મંગળવાર, 19 નવેમ્બર, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ત્રીજો - ગુચ્છ ૯

| જુન ૧૯, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આવો એક ઘટનાક્રમ કલ્પીએ:

તમે ટપ્પા દોડની હરીફાઈમાં ભાગ લઈ રહ્યાં છો. ટીમમાં તમારૂં સ્થાન બીજે નંબરે છે. હરીફાઈ શરૂ થાય છે, તમારો વારો આવે છે, દંડૂકાને તમે હાથમાં લઈને પૂરી તાકાત અને જોશથી તમે દોડવા લાગો છો. તમારી ગતિ બહુ જ સારી રહી અને સાવ થોડા સમયમાં તમે ખાસ્સું અંતર કાપી લીધું છે. પણ તમારાં પછીનાં સહભાગી સાથીને દંડુકો સોંપતી વખતે દંડુકો હાથમાંથી છટકીને નીચે પડી જાય છે. તમારા પછીનું સભ્ય દંડૂકો ઝીલી લેવા તૈયાર છે, પણ હવે ગુંચવાઇ જાય છે. તે ગમે તેમ કરીને દંડુકો ઉપાડી તો લે છે, અને હવે તે પણ પૂરાં જોશથી દોડવાનું પણ શરૂ કરી દે છે. પરંતુ, દંડાનાં હસ્તાંતરણ સમયની પેલી મહત્વની જે ક્ષણો ગુમાવાઇ હતી તે ખોટ તો પૂરી નથી થઈ શકતી! તમારી ટીમ, થોડા માટે કરીને, હરીફાઇ હારી ચૂકે છે.

આ ઘટના ક્રમમાં નિષ્ફળતાનું કારણ તો બહુ સ્પ્ષ્ટ છે. પરંતુ, વાસ્તવિક દુનિયામાં, પરિસ્થિતિઓ આટલી સ્પષ્ટ નથી હોતી.

આપણાં અંગત કે વ્યાવસાયિક જીવનમાં સંક્રાંતિકાળ તો આવે જ છે.સંક્રાંતિ વિના, કદાચ, જીવન કટાળાજનક બની રહે તેવું પણ કદાચ બને. જીવનમાં જો બદલાવ જ ન આવતો હોય, તો આપણે એકવિધતાની ફરીયાદો કરવા મડીએ છીએ. પણ જો બહુ જ ફેરફારો થયા કરતા હોય, તો આપણે અનિશ્ચિતતા અને અજાણ્યાંપણાની ફરિયાદો કરી, તેનો વિરોધ પણ કરવા લાગીએ છીએ. એમ કહી શકાય કે ઘણા એવા પ્રકલ્પ હશે કે જેમાંથી આપણે ખસી ગયાં હશું તે પછી પણ તે પ્રકલ્પો તો આગળ વધતા રહેશે. ખરી વાત તો એ છે કે, આપણે જરૂરથી એમ જ ઇચ્છીશું કે આપણા નીકળી ગયા પછી પણ, આપણે જેમાં હતાં, એ બધા જ પ્રકલ્પો બહુ જ સરળાતાથી આગળ ધપતા રહે.

બે બાબતો મહત્વની બની રહે છે -

૧. આપણે કોને દંડુકો (જવાબદારી) સોંપીએ છીએ, અને

૨. એ દંડુકો (જવાદારી) કેટલી સરળતાથી - હળવાશથી - સોંપાયેલ હતો

જેમને દંડૂકો સોંપાયેલ છે તે વ્યક્તિ પોતાની જવાબદારી નીભાવવામાં ઊણી પડે , તો તો બીજા મુદ્દો અપ્રસ્તુત બની જાય છે. પરંતુ જો તે વ્યક્તિ ખરેખર પોતાની અપેક્ષિત જવાબદારી અદા કરવા માટે કાબેલ હોય, તો દંડૂકા – જવાબદારી- નું હસ્તાંતરણ કેવી રીતે થયું હતું, તે બહુ જ મહત્વનો મુદ્દો બની રહે છે. કેમકે, બીજી વ્યક્તિ તો દંડૂકો (જવાબદારી) સોંપાતાંવેંત તેની અદાયગીમાં વળગી પડવા માગશે. શરૂઆતનાં થોડા દિવસો, કે અઠવાડીયાં, દરમ્યાન બધાંની નજર તેના પર જ હશે. પોતાની નવી ભૂમિકામાં તેણે પણ સફળ તો થવું જ છે, એટલે જે કોઇ પણ મદદ મળે તે આવાકાર્ય જ હોય. એવું પણ બને કે આ નવી ભૂમિકા, એ વ્યક્તિ માટે બહુ મોટો પડકાર કે પરિવર્તન હોય. જવાબદારીનું સરળ હસ્તાંતરણ સફળતાની ખાત્રી તો ન આપી શકે, પણ હસ્તાંતરણમાં જેટલી ગુંચ વધારે તેટલી નિષ્ફળતાની શક્યતાઓ વધારે.

એટલે, આટલી બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ:

૧. આપણી અંગત કે વ્યાવસાયિક જીંદગીઓમાં કયાં કયાં સંક્રાંત પરિવર્તનો આવી રહ્યા છે?

૨. આ પરિવર્તનોનાં સંક્રાંતિક્રમણો સરળ અને કોઇ જ પ્રકારની ખોડખાંપણ વિનાનાં બની રહે તે માટે શું કરવું જોઈએ?


| જુન ૨૦, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
ભારતમાં હજારો બાળકોને, ભોજન પહેલાં, આ સરળ પ્રથાને અનુસરવાનું શીખવાડવામાં આવે છે. એ પણ નિશ્ચિત છે કે દુનિયાના અન્ય દેશોમાં પણ તેમ કરાતું હશે. બાળકો માટેનો સંદેશ બહુ સ્પષ્ટ અને સરળ છે: 

ભોજન શરૂ કરતાં પહેલાં આંખો બંધ કરો અને ભોજનનાં એ ટંક માટેના ઉપકાર બદલ ઇશ્વરનો અભાર માનો. 

આપણા પર થયેલી કૃપાઓ દરરોજ ગણવાનો આ એક સાવ સરળ નુસ્ખો છે.આપણી પાસે જે નથી તેની પાછળની દોટમાં, આપણે મોટે ભાગે, આપણી પાસે જે છે તેને ભૂલી જતાં હોઈએ છીએ. 

આવો, એક સરળ પ્રયોગ કરીએ. શૂન્યથી શરૂઆત કરો. નીચેની યાદીમાંથી, આપણી પાસે જે કંઇ હોય તેના માટે એક ગુણ ઉમેરતાં જવાનું છે. 

૧. મારામાં કોઇ શારીરીક ખોડખાંપણ નથી 

૨. મને દરરોજ, કમ સે કમ, બે વાર તો ભોજન મળે છે 

૩. મારૂં કુટુંબ છે 

૪. પીવા માટે મને સલામત, ચોખ્ખું પાણી મળે છે 

૫. મારી પાસે સ્નાતક પદવી છે 

૬. મારી પાસે આજીવિકાનું સાધન છે 

૭. કામ પર જવા માટે મારી પાસે વહન છે 

૮. મારે બે બહુ જ ગાઢ મિત્ર છે 

૯. રહેવા મટે (ભાડાંનું કે પોતાનું) ઘર છે 

૧૦.ઘરે ટીવી છે 

૧૧.મારા દેશમાં મને વાણી સ્વતંત્ર્ય છે 

૧૨.મારાં બાળકોને હું શાળામાં ભણાવી શકુ છું 

આ યાદીમાં આવી તો ઘણી બાબતો ઉમેરી શકાય. પરંતુ આટલાં ઉદાહરણોથી પણ કહેવાનું તાત્પર્ય સમજાઈ ગયું હશે. એક વાત ખાસ નોંધવાની જેવી એ કે આમાંની કેટલી બધી બાબતો તો આપણી પાસે હોય જ એમ આપણે માની લેતાં હોઇએ છીએ. 

કેમ કે પોતાની પાસે જે નથી તેને મેળવવા તેમ જ જે છે તેને માટે કૃતજ્ઞ ન થવાની હોડમાં આપણી આસપાસનાં લગભગ બધાં જ સામેલ છે. એટલે એ ટોળાને અનુસરવું, અને એ છટકાંમાં તો ફસાવાય એમ માનવું, વ્યાજબી દેખાય – પણ તેમ કરવાથી આપણે વિશિષ્ઠ નહીં બની શકીએ. સર્વસ્વીકૃત તર્ક તો કહેશે કે ગામ કરે તેમ કરો, આપણે 'અલગ પડવા'ની અપેક્ષા જ શા માટે કરવી! 

મારાં વ્યક્તવ્યોમાં જ્યારે આ વાત થાય છે, ત્યારે કેટલાંક લોકો તેનો વિરોધ કરે છે. વિરોધના મુખ્ય મુદ્દાઓ કંઇક આ મુજબ છે: 

ક) આત્મસંતોષ ભણી જતાં રહેવાય છે 

ખ) કંઇક વધારે કરવા માટેની પ્રેરણા જ નહીં રહે 

જો કે મારો મુદ્દો તો મહેચ્છા કે પ્રેરણા નથી. મારા માનવા પ્રમાણે તો કૃતજ્ઞતાની લાગણી અને દરરોજ ઉપકૃતતા અનુભવવાને, આપણાં સ્વપ્નાંઓને પૂરાં કરવાની તમન્ના સાથે કોઇ લેવા દેવા નથી. જો કે, આપણી સર્જનાત્મકતા માટે તો જે ઠીક લાગે તે માંકડું લાકડે વળગાડી શકાય! પણ મુદ્દો એ નથી. ઉપકૃત હોવાની લાગણી આપણાં સ્વપ્નને શા માટે મંદ પાડી દે? હકીકત તો એ છે કે, કૃતજ્ઞતા અનુભવવાની કળા આત્મસાત ન કરેલી હોય, તો આપણાં સ્વપ્ન સિધ્ધ થાય ત્યારે તે આપણી નજરે જ ન ચડે એમ પણ બની શકે, કેમકે ત્યારે તો આપણું નિશાન 'નવું' સ્વપ્ન હોય ને. જે સ્વપ્ન સિધ્ધ થઇ ચૂક્યુ તે તો હૃદયની ધડકનનાં અસ્તિત્વની જેમ માની લેવામાં જ આવે. 

એક બીજી શક્યતા પણ છે. અહીં (સિલિકૉન વૅલીમાં) મારે કંઇ કેટલાય ઉદ્યોગસાહસિક થવા ઇચ્છતાં, આંખોમાં સ્વપ્નાં આંજેલાં, નવયુવાનોને મળવાનું થતું રહે છે.ઘણી વાર તેમના ઇરાદાઓ પરિપૂર્ણ નથી થતા, પણ તેથી તેમના ઉત્સાહમાં જરા પણ ઓટ નથી આવતી દેખાતી. જો કે, તેમની સાથે વાત કર્યા પછી ખયાલ આવે કે હવે પછી તેઓ આંધળુકિયાં કરી ઝંપલાવી નહીં દે. તેમ થવું સમજી શકાય છે. તેમની પાસે ન હોય તેવી બે બાબતો, અનુભવ અને કૌશલ્ય,ને તેના માટે કારણભૂત ગણાવશે. શક્ય છે કે માર્કેટીગ કે વેચાણ કે નણાં સંચાલન તેમને નહીં આવડતું હોય. 

ઝંપલાવી ન પડવા માટે તેમની પાસે કોઈ ને કોઈ 'નક્કર' કારણ તો હોય છે, પણ એમ કરવામા તેઓ તેમનીપાસે જે છે તેને ભૂલી જાય છે.તેમની પાસે જે નથી તે મેળવવાની લ્હાયમાં, પોતાના મજબૂત ગઢને સંવારવામાં કે વધુ મજબૂત કરવામાં, તેઓ સમય નથી આપતાં. થોડાં વર્ષ પછી જ્યારે તેમને ફરીથી મળવાનું થાય ત્યારે તેઓ, કોઇ એમબીએ પદવી કે તેમનાં કૌશલ્યને ન્યાય કરી શકે તેવી નોકરી કે એવી કોઈ અન્ય શાશ્વત ખોજમાં ખોવાયેલાં જોવા મળશે. 

એક બહુ જ સરળ અને સીધોસાદો વૈક્લ્પીક માર્ગ રજૂ કરીશ: 

૧. આપણી પાસે (આપણાં) જે (સબળ પાસાં)જ છે તે માટે આભારવશ થવું 

૨. તેમાં સુધારા કરતાં રહેવાં નિરંતર પ્રયત્નશીલ રહેવું 

૩. આપણા વ્યસાયની ખૂટતી કડી પૂરી કરી આપે તેવાં સાથીદારને ખોળી કાઢવુ 

૪. જેટલી મળે તેટલી મદદ એકઠી કરો - બહુ કામ આવશે 

૫. અમલ માં મૂકી દેવું ! 

પહેલું ક્દમ બહુ જ મહત્વનું છે- આપણી પાસે જે છે તેને માટે તો ચાહ હોવી જ જોઇએ! 

અને છેલ્લે: આપણી પાસે જે છે તેનાથી ઉપકૃત ન થવાય, તો જે નથી તેની પાછળ દોડવાનો શો ફાયદો? કારણકે, જે નથી તે મળી જશે, એટલે તે માટે કોઇ ઉપકારનો ભાવ તો રહેશે નહીં, અને નવી શોધનું ભ્રમણ ફરીથી શરૂ થઈ જશે. આ વાતને હજૂ વધારે સરળ કરી નાખવી હો તો એમ પણ કહી શકાય કે, જેને માણવા માટે આપણી પાસે સમય નથી, તે મેળવીને કરવું પણ શું છે ? ! 

| જુન ૨૨, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આપણે એક ધારી લીધેલ પરિસ્થિતિની કલ્પના કરીએ :

આપણી પાસે એક લાખ રૂપિયા છે, જે બાજુમાં આવેલી એક બેંક છ મહિનામાં બમણા કરી આપવાનું કહે છે. આપણને આમાં કંઇ રંધાતું હોય એવું જણાય છે. પરંતુ તેઓ તો એકદમ વિશ્વાસથી દાવો કરે છે કે ભૂતકાળમાં બીજાંના કરી આપ્યા છે, એ રીતે જ તમારા પૈસા પણ બમણા કરી આપીશું. આપણને બહુ વિશ્વાસ તો નથી બેસતો, પણ ઊડે ઊંડે એવો વિચાર પણ આવે કે સાવ પાતળી , પણ, શક્યતા તો છે હોં ! અને જો સાચું પડવાનું હોય, તો આ મોકો ચૂકવા જેવો નથી. મનમાં ને મનમાં ગડમથલ ચાલતી જ હોય, ત્યાં સામે પેલા ભાઈ ઉમેરે કે "તમારે પૈસા જમા કરવાની જરૂર નથી. આપણે તો લાંબા ગાળાનો સંબંધ બંધાય તો પણ ઘણું." આ તો માન્યામાં ન આવે તેવી વાત થઈ. એ શાખામાંથી નીકળીને બીજી બેંકમાં જઈએ, તો ત્યાં પણ આ જ વાત દોહરાય ! તેઓ પણ પૈસા બમણા કરી આપવાનું વચન આપે, અને પેલી બેંકની જેમ નાણાં જમાં પણ નહીં કરવાના.....

પૈસાની વાત આવે ત્યારે આમ થવું બિલ્કુલ સમજાય નહીં. આ કરતાં વધારે સારો પ્રસ્તાવ ક્યાંય જોવા ન મળે. માન્યામાં ન જ આવે એવી બાબત છે. પરંતુ, આવી પરિકલ્પના સાચી પાડવા માટે આપણે યોગ્ય વ્યક્તિઓ સાથે આપણા વિચારો, ખુલ્લાં મનથી, જણાવવાપડે. 'યોગ્ય' એટલે કેવા પ્રકારનાં લોકો? આ લોકોને આપણે “વિચાર સંવર્ધકો” તરીકે ઓળખીશું. આપણે તેમને ૧૦ની ગણતરીમાં ૫-ની કક્ષા પર ઉપર હોય તેવો વિચાર જણાવીએ, તો તેઓ એ વિચારને ૯ની કક્ષાએ ફેરવી નાખી શકે.

અને આ બધું ગણત્રીની મિનિટોમાં થઈ રહે. ઘણી વાર આપણે તેમની પાસે જે વિચાર રજૂ કરીએ તે તેઓ એટલી હદે બદલી આપે, કે આપણે તો કદાચ એ દિશામાં વિચાર્યું પણ ન હોય. એક દૃષ્ટિએ તેઓ ઉદ્દીપક્ની ભૂમિકા ભજવે છે, તો બીજી દૃષ્ટિએ તેઓ તેનાથી આગળનો પાઠ પણ ભજવતાં હોય છે. સીધી વાત એ કે તેઓના સ્પર્શથી આખા વિચારમાં, મૂળ કરતાં, ઘ્ણી વધારે મૂલ્યવૃદ્ધિ થાય છે. મજાની વાત તો એ છે કે આ આખી પ્રક્રિયાને એટલી સરળ કરી નાખી હોય કે આપણને એમ થાય કે "મને આ વિચાર કેમ ન આવ્યો?'હવે, આ જ રીતે દસ વિચાર સવર્ધકો સાથે વાત કરી હોય તો શું શું થઈ શકે એમ કલ્પના કરી જુઓ તો ! શક્યતાઓનો એક નવી જ દુનિયા ખુલી જશે.

સિલિકૉન વૅલી એક એવો વિસ્તાર છે, જ્યાં આવાં કેટલાંય 'વિચાર સંવર્ધકો' વસે છે. એટલે, નવાં ઉદ્યોગ સાહસિકોમાટે નવું સાહસનાં મંડાણ કરવાંનું સહેલું પડે. કમ સે કમ છેલ્લાં દસ વર્ષનો મારો અહીં રહેવાનો અનુભવ તો એમ કહે છે. હું ચોક્કસપણે માનું છું કે, આપણે ગમે ત્યાં રહેતાં હોઇએ, પણ આવાં 'વિચાર સંવર્ધકો' તો મળી જ રહેતાં હોય છે. સવાલ છે એમની સાથે એટલો સંબંધ વિકસાવવા માટે જરૂરી સમયનું રોકાણ કરવાનો, કે તેમને તેમની શક્તિઓ આપણી પાછળ ખર્ચવાનું પરવડે!.#144 – આપણો 'છટકવાનો વેગ' (escape velocity) જાણીએ

| જુન ૨૮, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
બહુ જ સરળ રીતે જોઇએ તો, 'છટકવાનો વેગ'(escape velocity)ની વ્યાખ્યા આ મુજબ છે:

“પૃથ્વીનાં ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાં પાછાં ન આવી પડાય તે રીતે ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર નીકળી જવા માટે જરુરી લઘુતમ વેગ.”
- વિકીપીડિયા પર Escape Velocity પર વધારે વિગત વાંચી શકાશે. 


એ દિવસો યાદ કરો જ્યારે તમે કમરતોડ મહેનત કરી, શક્ય હતું તે બધું જ કરી છૂટ્યાં , પણ દિવસને અંતે એ બધી પ્રવૃત્તિઓને કારણે થાકીને હાંફી ગયાં હતાં ! દુઃખની વાત તો એ છે કે, પછીનાં આટલાં વર્ષોમાં આપણી ઉમર સિવાય બીજું કશું જ બદલ્યું નથી. આપણે જ્યાં હતાં ત્યાંનાં ત્યાં જ છીએ. બરાબર પૃથ્વી સાથે એકસરખાં અંતરની ભ્રમણકક્ષામાં ફરી રહેલા ઉપગ્રહની જેમ ! ઉપગ્રહ ગતિમાં છે (એટલે કે પ્રવૃત્તિમય છે), જૂદા જૂદા વિસ્તારો પરથી પસાર પણ થાય છે, એટલે અંશે પરિવર્તન પણ જણાય છે (કોઈ કોઈ વાર તેને કારણે પ્રગતિનો ભ્રમ પણ થઈ રહે છે), પણ અમુક સમય બાદ (તેના પૃથ્વી સાથેના સાપેક્ષ વેગના અધારે), તે જ્યાં હતો ત્યાં જ પોતાને આવી રહેલ જૂએ છે."છટકવાના વેગ" (“escape velocity”)નો સિધ્ધાંત આપણાં અંગત તેમ જ વ્યાવસાયિક જીવનને પણ લાગુ પડે છે. જો આપણી પ્રવૃત્તિઓ, સાચી દિશામાં, એ અતિ મહત્વનો ઉંબર પાર કરી શકે, તો પછી ઉડાન નવી ઊંચાઇઓ પામી શકે છે.


જીમ રોહ્‍ને સાચું જ કહ્યું છે - સફળતા એ નિશ્ચિત સમયમાં માપી શકાય તેવી પ્રગતિ છે. જો આપણાં અંગત, કે વ્યાવસાયિક, જીવનમાં, એક નિશ્ચિત સમય રેખામાં જો અર્થપૂર્ણ પ્રગતિ ન થતી જણાય તો તેનો એક અર્થ તો એ થયો કે આપણે “સતત સર્પાકાર લક્ષણસમૂહ / continuous spiral syndrome“#માં અટવાઇ પડ્યાં છીએ, કે પછી આપણે હજૂ "છટકી જઈ શકાય તેટલા વેગ"ની કક્ષાએ પહોંચ્યાં નથી.

આ પરિસ્થિતિનાં કેટલાંક લક્ષણો:

ક) મહેનત ઘણી પણ પરિણામો ખાસ નહીં, કે પછી મહેનતના પ્રમાણમાં પરિણામોનું ન હોવું
ખ) સીધી લીટી,કે નીચે, તરફ જતી જણાતી કારકીર્દી
ગ) કુટુંબમાટેનો આવકનો એકમાત્ર સ્રોત, પરંતુ અપૂરતી અસ્કાયમતો કે એવી અસ્કાયમતો જે પોષણક્ષમ વળતર ન આપતી હોય

આમ જૂઓ તો, જો આઠ વર્ષથી વધારે કામ કરવાનો અનુભવ તમને થઈ ચૂક્યો હશે, તો આ પ્રકારનાં લક્ષણો તમને બહુ જ તરત સમજાઈ શકશે. બહુ યુવાનીમાં આવી બાબતો બહુ નજરે નથી ચડતી, કેમ કે આપણી આસપાસનાં બધાં જ હમઉમ્ર લોકો પણ આવી જ સ્થિતિમાં દેખાતાં રહેતાં હોય છે. પણ, સાત/આઠ વર્ષ પછી કેટલાંક લોકો "છટક વેગ"ની કક્ષા મેળવી ચૂકેલાં દેખાઈ આવે છે. જો તમે "છટક વેગ' કક્ષાએ પહોંચી ચૂક્યાં હો તો તમે અભિનંદનને પાત્ર છો. પરંતુ જો ત્યાં સુધી ન પહોંચાયું હોય, તો તમે સમજી શકશો કે જે રીતે આપણે જીવન જીવીએ છીએ તેમ ચાલશે નહીં. કે પછી એવું પણ બન્યું હોય કે બીજાં લોકો થોડાં નસીબદાર હતાં ! (એ લોકો યોગ્ય સમયે સાચી જગ્યાએ હાજર હતાં.)

આપણે અત્યારે આ વર્ષના અંત ભાગમાં છીએ, એટલે આપણે આપણાં જીવનનાં પૂર્વનિશ્વિત માર્ગ પર કેટલી ઝડપે આગળ વધી રહ્યાં છીએ તેની સમીક્ષા કરવા માટે આ બહુ જ ઉપયુક્ત સમયગાળો છે. અને સમીક્ષા કરતી વખતે એટલું તો ખાસ જોજો કે આપણે જેને "ઝડપી" ગણીએ છીએ, તે ખરેખર 'ઝડપી" છે તો ખરૂં ને!

# મૂળ લેખ, Ways to distinguish yourself – #63 Avoid CSS trap અને તેનો અનુવાદ ‘જો જો CSSનાં છટકાંમાં ના ફસાતાં’ જરૂરથી વાંચશો. 

| જુન ૨૯, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ

નોંધ: શીર્ષકમાંનું (વધારે) પાછળથી ઉમેર્યું છે. આ લેખ અંગે હું એવી વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો , જેમના માટે મને બહુ જ માન છે. ચર્ચા દરમ્યાન એક વાત બહુ જ સ્પષ્ટપણે તેમણે કહી કે, માત્ર "મૃત" લોકો જ વર્તમાનમાં નથી હોતાં, એટલે વર્તમાન એ ખરી સમસ્યા નથી. ખરી સમસ્યા તો છે વર્તમાનની "કક્ષા". આવો જ તફાવત 'હયાત' અને 'જીવંત' વચ્ચે પણ છે.

આ વિષય પર દીપક ચોપરાનું એક કથન મને બહુ પસંદ છે, તેમનું કહેવુ છે કે,

ભૂતકાળ ઇતિહાસ છે;
ભવિષ્ય રહસ્ય છે;
આ ઘડી એ ઉપહાર છે. કેમ કે તે વર્તમાન છે".

હું સીધી ભાષામાં કહી શક્યો હોત કે "વર્તમાનમાં જીવો." પરંતુ જો તે એટલું સહેલું હોત, તો જીવનમાં આટલી સમસ્યાઓ પણ, કદાચ, ન હોત.સૂતે બેસતે, માટે ભાગે, લોકો ક્યાં તો ભૂતકાળ વાગોળ્યા કરે છે કે પછી ભવિષ્યની ચિંતા કરતાં રહે છે. વળી સારે (કે ખરાબ) નસીબે, ટૅક્નોલૉજીએ આપણાં જીવન પર કબજો જમાવી દીધો છે. આ રહ્યાં કેટલાંક ઉદાહરણો:

અ) આપણે કાર્ય-વૈવિધ્ય કરી શકીએ છીએ 

એટલે કે કોઇ એક દસ્તાવેજ, કે એક સ્પ્રેડશીટ કે એક પ્રેઝન્ટેશન,ની સમીક્ષા કરતાં કરતાં, એક એક સાથે ચાર લોકો સાથે ચૅટ કરી શકીએ છીએ, અને તેની સાથે સાથે બાજૂના ટૅબમાં ઇ-મેલ પર તો વળી નજર હોય જ.

બ) આપણે ‘સદા-ચાલુ' જોડાણ કરી શકીએ છીએ

એટલે કે 'બાળકો સાથે રમવું" કે "જીવનસાથી જોડે ફિલ્મની મજા માણવી" એ એટલા સમય સુધી જ શક્ય છે, જ્યાં સુધી સાથેના મૉબાઇલ ફૉન પર "તત્ક્ષણ" ઇ-મેલ, કે 'ટુંકો સંદેશ" કે ફોનની 'મધુર" ઘંટડી વાગીને, આપણું "તત્કાળ" ધ્યાન પોતા તરફ ખેંચી ન લે. આપણે પણ તે જ ઘડીએ તેને ન્યાય આપીને પાછાં આપણી "મૂળ" પ્રવૃત્તિમાં લાગી જઈ શકીએ છીએ.

એક બહુ જ સામાન્ય ઉદાહરણ જ લો. આપણે કોઇકની સાથે વાત પણ કરીએ છીએ, સાથે સાથે મોબાઇલ પર કોઇને જવાબ પણ આપીએ છીએ અને "ટુંકા સંદેશા'ઓ પણ તપાસ્યા કરીએ છીએ. એટલે એક વાત તો નક્કી જ કે આપણે તેમાંથી કોઇ પણ પ્રવૃત્તિમાં સામેની વ્યક્તિ પૂરતાં તો, "પૂર્ણપણે હાજર" નથી ! લોકોને પણ ખબર પડી જતી હોય છે કે આપણે તેમને કેટલું 'ધ્યાન' આપીએ છીએ. તેમને આપણી 'ધ્યાનની કક્ષા'ની પણ ખબર પડી જતી હોય છે. એટલે હજૂ થોડી વધારે બાબતો 'ઘૂસાડી" દેવાને બદલે, આપણે "વધારે હાજર" હોઇએ તેવું વાતાવરણ સર્જવાની જરૂર છે. એ માટે કેટલાક નુસ્ખાઓ:

ક) ટાઇપ કરવાને બદલે લખો: હાથથી લખવું એ થોડું જુનવાણી છે, એ તો સ્વીકાર્યું, પણ લેખન જેવી પ્રવૃત્તિ સમયે 'કાર્ય-વૈવિધય' કરવું મુશ્કેલ છે. એટલે એકાગ્રતાથી કામ કરવું જ હિતાવહ છે.

ખ) દરેક પ્રકારની વાતચીત કરતી વખતે, (કોઈ પણ સ્વરૂપમાં)--મેલ બંધ કરી દો: ક્યાં તો વાતચીતને મહત્વ આપો કે પછી ઇ-મેલને મહત્વ આપો. પરંતુ બંનેને તો નહીં જ. બેમાંથી એકને તો પ્રાધાન્ય આપવું જ રહ્યું. 

ગ) વચ્ચે બીનજરૂરી ખલેલ ન પડતી રહે તેવી સાવધાની વર્તો : જ્યાં સુધી એ એક બેઠક પૂરી ન થાય, ત્યાં સુધી કોઇ ફોન ન સ્વીકારો. કંપ્યુટરનું મૉનીટર બીજી બાજૂ ફેરવી કાઢો. મૉબાઈલ ફોન બંધ ન કરી શકાય તેમ હોય, તો તેને "શાંત" તો કરી જ દો. યોગ્ય વાતાવરણ ખડું કર્યું હશે, તો ખલેલ પડવાની શક્યતાઓ જરૂરથી ઘટાડી શકાશે. 

ઘ) ચાલવા નીકળો ત્યારે મૉબાઈલ ફોન સાથે ન રાખો : દિવસના કોઈ પણ સમયે, અનેક દિશાઓમાંથી, "ટુંકા સંદેશા"ઓની વણઝાર તો ચાલતી જ રહે છે, જે માહીતિઓના ઢગલામાં ડુબાડી દઈ શકે છે. લાંબે સુધી ફરવાના સમયને 'માહિતિમાંથી છૂટકારા"ના સમય તરીકે વાપરીને આપણે 'વધારે વર્તમાન'માં રહેવાની તક ઊભી કરી શકીએ છીએ.

આ રીતે આપણાં કામ કે મુલાકાતો કે અંગત સમયના ઉપયોગ માટે યોગ્ય વાતાવરણની દિશામાં વિચારોમાં. કેટલી ખલેલ ચલાવી લઇ શકીશું? આપણે પ્રતિક્રિયાશીલ થવું છે કે સક્રિયક્રિયાશીલ? જે પણ કરવું પડે તે કરીને પણ વિક્ષેપ-જ્વર / JIMP syndrome#થી છૂટકારો મેળવો. એક વાત તો નક્કી જ છે, કે જો 'વધારે હાજર' રહેવા માટે વાતાવરણ ખડું કરવા માટે સમય આપ્યો હોય તો, 'વધારે' વર્તમાનમાં હાજર તો જરૂર રહી શકાય.


# મૂળ લેખ, Ways to distinguish yourself – #102 Get off the JIMP syndrome અને તેનો અનુવાદ ‘#102 વિક્ષેપ-જ્વરથી છૂટકારો મેળવીએ જરૂરથી વાંચશો.શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ત્રીજો - ગુચ્છ ૯ // અનુવાદકઃ અશોકવૈષ્ણવ, અમદાવાદ ǁ ઑક્ટોબ૨ ૧૮, ૨૦૧૩