શનિવાર, 31 ઑગસ્ટ, 2013

બલરામ માટે નૃત્ય - દેવદત્ત પટ્ટનાઇક

ડીસાનાં પુરીનાં મંદિરમાં એક રસમ ખાનગીમાં કરવામાં આવતી હતી, જો કે હવે તો તે બંધ કરી દેવામાં આવી છે. જ્યારે મંદિરોમાં દેવદાસીઓની પ્રથા ખૂબજ ફૂલીફાલી હતી, ત્યારે આ રસમ પણ બહુ પ્રચલિત હતી. મંદિરની પરંપરાગત માન્યતા મુજબ, બલરામ બ્રહ્મચારી હતા (જો કે પૌરાણીક સાહિત્યાનુસાર તેમને રેવતી નામનાં પત્ની હતાં) અને શિવના પંથના હતા. ઉનાળાની પરાકાષ્ઠાના સમયે, દેવદાસી મંદિરના સહુથી અંદરના ભાગમાં દાખલ થાય, અને પછીથી બારણું બંધ કરી દેવામાં આવે. તે ત્યાં નિર્વસ્ત્ર થઇને માત્ર તેમનાં મનોરંજન માટે આખી રાત નૃત્ય કરે. ત્યાં શું થતું હશે તો તો કોઇને ખબર નથી કારણકે જે કંઈ થતું તે પૂર્ણપણે ખાનગી અને ગોપિત રહેતું. પણ તેની પાછળ આશય તો પ્રલોભનનો - સંન્યાસીની ટેક ભંગ કરવાનો અને તેમ કરીને તેનાં શરીરમાં એક્ઠી થયેલી ગરમીને મુક્ત કરવાનો - હતો. કારણકે જો તેમ થાય તો જ ઉનાળો પૂરો થાય અને વરસાદ પડી શકે.

ઉનાળા અને દુકાળના, આત્યંતિક તપ સાથેના સંબંધની વાતો ઘણી હિંદુ કથાઓમાં જોવા મળે છે. જ્યારે અંગ રાજ્યમાં દુકાળ પડતો ત્યારે રાજા પોતાની પૂત્રી અને બીજી નૃત્યાંગનાઓને , જેમણે સ્ત્રી કદી જોઇ જ નથી તેવા, બ્રહ્મચારી સંન્યાસી, ઋષ્યશૃંગ,ના તપોભંગ માટે મોકલતા. બૌધ્ધ સાહિત્યમાં પણ નોંધવામાં આવ્યું છે કે બ્રહ્મચર્યને કારણે તેમની શક્તિ એટલી બધી પ્રબળ બની જતી કે તે વર્ષાના દેવ ઈંદ્રને પક્ષાઘાતની સ્થિતિમાં કરી મૂકતા. જેને પરિણામે ઇંદ્ર વર્ષનાં વાદળોને પોતાનાં બ્રહ્માસ્ત્રથી વાર પણ ન કરી શકતા. ઋષિ આમ એટલા માટે કરતા કે, તેમને વાદળ ગર્જનાથી બહુ ડર લાગતો.પણ, તેમના શ્રાપને કારણે વરસાદ પડવો બંધ થઇ ગયો, અને પરિણામે દુકાળ પડ્યો. આ સ્થિતિમાંથી બહાર આવાનો એક જ માર્ગ હતો - ઋષિનો તપોભંગ. અને આ જ ઋષિને દશરથ રાજાએ પોતાની પત્નીઓને સંતાન થાય તે માટે કરવા ધારેલા યજ્ઞની વિધિઓ કરાવડાવવા માટે બોલાવ્યા હતા. આમ સંન્યસ્તની ગરમીથી દુકાળ પણ પડે અને પ્રજોત્પતિ પણ અટકી જાય.

આ વળી કઇ ગરમીની આપણે વાત કરી રહ્યાં છીએ? સામાન્યતઃ આપણે એને, કોઇ જાતનાં બળતણ વગર પ્રજ્વલિત રહેતા માનસીક અગ્નિ, 'તપ' તરીકે ઓળખીએ છીએ. તપને વલોવ્યા કરતાં રહેવા માટે 'તપસ્યા'ની જરૂર પડે છે. તપસ્યા વડે ઇંદિયો પર નિગ્રહ - એટલે કે બ્રહ્મચર્ય - પ્રસ્થાપિત કરી શકાય છે. કામેચ્છા માત્ર કામક્રીડા વડે જ નથી ઓગાળી શકાતી, કોઇ પણ ઇંદ્રિયને પ્રદીપ્ત કરવાથી પણ તેને ઓગાળી શકાય છે. જ્યારે કોઇ પણ ઈંદ્રીયની પ્રવૃત્તિ પર અંકુશ મુકવામાં આવે ત્યારે ઉર્જા, મસ્તિષ્કની તરફ ઉપરની દિશામાં ગતિ (ઊર્ધ્વ-રેત)કરીને તપ પ્રજ્વલિત કરે છે.આ ગરમીને કારણે શરીરમાંથી તેજની આભા પણ ફૂટે છે.ઋષિઓનાં મસ્તિષ્કની આસપાસ એક તેજ્પુંજવલય પણ જોવા મળે છે.

વિશ્વામિત્ર આ કક્ષાનું તપ ઇચ્છતા હતા.પરંતુ આવાં તપના બળથી કોઇ પણ ઋષિ ખુબજ શક્તિશાળી બનીને વર્ષાના દેવ ઇંદ્રમાટે જોખમ બની શકે છે. ઋષિનાં તપના પ્રભાવની માત્રા ઉનાળાની ગરમીનો પ્રકોપ વધારે, અને તેને કારણે દુકાળ લાવે, એટલે તે પ્રભાવને તો કાબુમાં કરવો જ રહ્યો. માટે જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે ઇંદ્ર કોઇ એક અપ્સરાને મોકલી આપે. અપ્સરા શબ્દનાં મૂળમાં પણ પાણી - અપ્સ-છે. ગરમીથી સભર સંન્યાસી – તપસ્વી - અને જળ સુંદરી - અપ્સરા- વચ્ચે, પુરાણોમાં વારંવાર ઉલ્લેખ પામતો સંધર્ષ અહીં જ તો રહેલો છે. જ્યારે બહુ વરસાદ આવી પડે, ત્યારે આપણે ગરમી ઈચ્છીએ, અને જ્યારે બહુ વધારે ગરમી હોય, ત્યારે વરસાદ ઇચ્છીએ. આપણે બલરામની નિશ્રામાં હોય એવા સંન્યાસીની અને પુરીમાં સ્થિત બલરામના ભાઇ કૃષ્ણની આસપાસ નૃત્યકરતી જળસુંદરી, અપ્સરા, એમ બંનેની જરૂર છે. પુરીમાંના કૃષ્ણને સમગ્ર જગતના નાથ,જગન્નાથ, પણ એ માટે જ કહ્યા છે ને!

v  અસલ અંગ્રેજી લેખ, DANCING FOR BALRAM  લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુલાઇ ૧૯, ૨૦૧૩ના રોજ INDIAN MYTHOLOGY, MYTH THEORY, ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   ઑગસ્ટ ૩૧, ૨૦૧૩