શનિવાર, 7 ડિસેમ્બર, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ત્રીજો - ગુચ્છ ૧૦



| જુલાઇ ૧, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આ પહેલાં મેં આ બાબતો પર લખ્યું છે:
૧. એક સાથે એકથી વધારે પ્રકલ્પનાં સંચાલનની કળા શીખવી જોઇએ (કોઇ પણ સમયે, આપણે બે કે તેથી વધારે પ્રકલ્પ સાથે જોડાયેલાં હોઇએ જ છીએ, એટલે એવા દરેક પ્રક્લ્પનાં અસરકારક અને કાર્યદક્ષ સંચાલન વિષે શીખવું તો રહ્યું જ.)
અને
૨. ઉચિત અપેક્ષાઓ રાખવાની કળા શીખવી (હા, અપેક્ષાઓને જરૂરથી અતિક્રમવી જોઇએ, પણ તે પહેલાં અપેક્ષાઓ ઉચિત હોય તેમ કરવું વધારે મહત્વનું છે.)
તે સાથે સાથે, ઘણે ભાગે નઝરઅંદાજ થતી, માપદંડ તપાસણીની કળામાં પણ નિપુણ થવું તો જોઇએ. એકંદરે તો આ બહુ સાદી વાત છે, પરંતુ એમાં અભ્યાસ વધારે જોઇએ છે. કોઇની જરૂરિયાત કે માંગપૂર્તતા કરવા માટેના માપદંડને સમજવાની વાત છે - જેમ કે ટેક્નોલોજી વ્યવસાયમાં આપણે પૂરી પાડેલી સેવાઓનું,  'સામાન્યથી વધારે સારી" કક્ષાનું સ્તર નક્કી કરવા માટે ગ્રાહકનાં માપદંડોને સમજવા;  જેની ખરાખરીની કસોટી છે એવા જ ગ્રાહક પાસેથી ફરી ફરીને ઓર્ડર મળવા.
શરૂઆત કરવા માટે, આ પ્રકારના કેટલાક સવાલો વિચારી શકાય:
તમારા પ્રકલ્પને ભવ્ય સફળત મળી છે તે નક્કી કરવાં શું માપદંડ હોવાં જોઇએ કે શુ શું થવું જોઇએ?"
તમારી દૃષ્ટિએ આ પ્રકલ્પ સફળ ક્યારે સફળ થયો ગણાય?"
આ પ્રકલ્પમાં આપણે બહુ જ મોટી સફળતા મેળવી છે તે શી રીતે ખબર પડે?"
આ સવાલોથી આપણું કામ પાર પડે તેમ બને, અને નહીં તો એ માટે યોગ્ય સવાલો ખોળી પણ કાઢવા પડે! મહત્વનું એ છે કે સામેની વ્યક્તિના સફળતા માટેના માપદડોની રૂપરેખા સ્પષ્ટ બની રહે. આમાં તપાસણીની વાત ક્યાં આવી? બહુ સીધી વાત છે કે થોડા પણ મોટા પ્રકલ્પમાં એકથી વધારે , જુદા જુદા પ્રકારનાં હિતધારકો તો હશે જ, અને સફળતા નક્કી કરવા માટે એ દરેકનાં , કંઇક અંશે તો જરૂર, અલગ માપદંડ હશે. એ આપણી જવાબદારી છે કે મહત્વનાં હિતધારકોને ઓળખી કાઢી અને તેમના માપદંડોને સારી રીતે સમજી લેવાં, અને પછી એ બધાં પરિણામો એકત્ર કરી અને તેની સમીક્ષા કરીને એક સર્વસામાન્ય કાર્યલક્ષી કાર્યક્રમ ઘડી કાઢવો. આમ કરવાથી વધારાનો એક ફાયદો એ થશે કે એક બીજાં સાથે મેળ ન ખાતી અપેક્ષાઓને સમજવા માટેની સૂઝ પડવાની, કે 'આંતરીક રાજકારણ'ને કારણે પેદા થઇ શકતાં ભયસ્થાનોની આગોતરી આગાહી મેળવી શકવાની, તક મળી રહે છે.
આપણા વર્તમાન રોકાણોમાં આ કસરતનો અભ્યાસ કરવાથી આ કળા આપોઆપ જ સિદ્ધહસ્ત થવા લાગે છે.તમારાં ગ્રાહકો આ વાતથી પોરસાશે અને પ્રકલ્પ પરની તમારી પકડ વધારે અસરકારક થશે.

મૂળ અંગ્રેજી લેખ, Ways to distinguish yourself – #37 Learn the art of managing multiple projects અને તેનો અનુવાદ,  #37 બહુવિધ પરિયોજનાઓનું વ્યવસ્થાપન કરવાની કળા શીખીએ જરૂરથી વાંચશો.

મૂળ અંગ્રેજી લેખ, Ways to distinguish yourself – #5 Set the right expectations અને તેનો અનુવાદ, #5 યથાર્થ અપેક્ષાઓ સુયોજો જરૂરથી વાંચશો.


| જુલાઇ ૪, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આ પહેલાં પણ મેં સમય-નિર્ધારણ વિષે લખેલ છે. સમય જેટલું જ મહત્વ સ્થળનું છે.
થોડાં અઠવાડીયાં પહેલાં મારે બૉસ્ટનમાં TiECon Eastનાં અધિવેશનમાં વ્યક્તવ્ય આપવાનું હતું. ચાર્લ્સ નદી પર આવેલ , સુંદર હ્યાત હૉટેલમાં મારે રહેવાનું હતું. સાંજે મારે મોડું થયું હતું , એટલે કે એક કપ કૉફી પીવાનું મન થઇ આવ્યું. ટેબલની બાજુમાં જ, રૂપિયા ૨૦ની કીમતની ચીટકી લગાડેલ બે પાણીની બૉટલ પડી હતી. નવાઈ તો લાગી,  પણ બહુ ચોંકી ન જવાયું. હૉટેલની આજુબાજુ , નજદીકમાં કોઇ દુકાન હતી નહીં, તેથી લોકો એક બૉટલના ૨૦ રપિયા ખર્ચતાં અચકાય નહીં, તેમ પણ (મોટે ભાગે) માની શકાય.  અરે, જ્યારે એક રાત રહેવાના રૂ. ૨૦૦૦ થવાના હોય, ત્યારે પાણીની એક બૉટલની આટલી કિંમત તો ચુકવી કઢાય ! અને વેરાન વગડા વચ્ચે  એ જ પાણીની બૉટલના રૂ. ૨૦૦ પણ આપવા પડે!
કોઇ શહેરની બજારમાં કે રેલ્વે સ્ટેશન પર એ જ પાણીની બૉટલ ૧૦ રૂપિયામાં મળે. તો તફાવત ક્યાં પડ્યો ? સીધો હિસાબ છે - સ્થળ. આ દરેક કિસ્સામાં, એ જ પાણીની બૉટલની કિંમતનું સ્તર નક્કી કરવામાં સ્થળ એ મહત્વનું પરિબળ છે.
આપણી અંગત કે વ્યાવસાયિક જીંદગીમાં પણ આવું જ બને છે. તમે તમારી સાથે એક ચોક્કસ પ્રકાર અને કક્ષાનાં કૌશલ્યને પણ લાવો છો. જો એ કૌશલ્યનો બજારમાં ભરાવો હોય, તો તમારાં એ કૌશલ્યની દશા તરકારી જેવી બની રહે એમ પણ બને.એવા સમયે તેની ખાસ કિંમત ઉપજાવવી બહુ જ મુશ્કેલ પડી શકે છે. અથવા એમ વિચારો કે આપણાં કૌશલ્યની ઊંચી કિંમત કઇ જગ્યાએ, કયા સંજોગોમાં મળી શકે?.
ઠીક ! તમે જ્યાં છો, ત્યાં બહુ બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, એટલે ત્યાંથી ખસવું મુશ્કેલ જણાય છે. આપણે જે કંઈ ગોઠવણી કરી હોય, તે આડી અવળી થઇ જાય! અને જો ખરેખર એમ જ હોય, તમારૂં ખસી શકવું બહુ જ મુશ્કેલ બની રહેવાનું હોય, તો એ બાબતે ખાસ વિચાર કરવો જોઇએ કે એવાં કયાં કૌશલ્યો છે, જે આપણાં ત્યાંથી ખસી શકવાને આટલું મુશ્કેલ બનાવી રહેલ છે ? તમારી બ્રાંડ એ સ્થળનાં સંદર્ભે એટલી બધી પ્રસ્તુત છે?
પરતું તમારાં યોગદાનથી બજારમાં બહુ મોટી અસર ન પડી રહી હોય, તો તમે એ સ્થળે બહુ પ્રસ્તુત નથી એમ કહી શકાય. આપણે તેને માટે બજાર, સરકાર, અર્થતંત્રના પ્રવાહો કે કોઇ પણ પરિસ્થિતિને દોશીત ગણાવી શકીએ છીએ!?!

મૂળ અંગ્રેજી લેખ, Ways to distinguish yourself #135 – Never discount "timing" અને તેનો અનુવાદ,  #135 – "યોગ્ય સમય" હોવાનાં મહત્વને ક્યારે પણ ઓછું ન આંકીએ જરૂરથી વાંચશો.

મૂળ અંગ્રેજી લેખ,  Ways to distinguish yourself – #18 Be relevant અને તેનો અનુવાદ, #18 પ્રસ્તુત બનીએ જરૂરથી વાંચશો.

| જુલાઇ ૪ ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
ગયે અઠવાડીએ મારા સાત વર્ષના દીકરા, સુમુખ,ને જ્યારે હું તેની શાળાએથી લઇ આવ્યો, ત્યારે તેની પાસે હાથમાં બે ફોર્મ હતાં. તેણે પૂછ્યું, "ડૅડ, આપણે બાર્ન્સ એન્ડ નૉબલ્સ જઈશું?" પુસ્તકો તો મને પણ પસંદ છે, એટલે ત્યાં જવામાં વળી મને તો શો વાંધો હોય ? પરંતુ,  આજે શાળાએથી નીકળતાં વેંત સુમુખને ત્યાં કેમ જવું છે, એ વિચારે થોડું કુતુહલ થઈ આવ્યું. !  થોડી વાતચીત કરતાં જાણવા મળ્યું કે આ પ્રસ્તાવની પાછળની પ્રેરણા બાર્ન્સ એન્ડ નૉબલ્સનો ઉનાળુ વાંચન કાર્યક્રમ છે. આમ તો એ કાર્યક્રમ સાવ સીધો સાદો છે.
* કોઈ પણ બાળક એ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.
* ભાગ લેનાર બાળકે (કોઈ પણ ) આઠ પુસ્તકો વાંચવા જરૂરી છે.
* ભાગ લેનાર બાળક જે પુસ્તક વાંચે તેનું નામ, લેખકનું નામ, અને એ પુસ્તકમાં સહુથી વધારે શું ગમ્યું એટલી નોંધ તેણે રાખવાની રહેશે.
* બાળકનાં માતાપિતા કે કોઇ અન્ય વડીલે બાળકે પુસ્તક વાંચ્યું છે તે અર્થની સહી કરવાની રહેશે.
* આ નોંધ નજીકના બાર્ન્સ એન્ડ નૉબલ્સના સ્ટોરમાં રજૂ કરવાથી બાળકને (૨૫ પુસ્તકોમાંથી) કોઇ એક નવું નક્કોર પુસ્તક વિના મૂલ્યે આપવામાં આવશે.
હવે મુદ્દાની વાત. અમે બંને નજીકના સ્ટૉર પર ગયા અને તેનું ભેટ પુસ્તક લઇ આવ્યા. મેં પણ એક બે પુસ્તકો ખરીદી  નાખ્યાં. ત્યાંથી પાછા ફરતાં સુમુખે કહ્યું કે તે હજુ થોડાં વધારે પુસ્તકો વાંચી જવા માગે છે, જેથી તે કાર્યક્રમમાં બીજી વાર પણ ભાગ લઈ શકે. બાર્ન્સ એન્ડ નોબલ્સની વિચક્ષણતા પર મનમાંને મનમાં આફ્રીન થવાનો વારો હવે મારો હતો. સીધી વાત હતી કે કંપની તેના ભાવિ ગ્રાહકોમાં રોકાણ કરી રહી હતી.
આપણે પણ આવું જ કંઇક કરતાં હોઇએ છીએ.આ જ વાતનો આપણાં જીવન સાથેનો સંબંધ એકદમ સ્પષ્ટ જ છે. આજથી પાંચ કે દસ વર્ષ પછીની આપણી જીંદગીનો વિચાર કરો. આપણે આજે જે કરી રહ્યાં છીએ એ જ વસ્તુ ત્યારે પણ કરતાં હશું ?  કદાચ, ના. આપણે જુદી પરિસ્થિતિમાં કંઇક જુદું કરી રહ્યાં હશું - એટલે કે આપણી પાસે નવાં ગ્રાહકો હશે. થોડી વાર માટે વિચાર કરો તો ! શું આપણે એ ભાવિ ગ્રાહકોના વિકાસની દિશામાં, આયોજિત રીતે, આપણા સમયનું રોકાણ કરીએ છીએ ખરાં?
આપણાં ભાવિ ગ્રાહકોને શોધી કાઢવા, તેમની સાથે જોડાણ સાધવા અને તેમને સંવારવા માટે, આપણે આજે શું કરીએ છીએ ? આપણા ભાવિ ગ્રાહકોની બાબતમાં આજે રોકાણ કરવાથી આપણે જે ભાવિ સ્પર્ધાત્મક સરસાઇ ઊભી કરી શકીએ છીએ, તે તમને દેખાય છે?
શુભેચ્છાઓ!

| જુલાઇ ૫, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આજ્થી પંદરેક વર્ષ પહેલાં બેંગ્લોરમાં હું ઝડપથી વાંચવાની કાર્યશાળામાં ભાગ લઇ રહ્યો હતો. વિષયના પરિચય રૂપે પ્રશિક્ષકે અમને કોઇ એક પુસ્તક ઉઘાડી, ઊંધું કરી અને કોઇ પણ એક પાનું વાંચી જવા કહ્યું. ઊંધું રાખેલું પાનું વાંચવામાં અમને થોડો સમય લાગ્યો.પછી પ્રશિક્ષકે એ જ પુસ્તકનું બીજું કોઇ પાનું સીધી રીતે, બરાબર, રાખીને વાંચવા કહ્યું. આ વખતે તો તે પાનું ખાસી, ઝડપથી વંચાઇ ગયું. મજાની વાત તો હતી કે, એ પાનું સામાન્ય રીતે વાંચતાં હોઇએ તે કરતાં પણ વધારે ઝડપથી વંચાઇ ગયું હતું !  પ્રશિક્ષક અમને એક મુદ્દો સમજાવવા માગતા હતા, અને તે તેમણે બહુ જ સચોટ પણે સમજાવી દીધો.
હવે આપણે કેટલીક કાલ્પનિક પરિસ્થિતિઓ વિચારીએ :
૧. ધારો કે એક નવી પ્રોડક્ટની પ્રારંભીક શરૂઆતનો હવાલો તમને સોંપવામાં આવ્યો છે. તે માટે રૂ. ૧૦,૦૦૦નું ભંડોળ  અને વ્યવસાય વિદ્યાલયના કેટલાક નવશિખાઉ વિદ્યાર્થીઓ તમને સોંપવામાં આવ્યા છે. તો આ કામ શી રીતે પાર પાડશો?
૨. તમે કંપનીનો પૈસેપૈસો બચાવી, તે પૈસાથી કંપનીનાં ઉત્પાદનોને વિકસાવ્યાં છે. પરંતુ જ્યાં સુધી થોડા ગ્રાહકો તમારી તરફેણમાં દેખાય નહીં ત્યાં સુધી નિવેશકો નવું રોકાણ કરવા તૈયાર નથી. તમને એવું અનુભવાય છે કે જાણે તમે એક પથરાળ જમીન પર ખેડાણ કરવાની સ્થિતિમાં મુકાઇ ગયા છો. હવે શું કરશો? કંઈ નવી જ રીતે માર્ગ કાઢવાનું વિચારવું પડશે.
૩. તમે કહેલા ભાવથી અડધા ભાવે જો કામ કરવા તૈયાર હો, તો એક મોટા ગ્રાહક પાસેથી  મોટો ઑર્ડર મળી શકે તેમ છે. આ સોદો પાર પાડવો તમારે માટે બહુ મહત્વનો છે, એટલે તેને પાર પાડવાના રસ્તાઓ વિષે વિચારવાનું શરૂ કરી દીધું છે. અહીં પણ, તમારે બહુ જ નવી રીતે માર્ગ કાઢવો પડશે.
સાવ જ નવી દૃષ્ટિએ વિચાર કરવાની જરૂર હોવાથી, આને આપણે 'ચોકઠાંની પાર'ની વિચાર પ્રક્રિયા કહી શકીએ. આપણે આને 'ચોકઠાંની અંદર રહીને' વિચારવાની પ્રક્રિયા પણ કહી શકીએ કારણકે આ સંજોગોમાં બહુ જ થોડા ફેરફારો સાથે આપણી મૂળ વ્યૂહ રચનાને અમલ કરવાની રહે છે. મુખ્ય મુદ્દો એ છે કે એક વાર ઓછામાં ઓછાં સાધનોથી કામ કરવાની ટેવ પડવા લાગે, એટલે આપણી વિચારશક્તિને બને એટલી તાણવાની પણ ટેવ આપણે પાડીએ છીએ.ઓલીવર વેન્ડેલ હૉલ્મ્સનું આ કથન યાદ કરવા જેવું છે - કોઇ એક નવા વિચારથી વિચાર શક્તિને એક વાર જ તાણી તુસી લીધા બાદ એ કદી મૂળ સ્થિતિમાં નહીં આવે.
ઓછામાં ઓછાં સાધનોથી કામ કરવું એ મગજને વ્યાયમશાળામાં કસરત કરાવવા બરાબર છે. એક વાર એમાં સફળતા મળે તો પછી પૂરતાં સાધનોથી કામ પાર પાડવું તો બહુ જ સહેલું પરવડશે. વળી, વધારાનો ફાયદો એ કે આપણાં સંસાધનોનો વ્યય કે દુરૂપયોગ નહીં થાય.
કેટલાક વિચારવાલાયક મુદ્દાઓ :
સાનોની ખેંચને કારણે તમારા કયા પ્રકલ્પોને તમે ઠેલી રહ્યાં છો? એ પ્રકલ્પનો અમલ જીવન મરણનો સવાલ હોય, તો સાધનોની એ મર્યાદામાં કામ કરવા કયા નવા રસ્તા કામે લગાડી શકાય તેમ છે?
 
| જુલાઇ ૬ ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આજે આપણે બહુ જ અનુભવાઈ ચૂકાયેલ પ્રશ્નની વાત કરીશું, જો કે તેનું નિરાકરણ બહુ મુશ્કેલ નથી. મોટે ભાગે તો આ પ્રશ્ન જાણકારી અને માન્યતાઓના પ્રભાવ સાથે નિસ્બત ધરાવે છે.
જરા વિગતે સમજીએ. ધારો કે તમને ચિત્રકામનો બેહદ શોખ છે. તમે ભૂતકાળમાં કેટલાંક અદ્‍ભૂત તૈલચિત્રો બનાવ્યાં પણ છે, અને હજુ આજે પણ તમારી કળા એટલી જ અસરકારક પરિણામો લાવી રહી છે. પરંતુ, તમે 'ખોળી' કાઢ્યું  છે કે  તમારી સર્જનાત્મકતા વહેલી સવારે જ ખીલી ઊઠે છે. સૂર્યોદય થતાંની સાથે જ તમારે તમારાં સાધનો લઈને ચિત્રકામ કરવા નીકળી પડવું પડે છે. સવાલ એ છે કે "વહેલી સવારે જ કામ કરી શકાવાની આવી પૂર્વશરત પડતી મૂકવાની સકારાત્મક અસર તમારાં જીવન પર કેટલી હદે થઈ શકે છે?"
આ પ્રકારના જાતે જ લાગુ કરેલા નિયમો અને શરતો હેઠળ તેમના હુન્નરની અજમાયશ કરતાં રહેતાં  બહુ બધાં તેજસ્વી લોકોને મેં જોયાં છે. આવી કેટલીક ઉદાહરણ સ્વરૂપ શરતો છે:
ક) પોતાનાં જૂનાં કંપ્યુટર પર જ લેખ લખવા
  પોતાનાં ફાર્મહાઉસ પર લખે તો જ ઉત્તમ રચના શક્ય બને
ગ) એક ખાસ પ્રકારની ટોપી પહેરે તો જ શ્રેષ્ઠ ચિત્ર આકાર લે
ઘ) સવારે દોડવા જતી વખતે જ સહુથી વધારે અસરકારક વ્યૂહરચનાઓ સૂઝે
કોઇ કોઇ વાર મને એમ લાગે છે કે આ પ્રકારની જાતે જ લાગુ કરેલી શરતો ખરેખર તો આપણું વિમા કવચ છે. ધારો કે આપણે આવી કોઇ જ શરતો ન લાગુ કરતાં હોઇએ તો શું થાય? આપણને અંધાધૂંધ સફળતા નથી મળી તેને માટેનાં બહાનાં ક્યાંથી મળશે !
આપણો પોતાનો જ દાખલો લો ને ! આપણાં હુન્નરના પ્રયોગ માટે આપણે કઈ શરતો આપણા પર લાદી દીધી છે ?  ખરેખર, હકીકતમાં, આવી કોઈ શરતો છે ખરી કે જતે દહાડે ક્યાંકથી આવીને લાગૂ પડી ગઈ છે? મજાની વાત તો એ છે કે જેવા આપણે એ શરતોને માનવા લાગીએ છીએ તેવી જ આ શરતો "સાચી" બની જતી હોય છે. અને તે પછી તો એ સ્વયંસિદ્ધ ભવિષ્યવાણી બની જતી હોય છે.
થોડા દિવસ આ પ્રમાણે કરતાં રહેવું જોઈએ. તમને જેના માટે અદમ્ય પ્રેમ કે જોશ હોય એવાં તમારાં હાર્દ કૌશલ્યને શરત-મુક્ત કરી નાખો - એટલે કે કોઇ પણ જાતનાં પણ કે બણ સિવાય, કોઇ પણ જગ્યાએ , કોઇ પણ સંજોગોમાં તમારાં હુન્નરની અજમાયશ કરીએ. આંશિક સફળતાથી શરૂઆત થશે તો પણ હાલ જે સ્થિતિમાં છીએ તેના કરતાં તો સારી સ્થિતિ જ બની રહેશે એટલું તો નક્કી જ જાણીએ !

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ત્રીજો - ગુચ્છ ૧૦ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ડીસેમ્બર ૭, ૨૦૧૩

 

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો