શનિવાર, 26 ઑક્ટોબર, 2013

આવિષ્કાર કર્યા પહેલાં સમયનું અસ્તિત્વ નથી હોતું - સેથ ગૉડીન

આંતર્‍ખંડીય ટ્રેનોની શરૂઆત થવાથી સમય-કટિબંધની પણ શોધ થઈ. કોઇ પણ ગામમાં રહેતાં હો, પણ બધાંએ એક સાથે, એક જ સમય પર કદમ મેળવાની, પહેલી વાર જરૂર પડી. 

હવે, કેટલીક પેઢીઓ પછી આપણાં ગજવામાં સાથે ફરતાં ટચુકડાં કમ્પ્યુટરને કારણે હવે આપણે સેકંડે સેકંડનો તાલ મેળવતાં થઇ ગયાં છીએ. 

સમયની ઉધારી કરી શકાય છે, તેનો વ્યય પણ કરી શકાય છે અને તેને ખર્ચી નાખી પણ શકાય છે. આપણને સમય 'મળે' છે, આપણે સમય ધીમો પાડી દઈ શકીએ છીએ, આપણે જોઇએ તેટલો સમય પણ લઇ શકીએ છીએ. મિલરે તો હાથ ઊંચા કરી દઈને સમયની 'ધોલાઇ કરી કાઢી' હતી. આપણે સમયસર સંભાળ લેવા પર, મુશ્કેલ સમય પર, અંતિમ સમય પર તો એકાગ્ર થતાં રહીએ છીએ. તો વળી, મહાન ઘડી, દિવસપ્રકાશની બચત, સમયની સાથેની હરિફાઈ તેમ જ સહુથી પહેલો, સહુથી છેલ્લો, અણિનો સમય….ની વાત જ નિરાળી છે.

સમય એટલો પરિવર્તનશીલ છે, એટલો આપણા અનુભવ પર આધારીત છે કે સમયનું નિરપેક્ષ માપ તો સાવ જ અર્થવિહિન જણાય. અને જો જો, સાપેક્ષતા અને સમયકાળમાં સફરની વાત તો માંડી જ ન બેસશો! 

આપણે આપણાં ગમતાં લોકો સાથે સમય પસાર કરતાં હોઇએ તેના કરતાં તો બસની લાં...બી મુસાફરીમાં સમયની ગતિ ક્યાંય ધીમી પડી જાય છે. ઘણા કિસ્સાઓમાં, હજાર રૂપિયા બચાવવા એક કલાક ખર્ચી નાખતાં આપણે અચકાઇશું નહીં, પણ એક કલાક બચાવવા માટે એક હજાર રૂપિયા ખર્ચતાં આપણો જીવ નથી ચાલતો.

સમયનું અસ્તિત્વ નથી, કમ સે કમ જે રીતે મોટા ભાગનાં લોકોને મન તેની જે કિંમત હોય છે તે રીતે તો નહીં જ. જો કે આપણી રોજબરોજની કથાઓ પર આપણા સમયની કહાની વાર તો રહે જ છે.

v  અસલ અંગ્રેજી લેખ, Time doesn't exist until we invent it, લેખકનીવૅબસાઇટ, Seth Godin,પર ઓક્ટોબર ૧૫, ૨૦૧૩નારોજ પ્રસિધ્ધ થયેલછે.
      - અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદǁ ઓક્ટોબર ૨૬, ૨૦૧૩

અનુવાદકની પાદ નોંધઃ
  • નવેમ્બર ૨૦૧૨નાં 'નવનીત સમર્પણ'ના દિપોત્સવી વિશેષાંકનો વિષય "સમય" હતો. સમય (કાળ) વિશે તેમાં દાર્શનીક, વૈજ્ઞાનિક , લલિત કળા અને સહિત્ય સંબંધી બહુ જ અલગ આયામોની રજૂઆત કરતા લેખો તેમાં વાંચવા મળશે. એ લેખોની ટુંકી નોંધ અહીં વાંચી શકાશે.
  • વેગ ગુર્જરીના 'વિજ્ઞાનને ઓવારે' વિભાગમાં શ્રી મુરજીભાઈ ગડાના લેખ - સમય -૧ અને સમય – ૨ : સમય શું છે? - પણ સમયના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને સરળતાથી સમજાવે છે.