ગુરુવાર, 7 નવેમ્બર, 2013

અપનાવવામાં એટલી પણ જડતા નહીં ! - દેવદત્ત પટ્ટનાઇક

ભારતમાં ઑટો-પાર્ટ્સ બનાવતી યુરોપીઅન કંપનીનો હું જર્મન વડો છું. મને ભારતમાં કામ કરવું ગમે છે, પરંતુ નિયમો, નિયમનો અને પ્રક્રિયાઓ માટે, આટલી હદે, આદર ન હોવો તે સમજાતું નથી. યુરોપીઅન કંપનીની સંસ્કૃતિમાં, અહીંની દરેક વાતમાં અનુભવાતી લવચીકતા બંધ બેસતી નથી, એટલે તેને કારણે ગેરસમજો અને અજબ પરિસ્થિતિઓ પેદા થયા કરે છે. મને આ પ્રકારની લાક્ષણિકતા સમજવામાં મદદ કરશો,  જેથી હું મારા કારીગરોને વધારે સહાનુભૂતિથી સમજી શકું?
આપણે બધાં એમ માનીએ છીએ કે મારી કાર્યપધ્ધતિ જ સાચી પધ્ધતિ છે. એમ માનવું માનવ સહજ છે. પરંતુ, આપણે એક વાત ભૂલી જઈએ છીએ કે આપણી કાર્યપધ્ધતિ પર આપણે જે સંસ્કૃતિમાં ઉછર્યાં હોઇએ છીએ તેની અસર બહુ જ ગાઢપણે પડેલી હોય છે. અને સંસ્કૃતિઓ તો બધી જ અલગ અલગ હોય છે. આજના આધુનિક યુગમાં આપણે એવું માનવાનું પસંદ કરીશું કે, એક સર્વસામાન્ય, એક જ પ્રકારની, વિજ્ઞાન પર આધારીત, સંસ્કૃતિ બધે જ હોય. પરંતુ, માનવીય વર્તન હંમેશાં તર્કસંગત હોય છે એવી માન્યતાનો આ આધાર જ ભૂલભરેલો છે.  આવું હોતું નથી.
તમે જે સંસ્કૃતિમાંથી આવો છો તેમાં એક સત્યને માનવામાં આવે છે. એક સમય પહેલાં, આ સત્ય રાજવી કે દૈવી સત્તામાંથી ઉતરી આવતું. આ સત્તાનું કહેવું રહેતું કે માનવીય કલ્પનાને પારની દૈવી સત્તા સાથે તેમને સીધો સંબંધ છે. રોમન સામ્રાજયમાં, લોકશાહી પ્રક્રિયાઓ દ્વારા તે સેનેટમાંથી ઉતરી આવતી. પવિત્ર રોમન સામાજ્યમાં, તે દૈવી શક્તિમાંથી આવતી. નવયુગ પછીના સમયમાં તે વૈજ્ઞાનિક સિધ્ધાંતોમાંથી આવતી હતી, જે ખૂદ, જાણ્યે અજાણ્યે, ઇસુ ખ્રીસ્ત પહેલાનાં સમયની ગ્રીક - રોમન વિચારસરણીઓનું સમર્થન કરતી હતી. રોમન લશ્કર  હોય કે ખ્રિસ્તિ મીશનરીઓ હોય, કાર્યદક્ષતા એ મહત્વનો શબ્દ બની રહ્યો. દરેક નિયમ, દરેક માપદંડ કે દરેક સત્તા નું ધ્યેય કાર્યદક્ષતા જ બની રહ્યું.
પરંતુ ભારતનો ઇતિહાસ કંઈક અલગ જ છે. અહીં પર્શીયન, ગ્રીક, મધ્ય એશિયા અને યુરોપનાં ઢાંચાથી પ્રભાવીત થઇ ને કેટલાય રાજાઓ આવ્યા, અને ગયા, પરંતુ આ બધાંથી વધારે પ્રભાવક બળ અહીં કામ કરી રહ્યું છે. એકથી વધારે સત્યનાં અસ્તિત્વને, અને કોઇ એક ચોક્કસ સંદર્ભમાં કોઇ એક સત્યના અર્થને, અહીંનાં ગામડાંઓએ સ્વીકારેલ છે. શુધ્ધતાના પિરામીડની ટોચે ધર્મગુરૂઓ બિરાજમાન હતા. રાજકીય પિરામીડની ટોચ પર જમીનદારો બિરાજમાન હતા. તો આર્થિક પિરામીડની ટોચે વેપારીઓ બિરાજમાન હતા. આમ વિવિધ પિરામીડ સહઅસ્તિત્વ ધરાવતા અને યથોચિત સંદર્ભ અનુસાર, ગામના જમીનદાર, વેપારી કે ધાર્મિક સંપ્રદાયના, જુદા જુદા વર્ગનો પ્રભાવ બની રહેતો. યુરોપના રાજાની જેમ અહીંનો રાજા સર્વશક્તિમાન નહોતો. કોઇ પણ જાતિને લગતી વાતમાં તે ચંચુપાત ન કરી શકતો. ભારતની સામંતશાહી યુરોપ જેવી સ્પષ્ટ નહોતી, અહીં તો જૂદા જૂદા વિસ્તારમાં, અલગ અલગ જાતિના પ્રભાવને કારણે સામંતશાહી પણ અલગ અલગ સ્વરૂપ લેતી રહી. ઉદાહરણ તરીકે, એવાં પણ ગામડાંઓ હતાં જેમાં વણકર જાતિનો પ્રભાવ હતો,  તો અમુક ગામોમાં શિકારી જાતિઓનો પ્રભાવ હતો.
બ્રિટીશરો આ ઘટનાક્રમને સમજી / સમજાવી ન શક્યા. આજે પણ વિદ્વાનો તેને બ્રાહ્મણોના પ્રભાવની સીધી જણાતી સમજ મુજબ સમજાવે છે. પરંતુ વાત એટલી સીધી સાદી નથી. તેમ છતાં, સમજવામાં સરળતા ખાતર, એમ કહી શકાય કે યુરોપ  - એક ઇશ્વર, એક રાજા કે એક સત્તા જેવા- એકેશ્વરવાદને અનુસરતો રહ્યો છે, જ્યારે ભારત - અનેક દેવો, અનેક રાજાઓ, અનેક સત્તાઓ જેવા- અનેકેશ્વરવાદને અનુસરતું રહ્યું છે. અહીં કોઈ એક કેન્દ્રવર્તી સતા શાસન વ્યવસ્થા નથી ઘડતી, પણ અનેક પરીધવર્તી સત્તાઓ એકબીજાથી વાટાઘાટો કરીને પર્યાવરણતંત્ર ઘડતી રહી છે.
કઇ વ્યવસ્થાને સારી ગણવી? અમેરીકા-યુરોપના વિશ્વ અર્થતંત્ર પર પ્રભાવને કારણે, લગભગ બધી શૈક્ષણિક સંસ્થાઓનું કહેવું છે કે પશ્ચિમની એકહથ્થુ-સુરેખ પ્રણાલિ વધુ સારી છે. તે વૈજ્ઞાનિક સિધ્ધાંતો પર આધારીત છે તેમ કહીને આપણે પણ તેનું સમર્થન કરી છીએ. પરંતુ તેને ભારત પર લાદતાં જ વિરોધનો સૂર જોવા મળે છે, કારણકે અહીંની સંસ્કૃતિ અલગ રીતે વણાઈ છે. અહીં દરેક દેવ ધ્યાન આકર્ષીત કરે છે. અહીં વાત કાર્યદક્ષતાની નહીં પણ વૈવિધ્યની છે.
એટલે તમે ઇચ્છો છો તેમ કરવા માટે તમારી ટીમમાં જેટલા 'દેવ' હોય તેમની સાથે સંવાદ સાધો. ઇ-મેલની ભાષામાં નહીં, પણ વ્યક્તિગત સંવાદ વડે. જેટલી વધારે બેઠકો થશે, તેટલું વધારે સારું. બેઠકો નગર સભા જેવડી મોટી નહીં , પણ નાનાં નાનાં જૂથની સાથે કરજો. તેમની વાત ધ્યાનથી સાંભળજો, તેમને અહેસાસ થવો જોઇએ કે તેમનું પણ કંઇ મહત્વ છે. તેમની પાસે, અનુપાલનની ફરજ પાડવાને બદલે, સ્વયંભૂ અનુપાલન બની રહે તેવું વાતાવરણ પેદા કરજો. તમારી સહાનુભૂતિને તેઓ તમારી નબળાઈ ન માની લે તે માટે સમયાંતરે તમે બૉસ છો તેવા સંદેશા પણ રજૂ કરવાનું ન ચૂકવું. આમ કરવાથી, બહુ જ થોડાં ઘર્ષણથી, તેઓને તમારી કાર્યપધ્ધતિ સાથે તાલ કદમ મેળવવા જેટલી પરિવર્તનક્ષમતા કેળવવી ફાવી જશે.
*      ETની કૉર્પૉરેટ ડૉસ્સીયર પૂર્તિમાં એપ્રિલ ૧૯, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ.

v  અસલ અંગ્રેજી લેખ, Not quite flexible, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર સપ્ટેમ્બર ૧૯, ૨૦૧૩ના રોજ articles  indian mythology  leadership ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ નવેમ્બર ૭, ૨૦૧૩