શનિવાર, 23 નવેમ્બર, 2013

લક્ષ્મી અને સરસ્વતીનો સંધર્ષ - દેવદત્ત પટ્ટનાઇક

આપણો ઉછેર જ એ માન્યતા સાથે થતો રહ્યો છે કે, સંપત્તિના અધિષ્ઠાત્રી લક્ષ્મી અને જ્ઞાનનાં દેવી સરસ્વતી વચ્ચે હંમેશાં અણબનાવ જ હોય અને બંને એક સાથે રહેવાનું ટાળે છે. પૈસાદાર ઉદ્યોગપતિઓ સામાન્યતઃ બહુ ભણેલા નથી હોતા (આપણે હંમેશાં સાંભળતાં આવ્યા છીએ કે બીલ ગેટ્સ અને સ્ટીવ જૉબ્સ કૉલેજ છોડી ભાગી આવ્યા હતા) અને (સદા વિલાપના સૂર આલાપતા અને સદા ઉપેક્ષિત એવા મધ્યમ વર્ગ જેમ)બહુ ભણેલાં લોકો બહુ ધનવાન નથી હોતાં, એવી જે ઘટનાઓ જોવા મળે છે તેને કારણે આ માન્યતા પોષાય છે. એવું માનવા પાછળ એ માન્યતા પણ એ છે કે સરસ્વતી વિદ્યા, જ્ઞાન અને કેળવણીનાં દેવી છે.  જો કે આ માન્યતાને ખાસ આંતર્‍‍સૂઝ વિનાની, સાવ સામાન્ય માર્ગી સમજ કહી શકાય.
'સરસ્વતી'નું મૂળ સંસ્કૃત 'સરસ' છે - જેનો અર્થ 'પ્રવાહી' થાય છે, જે 'સરોવર' સંગ્રહી શકાય કે સરિતા'માં વહાવી શકાય. તેનો સંદર્ભ કલ્પના શક્તિ સાથે છે, આ એક એવી શક્તિ છે જે માનવીને પશુથી અલગ પાડે છે. હા, એમ દલીલ કરી શકાય કે ડૉલ્ફીન પણ કલ્પના કરી શકે છે, અને કપિ પણ કલ્પના તો કરી શકે છે.પરંતુ તે મનુષ્યની સરખામણીમાં બહુ જ નગણ્ય કહી શકાય તે કક્ષાની શક્તિ છે.
મનુષ્યની કલ્પના શક્તિ તેને ભવિષ્યની સમસ્યાઓ વિશે વિચાર કરતો કરી મૂકે છે, અને તેથી જ નાવીન્ય લાવી શકે છે, નવી શોધ કરી શકે છે, અને સહુથી મહત્વનું તો એ કે પોતાનું જ્ઞાન એક પેઢીથી બીજી પેઢીને પહોંચાડી શકે છે. આ શક્તિ બીજાં કોઇ પ્રાણીમાં જોવા નથી મળતી.દરેક માનવ પેઢી ભૂતકાળમાંથી શીખી, તેનો લાભ ઉઠાવીને, સમૃદ્ધ થતી રહી છે. આમ ઉત્તરોત્તર દરેક માનવ પેઢીમાં કૌશલ્ય-વૃદ્ધિ થતી રહી છે, જેને પરિણામે માનવ સંસ્કૃતિ વિકસી છે. એક પેઢીએ અગ્નિ પર અંકુશ મેળવ્યો, તો બીજી પેઢીએ વનસ્પતિ પર અંકુશ મેળવ્યો, જેને કારણે ખેતીની શોધ થઈ. તો વળી બીજી પેઢીએ પૈડું શોધ્યું, અને વળી બીજી પેઢીએ વિદ્યુતની ખોજ કરી, તે પછી સૂક્ષ્મ-પટ્ટી(microchip)ની શોધ  થઈ. આ બધાંને પરિણામે આપણી જીવનશૈલી બદલતી રહી. આપણી જનીન સંરચના લાખો વર્ષ પહેલાંના પૂર્વજો જેવી જ રહી હશે, પરંતુ આપણી જીવન પદ્ધતિ સાવ જ બદલાઇ ગઈ છે. અને આ બધાનું શ્રેય કલ્પના શક્તિને ફાળે જાય છે. જો કલ્પના શક્તિ ન હોત તો,પ્રકલ્પ્ના (hypothesis) ન હોત, અને તો પછી આપણે કદી પણ પ્રતિપાદીત શોધ-પ્રબંધ (thesis) સુધી પહોંચ્યાં જ ન હોત. 
વારસામાં મળેલી મિલ્કત અને લૉટરી જ બે એવા કિસ્સા છે જેમાં 'સરસ્વતી' વગર 'લક્ષ્મી' મળે છે. કોઈ ધનાઢ્ય વડીલ સગું ગુજરી જાય અને આપણા નામે મસમોટો દલ્લો મૂકી જાય,. એ તો નસીબની વાત થઈ. કેસિનોમાં જીત થાય એ પણ નસીબની જ બલિહારી છે. કોઈ કોઇ વળી એને ભૂતકાળમાં સંચિત કરેલાં સારાં કામનું ફળ કે પછી પ્રભુ કૃપા પણ કહે છે.
પરંતુ, બાકીના બીજા બધા જ કિસ્સામાં 'લક્ષ્મી' મેળવવા માટે 'સરસ્વતી'ની જરૂર પડે જ છે. 'સરસ્વતી' એટલે કોઈ પણ પ્રકારનું જ્ઞાન કે કૌશલ્ય. જ્ઞાન જેટલું વધારે, તેટલી સંપત્તિ પેદા કરી શકવાની શક્યતાઓ વધારે. ખેડૂત એટલે અનાજ પેદા કરી શકે છે કે તેને ખેતી કરતાં આવડે છે. કારીગર મૂલ્યવાન વસ્તુઓ બનાવી શકે છે કારણકે તેની પાસે હુન્નરનું જ્ઞાન છે.
માત્ર સંપત્તિ પેદા કરવા જ નહીં , પણ તેને ટકાવી રાખવા માટે પણ 'સરસ્વતી'ની જરૂર પડે છે. એટલે કે જો ખેડૂત કે કારીગરમાં વ્યાપારી કુનેહ ન હોય, તો તેમણે પેદા કરેલી સઘળી સંપત્તિ તેઓ ખોઈ પણ બેસી શકે છે. તેમની પાસે વેચાણની કુનેહ અને કૌશલ્ય બંને હોવાં જોઈએ. તેમણે નાણાંકીય આવડત , કે પછી નાણાંકીય આવડતવાળી વ્યક્તિ સાથે ભાગીદારી કરવાની આવડત, પણ કેળવવી પડે. દરેક વેપારીને, દરેક બેંકરને, અરે, દરેક ગૃહિણી સુદ્ધાંને 'સરસવતી' -  બધાંની, ટુંકા  ગાળાની તેમ જ લાંબા ગાળાની, જરૂરિયાતને પહોંચી વળી શકાય તે રીતે, પોતાની પાસેના પૈસા વહેંચવા માટે જ્ઞાન અને કૌશલ્ય બંને જોઈએ.
આમ 'સરસ્વતી' વિવિધ સ્વરૂપે જોવા મળે છે - શાળા અને શિષ્યપણાંથી આપણે જ્ઞાન અને કૌશલ્યને આગળ વધારતાં રહીએ છી તે કદાચ આ વાતનું સહુથી મોટું ઉદાહરણ ગણી શકાય.પરંતુ 'સરસ્વતી'નું એક સ્વરૂપ એવું  છે, જે હસ્તાંતરણ નથી કરી શકાતું, અને તે છે - ડહાપણ. ડહાપણ નથી તો વારસામાં મેળવી શકાતું કે નથી તો વારસામાં આપી શકાતું. તેને તો ગહન વિચારો – તપસ્યા -થી જ મેળવવું પડે.
જ્યારે લક્ષ્મીના આગમનને કારણે આપણે સરસ્વતીનું મૂલ્ય ભૂલીએ છીએ ત્યારે ડહાપણનો અભાવ છે એમ કહેવાય. આપણે એવું માનવા લાગીએ છીએ કે જાદુઈ પ્રભાવથી સંપત્તિ પેદા થઈ છે અને એવા જ જાદુઇ પ્રભાવથી તે ટકી પણ રહેશે. સરસ્વતીના સાચા વિદ્યાર્થીને તો ખબર જ છે કે સંપત્તિ કદી શાશ્વત નથી હોતી, અને આપણે હંમેશાં ભવિષ્યની મુશ્કેલીઓનો સામનો કરવા પ્રયત્નશીલ રહેવું જ જોઇએ. એક સૉફ્ટવેર કંપની અનુપાલન વડે બજારમાથી સંપત્તિ ઉસેડવામાં એટલી મશગુલ રહી કે તેણે સંસ્થામાં ભાવિ વારસો સંભાળી શકે એવી પ્રતિભાની હરોળ ઊભી કરાવા કરવા વિષે કદી વિચાર્યું જ નહી, એટલે જ્યારે બજારની રૂખ બદલી ગઈ ત્યારે તેને નેતૃત્વની ક્ષમતાનાં ફાંફાં પડવા લાગ્યાં.  કેમ જાણે 'સરસ્વતી'ને પણ મર્યાદાની મજબૂરી ન હોય?.
જ્યારે જ્યારે સંપત્તિની વાત આવે છે, ત્યારે આપણે ઘરગથ્થુ જ્ઞાન પર ભરોસો કરવાને બદલે માત્ર વિધિપુરઃસરની  શાળાઓ કે વિદ્યાલયો પર જ વિશ્વાસ કરીએ છીએ. આપણા દેશમાં આ પ્રશ્ન નાના અને મધ્યમ કક્ષાના વ્યાપાર-ઉદ્યોગોમાં વધારે જોઇ શકાય છે. તેઓ પોતાનાં છોકરાંઓને યુરૉપ અને અમેરિકાની મૅનજમૅન્ટ વિશ્વવિદ્યાલયોમાં ભણવાતેમ જ સ્નાતક / અનુસ્નાતક પદવીઓ મેળવવા મોકલી તો આપે છે, પણ પછીથી ક્યાં તો એ છોકરાં પાછાં જ ફરવા નથી માગતાં અથવા તો તેમનાં કૌટુંબીક વ્યવસાયો ને (તેમની થકી ઉપાર્જીત સંપત્તિને નહીં !) સાવ નકામી રીતરસમો વડે ચલાવાય છે તેમ માનવા લાગે છે. પોતાના પરંપરાગત ભૌતિક વ્યવસાય - ઉદ્યોગને ભૂલીને, તેઓ ઇન્ટરનેટનાં સલામત આંરરરાષ્ટ્રીય જગતનું શરણ શોધે છે.
એક લોકવાયકા છે: સારા સમયમાં લક્ષ્મી આપણી તરફ આવે છે અને સરસ્વતી દૂર જતી રહે છે, જ્યારે ખરાબ સમયમાં સરસ્વતી આપણી તરફ આવે છે અને લક્ષ્મી દૂર જતી રહે છે. ખૂબી છે બંને પ્રકારનાં સમયમાં સરસ્વતીને કેન્દ્રમાં રાખવી. ચડતીના સમયમાં તે આપણને ટકાઉ વિકાસ કરવાનું શીખવે છે, જ્યારે પડતીના સમયમાં આપણી પરિસ્થિતિને કેમ પાછી વાળવી અને દુર્ભાગ્યમાં સદ્‍ભાગ્ય તરફનો માર્ગ કેમ ખોળી કાઢવો તે શીખવે છે. લક્ષ્મી હોય કે ના હોય, વિકાસ કરવા કે આગળ ધપવા માટે તો સરસ્વતી જ કામ આવશે.
*       ET ની કૉર્પોરેટ ડૉસ્સીયર પૂર્તિમાં સપ્ટેમ્બર ૨૭, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ 

  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ નવેમ્બર ૨૩, ૨૦૧૩