શુક્રવાર, 15 નવેમ્બર, 2013

સંપત્તિ પ્રેમી - દેવદત્ત પટ્ટનાઇક

લક્ષ્મી સંપત્તિનાં દેવી છે. ભારતમાં તે સહુથી વધારે લોકપ્રિય છે. તેમની મૂર્તિઓ બૌધ્ધ કે હિંદુ કે જૈન દેવાલયોમાં પણ જોવા મળે છે. દુકાનોના થડાથી માંડી દરેક વ્યાપારી સંસ્થાઓમાં પણ તેમની મૂર્તિઓ કે ચિત્રો જોવા મળશે. એ બધાંમાં તેઓ કમળ અને અન્નકળશ લઇને, તેમની હથેળીમાંથી સોનાના સિક્કાઓ પ્રગટ થઇ રહ્યા હોય એવી મુદ્રામાં કમળ પર બિરાજમાન થયેલાં જોવા મળે છે.મૅનેજમૅન્ટ મહાવિદ્યાલયોમાં તેમના વિષે શીખવાડાતું ભલે ન હોય, પરંતુ તેઓ આપણા ધર્મનો ભાગ છે. આ દેવીના અભ્યાસ વડે આપણે જાણી શકીશું કે પ્રાચીન ભારતીય લોકો સંપત્તિ અને અર્થકારણ અંગે શું વિચારતાં હતાં.

 ઘણાં લોકો મને કહેતાં હોય છે કે : 'આમ જૂઓ તો, લક્ષ્મી માત્ર ભૌતિક સંપત્તિ જ નથી.....’. એમ કહી શકાય કે સાદગીમય ગાંધી વિચારસરણી કે આશ્રમોની સંયમી પરંપરાને કારણે આ પ્રકારની બેચેની હોઇ શકે છે. વિનોદી ચિત્રવાર્તાઓમાં આપણે વાંચી છીએ કે પૈસાને અડતાં જ સાધુ બિમાર પડી જાય છે. એમ પણ કહેવાય છે કે જે સ્ત્રી કે પુરૂષો સંપત્તિનો ત્યાગ કરી દે છે તેઓ, બીજાં બધાં કરતાં વધારે પવિત્ર અને ઇશ્વરની વધારે નજીક એવાં, ઋષિમુનિઓનો દરજ્જો પામે છે. આ વાત આમ તો બહુ વિચિત્ર લાગે, કારણકે લક્ષ્મી તો દેવી છે, વળી વિશ્વના સંરક્ષક એવા વિષ્ણુ ભગવાનનાં પ્રિય છે. વિષ્ણુની ભક્તિ તો સમૃદ્ધિ અને વિપુલતાના અધિપતિ એવા શ્રીનાથ કે તિરૂપતિ તરીકે બહુ જ મોટે પાયે થાય છે.

 ખરેખર શાણપણ તો સંપત્તિના સંદર્ભને સમજવામાં છે, તેના પરિત્યાગમાં નહીં. આપણે, ભારતીયોએ, લક્ષ્મીનાં મહત્વને સમજવાનું શાણપણ ગુમાવી દીધું લાગે છે. પુરાણોમાં કહેવાયું છે કે વિષ્ણુ હંમેશાં સંપત્તિને ખેંચી લાવે છે. એટલે જ તેમનું નિવાસસ્થાન, વૈકુંઠ, સુખસમૃધ્ધિનો પ્રદેશ, રંગભૂમિ, કહેવાય છે. તેની સરખામણીમાં દેવોના રાજા ઇંદ્રનું નિવાસસ્થાન, સ્વર્ગ, હંમેશાં દૈત્યો સાથેનાં યુધ્ધોનો અખાડો બની રહેલ જોવા મળે છે.ઇંદ્રની સંપત્તિની પાછળની દોડ, અને અસુરોથી તે સંપત્તિને બચાવ્યે રાખવાની મથામણને કારણે તેમનું નિવાસસ્થાન રણભૂમિ બની રહેલ છે.

 આ સમગ્ર વિચારને બાળકોને સૂવડાવી દેવા માટેની કોઇ પણ વાર્તા કે કોઈ એક જોખમી ધાર્મિક વિભાવનાની દૃષ્ટિએ ન જોવો જોઇએ. આ બાબતે આપણે લક્ષ્મી જ્યારે જાતે આપણે ત્યાં આવે છે ત્યારે ખુશીઓને સાથે લઈને આવે છે, પરંતુ જો તેને ખેંચીને લઈ આવીએ છીએ, તો ખુશીઓ આપણાથી દૂર જતી રહે છે એ વિચારસરણીનો દૃષ્ટિકોણ અપનાવવાની જરૂર છે. એટલે હવે સવાલ એ છે કે, આજે ભારત સ્વર્ગ છે કે વૈકુંઠ? આપણો પહેલો પ્રતિભાવ તો એ જ હોય કે - સ્વર્ગ તો નહીં જ! પરંતુ આ સાચું નથી.આપણે ત્યાં બેસુમાર સફળ, તેમ જ ધનાઢય લોકો અને સમૃધ્ધ કંપનીઓનો તોટો નથી. પરંતુ તેઓ કારીગરો સાથે કે અદાલતો સાથે, કે નિયમનકારો સાથે, કે જમીન મેળવવા માટે સ્થાનિક ગ્રામીણ લોકો સાથે, કે સરકાર પાસેથી પરવાનાઓ મેળવવાના વિવાદોના વમળોમાં ઘેરાયેલાં પડેલ જ જોવા મળે છે.ઇન્દ્રની જેમ,જ્યારે જૂઓ ત્યારે તેઓ સમરાંગણમાં જ જોવા મળે છે. આપણે રોકાણો આકર્ષી નથી શકતાં, એટલે આપણે વૈકુંઠમાં તો ન જ કહેવાઇએ. વર્ષોવર્ષ વિપુલ પાક થતા હોવા છતાં આપણે હજૂ પણ કૂપોષણ અને ભૂખમરા સાથેની લડાઈ લડતાં રહીએ છીએ, એટલે આપણે સ્વર્ગમાં છીએ એમ જ કહી શકાય. અને એટલે જ, આપણે ઇન્દ્રને નહીં પણ વિષ્ણુને પૂજીએ છીએ. તેથી જ ભારતનું નામ ગુંજતું નથી. રોકાણકારોને તો તેમની પુંજી જ્યાં સુરક્ષિત હોય અને વૃધ્ધિ પામે તેવાં વૈકુંઠની શોધ હોય છે. તેમની ખોજ વિષ્ણુ માટેની છે.

 ઇન્દ્ર અને વિષ્ણુ વચ્ચે તાત્ત્વિક તફાવત એ છે કે, ઇન્દ્ર પોતાના અને તેના માલિકીઅંશધારકોનાં હિત વિષે જ વિચાર કરે છે. માલિકીઅંશધારકોની જેમ, તેઓ માટે હિતરક્ષા એ તેમનો હક્ક છે. જ્યારે વિષ્ણુ બધાં - કર્મચારીઓ, પૂરવઠાકારો, બૃહદ સમાજ - હિતધારકોનો વિચાર કરે છે. એક બહુ મોટી બહુરાષ્ટ્રીય કંપનીએ મને થોડા સમય પહેલાં જણાવ્યું કે, હવે એ લોકો 'હોશીયારી'થી વર્તે છે કેમકે તેઓએ, તેમની વ્યૂહરચાનાની આયોજન પ્રક્રિયામાં સમાજની જરૂરીયાતો અને અપેક્ષાઓને આવરી લઈને સર્વગ્રાહીપણે વિચારવાનું શરૂ કરેલ છે. પરંતુ માલિકીઅંશધારકોને તો તેમનો નફો જોઇતો હોય છે, તેથી તેઓને અત્યારે તો આ બહુ કઠીન જણાય છે. આ છે ઇન્દ્રની વિષ્ણુ બનવાના સંઘર્ષની ગાથા. આપણને વૈકુંઠ જોઇએ છે,અને સ્વર્ગ છોડવું નથી!
  •  ET ની કૉર્પોરેટ ડૉસ્સીયર પૂર્તિમાં સપ્ટેમ્બર ૧૩, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
  •  અસલ અંગ્રેજી લેખ, Beloved of Wealth  લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ઑક્ટોબર ૮, ૨૦૧૩ના રોજ articlesindian mythologyleadership ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ નવેમ્બર ૧૫, ૨૦૧૩

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો