ્ધ સંન્યાસીનું જ ચિત્ર આવે, પણ વેદ તે અંગે કોઇ સ્પષ્ટતા નથી કરતા. આપણે ત્યાં તો પોતાના પતિઓનાં ધ્યાન આકર્ષીત કરતી પત્નીઓથી માંડીને પોતાની લત ન છોડી શકતા જુગારીઓ પણ ઋષિઓ, કે કવિઓ, હોય છે.
મનુષ્યનું ચિત્ત અથાગ પણે વિકસી શકે છે, વધારે ને વધારે વ્યાપક બની શકે છે અને અનંત સુયોજિત વિશ્વથી પરિચિત થઇ શકે છે. તેનાથી વિપરીત, જ્યારે તે સંકોચાય છે, આપણે ભયનાં આવરણમાં બંધાઇ જઇ છીએ. જે કંઇ કર્મકાંડો, ચિહ્મો કે કથાઓ રચાયાં છે, તે આ ભયને અતિક્રમવા અને તેમાંથી મુક્તિ પામવા માટે બનવાયાં છે. આ બ્રહ્મનો જાણકાર, બ્રહ્મન છે, આ માર્ગનો જાણકાર તે બ્રહ્મન.
બ્રહ્મનમાંથી બ્રાહ્મણ શબ્દ ઉદ્‍ભવ્યો. બ્રાહ્મણ પૂજાપાઠ અને મંત્રોચ્ચાર વડે વેદનાં સ્તોત્રો,કર્મકાંડ અને પ્રતિકોમાંનાં જ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડે છે. વિચારો અને કર્મથી તે જ્ઞાન  દૂષિત ન થાય એટલે વિશુધ્ધિની વિધિઓની જરૂરીયાત પડી. આને કારણે, બ્રાહ્મણ સમાજથી અલગ થતો ગયો અને સમાજની અધિશ્રેણીમાં તે આ વિશિષ્ટ જ્ઞાનને કારણે સર્વોત્કૃષ્ટ બની રહ્યો. પછીથી, અગ્નિની વિધિઓને બદલે મંદિરની વિધિઓ વધારે પ્રચલિત થવા લાગી, તેમ  તેમ આ બ્રાહ્મણો, મદિરમાં, કે મંદિરની આસપાસના, મર્યાદીત પ્રવેશવાળાં, સંકુલોમાં , નિવાસ કરતા પૂજારી પણ બની રહ્યા.
યતિ આનો વિરોધ કરે છે, તે તો જંગલમાં વસતો સંન્યાસી હતો, જે વેદનાં જ્ઞાનને સ્તોત્રો, પ્રતિકો કે દેવી દેવતાઓની મૂર્તિઓ દ્વારા નહિં પણ સીધું જ પ્રાપ્ત કરવામાં વિશ્વાસ ધરાવે છે. તેણે તો સમાજનો પણ ત્યાગ કરી દીધો છે. એ સાદગી અનુસરનારો, સાધુ, છે. તે માનસીક એકાગ્રતાની સાધના કરનારો સાધક છે, તે મૌન ધારણ કરનાર મુનિ છે, સમાજને ત્યાગ કરનારો સંન્યાસી છે.  તે યજ્ઞને બદલે યોગની તરફેણ કરે છે. યોગને મન સાથે વધારે સંબંધ છે, જ્યારે યજ્ઞને આસપાસની દુનિયા સાથે વધારે નિસ્બત છે.  યોગને મહત્વ આપનાર યોગીની દ્ર્ષ્ટિએ યજ્ઞ એ આંતરીક માનસીક અશાંતિનું બાહ્ય સ્વરૂપ છે; મનની ગુંચવણની ગાંઠને ઉકેલી કાઢવાનુંવધારે મહ્ત્વનું છે.
જેમ જેમ બ્રાહ્મણો હોત્ર (અધદિર્શક, દેખરેખ રાખનાર), અધ્વર્યુ (નિષ્પાદક, કર્તા), ઉદ્‍ગતિર્‍ (ગાયક)તરીકે વિશેષજ્ઞ થતા ગયા, તેમ તેમ ભજનકીર્તન અને પૂજાપાઠને બદલે ધ્યાન અને સમાધિને મહત્વ આપનાર વર્ગ આકાર લેતો ગયો. આ શ્રમણ સમુદાય હતો, જે પોતાનાં માનસીક ઉદ્યમને કર્મકાંડથી વધારે મહત્વ આપતો હતો. સ્વાભાવિક જ છે કે આ વર્ગ બ્રાહ્મણ, વેદ અને દૂષણની વિશે તેમની માન્યતાઓ,નો વિરોધ કરતો હતો.
આ શ્રમણ વર્ગમાં બૌધ્ધ અને જૈન સંપ્રદાય ખાસ નોંધપાત્ર કહી શકાય. બૌધ્ધ સંપ્રદાયના વડા ભગવાન 'બુધ્ધ' હતા જેનો અર્થ સંપૂર્ણ જ્ઞાન પામનાર થાય છે.તેઓ ધ્યાન અને સમાધિતપને મહત્વ આપતા હતા.જૈન સંપ્રદયના વડા, જેમણે ઇન્દ્રીયો અને મન પર પૂર્ણ કાબુ મેળવ્યો હોય તેવા, જિન હતા. તેઓ તેમના અનુયાયીઓને પાણીના પ્રવાહને પાર કરી (તિર્થ) બીજા કિનારાની યાત્રા (તિર્થ) - ભૌતિક દુનિયાથી આધ્યાત્મની દુનિયા તરફ, સંપ્રાપ્તિમાંથી અપરિગ્રહ તરફ -નો માર્ગ સૂચવતા હતા તેથી  તિર્થંકર તરીકે ઓળખાયા. બૌધ્ધ સંપ્રદાયમાં જે આ કક્ષા સિધ્ધ કરી ચૂકેલ છે તેને અર્હત કહેવાયા, જ્યારે જૈન સંપ્રદાયમાં જેને હજૂ કેવળ જ્ઞાન સુધી પહોંચવાનું બાકી છે તેમને અરિહંત કહેવાયા અને જે કેવળ જ્ઞાનની કક્ષાને પહોંચી શકયા છે તેમને 'સિધ્ધ' કહેવાયા.
આમ એક તરફ નગરોમાં વેદને જાણનારા કર્મકાંડીઓ હતા, તો વનમાં, બધી જ ભૈતિક માયાને ત્યાગી દેનારા સંન્યાસીઓ  હતા.
પણ શું આ એકાંતવાસી સંન્યાસીઓ બ્રહ્મચર્ય પાળતાં? તેઓને કુટુંબ હતાં? બૌધ્ધ અને જૈન ધર્મની સાથે, બધા જ દુન્યવી મોજશોખ - ખાસ તો જાતીય આનંદો - અને કૌટુંબીક જીવનવ્યસ્થા ત્યાગીને રહેનાર મઠવાસી વૈરાગી સાધુની જીવનશૈલી પણ વિકસી. મોજશોખની શોધ, આ ભૌતિક સ્તરની પાર પહોંચીને કરવી રહી. કોઇ વ્યક્તિ, કે કોઇ વસ્તુમાં, સુખ મેળવવું જરૂરી નથી, બધા જ આનંદ તો મનની અંદરથી સ્ફૂરી શકે છે.   
જો કે, પૌરાણીક સમયના ઘણા ૠષિઓ પરણેલા જોવા મળે છે, જેમ કે અગસ્ત્યનાં લોપામુદ્રા, વશિષ્ઠનાં અરુંધતી, અત્રિ ઋષિનાં અનસુયા નામક પત્નીઓ હતાં. પણ આ ઋષિઓ પરિણીત હોવાનું વલણ ઘટતું  ગયું અને  ધ્યાન અને સમાધિ દ્વારા, આંતરીક અગ્નિની ચેતના જગવતું તપ કરનારા તપસ્વીઓનું ચલણ વધતું ગયું. એકાંતવાસમાં તપની સાધનાને આપણે તપસ્યા તરીકે ઓળખીએ છીએ.   અત્રિના પૂત્ર દત્ત આવા એક તપસ્વી હતા. તે જ રીતે, વ્યાસના પૂત્ર શુક પણ તપસ્વી ઋષિ હતા. બ્રહ્મચર્યપાલનને કારણે ચમત્કારીક શક્તિ - સિધ્ધ - પણ વિકસે છે,જેના કારણે સિધ્ધ-પુરૂષ સ્થળ અને સમયનું પોતાની મરજી મુજબ નિયમન  કરી શકે છે. આપણે જોયું છે કે હઠ-યોગીઓ શીલામાંથી પાણી કાઢે છે અને વંધ્ય સ્ત્રીને પ્રજોત્પ કરી નાખી શકે છે.  આ ભમતા સાધુઓ ચમત્કારોની સાથે તત્વજ્ઞાનની વાતોનું સાયુજ્ય પણ સાધે છે.
જે રીતે પ્રાચીન સમયમાં બ્રાહ્મણોએ તેમની જ્ઞાનના વાહક તરીકેની ભૂમિકાનો ઉપયોગ સમાજ પર આધિપત્ય જમાવવામાં કર્યો, તે રીતે ગુરૂઓ અને સંન્યાસીઓએ પણ પોતાના સામાન્ય, શ્રવણ કરનારા, શ્રાવકથી પોતાને અગ્રીમ મનાવ્યા. સામાન્ય સમુદાયને સામર્થ્યવાન બનાવવાને બદલે આજ્ઞાકારી સૂચનોની મદદથી તેમનું નિયમન કરવાનું તેમને વધારે ગોઠી ગયું. લોકોને પણ નિર્ણય લેવામાંથી મુક્તિ મળવાની, અને તેના કારણે તેમનાં જીવનની તકલીફોની જવાબદાર ન હોવાની, ભાવના વધારે અનુકુળ લાગવા લાગી. ચેન્નઇની નજીક મમ્મ્લપુરમમાં, લગભગ દસમી સદીનાં મનાતાં, મૂર્ખ "મુષક-અનુયાયીઓ'ને મજાથી આરોગતા "બિડાલ-યોગીઓ"નાં ચિત્રોમાં આ ખયાલ મૂર્ત થયેલો જોવા મળે છે.
દોષૈકદર્શિતા અને વક્રોક્તિમાંથી પ્રભુને ભાવાત્મક સ્વરૂપે શરણે જવાની, સંતની ભક્તિ પ્રણાલી વિકસી. ભારતમાં ભગવાનની વિભાવનાનો વિકાસ ધીમે ધીમે થયો. શરૂ શરૂમાં તો તે દરેકે ઇચ્છેલી કે મેળવેલી આંતરિક પરિપૂર્ણતાની અભિવ્યક્તિ હતી. ધીમે ધીમે ભગવાન  બાહ્ય વિચારધારા, બધુંજ વ્યવસ્થિત કરનાર બાહ્ય શક્તિ તરીકે પ્રસ્થાપિત થતા ગયા. અલ્વર તરીકે જાણીતા કવિઓએ આ વિચારને પ્રચલિત કર્યો. દક્ષિણમાં વૈદિક વિદ્વાન, રામાનુજે, તેને સંહિતાબધ્ધ કર્યું , તો રામાનંદ જેવા વિચારકોએ તેનો ઉત્તરમાં પ્રસાર કર્યો. સર્વ શક્તિશાળી બાહ્ય શક્તિ સ્વરૂપ ઇશ્વરની માન્યતાવાળા ઇસ્લામનાં આગમનને કારણે  આ પરિવર્તન ઉત્પ્રેરીત થયું. 
રામાનંદની પ્રેરણાથી, ૧૪મી સદીથી, સંતનાં ગીતો - ભજનો -નો સમગ્ર ભારતમાં પ્રસાર થયો. આમ જૂઓ તો આ સંતો આમ તો વણકર, મોચી, કુંભાર, કસાઇ, લુહાર, લડવિયાઓ જેવાં સામાન્ય લોકો હતાં, જેમણે પૂજારીઓ, વિદ્વાનો કે ગુરૂઓના  માધ્યમ વિના જ, ગીત અને સંગીત દ્વારા, અમૂર્ત ઇશ્વર સાથે તાદાત્મ્ય સાધ્યું. બીજાં કેટલાંકે શિવ કે વિષ્ણુ કે રામ કે કૃષ્ણ જેવાં સ્વરૂપોની ભક્તિ કરી. નીજ, અને સમાજ,થી પર એવા વિચારને સંપૂર્ણપણે સમર્પિત થનાર અને તેમાંથી મનની શાંતિનો માર્ગ ખોળનાર આ વર્ગ 'ભક્ત' તરીકે ઓળખાયો.ભક્ત કે સંત એ કોઇ મુનિ કે સંન્યાસી કે ઋષિ નથી. તેમની ભાવાત્મક તદ્રુપતાએ તેમને લોકપ્રિય કર્યાં. આમ એક જુદા પ્રકારનાં, લોકપ્રિય, જ્ઞાનીજનનો ઉદ્બવ થયો.
*      'ફર્સ્ટ સિટિ'માં જુલાઇ ૨૦૧૩માં પ્રકાશીત થયેલ
v  અસલ અંગ્રેજી લેખ, In the forest, a sageલેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુલાઇ ૧૨, ૨૦૧૩ના રોજ  ARTICLES, INDIAN MYTHOLOGY, ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   ઑગસ્ટ ૧૫, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો