બુધવાર, 4 સપ્ટેમ્બર, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ત્રીજો - ગુચ્છ ૫

| એપ્રિલ ૭, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આજે બપોરે મારે ચાર, બહુ જ ખાસ, લોકોની સાથે જમવાનો લાભ મળ્યો, જેમાંના એક હતા, ઍક્સનચ્યરના સૉફ્ટ્વૅર ઈન્ટેલીજન્સ એકમના સહુથી પ્રવર અને લાંબા સમય સુધી નિયામક રહેલા બ્રાયન સૉમ્મર્સ. આજની આ પૉસ્ટ્નું શ્રેય એમને ફાળે જાય છે.
આજના આ મુશ્કેલ સમયમાં નવપરિવર્તનો સિધ્ધ કરવાં એ કેટલું મુશ્કેલ છે તે તો આપણે સારી પેઠે જાણીએ છીએ. નવીનીકરણ એ હવે કંઈ શોખનો વિષય નથી રહ્યો. કોઇ પણ સંસ્થાનાં ટકી રહેવા માટે અને વિકસતાં રહેવા માટે તે સાવ ફરજીયાત બની રહેલ છે. પણ તેની એક બીજી બાજુ તો ધ્યાન બહાર જ જતી રહેતી જણાય છે. અને તે છે સંસ્થા, કે વ્યક્તિ,ની નવીનીકરણનો પૂરો ફાયદો ઉઠાવવાની ક્ષમતા!
ક્ષેરૉક્ષ નવીનીકરણ માટે તો  બહુ જ જાણીતું છે, પણ તે પોતાનાં નવીનીકરણનો પૂરો ફાયદો નથી લઇ શક્યું. જ્યારે સામે પક્ષે, ડૅલ તેની કેટલીય પ્રક્રિયાનું  નવીનીકરણ તો કરતું જ હતું, સાથે સાથે એ નવીનીકરણનો ચીલ ઝડપે ફાયદો પણ ઉઠાવી લેતું હતું.  આનું સહુથી મોટું ઉદાહરણ તો માઈક્રૉસૉફ્ટ છે.  તેઓ બહુ વાતે પહેલા જરૂર નહોતા, પણ, બાપ રે, તેઓ બહુ જ ઝડપથી નવીનીકરણને અનુસરી રહેતા અને પૂરે પૂરો કસ કાઢી લેતા.
એક રીતે જોઇએ તો, નવીનીકરણ કરતા રહેવાની એક ભૌતિક મર્યાદા તો છે જ. પણ બીજાં લોકોએ કરેલાં કેટલાંય નવીનીકરણો છે જેનો આપણે , પોતાના માટે, કે આપણી સંસ્થામાટે, મોટા પાયે લાભ ઉઠાવી શકીએ. એમ કરવા માટે સજ્જ થવા શું કરવું જોઇએ?
આવો, કેટલીક નમૂના સ્વરૂપ શક્યાતાઓની વાત કરીએ :
* ઉત્કંઠા: આપણી આસપાસની દુનિયામાં થતાં રહેતાં નવપરિવર્તનો નીરખવામાં અને તેમાથી શીખવામાં જો આપણે બાળસહજ જિજ્ઞાસા દાખવી શકીએ, તો આપણને આપણી સ્પર્ધાત્મક સરસાઈ મળી રહે.
* વિનમ્રતા: નવું જાણવા જેવું બધું જ આપણે જાણીએ છીએ એવો અભિગમ રાખીએ તો તો કંઇ પણ નવું શીખાય નહીં. અને જો આપણાં વિચાર જગતને નવા નિવેશ ન મળે તો, અત્યારે જે મળી રહી હોય તેનાથી વધારે સારી નીપજ પણ ક્યાંથી મળે!
* જોડાણો કરવાની ક્ષમતા: બીજા શબ્દોમાં કહીએ તો, દેખીતી રીતે અસંલગ્ન ઘટનાઓમાંથી એકસૂત્ર જોડાણક્ષમ ઘટકો ખોળી કાઢવાની ક્ષમતા. થોડી દાર્શનીક ભાષામાં કહીએ તો, શૂન્યમાંથી સર્જન કરી શકવાની ક્ષમતા!
આપણાં હરીફ ભલે ને કંઈ નવપરિવર્તનો ન કરી શકતાં હોય, પણ જો તેઓ અન્યનાં નવપરિવર્તનોનો  ભરપૂર લાભ ઉઠાવી શકતાં હોય, તો તેટલાં અંશે પણ આપણને તો ગેરફાયદો જ રહેશે.
આ વર્ષે જ ફાયદો કાઢી લઇ શકાય એવાં કયાં નવપરિવર્તનો આપણી નજર સમક્ષ તૈયાર છે?

| એપ્રિલ ૧૫, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
જ્યારે કોઇને કંઈ કામ સોંપવાનું થાય છે, ત્યારે તે ક્ષેત્રનાં અનુભવી અને સિધ્ધિ મેળવી ચૂકેલ વ્યક્તિઓને પસંદ કરવાનો અભિગમ વધારે જોવા મળે છે. તેઓ પોતાને સોંપાયેલ કામ વિષે પહેલેથીજ બધી અટકળો કરીને તૈયાર થઇ શકતાં હશે, તેમ માની લેવામાં આવે છે. 
અલબત્ત, અપણે જાણીએ જ છીએ કે, બધું જ સંભાળી લેવા યોગ્ય અનુભવ (અને સિધ્ધિઓ)વાળી વ્યક્તિ મળવી એ તો બહુ આદર્શમય પરિસ્થિતિ કહી શકાય. ઘણી વાર આપણે એવી વ્યક્તિ સાથે કામ કરવાની જરૂર પડે છે, જેમાં બધું જ કામ પાર પાડવાની આવડત તો હોય છે, પણ ભૂતકાળમાં આવાં કોઇ કામ કરવાનો તેઓને અનુભવ નથી હોતો. અને આવું બહુ જ સામાન્યતઃ બનતું જોવા મળે છે. જેમને કામ કર્યાનો અનુભવ છે તેઓ પણ એમ જ કહેશે કે તેમને પણ 'પહેલો અનુભવ' મેળવવાનો મોકો તો બધી જ રીતે સક્ષમ થયા પહેલાં જ મળેલો. જો કે તેમનાં આવડતની ક્ષમતા તો હતી. 
'પહેલા અનુભવ'સાથેની સફરમાં વ્યક્તિ કેટલું શીખે છે તેનો સીધો આધાર તેના પાસેથી કેટલી અપેક્ષા રાખવામાં આવી છે, તેના પર રહે છે.આમ તેમની પાસેથી મહત્તમ પ્રતિસાદ મળી રહે, એ માટે તેઓ શું કરી શકશે તે માટે વધારે પડતો અંદાજ બાંધવો જોઇએ. આમ કરવાથી, જો તેમની પાસેથી સામાન્ય સંજોગોમાં, આછી પાતળી, અપેક્ષા રખાઇ હોત, તેના કરતાં વધારે તણાઈને તે વ્યક્તિ મહત્તમ કરી બતાવવા પ્રેરીત થતી રહે છે.
સામાન્ય રીતે, જ્યારે કોઇ વ્યક્તિનો એ પ્રકારનું કામ કરવાનો એ 'પહેલો જ અનુભવ' હોય તો તે જે કંઇ કરી શકશે તે વિશે આપણે ઊણો અંદાજ બાંધવાનો અભિગમ અપનાવતાં હોઇએ છીએ. બંને પક્ષ વચ્ચે જાણે વણબોલ્યો કરાર થયો હોય કે 'પહેલાં'જ પ્રસંગે 'શ્રેષ્ઠ' ન થવાયું તો ચાલશે. આ અભિગમની ખામી જ એ છે કે તે વ્યક્તિની પૂરેપૂરી ક્ષમતાને ખીલી ઊઠવાની તક જ નથી મળતી. એ વ્યક્તિ ને કદી જાણવા જ નથી મળતું, કે તેનામાં 'સામાન્ય' કે 'મહાન' થવા પૈકી શેનું સામર્થ્ય છૂપાયેલું છે.
એ વ્યક્તિ શું સિધ્ધ કરી શકે એમ છે તેના વિશે ઊંચો અંદાજ બાંધવાથી થોડાં તણાઈને પણ પોતાનાથી શક્ય એટલુ વધારે કરી બતાવવાની  અમૂલ્ય તક તેને મળી રહે છે. એ સમયે તે તમને કદાચ બહુ પસંદ ન કરે એવું પણ બને, પરંતુ થોડાં વર્ષો પછી જે જ્યારે તે સફળતાનાં આકાશમાં ઊંચી ઉડાન લગાવે છે, ત્યારે તમને બહુ જ પ્રેમપૂર્વક ક જરૂર યાદ કરશે.

| એપ્રિલ ૧૭, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
કોઇ પણ મહત્વનું કામ શરૂ કરવા માટે કોઇ એક 'સરખું કારણ' કાફી છે. પણ, હવે પછી, ખેલના નિયમ બદલી નાખીશું. આપણે જે કંઇ કરવાનું નક્કી કર્યું છે, તેના માટે બીજું પણ મહત્વનું કારણ ખોળી કાઢીએ. જો પહેલું જ કારણ જ બહુ જ યોગ્ય, પર્યાપ્ત અને  ખરા અર્થમાં એ કામ કરવાનું કદાચ એક માત્ર કારણ હોય, તો પણ બીજું મહ્ત્વનું કારણ તો શોધવું જ જોઇશે. ચાલો આ વાતને હજૂ સામાન્ય રીતે જોઇએ. આ ખેલને માત્ર મજા માટે જ કરીએ.
સાવ રોજબરોજની ઘટનાઓ કે કામ માટે પણ બીજું કારણ ખૉળવાની જહેમત ઉઠાવીએ.
 આવો થઈ લઈને સાવ ગમાર જેવાં કેટલાંક ઉદાહરણો જોઇએ –
____________________________________
૧. આપણે કન્સલટન્ટ છીએ અને બહુ વાર હવાઇ સફર કરીએ છીએ.
બીજું કારણઃ:  વારંવાર ઉડ્ડયન કરવાનાની પ્રોત્સાહન યોજનાના લાભ ઉઠાવીએ.
ત્રીજું કારણ:  જુદાં જુદાં શહેરોમાં મિત્રોને મળવાનું કરીએ.
ચોથું કારણ : ફ્લાઈટમાં જુ જુદી ફિલ્મો જોઇએ અને સમયનો હળવાં મનોરંજન માટે સદુપયોગ કરીએ.
૨. કાર્યસ્થળે આવવા જવામાં દરરોજ એક કલાક લાગી જાય છે.
બીજું કારણ : છેલ્લામાં છેલ્લાં શ્રાવ્ય પુસ્તકો સાંભળીએ અને વાંચનમાટેના સમયની ખોટ પૂરી કરી લઇએ.
ત્રીજું કારણ : કાન સાથે લગાડી શકાય તેવાં સાધનો વાળા ફોનની મદદથી મિત્રો / સંબંધીઓ જોડે વાત કરી લેવાની તક ઝડપી લઇએ. 
૩. દર શુક્રવારે મંદિરે જઇએ છીએ.
બીજું કારણ : શક્ય એટલું દૂરનું મંદિર પસંદ કરીને કસરતની ખોટ પણ પૂરી કરી લઇએ.
____________________________________
કંઇ પણ કરવામાટેનાં બીજાં, ત્રીજાં કે ચોથાં કારણની ખોજ આપણી સર્જનાત્મકતા અને કલ્પનાશીલતાને તો વિકસાવે છે  જ, પણ સાથે સાથે એક જ વાતના ઘણા ફાયદા કેમ ઉઠાવી લેવા તે પણ શીખવી જાય છે. આ દુનિયામાં બધાં માટે એમ સર્વસામાન્ય સત્ય એ છે કે આપણને દરેકને દિવસના માત્ર ૨૪ કલાક જ મળ્યા છે. અને એ પણ હકીકત છે કે જુદાં જુદાં લોકોએ ૨૪ કલાકનો અલગ અલગ લાભ ઉઠાવી શકે છે.વધુ સિધ્ધ કરનારી વ્યક્તિઓની ખાસીયત જ એ છે કે તેઓ જે કંઈ કરે તેમાંથી ઘણું વધારે મેળવી લે છે.આપણે પણ ઘણું વધારે વળતર મેળવવા માટે કંઇક નવી રીત જ અપનાવવી રહી. આપણા કામના એ જ આઠ કલાક એક કરતાં વધારે વળતર આપાવા લાગે તો? આ શક્ય છે? હા, કેમ નહીં. શું તેના માટે બહુ શિસ્તબધ્ધ પ્રયાસો કરવા પડશેં? હા અને ના. એટલે કે આપણે કયા દ્રષ્ટિકોણથી વિચારીએ કે કામ કરીશું, તેના પર 'હા' અથવા 'ના'ની સંભાવનાઓ આધાર રાખે છે. તમને શું લાગે છે?
શુભેચ્છાઓ!

| એપ્રિલ ૨૦, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
જીવનમાં સમસ્યાઓ તો લાગેલી જ રહે છે.અરે, આ હું શું કહી ગયો! આશાવાદીઓ તો કહેશે કે જીવન તકની શકયતાઓથી ભરપૂર છે.
આપણે તેમને સમસ્યા કહીએ કે તક કહીએ કે પછી પરિસ્થિતિઓ કહીએ  કે કહીએ પડકારો -તે દરરોજ, આપણાં જીવનમાં, આપણી સામે જ રહેશે. આ લેખની શરૂઆતના સવાલની જેમ, આ નવી સમસ્યા કે તક, કે પરિસ્થિતિ કે પડકારને તરત જ જવાબ વાળવાનું આપણું વલણ રહેતું હોય છે. તો વળી, પાર થઇ શકીશું કે નહીં, તે જાણવા માટે કરીને તો અમલીકરણના મુખ્ય મુદ્દાઓ પણ વિચારી પાડીએ છીએ. મોટા ભાગના કિસ્સાઓમાં આ પ્રતિભાવ સાચો પણ છે.પરંતું ક્યારેક , આ નીતિ  ઈષ્ટતમ પ્રતિભાવ ન પણ પરવડે.એક ઉદાહરણ જોઇએ:
આપણાં એક સહકર્મચારી કે આપણા હાથ નીચે કામ કરનાર વ્યક્તિ કામ કરવાની સાવ જ નવી રીતની વાત રજૂ કરે છે. કારણ કે ધરમૂળથી નવી રીતની વાત છે, એટલે તેના પર સારી પેઠે ચર્ચા-વિચાર તો થવાનાં જ! હવે આ સમયે જો આપણે નિર્ણય પર પહોંચવામાં ઉતાવળ કરીએ તો શક્ય છે કે, વાતની બધી જ બાજૂઓ પર વિચાર ન કરી શકાય, કે આ વિષે વધારે જાણતાં લોકો સાથે વાત કરવાનો લાભ ન  લઇ શકાય  કે અમલમાટે જરૂરી માળખાંની વ્યવસ્થા કરી શકાય. એમ પણ જરૂરી નથી કે ભવિષ્યની દરેક રૂપરેખાઓ માટે આપણો ભૂતકાળનો અનુભવ પૂરતો અને/અથવા સક્ષમ હોય. આપણી સર્જનાત્મકતા કે કલ્પનાશીલતાની તમામ  તાકાત પણ  તરત પ્રતિભાવ આપાવની સ્થિતિમાં પણ ઊણી પડે એમ પણ બની શકે.
આવી પરિસ્થિતિમાં આપણે શું જૂદું કરી શકીએ? મારા મિત્ર, કિમ્બર્લી વૈફલિંગના મત મુજબ શ્રેષ્ઠ ઉપાય છે, "વાહ, સરસ, બીજું શું...?" એવો ટહૂકો પૂરાવતાં રહીને સામેની વ્યક્તિને બોલવામાટેની વધારે ને વધારે તક આપતાં રહીએ. શક્ય છે કે આ રીતે, આપણે કલ્પના ન કરી હોય તેવા મુદ્દાઓ પણ જાણવા મળી રહે. અને એ નવી માહિતી આપણી વિચારધારાને આમુલથી જ બદલી નાખે, તેમ પણ બની શકે.
ઠીકઠીક મોટી કહી શકાય તેવા પ્રશ્ન કે તક વિષેની વિચારણા, અને જો વળી તેનું નિરાકરણ ખાસો એવો સમય પણ માગી લે તેમ હોય તો તો ખાસ, નવી જ શૈલી માગી લે છે.એવા સંજોગમાં નિરાકરણ તરફ ઉતાવળ કરવાનો કોઇ અર્થ નથી. ન તો સારો ઉપાય હાથ લાગી શકે , અને વળી શક્ય છે કે આપણે 'હા' (કે 'ના') પણ  વધારે પડતી વહેલી કહી દઇએ. એમ પણ બને કે  પહેલી નજરે દેખાયેલ નિરાકરણ, પાછળથી સાવ ખોટું, અથવા તો બહુ આકરૂં, પણ નીવડે.

| મે ૦૪, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આ પૉસ્ટનું શ્રેય બીલ વાઈલ્સને જાય છે.
બીલ તેના SGIના દિવસોને યાદ કરતા હતા, જ્યારે તેઓ ત્યાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિકાસના વડા હતા. તેમનાં હાથ નીચેનાં સહકર્મચારીઓએ વર્ષમાં બે વાર બીલ સમક્ષ પોતાના "આયોજનન -વૈ"ની રજૂઆત કરવાની રહેતી હતી. "આયોજન - વૈ" એટલે કે ઘારો કે આવતી કાલથી તેમની નોકરી ન હોય તો શું કરવું તેનું વૈકલ્પિક આયોજન. શરૂમાં તો તેમનાં સહકર્મચારીઓને આ વિચાર બહુ ગળે નહોતો ઉતર્યો, એટલે લગભગ બધાં, કમને આ વ્યવસ્થામાં ભાગ લેતાં હતાં. જો કે થોડાં વર્ષોમાં બધાંને આ 'આયોજન - વૈ"નું મહત્વ સમજાઈ ચૂક્યું હતું.બીલનું કહેવું છે કે આજે બહુ વરીષ્ઠ કક્ષાએ પહોંચી ચૂક્યા, પછી તેમાંનાં બહુ ઘણાં લોકો આ પ્રોગ્રામ પોતાને ત્યાં પણ અમલ કરે છે.
મારા મુખ્ય  મુદ્દા પર આવતાં પહેલાં,,મારા મિત્ર,નવીન લક્કુર, જેમને બે પ્રકારનાં અજ્ઞેય કહે છે તેમની વાત કરીએ:
અ.જાણીતું અજ્ઞેય (Known Unknown)– આપણે શું નથી જાણતાં તેની આપણને ખબર છે. એટલે ક્યારે શી મદદ લઇએ તો તેને 'જાણી' શકાય તેનો આપણને, મહદ્‍ અંશે, અંદાજ છે. જેમ કે, આવતા ત્રણ મહિનામાં કરવાના કેટલાક નવા સોદાઓ.
બ. અજાણ અજ્ઞેય (Unknown unknown )– આપણને ખબર જ નથી કે આપણે શું નથી જાણતાં .જેમ કે કેટલાક મહિનાઓ માટે નવીન તેમની દ્ર્ષ્ટિ જ ગુમાવી ચૂક્યા હતા.આવી પરિસ્થિતિઓ સાથે કામ પાડવું થોડું મુશ્કેલ બની રહે છે.
હવે વાત કરી હું જે કહેવા માગું છું તેની:
આપણાં ભાથાંમાં 'આયોજન-વૈ" રાખવાથી અને થોડા થોડા સમયે તેની સમીક્ષા કરતાં રહેવાથી 'અજાણ અજ્ઞેય' સામે કંઇક અંશે રક્ષણ મળી શકવાની પરિસ્થિતિ કરી શકાય છે. 'અજાણ અજ્ઞેય'ની સામે સંપૂર્ણ સુરક્ષા કવચ તો બનાવવું મુશ્કેલ છે, પણ કંઇ ન હોય તેના કરતાં જે થોડું રક્ષણ હોય તે પણ શું ખોટું?
આપણી પાસે હાથમાં, તરત જ વાપરી શકાય તેવું, આયોજન હોવું અને તેનો અમલ કરી શકવો એ બંને જૂદી વાત છે. હા, જૂદા જૂદા વિકલ્પોને ચકાસતા રહેવાથી અને તેને લગતાં આયોજન અંગે વિચાર કરતાં રહેવાથી, અમલમાં આવી પડનાર, અણીના સમયનાં, (નકારાત્મક) આશ્ચર્યો વખતે મદદ મળી રહે ખરી!

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ત્રીજો - ગુચ્છ ૫ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ સપ્ટેમ્બર ૪, ૨૦૧૩