શનિવાર, 28 સપ્ટેમ્બર, 2013

પૂર્ણવિરામની ઝંખના - દેવદત્ત પટ્ટનાઇક

મારાં નવાં પુસ્તક "બીઝનેસ સૂત્રઃ એન ઇન્ડીયન અપ્રૉચ ટુ મૅનેજમૅન્ટ (વ્યાપાર સૂત્રઃ સંચાલન માટેનો ભારતીય અભિગમ)માં મેં પાશ્ચાત્ય પૌરાણિક શાસ્ત્રોમાં ધ્યેયની ભૂમિકાની વિવેચનાત્મક ચર્ચા કરેલ છે.ગ્રીક પુરાણોમાં સામાન્ય અને સાધારણ કક્ષાનાં લોકોથી પર, ઓલિમ્પીયન દેવો વડે થોપી દેવાયેલ મર્યાદાઓને પડકારતાં અને, તે બધાંને કારણે, પ્રશંસાપાત્ર, એવાં નાયકો માંટે આરક્ષિત સ્વર્ગ, ઈલિસીયમ,ની પરિકલ્પના જોવા મળે છે.બાઈબલીય પુરાણોમાં દૂધ, મધથી છલછલતી, જે લોકો ઇશ્વરીય આદેશોનું પાલન કરે છે એવાં લોકો માટે આઝાદીનાં પ્રતિક સમી - શ્રધ્ધાળુઓનાં નંદનવન - 'વરદાયિત ભૂમિ'ની પરિકલ્પના છે. આપણા દેશ પરનાં બ્રિટીશરોનાં આધિપત્ય પછીથી, આ બાઇબલીય અને ગ્રીક માન્યાતાઓથી પ્રભાવીત પાશ્ચાત્ય વિચારધારા આપણા દેશમાં એક મહત્વનાં પ્રભાવકારી બળ તરીકે પ્રવેશી. જાણ્યે અજાણ્યે, તેમાં આપણા બધા જ પ્રયત્નોનાં પરિણામ રૂપી વિચાર તરીકે ધ્યેયનું મૂલ્યાંકન થતું ગયું. બીનસાંપ્રદાયીક પાશ્ચાત્ય વિચાર પણ માનવીય પ્રવૃત્તિઓનાં અંતિમ સ્થાન તરીકેની જરૂરિયાતને સ્વીકારે છે. એટલે આ પ્રકારે ઘડાયેલ પાશ્ચાત્ય વિચાર હિંદુત્વનો અભ્યાસ કરે ત્યારે "હિંદુત્વનું ધ્યેય શું છે?" એ સવાલ કરે તે સ્વાભાવિક છે.

જેમ જેમ ભારતીય વિચારધારા પણ પાશ્ચાત્ય ઢાંચામાં ઢળતી ગઇ તેમ તેમ આપણે પણ હિંદુત્વને પાશ્ચાત્ય સંદર્ભમાં સમજાવતાં, અને હિંદુત્વને એક ધ્યેય, એક હેતુ વડે પ્રતિપાદીત કરતાં, થઇ ગયાં છીએ. અને આ ભૌતિક માયાઓથી ઘેરાયેલા સંસારમાંથી મુક્તિ, પુનર્જન્મની ઘટમાળમાંથી મોક્ષ, ધ્યેય બની રહ્યું છે. સિધ્ધિ પર કેન્દ્રીત પાશ્ચાત્ય વિચારો કરતાં વધારે આધ્યાત્મિક કહી શકાય એવી હિંદુત્વની આપણી પરિકલ્પના સાથે તે વધારે બંધબેસતું પણ જણાય છે. કહેવાય છે કે બૌધ્ધ ધર્મમાં પણ, વ્યક્તિગત અસ્તિત્વની જ્યોતને હોલવી કઢાયેલ હોય તે પરિસ્થિતિ, નિર્વાણ,ને એક ધ્યેય તરીકે સ્વીકારાયેલ છે. જૈન ધર્મમાં પણ, અહિંસાનાં આચરણ દ્વારા પ્રાપ્ત થયેલ કૈવલ્ય (કેવળ) સર્વજ્ઞાતા કક્ષા તરીકે સ્વીકારાયેલ છે.

આ સાચું છે ખરૂં? 

આપણે એક કદમ પાછળ હટીને થોડાં દૂરથી નીહાળીને આ વાત વિષે વિચાર કરીએ.

હિંદ મહાખંડમાં સ્ફુરેલા વિચારો અને તેની બહાર, ખાસ કરીને યુરૉપ (ગ્રીક),મધ્ય પૂર્વ (બાઇબલીય)ના વિચારોમાં તફાવત શું છે? મુખ્યત્વે ફરક કહી શકાય, પુનર્જન્મ વિશેના વિચારોનો. એક-જીંદગીની જેમ જ પુનર્જન્મ પણ એક મનોવિચાર છે.મૃત્યુ પછી શું થાય છે તે તો કોઇને પણ ખબર નથી.તેથી જુદી જુદી સંસ્કૃતિઓ નીતિપરાયણતા વિશે અલગ અલગ પ્રતિભાવ આપે છે.કોઇની દૃષ્ટિએ એ પૂર્ણ-વિરામ છે, તો કોઇની દૃષ્ટિએ એ છે એક અલ્પ-વિરામ. 

આપણે વિશ્વને જે રીતે જોઇ રહ્યાં છીએ, તે અલગ અલગ વિચારોની દૃષ્ટિ છે.

હિંદુત્વમાં નથી કોઇ પૂર્ણ વિરામ કે નથી કોઇ સીમાઓ. સમયની કોઇ આદિ નથી કે નથી કોઇ અંત. સ્થળનો કોઇ આરંભ કે નથી કોઇ અંત. જૈન પુરાણોમાં કાળ અને સ્થળને સદાય વિકસતાં રહેતાં, અને ફરતાં રહેતાં, ચક્ર તરીકે જોવામાં આવે છે.

એમ કહેવાય છે કે એ ચક્રનાં કેન્દ્રમાં કોઇ ફેલાવો કે કોઇ હલનચલન નથી હોતું - જ્યાં નીરવતા અને સ્થિરતા છે એવો ધરી દંડ, મેરુ. પરંતુ કેન્દ્રની સ્થિરતા કે પરિઘની હિલચાલનું અસ્તિત્વ એક બીજાંની ગેરહાજરીમાં શક્ય છે ખરૂં? બૌધ્ધ કે જૈન સંપ્રદાયોમાં કે આદિ શકરાચાર્ય અને બીજ કેસરી વસ્ત્ર ધારણ કરતા ગુરૂઓ અને મહંતોએ પ્રચલિત કરેલ મઠાધિપતિ હિંદુ પ્રણાલીમા, મઠતંત્રની વ્યવસ્થા નીરવ કેન્દ્રને મહત્વ આપે છે. પરંતુ સમાજને આ મંજૂર નથી, તે પારિઘિ હલચલને પ્રાધાન્ય આપે છે જ્યાં દુનિયા સતત વિકાસ અને પરિવર્તન પામતી રહે છે. તેથી સમય કાળે બૌધ્ધ સંપ્રદાયે અનુકૂલન કર્યુ અને નારી જાતિને તારા તરીકે આવરી લીધી. તે જ રીતે, જૈન સંપ્રદાયે વિરક્ત તિર્થંકરની સાથે વિપુલ પ્રમાણમાં ફળ આપતાં વૃક્ષ હેઠળ બેઠેલ યક્ષ-યક્ષી યુગલોને સ્થાન આપ્યું. હિંદુત્વમાં જતિ શિવને દેવીએ શંકર તરીકે ગૃહસ્થ બનાવી નાખ્યા. તે જ રીતે વિષ્ણુ, અવારનવાર, અવતાર લેતા રહે છે, કેમ કે તેઓ હંમેશાં જાણે છે કે તેમની સિધ્ધિઓ શાશ્વત નથી. તેમણે રામ કે કૃષ્ણ તરીકે અનેક અવતાર લેવા પડશે. હિંદુ પરીકથાઓ હંમેશાં 'પછી ખાધું પીધું અને મોજ કરી'વાળા અંતથી પૂરી નથી થતી, વિકમને હંમેશાં હાથતાળી આપીને છટકી જતા વેતાલને પકડતા રહેતા જ વર્ણવાયા છે.

આમ એક તરફ મઠવાસી સંપ્રદાયો એક નિશ્ચિત ધ્યેયની વાત કરે છે, તો બીજી તરફ સામાજીક વ્યવસ્થાઓ તેનો અસ્વીકાર કરે છે.જે દુનિયામાં બધું જ અશાશ્વત છે, જ્યાં મૃત્યુ પણ એક અલ્પવિરામ છે, ત્યાં મોક્ષ કે મુક્તિ કે કૈવલ્ય અંત બિંદુ સંભવી ન શકે, બધાં માટે તો નહીં જ.આમ જૈન પુરાણોમાં સ્થળ અને કાળની સીમાઓથી પરે વસાવાયેલ સિધ્ધલોક તિર્થંકર જેવાં બહુ જ અપવાદ એવાં મહાનુભવો માટે સુરક્ષિત છે. દરેક યુગમાં માંડ ૨૪ મહાનુભાવો જ આ કક્ષાએ પહોંચી શકે છે.બાકીનાંકરોડો જીવોએ પુનઃજન્મ લેતાં રહેવું પડશે. ધ્યેય એ બહુ જ મર્યાદીત સંખ્યાનાં લોકો માટે પહેલેથી જ નિશ્ચિત અંત છે. માત્ર બુધ્ધ જ નિર્વાણ પામે અને બીજાં બધાં પુનર્જન્મની પીડા સહેતાં રહે, એવી બૌધ્ધ પરંપરાની પરિકલ્પના સ્વીકાર્ય નહોતી, જેને પરિણામે, બધાં જ મુક્તિ ન પાંમે ત્યાં સુધી બોધિસત્વ સંસારમાં પુનર્જન્મ લેતા રહે તે વિચારને પુષ્ટિ મળતી રહી.પણ જ્યારે બધાંને જ મુક્તિ મળી જાય ત્યારે શું થશે - દુનિયાનો અંત થશે! શું તે કાયમી હશે? બુધ્ધના કહેવા મુજબ, તો તેમ થવું શક્ય નથી કારણ કે બધું નાશવંત છે. આ ઘટના ચક્ર તો ચાલુ જ રહેશે - કમ સે કમ કેટલાંક લોકો માટે તો ખરું જ.

આજનું આધુનિક મન દરેક વાતનો એક સર્વસામાન્ય, સાર્વત્રિક, હેતુલક્ષી જવાબ ચાહે છે. પણ 'આધુનિક' વિચારનાં મૂળિયાં તો યુરોપ કે અમૅરીકાં પડેલાં છે, એટલે તે પશ્ચિમના રેખીય વૈશિક દૃષ્ટિકોણ અને ધ્યેયને માને છે, અને પૂર્વ જેવી વિદેશી સુધ્ધાં દરેક જગ્યાએ ધ્યેયની જ ખોજમાં રહે છે.ધ્યેય વગરનું જીવન હેતુવિહિન, નિષ્પ્રયોજન, અર્થવિહિન જણાય છે. કુદરત સુધ્ધાંને 'ઉત્ક્રાંતિ' જેવા, અને સંસ્કૃતિને 'વિકાસ' જેવા, હેતુ પણ અપાયા છે. બધાંને ક્યાંક ને ક્યાંક તો જવું જ છે.

ભારતના ઋષિઓ સ્મિત કરતા રહે છે. હા, ધ્યેયથી આપણને સિધ્ધિ માટેની ચોક્કસ દિશા અને સીમાચિહ્નો જરૂર મળે છે. પરંતુ ધ્યેય અને સીમાચિહ્નોની જરૂર જ શી છે? આપણાં જીવનનાં પુસ્તકનું છેલ્લું પ્રકરણ કે પછી જ્યાં બધાનો અંત આવે એવો સહુથી છેવાડાનો ઓરડો સ્વર્ગ જ હોય તેવું શા માટે જરૂરી છે? જે કુદરતે આપણને ધ્યેય કે અર્થ આપ્યાં નથી તેની સાથે કામ પાડવાની આ રીત છે? શરીરનો તો પૂર્ણ વિરામ છે, પણ મનને પણ અંત હોવો જોઇએ? મન શરીરનાં મૃત્યુના વિરોધ દ્વારા તેની ભૌતિક જોહુકમીમાંથી આઝાદી ઝંખે છે?


v  અસલ અંગ્રેજી લેખ, The yearning for a full stop  લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ઑગસ્ટ ૧૧, ૨૦૧૩ના રોજ ARTICLES,  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ  સપ્ટેમ્બર ૨, ૨૦૧૩