મંગળવાર, 22 ઑક્ટોબર, 2013

છદ્મવેશમાં છૂટ્ટો ફરતો શિકારી - દેવદત્ત પટ્ટનાઇક

હું માનવ સંસાધન ક્ષ્રેત્રમા કાર્યરત વ્યાવસાયીક છું, અને એક મુશ્કેલીમાં છું. મારાં મોટાં સાહેબ મારી સાથે યૌન ચેનચાળા કરે છે, જેનાથી મને બહુ જ અસુખ અનુભવાય છે. તે બહુ પક્કા છે, તેઓ જે કંઇ કરે છે કે કહે છે તેના મારી પાસે કોઈ જ પૂરાવા નથી રહેતા. પણ તેને ખબર છે કે તેને શું જોઇએ છે, અને મને પણ ખબર છે કે તેને શું જોઈએ છે.  આ બધું હવે મારી કારકીર્દી પર અવળી અસર કરી રહ્યું છે, કારણ કે બધા જ મહત્વના નિર્ણયો તે એવી રીતે લે છે જેમાં મારે ભાગે સહન કરવાનું આવે.  મને મારૂં કામ બહુ જ પસંદ છે,  તેમ જ મારે માટે એ આવક પણ બહુ જ મહત્વ ધરાવે છે. અમારાં વરીષ્ઠ પદાધિકારીઓ પાસે તેની ફરીયાદ કરવી પણ મુશ્કેલ છે, કેમ કે તે તો બહુ જ સિધ્ધ કામ કરનાર સાબિત થઈ ચૂકેલ છે, એટલે આવી બાબતોમાં મારો પક્ષ પણ કોઇ બહુ જલ્દીથી લે નહીં. હવે મારે શું કરવું?
તમે તમારી જાતિ નથી જણાવી. હું તે વિશે અનુમાન પણ નહીં કરૂં. આજ કાલ તો કોઇ પણ જાતીય સતામણીનું  ભોગ બની શકે છે. એટલે આ લેખ પણ નિષ્પક્ષ જાતિના સંદર્ભમાં વાંચી શું.
આપણે હંમેશાં ત્રણ વિશ્વમાં રહેતાં હોઈએ છીએ : સંસ્કૃતિ (સમાજ) બ્રહ્માનન્દ (કલ્પના) અને પ્રકૃતિ (કુદરત).
સંસ્કૃતિ નિયમો પર આધારીત હોય છે: એ નિયમો આ પ્રકારની ગેરવર્તણૂંક બાબતે બહુ સ્પષ્ટ હોય છે. તમારા મોટા સાહેબ સીમા રેખા ઓળંગી રહ્યા છે, તેમને ક્યાં તો ત્યાંથી પાછા ફેરવવા પડે અને ક્યાં તો તેમને સજા કરવી પડે.પણ કાયદાનું તંત્ર તો પુરાવાના આધાર પર ઘડાયેલું છે; અને તમારી દાદ સાબિત કરવા માટે તમારી પાસે  કોઈ પૂરાવો નથી. એટલે જો તમે કોઇ પૂરાવો ન રજૂ કરી શકો તો એક સજ્જન, અને તેમાંય વળી સિધ્ધ કર્મીષ્ઠ, વ્યક્તિનાં ચારિત્ર્ય પર છાંટા ઉડાડી રહ્યાં છો તેમ દેખાશે, જે પણ તમારી કારકીર્દીના હિતમાં તો નથી જ. તમે તો એક પ્રવર માનવ સંસાધન સંચાલક છો, તમે  જાતીય સતામણી અને તેના કાયદાકીય ઉપાયો જેવા વિષય પર એક જાહેર કાર્યશાળા જ ગોઠવો ને! કંપનીનાં મૂલ્યોને વધુ ઘનીષ્ઠપણે પ્રસ્થાપિત કરવામાં આવી કાર્યશાળાઓનાં મહત્વને તમે ગાઈ વગાડી પણ શકો. કમ સે કમ, જાહેરમાં તો કોઇ તેનો વિરોધ નહીં કરી શકે. કંપનીનાં બધાં જ પ્રવર સંચાલકોને નીમંત્રણ જરૂર મોકલજો. બીજી કંપનીઓનાં તારલા જેવાં કર્મીષ્ઠોની, નિયમોનાં હાર્દને પાલન ન કરવાને કારણે  જે કંઈ હાલત કરવામાં આવી હોય તેની  જાહેરમાં જાણવા મળેલ વાતોની કાપલીઓ પણ સૂચના પટ પર આ કાર્યક્રમની જાહેરાત સાથે લગાડવાનું ચૂકશો નહીં.  શક્ય છે કે, આને કારણે તમારા મોટા સાહેબ સાનમાં,  કદાચ, સમજી જશે.
આપણે પરિસ્થિતિને જે રીતે જોઇએ છીએ તે 'બ્રહ્માનંદ' છે. બહારની દુનિયામાંથી આપણે કઇ રીતે સંકેત મેળવીએ છીએ, કે તેનું અર્થઘટન કરીએ છીએ, તેના પર તેનો આધાર રહેલો છે. આ દુનિયા પૂરેપૂરી આપણા તાબામાં છે.આપણે તેના સર્જક, બ્રહ્મ,છીએ અને તેથી જ વેદમાં अहं ब्रह्मास्मि (હું બ્રહ્મ છું) કે  तत् त्वम् असि (અને તે તમે છો) સૂત્રો જોવા મળે છે. આપણને તેમનાં સંકેત સમજાય છે અને તેથી આપણે એ રીતે પ્રતિસાદ આપીએ કે તેને સ્પષ્ટપણે સમજ પડી જાય કે આપણે તેમના આશયને બરાબર સમજીએ છીએ અને આપણને તે અનુકુળ પણ છે.  અહીં આપણી પાસે પસંદગીનો વિકલ્પ છે. આપણે સમજ્યાં છીએ એમ ન પણ જણાવી શકીએ. એ જ્ઞાન વડે આપણું રક્ષણ કરતાં રહીએ, અને સાથે સાથે તેને જણાવા પણ દઈએ કે આપણે સમજી ગયાં છીએ. સાવ અજાણ્યાં બનીને તમારી વ્યાવસાયિક ભૂમિકા ભજવતાં રહીએ, તેને જરા સરખી પણ ગંધ ન આવવી જોઇએ કે 'મને તમારા આશયની પાક્કી ખબર છે',  કેમ કે તેને જાણ કરવાથી તો આગમાં ઘી ઉમેરવાનો ઘાટ થવાની શક્યતાઓ રહી છે. જો તેને એમ થશે કે તમને હજુ સમજ નથી પડી તો તે તેના પ્રયત્નો, હજૂ વધારે ઘનિષ્ઠપણે, બેવડાવશે. જેમાં તે ક્યાંક, એસએમએસ કે ઇ-મેલ મોકલવા જેવી કોઇ  ભૂલ કરી બેસશેજે તમને પુરાવા તરીકે કામ આવશે...
પ્રકૃતિ એ કુદરત છે. અને કુદરતમાં આપણી બધી જ માનવીય શક્તિ છતાં પણ આપણે પણ એક - શિકાર કે શિકારી - પ્રાણી જ છીએ. આપણને બધાંને  સત્તાની ભૂખ હોય છે. એટલે કોઇ પર હાવી થવાની, અને તે રીતે સુરક્ષિત અનુભવવાની, કોઇ પણ તક આપણે જતી નથી કરતાં. જ્યારે વ્યક્તિ કામુક શિકારીના સ્વરૂપમાં વર્તે છે ત્યારે તે ભૂખી છે તેમ જણાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તે અપર્યાપ્તતા કે અધૂરાશ કે અમાન્યતાની લાગણી અનુભવે છે અને એટલે તેને ક્યાં તો ખોરાક, કે કોઇ પ્રકારનું વિજયચિહ્ન, જોઇએ છે જેના વડે તેને માન્યતા કે સંતોષ મળે છે. તમારી દૃષ્ટિએ, તમારા મોટાસાહેબ બહુ જ સિધ્ધ કર્મીષ્ઠ છે પણ તેમ છતાં જીવનમાં તેમને જે મળવું જોઈએ તે નથી મળ્યું, જેની તેમને સુશુપ્ત ભૂખ રહી ગઈ છે. અને તેથી તેમનામાં, ખાસ કરીને નબળાં કે સહેલાઇથી પાડી દઈ શકાય એવાં લક્ષ્યને, પકડીને કે ઝડપીને મેળવી લેવાની વાસના સળવળતી રહેતી જણાય છે. તેમનાં કામુક (છૂપાં) 'પરાક્રમો' આ વાતનું પ્રતિક ગણી શકાય. જોખમ સાથે છેડછાડ , અને તેમાંથી બચી નીકળવાની ચેષ્ટાઓમાં, તે પોતાનો પ્રભાવ જૂએ છે . તમે જેમ જેમ તેમનો વિરોધ કરશો એમ એમ તે વધારે ઉત્તેજીત થતા રહેશે. પકડદાવમાં એક અનેરો આનંદ છૂપાયેલો રહેલ છે. એટલે, તમારે એ ધ્યાન રાખવાનું છે કે એક ભલી ભાંતિ સમજદાર મનુષ્યની ખાલમાં તમે એક પ્રાણી સાથે કામ લઈ રહ્યાં છો. કોઇને પણ આયનામાં પોતાનું વરવું પ્રતિબીંબ જોવાનું ગમતું નથી. પોતામાં છૂપાયેલાં પ્રાણીને બેનકાબ થતું જોવું કોને ગમે!
તમે જો તમારી જાતને દુઃખી હાલતમાં જ જોશો, તો તમે હંમેશાં દુઃખનાં ભોગ બની રહેશો. શિકારી શિકારની ભયભીત મનોદશા પર તો મુસ્તાક હોય છે. એટલે તેને પોષણ ન પુરૂં પાડશો. તમારી જાતને એવા નાયક તરીકે કલ્પો જેને આવાં પ્રાણીઓથી ડરવાની વાત કબુલ નથી.  સ્વબચાવ અને સંસ્થાના રક્ષણ માટે નક્કર પગલાં લો. તમારાં મિત્રો અને કુટુંબ સાથે તમારી ભાવના અને પુરાવાના અભાવની વાત કરતાં રહો. આખી વાતને હસી કાઢો, તમારા ભય અને ડરને વાચા જરૂર આપો જેથી કોઇ ન તો તમારી સામે આંગળી ચીંધી શકે, તેમ જ અજાણ હોવાનું બહાનું પણ ન ધરી શકે.તેમની સાથે એકલાં કામ કરવાનું તો કોઇ પણ સંજોગોમાં ટાળજો. સંસ્ક્રુતિના નિયમોની જોરદાર દુહાઇ દેતાં રહેજો. આમ, જ્યારે સામે ચાલીને પ્રશ્નને પડકારી શકાય તેમ નથી તો તેને હળવો કરી નાખવાનો વ્યૂહ અપનાવોઃ તમારી કંપનીમાં જાતીય સતામણીને એક મહત્વનો ચર્ચાનો વિષય બનાવી દો. શક્ય હોય તો મોટા સાહેબનાં કુટુંબીજનો સાથે સંબંધો કેળવો. શિકારીને સમજ પડી જવી જોઇએ કે સીમારેખા ઓળંગવામાં વધારે નુકસાન તેને પક્ષે જ છે. તેને વશમાં કરવામાટે થોડો સમય જરૂર લાગશે, પણ  એ બધા જ પ્રકારના પ્રયત્નો દરમ્યાન એટલું જરૂર યાદ રાખજો કે તેના આ બધા ધમપછાડાની પાછળ તેનો પણ ભય છૂપાયેલો છે.
*      ETની 'કૉર્પોરેટ ડૉસ્સીયર' પૂર્તિમાં મે ૨૪, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ.
v  અસલ અંગ્રેજી લેખ, Predator on the Prowl  લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર સપ્ટેમ્બર ૦૧, ૨૦૧૩ના રોજ articles  indian mythology   leadership,  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ  ઓક્ટોબર ૨૨, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો