શુક્રવાર, 18 ઑક્ટોબર, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ત્રીજો - ગુચ્છ ૮

| જુન ૭, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
જેને આપણે પસંદ કરતાં હોઇએ, તે જો આપણાથી નજદીક ન હોય, તો એ અંતર દૂર કરવા આપણે બહુ મહેનત કરીએ છીએ. એક વાર તેઓ આપણી નજદીક આવી જાય એટલે બધું ઠીક ઠાક થઇ રહે છે. થોડા સમય પછી આપણી જીંદગીમાંથી તેમનું અસ્તિત્વ રહેતું નથી. એટલે કે શાબ્દિક રીતે નહીં, પણ આપણે હવે તેમને હળવાશથી લેવા લાગીએ છીએ. માન્યામાં નથી આવતું ને? આ સવાલોના જવાબો આપો, એટલે ખયાલ આવી જશે:
 * તમારા બહુ જ નજ્દીકનાં ૧૦ મિત્રોને તમે છેલ્લે ક્યારે કહ્યું કે તેઓ તમારે માટે બહુ જ મહત્વનાં છે?
 * તમારાં જીવનસાથીની સાચી કદર તમે છેલ્લે ક્યારે કરી હતી
 * તમારાં બાળકોને તમે છેલ્લે ક્યારે કહ્યું હતું કે તેઓ તમને મળેલી શ્રેષ્ઠ ભેટ છે?
 * શાળા કે કૉલેજનાં તમારાં 'ખાસ' શિક્ષકનો તમે છેલ્લો સંપર્ક ક્યારે કર્યો હતો
 * તમારી કારકીર્દીનાં ઘડતરમાં જેમનો બહુ જ મહ્ત્વનો ફાળો રહ્યો છે, એ બૉસનો તમે છેલ્લે ક્યારે સંપર્ક કર્યો હતો?
 * 'તમારે કારણે આજનો દિવસ સુધરી ગયો' એવું તમે તમારાં સહકર્મચારીઓને છેલ્લે ક્યારે કહેલું?
આપણામાંનાં મોટાભાગે આ ભૂલ કરતાં હોઈએ છીએ - જે લોકો આપણી બહુ નજદીક હોય છે તેમને આપણે બહુ હળવાશથી લઇ લેતાં હોઇએ છીએ. તેઓ આટલાં તો આપણી નજદીક છે, હવે તેમને વધારે ધ્યાન શા માટે આપવું? આપણી પાસે જે ન હોય, આપણે તેની પાછળ જ પડતાં હોઈએ છીએ.
આપણી પાસે જે કંઇ છે તે ઇચ્છવું તો બહુ સહજ છે, અને કદાચ તેથી જ તે સામાન્યપણે જોવા નથી મળતું. આપણી પાસે જે છે તેને અવગણીને, જે નથી તેની પાછળ દોટ મૂકવી તે હંમેશાં આપણી કમજોરી રહી છે.
પ્રાર્થના કરીએ કે, આજે અને સદાય, ઇશ્વર આપણને એ બંને વચ્ચેનો તફાવત સમજવાનું ડહાપણ  બક્ષે.
એક છેલ્લો સવાલ:
તમારી નજદીકનું જ કોઈ જો તમને સાવ હળવાશથી  લેવા લાગે, તો તમને કેવું લાગશે?
| જુન ૯, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આ બ્લૉગના નવાં મુલાકાતીઓને જણાવી દઉં કે હું અમેરિકાના પશ્ચિમ કિનારે કેલીફોર્નીઆનાં સનીવેલ શહેરમાં રહું છું.
થોડા દિવસો પહેલાં પૂર્વ કિનારે રહેતા મારા મિત્રને મેં રાત્રે ૧૦ વાગ્યે એક ઇ-મેલ મોકલ્યો. વળતી જ મિનિટે તેણે જવાબ મોકલી આપ્યો. તે પછીથી તો અમે ઇ-મેલનો મારો ચલાવી અને કેટલાયે વિચારોની આપલે કરી નાખી, કેમ જાણે સામસામા બેસીને સવાલ જવાબ ન કરી રહ્યાં હોઇએ!  પછી જ્યારે એમ લાગ્યું કે આ હવે બહુ થઈ ચૂક્યું, ત્યારે મેં મારા એ મિત્રને લખ્યું:
<કાપેલો ટુકડો>
અરે ભાઇ તમે પૂર્વ કિનારાઓવાળાં અમારાં જેવાં સિલિકૉનવેલીવાળાંઓ સાથે મચી પડીને કામઢાં થવાની  વાતે અમારી સાથે હરીફાઇ કરવાનું બંધ કરો ને! તે તો અમારાં ગર્વ, આત્મસંમાન અને ઓળખનું એક માત્ર પ્રતિક છે. મહેરબાની કરીને એ તો અમારી પાસેથી છીનવી ન લો!
<કાપેલો ટુકડો>
સમગ્ર વિશ્વમાં જે ઝડપે ફેરફારો થયા કરે છે તે માનવીને, તેમાંય ખાસ કરીને માહિતી ટૅક્નોલૉજીવાળાંઓનેસખત મહેનત કરાવડાવે છે. (એક આડ વાતઃ મારી દૃષ્ટિએ ઉંદર-બિલાડીની આ હરીફાઇ જીતવામાં પોતાની બધી શક્તિ કામે લગાડવાને બદલે પોતાના વ્યક્તિત્વના સર્વોન્મુખી વિકાસમાટે વધારે ધ્યાન આપવા માટે આ યોગ્ય સમય છે.) હું પણ, બે વર્ષ પહેલાં  આ સ્થિતિનો ભોગ બની ચૂક્યો હતો. લાગલગાટ ચાર વર્ષ સુધી, એક પણ દિવસની રજા ગાળ્યા સિવાય, લગભગ દરેક શનિ-રવિ પણ, મેં કામ કર્યું હતું. હવે જ્યારે પાછળ વળીને જોઉં તો મને લાગે છે કે જો એ ચાર વર્ષ મારે ફરીથી જીવવાનાં આવે, તો હું તે જૂદી જ રીતે જીવું. જોહ્‍ન લેનને બહુ જ સરસ કહ્યું છે કે, "જ્યારે આપણે અન્ય યોજનાઓ ઘડવામાં વ્યસ્ત હોઈએ છીએ ત્યારે જે બનતું રહે છે તે જ જીવન છે." પણ હવે એ બાબતે માથાફોડ કરવાનો અર્થ નથી, કારણકે એ સમય તો સદા માટે વહી ગયો છે અને મારાં એ ચાર વર્ષ તો કોઇ રીતે પણ પાછાં તો મળવાનાં છે નહીં. પણ, હવે ભવિષ્યમાં હું જે કંઇ કરીશ તે તો નિશ્ચિતપણે  મારા હાથમાં છે. હવે પછીનાં ચાર વર્ષ બાદ જ્યારે હું પાછું વળીને જોઉં ત્યારે,આજે જે કંઇ કરું તેને કારણે  ફરીથી ચાર વર્ષ માટે અફસોસ કરવાની નોબત તો ન જ આવવી જોઈએ.
જીવનના માર્ગમાં આવતાં ગુલાબની મહેક માણવામાં કદાચ કોઇ નાણાંકીય ફાયદો નહીં હોય. ઘણાં કદાચ તેને તકની કીમત ચૂકવવવાની દૃષ્ટિએ પણ જોતાં હશે. ઘણાં એમ પણ માને છે કે જ્યારે તેમની કંપનીનાં બધાં જ લોકો આકરી મહેનત કરતાં હોય, ત્યારે પોતે તેમ ન કરીને બધાંથી અળગાં શી રીતે પડી શકે! તો વળી કેટલાંકનું એમ પણ કહેવું છે કે આજના યુગમાં જ્યાં છીએ ત્યાં જ બની રહેવા માટે પણ દોડતાં રહેવું જરૂરી છે. એટલે કે સામાન્યતઃ એવી માયતા છે કે આજની આ દોડતી જીંદગીમાં, રસ્તે પસાર થતાં ગુલાબની મહેક સુંઘવામાટે થોભવાનો સમય જ ક્યાં છે! મારા મિત્ર મજાકમાં કહેતાં કે, "આવતાં બાર વર્ષ સુધી દરરોજના બે કલાક દોડવાનુ રાખીએ, તો કદાચ જીવનને બીજાં બે વર્ષ માટે લંબાવી શકાય. પણ તેમાં કંઈ બહુ મજા નથી , કારણ કે એ બે વધારાનાં વર્ષ પણ દોડભાગમાંજ કાઢવાનાં છે. ".
ધારો કે આ બે નિયમોવાળી દોડવાની હરીફાઈમાં આપણે ભાગ લીધો છે:
૧. જ્યાં સુધી અંતિમ સ્થળ ન આવે ત્યાં સુધી દોડતાં જ રહેવાનું છે.
૨. અને જેવાં એ અંતિમ સ્થળ સુધી પહોંચીએ એટલે એ  સ્થળ હજૂ વધારે આગળ ખસેડાતું રહેશે.
શું કહ્યું, આ તો બહુ ગેરવ્યાજબી છે?  જો જવાબ હા છે, તો એનો અર્થ એ કરી શકાય કે આપણે જીંદગીમાં બહુ બધી વિગતો પ્રત્યે ધ્યાન જ નથી આપતાં!
માર્ગમાં આવતાં ગુલાબની સુગંધને માણવા થોભવું એ જીવનને માણવાનો અંગત પુરસ્કાર છે. સમય સાથે તેનું સીધું જ જોડાણ હોવાને કારણે, આ એક એવો પુરસ્કાર છે, જે ક્યાં તો મળશે અથવા સાવ હાથથી જશે.
આટલાં પગલાં લેવાં જોઇએ:
૧. આ સપ્તાહાંતમાં તમે ક્યાં અટકીને ગુલાબની સુગંધ માણી શકો એમ છો?
૨. જવાબદારીનાં માળખાં#ની શી રીતે ગુંથણી કરશો જેથી કરીને કોઇ જાતનો ભાર રાખ્યા વગર આપણે ગુલાબની સુગંધ માણવા રોકાઈશું જ?
૩. આપણી નજદીકનાં લોકો પણ તેમના માર્ગનાં ગુલાબની સુગંધ માણવા પોરો ખાય એવું કેમ કરીને ગોઠવશું
પાદ નોંધઃ આ પૉસ્ટની સમય-છાપ પર ધ્યાન ન આપશો - હું હજૂ તો સિલિકૉન વૅલીમાં જ છુ! યાદ છે ને.....

# વધારે વિગતથી વાંચવા માટે મૂળ લેખ #113 Fine tune your accountability structures અને તેનો અનુવાદ - # 113 ઉત્તરદાયિત્વનાં માળખાંની ઝીણી નકશી સાફ રાખીએ  - જરૂરથી વાંચજો.


| જુન ૧૧, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આ પ્રયોગ તો આપણે બહુ આસાનીથી કરી શકીશું. આપણાં મિત્રો કે સહકર્મચારીઓને ફટાફટ એક ટુંકી , દસ મિનિટની મીટિંગ માટે બોલાવી લઇ અને નીચેમાંથી કોઇ એક સવાલ પૂછી લઇએ:
 * મહાન નેતા કેમ બની શકાય?
 * મહાન સંચાલક થવા શુંકરવું જોઇએ?
 * તમે મિત્રમાં શું હોય તેમ ઇચ્છો છો?
 * સારો પતિ કોને કહીશું?
 * એક બહુ જ સારી ટીમ થવા માટે શું શું હોવું જરૂરી છે?
 * આદર્શ વેકેશન કેવું હોવું જોઇએ?
 * બહ જ સારી ફિલ્મ કોને કહીશું?
દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય કે પ્રતિભાવ લખવા ત્રણ મિનિટનો સમય આપીશું. બધા જવાબો એકઠા કરીને તેમાં જે બેવડાયા તે જવાબો એકઠા કરી નાખીશું. હવે આપણને જે યાદી જોવા મળશે તે ચોંકાવનારી હોઇ શકે છે. આપણો સવાલ કોઇ પણ હશે, બધાજ જવાબોમાં એક વાત તો જોવા મળશે કે બધાંને, દરેક વખતે, ખુશ કરવાં એ કેટલું ભગીરથ કાર્ય છે.
માન્યું કે આપણે બધાં સાથે બહુ સલુકાઇથી વર્તવું જોઇએ. આપણને બહુ જ સારા સંબંધોનો ખપ તો છે જ ને! પરંતુ એ પણ એટલું જ સ્પષ્ટ છે કે આ એક આદર્શ વ્યવસ્થા છે. જેવાં આપણે વાસ્તવિકતાની નજર માડીને,  સામાન્ય સંજોગોમાં લોકો સાથે વર્તતાં હોઇએ તેમ વર્તવાનું શરૂ કરીએ, એટલે એક વાત દીવા જેવી ચોખ્ખી થઈ જાય છે કે, "દરેકે દરેક વ્યક્તિ સાવ અલગ છે". એ દરેકને ખુશ કરવી તે તો બહુ મુશ્કેલ કામ છે. અને ધારો કે આપણે કદાચ સફળ પણ થયાં, તો જે કંઇ ભોગ આપવા પડે, કે જે કંઇ કિંમત ચૂકવવી પડે, તેનુ યોગ્ય વળતર મળશે કે તેમ તે તો નક્કી નથી જ.
અને છેલ્લે,એક વાત યાદ કરી લઈએ.  બધાંને ખુશ કરવાના પ્રયત્નો ન કરવાને કારણે આપણી સફળતાના પાયામાં આપણને થોડી રાહત જરૂર મળશે. અને જો આ દલીલ સાથે સહમત થઇએ,  તો એ પણ યાદ રહે કે આપણી આસપાસનાં બધાં પણ આપણને ખુશ કરવા મહેનત નહીં કરે. નિયમ તો બન્ને પક્ષે સરખો જ લાગુ પડે ને!
| જુન ૧૩, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
ACGના એક કાર્યક્રમમાં કીમ્બર્લી વૈફલીંગ એક બહુ જ રસપ્રદ કાર્યશાળાનું સંચાલન કરી રહ્યાં હતાં.  ટીમ તરીકે કામ કરવા અંગેની તેમની કસોટીની રજૂઆત હું પહેલાં બે વાર જોઈ ચૂક્યો હતો, પણ આ વખતે તો, તેઓ જે વાત સમજાવા માગતાં હતાં તે વિશે વળી સાવે સાવ જ સમજ પડી ગઈ.  કસોટી આમ તો બહુ સરળ છે અને આપણી ઑફિસમાં પણ તે કરી શકાય તેમ છે. તેની અસર જાદુઈ છે.
લગભગ ૧૨ લોકોને ભેગાં કરી અને તેમને છ છ લોકોની બે ટીમમાં વહેંચી કાઢો. આ છ લોકોનેબીજી ટીમનાં છ લોકોની સામે, પોત પોતાના હાથ આગળ લંબાવીને, ઊભાં રાખો. ચોવીસે હાથ હથેળી ખુલ્લી અને અંગુઠા ઉપર રાખેલ સ્થિતિમાં સરેખિત હોવા જોઇએ.  હવે એક લાંબી, પાતળી. લાકડી તેમના હાથ પર રાખો.  ધ્યાન રહે કે બધાંના હાથ એ લાકડીને અડતા હોવા જોઈએ. હેતુ અને શરતો આ મુજબ છે:
ક) લાકડીને એક ટીમ તરીકે જમીન પર મૂકવાની છે
ખ) આ આખી સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કોઇનો પણ લાકડી સાથે સંપર્ક છૂટવો ન જોઇએ
ગ) જો કોઈનો સંપર્ક છૂટી જાય તો તે ટીમમાંથી બહાર થઇ જશે
હવે જૂઓ મજા. લાક્ડી નીચે તરફ જવાને બદલે, મોટા ભાગના કિસ્સાઓમાં, ઉપર તરફ જશે. બધાં જ સભ્યો ગમે તેટલીવાર વ્યૂહરચના ઘડે કે આયોજન કરે કે જૂદી જૂદી રીત અમલ કરે, પરિણામ એ જ આવશે. લાકડી નીચે તરફ નહીં જ જાય.
કેમ, શું સમસ્યા હોઇ શકે છે? જવાબ પણ સરળ જ છે. ટીમ (અ) અને ટીમ (બ)નાં સભ્યોની કાર્યાવલિ પર નજર કરતાં જ આ ગુથ્થી સમજાઈ જશે.  સમગ્ર ટીમનું લક્ષ્ય છે કે લાકડીને નીચે લઈ જવી, પણ દરેક સભ્યનું લક્ષ્ય એ છે કે લાકડીનો સંપર્ક છૂટી જવાને કારણે આ ખેલમાંથી (પોતાની ટીમમાંથી) બહાર ન થઇ જવાય. બન્નેમાં લક્ષ્યમાં કંઇક વિરોધાભાસ દેખાય છે? સાવ સાચ્ચું!  દરેક વ્યક્તિની પહેલી પ્રાથમિકતા એ છે કે લાકડી સાથેનો સંપર્ક છૂટી ન જાય, એટલે  વ્યક્તિ  - અજાણતાં જ  - લાકડીને ઉપર તરફ ધક્કો મારતી રહે તો જ તેનો લાકડી સાથેનો સંપર્ક તૂટી ન જાય તેમ શકય બને. જ્યારે ટીમનું લક્ષ્ય તો લાકડીને નીચે તરફ લઈ જવાનું છે.
ચાલો, આ તો રમતની વાત  થઇ. જો કે તેનાથી મૂળ મુદ્દો તો સ્પષ્ટપણે સમજાય છે. આવું વાસ્તવિક જીંદગીમાં પણ બની શકે છે. આપણી ખુદની ટીમ તરફ એક ઘનિષ્ઠ નજર કરીશું તો ટીમ અને વ્યકિતની કાર્યસૂચિ વચ્ચેનાં અંતર અચૂક નજરે પડશે.  જો એ અંતર વિસંવાદનાં સ્વરૂપમાં હશે તો સમસ્યાઓ દેખાતી રહેશે. અને જો અંતર બહુ વધારે હશે તો ટીમની કામગીરી કથળતી જતી જણાશે. અંગત રીતે, આપણે જે ટીમનાં સભ્ય હોઇએ, તે દરેક ટીમનાં લક્ષ્યો  કે પ્રાથમિકતાઓ સાથે આપણે એકરાગ રહીએ તે બહુ જ જરૂરી છે. તેને પરિણામે આપણે બિનઉત્પાદક બાબતોમાં સમય બગાડવામાંથી મુક્તિ પામી શકશું!
| જુન ૧૫, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આપણે દરરોજ કોઇની ને કોઇની ભલામણ કરતાં હોઇએ છીએ. એ ખેલમાં આપણે ભલામણ મેળાવનાર કે ભલામણ આપનાર એવો કોઇ પણ પાઠ તો ભજવતાં જ રહેતાં હોઇએ છીએ. આ શનિ-રવિમાં કઇ ફિલ્મ જોવી એવી સામાન્ય બાબતથી માંડીને એક નવી કંપની ખરીદવામા ટે કયા સલાહ કાર શ્રેષ્ઠ રહેશે ત્યાં સુધીની કક્ષાની ભલામણોનો ફલક આવરી લેવાતો રહેતો હોય છે. સામાન્યતઃ આપણી બહુ વ્યસ્ત જીંદગીમાં ભલામણ માટેની દરખાસ્ત પર આપણે જેટલું આપવું જોઇએ એટલું ધ્યાન કદાચ નથી આપી શકતાં.
એક બહુ જ સાદી પરિસ્થિતિની કલ્પના કરો. કોઇ એક નવાં શહેરમાં આપણે ખોવાઇ ગયાં છીએ, અને આપણે કોઇ પાસેથી માર્ગદર્શન માગીએ છીએ અને તે વ્યક્તિ આપણને ખોટી દિશા બતાવી દે છે. આપણે પહેલાં તો તેની વાતમાં ભરોસો કરીએ છીએ, પણ પછી જ્યારે સમય બગડી રહ્યો છે તેવું જણાતાંની સાથે જ એ વ્યક્તિ પર ગીન્નાઇએ છીએ. આપણી નારાજગીનું સ્તર, આપણે જે જગ્યાએ જવું હતું તે કેટલું મહત્વનું છે, તેના પર આધાર રાખે છે.જો કોઈ મહત્વની મુલાકાત માટે જવાનું હોય અને ખોટી દિશાઓને કારણે બગડેલા સમયને કારણે જો તે સમય ચૂકી ગયાં હોઇએ, તો પેલી વ્યક્તિને આપણે કદાચ કદી માફ પણ ન કરીએ. આપણને એમ જ થાય કે એના કરતાં તો એમણે ખબર નથી એવું કહ્યું હોત, તો વધારે સારૂં થાત, આપણને બીજી કોઇ વ્યક્તિને પૂછવાનો મોકો તો મળત.
ભલામણોનું પણ એવું જ છે.ખોટી ભલામણની બહુ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે, કારણ કે ખોટી દિશામાં જવાની કિંમત તો ચૂકવવી જ પડતી હોય છે. આપણા પર વિશ્વાસ હોવાને કારણે જ કોઇ પણ આપણી ભલામણ માગતું હોય છે. ખોટી ભલામણ, વિશ્વાસના એ  કિલ્લાની, એક કાંગરી તો ખેરવી નાખતી હોય છે. અને એવી ભૂલ (કે મુર્ખામી[?]) જો વારં વાર કરી તો, પછીથી કોઇની ભલામણ કરાવાનો વારો જ ન આવે એમ પણ બને. આપણે જ્યારે કોઇ વિશે ભલામણ કરતાં હોઇએ ત્યારે, ખાસ ધ્યાન રાખવું જોઇએ કે:
ક) તમારી વિશ્વનીયતા દાવ પર લાગેલી છે, અને
ખ) સામેની વ્યક્તિએ આપણા પર મૂકેલ ભરોસાની વિશ્વનીયતા દાવ પર છે
એટલે જેવું કોઇ આપણી પાસે ભલામણ માંગતું આવે એટલે કુદી પડીને ભલામણ કરી નાખતાં પહેલાં, બરાબર વિચાર કરી લેવો જોઇએ કે જેથી એ ભલામણથી બંને પક્ષને ફાયદો જ થાય. દરેક વખતે આમ જ કરી શકવું તે કદાચ શક્ય ના પણ બને, પણ જે જે સંજોગોમાં, એ ભલામણ વિશે આપણે જે કંઇ (અને તેટલી પણ) સંભાળ લેવી જોઇએ તે સંભાળ તો આપ્ણે લેવી જ જોઇએ.
નોંધ: જો આ બાતે જરા પણ અવઢવ હોય, તો અધૂરી કે અયોગ્ય ભલામણ કરવા કરતાં ભલામણ ન કરવાનું કહેવું એ સહુથી વધારે ઉચિત પગલું કહી શકાય. બધાં, બધી જ બાબતોમાં, દરેક સંજોગોમાં નિપુણ જ હોય તેવું જરૂરી થોડું છે!

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ત્રીજો - ગુચ્છ ૮  // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઑક્ટોબ૨ ૧૮, ૨૦૧૩