રવિવાર, 1 ડિસેમ્બર, 2013

કૉર્પોરેટ ચુગલીખોર - દેવદત્ત પટ્ટનાઇક

હું બહુરાષ્ટ્રીય કંપનીમાં વરિષ્ઠ પદ પર કામ કરૂં છું. અહીં મુખ્ય સંચાલક અને તેમની સાથે મળી ગયેલી ટોળકી, તેમના ભ્રષ્ટાચારથી કંપનીને લૂંટી રહેલ છે.દરેક સોદા કે ઑર્ડરમાં તેમની કટકી નક્કી હોય છે. મોટા ભાગના વેપારીઓ સાથે તેમણે 'ગોઠવણ' કરી રાખેલી છે. હાલમાં, અમારી કંપની અહીં વિસ્તરણના માર્ગ પર છે, એટલે ઉપરથી વિકાસ સાધવાનો આદેશ છે. વડાં મથકને તો માત્ર આંકડાઓ જોડે નિસ્બત છે. અમારાં ક્ષેત્રમાં અમારા એકચક્રી  ઇજારાને કારણે, એ આંકડાઓને આંબી જવું બહુ મુશ્કેલ નથી, એટલે મુખ્ય સંચાલકને તો કોઇ લગામ જ નથી એમ કહી શકાય. ઘણા સમયથી આ વિષે અમારાં વરીષ્ઠ લોકોને જાણ કરવાનું મને મન થાય છે, પણ મારે ચુગલીખોર નથી થવું. મને આ પરિસ્થિતિમાં માર્ગદર્શન આપવા વિનંતિ  છે.
આ સવાલનો આમ તો એક સીધો જ જવાબ છે. ખોટું કામ કરનારને ઉઘાડાં પાડી દો. પ્રમાણિક અને ઇમાનદાર બનવું જ જોઇએ. જે યોગ્ય છે તે કરવું જ રહ્યું. એટલું ધ્યાન રહે કે તમારી પાસે નક્કર પુરાવા હોવા જોઇએ. તે સિવાય, કોઇ તમારૂં કહ્યું સાંભળશે નહીં. અભિપ્રાયો કરતાં હકીકતોની કિંમત વધારે હોય છે. ભારતમાં આપણી જાણમાં ઘણાં લોકો ભ્રષ્ટાચાર કરે છે તેમ આપણે જાણીએ છીએ, પરંતુ છાણે ચડેલા વીંછીનો કાન તો માત્ર સર્વોચ્ચ અદાલત જ પકડી શકે છે. અને સર્વોચ્ચ અદાલતને તો અખંડનીય પુરાવા જોઇએ, જે સહેલાઇથી મેળવી નથી શકાતા. 

અને જો થોડો વધારે જટિલ જવાબ શોધીએ તો એમ પૂછી શકાય કે તમારાં આવાં પગલાંનાં, તમારાં અંગત જીવન પર, અને સમગ્રતયા કંપની પર, શું પરિણામો આવી શકે? 

રામાયણમાં, રાવણથી અલગ થવાનું યોગ્ય કદમ વિભિષણ ઉઠાવે છે. રાવણનાં મૃત્યુ બાદ તેને રાજા બનાવવામાં આવે છે. 

પરંતુ, સામન્ય વાતચીતમાં આજે પણ વિભિષણને બેવફા, વિશ્વાસઘાતી અને તકવાદી તરીકે ઓળખવામાં આવે છે. અંત સુધી રાવણની પડખે ઊભા રહેવા માટે કુંભકર્ણ વધારે માન પામે છે. તમારે એ નક્કી કરવાનું છે કે તમારે ઇમનદાર વિભિષણ બનવું છે કે પછી વફાદાર કુંભકર્ણ?

બીજાં બધાં જ પગલાંઓની જેમ આનાં પણ, વિવિધ આયામી, પરિણામો તો જરૂર આવશે.

એક તો પરિણામ એ આવશે કે ભારતનાં એકમનું સંચાલન ઇચ્છનીય નૈતિક ધોરણોથી નથી થઈ રહ્યું તે બધાંને ખબર પડશે. તે બાબતનાં નિયમન અને ઓડીટીંગનાં સ્તર પણ નબળી કક્ષાનાં કહી શકાય તેવાં છે, તેમ પણ જણાશે. આને કારણે માત્ર ભારતનાં એકમમાં જ નહીં, પણ કેન્દ્રીય વડી ઑફિસમાં પણ ઘણાંને પાણીચું મળે તેમ પણ થશે. એટલે સર્વત્ર અસંતોષ પણ વીકરી ઊઠશે.

વધારે વ્યાપક સ્તરે એવું પણ દોહરાશે કે ભારતીય લોકો વિશ્વાસપાત્ર નથી, તેઓ જ્યારે જુઓ ત્યારે સોદાબાજી અને જુગાડીમાં જ વ્યસ્ત રહે છે, તેમને પારદર્શીતાની સૂગ છે તેમ જ દરેક વાતે ટૂંકા રસ્તા ખોળવા એ તેમની આદત છે.

તમે કોને જાણ કરો છો તેના પર પણ ઘણો આધાર છે. એવું પણ બને કે તમે જેમને ફરિયાદ કરી રહ્યાં છો તે પણ તેમાં ભળી ગયેલ હોય! કેન્દ્રીય કાર્યાલયને અહીં શું ચાલી રહ્યું છે તેની ખબર હોય, અને પોતાનાં કારણોસર આ પ્રવૃતિઓ તેઓ જ ચાલવા દેતાં હોય ! આંતરીક ઓડીટર્સને અત્યાર સુધી આ વાતની જાણ કેમ નથી તે પણ મહત્વનું પરીબળ છે. એટલે તમે પણ આંતરીક ઓડીટનો માર્ગ લો તે કદાચ વધારે હીતાવહ ગણાય. નાણાંકીય બાબતોની એવી ઘણી માર્ગદર્શન કંપનીઓ હોય છે જેઓ આ પ્રકારના ભ્રષ્ટાચારને શોધી અને સફાઇ કરી નાખવાની વિશેષ ગુન્હાશોધક આવડત ધરાવતી હોય છે. તેઓ તમને આ બાબતે કેમ આગળ વધવું, અને કેમ તેમ જ શેની શોધખોળ કરવી, તેની સ્લાહ આપી શકશે.

તમારે એ નક્કી કરવું પડશે કે તમારે અદ્ર્શ્ય બાતમીદાર થવું છે કે દ્રષ્ટિગોચર બાતમીદાર થવું છે. પહેલા વિકલ્પને કારણે તમારે કેટલાક મિત્રોને ખોવાનો વારો આવે. જો કે તમારાં વરીષ્ઠ સંચાલન મડળનાં તમે પ્રિય પાત્ર બની શકશો. જ્યારે બીજા વિકલ્પની પસંદગીને કારણે લોકો તમને બહુ મહત્વ ન આપે એમ પણ બને. પહેલો વિકલ્પ જોખમી છે, પરંતુ તેમાં યશ મળવાની શક્યતાઓ પણ ઉજળી છે.બીજો વિકલ્પ સલામત કહી શકાય, પરંતુ તેમાં કોઇ પ્રખ્યાતિ નથી. ઘણી કંપનીઓમાં અદ્ર્ષ્ય બાતમીદાર સ્વીકાર્ય નથી હોતાં. તો ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં અદ્રશ્ય બાતમીદારોને ઉત્તેજન આપવામાં આવે છે. તમારી કંપનીમાં કઇ પ્રથા પ્રચલિત છે તે તમારે જાણવું રહ્યું. મોટા ભાગે અનામી મદદસેવાની પધ્ધતિ અપનાવેલી જોવા મળતી હોય છે.

આ વાત પરથી નજર જ ફેરવી લેવાનો વિક્લ્પ પણ છે. પણ, તે પછી તમારે ભ્રષ્ટાચારને પોષવાની ગુન્હાહીત લાગણીની સાથે પણ (કદાચ) જીવવું પડે. જ્યારે તક હતી ત્યારે વાત ઉઘાડી ન પાડવા માટે મનમાં શરમની લાગણી પણ રહે.

આ બધાંથી પણ વધારે મહત્વનું તો એ છે કે આ બધું તમે શેને સારૂ કરવા માંગો છો ? આ સવાલનો, તમારાં દિલથી દીધેલો, જવાબ બહુ જ મહત્વનો બની રહે છે. ઘણી વાર આપણે પોતાના રોષ અને ઇર્ષ્યાથી એટલાં ચકાચૌંધ બની જતાં હોઇએ છીએ કે આપણને અફવાઓમાં હકીકતોના ડંકા સંભળાવા લાગે છે.

*       ET ની કૉર્પોરેટ ડૉસ્સીયર પૂર્તિમાં મે ૦૩, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ 

v  અસલ અંગ્રેજી લેખ, Corporate Snitchલેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ઑક્ટોબર ૧૮, ૨૦૧૩ના રોજ articles  ramayana ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

§  અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ડીસેમ્બર ૦૧, ૨૦૧૩