સોમવાર, 17 ફેબ્રુઆરી, 2014

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ચોથો - ગુચ્છ ૩| ઓગસ્ટ ૧૯, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
મારી કારકીર્દીનાં શરૂાઅતનાં વર્ષો મેં ભારત, સિંગાપોર, મલયેશિયા અને હોંગ કોંગમાં વીતાવ્યાં હતાં. એટલે નાયગ્રા ધોધ વિષે સાંભળ્યું ઘણું હતું, તેને ફિલ્મોમાં જોયો પણ હતો, પણ પોતાની આંખે જોવાના સ્વાનુભવનો પહેલો મોકો સાતેક વર્ષ પહેલાં મળ્યો. કંઇક અસામાન્ય, અદ્‍ભૂત, અવર્ણાતીત જોવા મળશે એટલી તો મને કલ્પના હતી. મારાં જે મિત્રોએ તેને જોયો છે તેઓ તેને આ ધરતી પર આવું કંઈ, ક્યારે, કદી પણ ન જોવા મળે તેવું કહી ચૂક્યાં હતાં. આમાંના કેટલાંક તો છેલ્લાં પાંચ વર્ષમાં દરેક વર્ષે ત્યાં જતાં રહ્યાં છે, અને તેમ છતાં આવતા વર્ષે ફરીથી જવાનાં હતાં. એટલે નાયગ્રા ધોધ માટેની મારી અપેક્ષાઓ બહુ જ ઉંચાઇઓ પર હતી. અને તેમ છતાં,  જ્યારે જાતે જોયું, તે અનુભવ તો અક્લ્પનીય જ હતો ! મારી બધી જ 'ઊંચાંમાં ઊંચી' અપેક્ષાઓને પણ એ અનુભવ પાર કરી ગયો. તેની ભવ્યતા અને જાદુને શબ્દોમાં વર્ણવવો શક્ય નથી. હું ચકાચૌંધ થઇ જઇશ એ નક્કી જ જણાતું હતું, પણ મારી કલ્પનાઓની બધી જ સીમાઓની આટલી હદો વટાવી જતી અભિભૂતી થઇ રહેશે તેવું તો ક્યારે ય નહોતું કલ્પ્યું.
આટલી પૂર્વભૂમિકા પછી હવે, ધારો કે તમારો કોઇ એક મિત્ર (જય) તમારી વિષેની 'બહુ ખાસ' વાત તમારા બીજા એક મિત્ર (જીત)ને કરે છે. એ વાતો વિષે સાંભળીને જીતને નવાઇ લાગે, અને એટલે તે હવે તમને મળવા માગે તે સ્વાભાવીક છે. આમ તમારા માટે 'બહુ જ સારૂં' સાંભળ્યું હોય તે મનોદશાની ઉંચી અપેક્ષા સાથે જીત તમને મળે છે. એ મુલાકાતનો દિવસ પણ આવી ચૂકે છે. ખૂબ જ ઊંચી અપેક્ષા સાથેના જીતની તમારી સાથે, જયે જેની બહુ જ વાત કરી છે તે વિષયની, બહુ ઉત્કટ ચર્ચા થાય છે. તમારી રજૂઆત તેની અપેક્ષાઓને પાર કરી રહે છે. આપણા આજના વિષયની ભાષામાં કહીએ તો, જીતને 'નાયગ્રા પરિબળ'નો અનુભવ થાય છે.
'નાયગ્રા પરિબળ' એક એવો અહેસાસ છે જેની ઉત્કટતાની પૂરે પૂરી અનુભૂતિ શબ્દોમાં સમજાવવી કે વર્ણવવી મુશ્કેલ છે. લાગણીની ગમે તેટલી ઊંડાઇથી વર્ણન કરીએ તો પણ આપણાં દિલમાં જાગી ઉઠેલ એકોએક લાગણીને પૂરતો ન્યાય તો ન જ થાય. આપણને સારી પેઠે 'ઓળખતાં' લોકોને લાંબા સમય સુધી ચકાચૌંધ કરતો રહે તેવો એ અનોખો અનુભવ છે.
કમનસીબે, મોટાં ભાગનાં લોકો તેમનાં 'નાયગ્રા પરિબળ'થી અજાણ હોય છે. આવાં લોકો માટે, તેમની સફળતા જ તેમની વેરી થઇ રહે છે. તેમનાં 'નાયગ્રા પરિબળ'ની ક્ષમતાનો પૂરો લાભ લીધા વગર જ તેઓ સફળતા મેળવી ચૂક્યાં હોય છે, એટલે આવી કોઇ સંભાવના બાબતે તેમને ખબર જ નથી હોતી. તેમની સાથે સંપર્કમાં આવનાર લોકો કંઇક 'ખાસ' જૂએ ખરાં, પણ તે એટલું સ્વાભાવિક હોય કે રોજબરોજના સંપર્કોમાં તેનો કોઇ ચોક્કસ ઉલ્લેખ થતો નથી.
હવે પછીના દિવસોમાં, તમારાં આ 'નાયગ્રા પરિબળ' વિષે તમે કેટલું જાણો છો (કે નથી જાણતાં) તે વિષે વિચારી જજો. જો તમને આ વિષે ખબર ન હોય તો, તે વિષે પગલાં લેવા માટે હજૂ પણ મોડું નથી થયું. આ બાબતે સભાન થવાથી આપણી આપણી કેટલીક ઉર્જાને એ દિશામાં વાળીને આપણે આપણાં એ 'નાયગ્રા પરીબળ'ને હજૂ વધારે 'સુંદર' કરી શકીશું.
શુભેચ્છાઓ ...........

| સપ્ટેમ્બર ૫, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
સામાન્ય રીતે લોકોને બીજાં તેમનાં માટે પસંદગી કરે તે નથી ગમતું. પસંદગી તો તેમની પોતાની જ હોવી જોઇએ.
તે જ રીતે લોકો કોઇ અન્ય તેમને કંઇ વેંચી જાય તેમ નથી પસંદ કરતાં. ખરીદવાનો નિર્ણય તો તેમનો જ હોવો જોઇએ.
એક બહુજ સાદો દાખલો લઇએ. ધારો કે તમારે કોઇ વ્યાવસાયિક સેવા પૂરી પાડનાર સાથે કોઇ વિષયની સલાહ લેવા અંગે કામ પડ્યું છે. તે વ્યાવસાયિક બહુ જ ધ્યાનપૂર્વક તમારી વાત સાંભળે, અને બરાબર સમજે, છે. તે પછી તે પોતાનો પ્રતિસાદ આપે છે. જેને બે શક્યતાઓમાં જોઇ શકાય:
શક્યતા ૧: તીર નિશાન પર
એ વ્યાવસાયિકને લાગે કે તેનું તીર નિશાના પર લાગ્યું છે - તમારી સમસ્યાનું બહુ જ ઉપયુકત નિરાકરણ તેની પાસે છે, જેની તે વિગતે વાત કરે છે. છેલ્લે, તે એવી ચેતવણી પણ કહે છે કે આ સિવાય  કોઇ બીજો વિકલ્પ પસંદ કરવો તે મુર્ખામી પરવડી શકે છે.
શક્યતા ૨ : વિકલ્પોનો ધોધમાર વરસાદ વરસાવી દેવો
એ વ્યાવસાયિક બહુ રચનાત્મક છે, અને માને છે કે આપણા પ્રશ્નનાં કમ સે કમ દસ નિરાકરણ છે. એ દરેક વિકલ્પની તે વિગતે ચર્ચા કરે છે. તેનું ભારપૂર્વક કહેવું છે કે એક વાર તે બધું સમજાવી દેશે, પછી નિર્ણય તો ચપટી વગાડતાં લઇ શકાશે.
કમનસીબે, આ બન્ને વિકલ્પથી તમને સંતોષ નથી થયો. પહેલા કિસ્સામાં પેલા વ્યાવસાયિકે આપણી પાસે  પસંદગીનો કોઇ વિકલ્પ જ ન રહેવા દીધો (વિકલ્પની પસંદગી તો તેણે કરી લીધી). જ્યારે બીજા કિસ્સામાં, કરીયાણાની લાંબી યાદી જેટલા, બહુ વધારે પડતા વિકલ્પોથી, તો આપણી ગુંચવણમાં વધારો થયો.
આદર્શ પરિસ્થિતિ તો એ કહેવાય જેમાં એ વ્યાવસાયિક, પોતાની સંન્નિષ્ઠ આવડતને આધારે આપણી પાસે, આપણને અનુકુળ પડે એવા,  બે કે ત્રણ વિકલ્પ રજૂ કરે અને દરેક વિકલ્પની પસંદગીનાં સારાં નરસાં પાસાં સમજાવે.
હવે, યાદ કરીએ આનાથી બિલ્કુલ અવળી સ્થિતિ,  જ્યારે તમે ટેબલને પેલે છેડે બેઠાં છો. હવે તમે એ વ્યાવસાયિક તમે છો, જેમની પાસે લોકો સલાહ માગવા આવે છે. એ સમયે તમે કેવો પ્રતિસાદ આપ્યો હતો ? તેમને એક માત્ર પસંદગી 'કરી' આપી હતી કે કરીયાણાંની ખરીદીની યાદી જેવો, વિકલ્પોનો ઢગલો ખડકી દીધો હતો ?
આ પરિસ્થિતિમાં અકસીર ઇલાજ તો એ જ કહી શકાય કે, વિકલ્પો જરૂર આપવા, પણ 'બહુ વધારે પડતા' નહીં.

| સપ્ટેમ્બર ૨૪, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
જીવનની પ્રત્યેક ક્ષણ નવીનીકરણ છે, કારણ કે તે પહેલાં તો તે ક્યારે પણ હતી જ નહીં." -  નવીન લક્કુર @ Start2Lead
દરેક ક્ષણે જીવનનું એક એક, નવું ને નવું, પડ ખૂલતું રહે છે. દરેક ક્ષણે પરિવર્તન પણ થતું જ રહે છે. બદલતી જતી દરેક ક્ષણની દુનિયામાં આપણે પણ બદલતા રહેવું પડે છે. પણ, આપણે તો પરિવર્તનનો વિરોધ કરનારાઓમાંનાં નથી ?
સામાન્યતઃ પરિવર્તન માટે આપણે તૈયાર નથી હોતાં એ વાત સાથે હું સંમત નહીં થાઉં. ખરેખર તો પરિવર્તન આપણને કોઠે પડી ગયું છે.  આપણા જ્ન્મથી માડીને આજ સુધી થયેલા ફેરફારો તરફ એક નજર તો કરો -
* કોઇ એક સમયે આપણે જીવનમાં પહેલો શબ્દ બોલ્યાં
* કોઇ એક વાર પહેલું ભાંખોડીયું ભર્યું
* કોઇ એક વાર જીવનનું પહેલું ડગલું માંડ્યું
* કોઇ એક વાર જીવનમાં પહેલો શબ્દ વાંચ્યો
* કોઇ એક વાર જીવનમાં પહેલો અક્ષર માંડ્યો
* કોઇ એક વાર જીવનમાં પહેલો પ્રેમ અનુભવ્યો
આવા તો ઘણાં ઉદાહરણો ગણાવી શકાય, પરંતું હું માનું છું કે મારો કહેવાનો ભાવાર્થ તો તમને સમજાઇ જ ગયો હશે. શું હજૂ પણ તેમ એમ જ માનો છો કે આપણે પરિવર્તન ક્યારે પણ સહેલાઇથી સ્વીકારતાં નથી ?
હા, અમૂક પ્રકારનાં પરિવર્તનો આપણને માફક નથી આવતાં ! ખાસ તો જેમ જેમ મોટાં થતાં જોઇએ છીએ તેમ તેમ આ ભાવના બળવત્તર થતી જતી અનુભવાય છે - ખાસ કરીને એવાં પરિવર્તનો જેની થતી કિંમત ચૂકવવાની આપણી તૈયારી નથી હોતી.
થોડા સમય પહેલાં મારે કેટલાંક લોકો સાથે વાટાઘાટો કરવાની થઈ હતી. વાટોઘાટો ખાસ્સી જટિલ અને કસાકસીભરી હતી. મારં માનવું હતું કે સામો પક્ષ ગેરવાજબી અને અપરિપક્વ હતો.આ બાબતે કંઇ માર્ગ નીકળે તે વિષે મેં મારા માર્ગદર્શકની સલાહ માગી. મારા માર્ગદર્શકે કોઇ જવાબ તો ન જ આપ્યો, પણ સામેથી એક સવાલ પૂછ્યો - "રાજ, જે લોકો પરિપક્વતા નથી બતાવી શકતાં એવાં લોકોની સાથે કેમ કામ પાર પાડવું એ પરિપક્વતા તારામાં છે ? મારી દ્વિધાનો તેમાં જડબેસલાક માર્ગ મળી રહ્યો. 'આપણે સુધરવું જોઇએ' તેમ કહેવા / કરવાને બદલે 'બીજાંએ સુધરવું જોઇએ' તેમ કહેવું / કરવું બહુ આસાન છે.
જરા વિચાર કરીએ:
બીજાંએ સુધરવું જોઇએતે મારા માટે અઘરૂં નથી.
મારે સુધરવું જોઇએતે મારા માટે અધરૂં છે.
'બીજાંએ સુધરવું જોઇએ' એ આપણને બીનજવાબદાર બનાવી દે છે - વાંધો તો સામેના પક્ષે છે !
"મારે સુધરવું જોઇએ' આપણી પાસે કોઇ બહાનું નથી રહેવા દેતું - મારામાં ફેરફારો કરવા મારે કસીને મહેનત કરવી પડે.
"બીજાંએ સુધરવું જોઇએ"માં આપણે ભોગ બન્યાની ભાવના છે, એટલે જાણે કાંઇ પણ ન કરવાનો પરવાનો મળી ગયો.
"મારે સુધરવું જોઇએ"માં આપણે જ હવાલો સંભાળી લેવાનો છે, એટલે (જે) કંઈ પણ કરવાપણું છે તે આપણે જ કરવાનું રહે છે.
શું સહેલું લાગે છે - બીજાંએ સુધરવું જોઇએ"?
ખરા અર્થમાં "પોતાની જાતને સુધારવી' જ સહેલું પડે, કારણ કે આપણે જ એક એવી વ્યક્તિ છીએ તેના ઉપર આપણો પૂરો મુખત્યાર છે જ.
મારો કહેવાનો મુદ્દો એટલો જ છે કે "બીજાંએ સુધરવું જોઇએ" અને "આપણે જાતે સુધરવું જોઇએ" ગુણોત્તર - જેટલી વાર "બીજાંએ સુધરવું જોઇએ"ની સરખામણીમાં "આપણે જાતે સુધરવું જોઇએ" એમ આવતા વિચાર - પર ધ્યાન દેતાં રહેવું જોઇએ. આપણે જ્યાં જવું છે તે સ્થાને લઇ જવામાટે આ બહુ દુરસ્ત માર્ગ લાગે છે?  જે કંઇ છે તેનાથી બહેતર થવા માટે સ્વ-સુધાર કરવો જોઇએ ?

| સપ્ટેમ્બર ૨૫, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આપણા બધાજ નિર્ણયો શુદ્ધ તર્ક આધારીત હોય તેવી કલ્પનામાં રાચવામાં કંઇ કદાચ ખોટું ન પણ હોય, પરંતુ હકીકત એ છે કે આમ થવું સાવ અશક્ય જ છે.આપણે માનવી છીએ અને આપણા ઘણા નિર્ણયો લાગણીઓથી દોરવાયેલ હોય તેમ બની શકે છે.
હકીકતે તો,
* ભૂતકાળના આપણા ઘણા નિર્ણયો લાગણીપ્રધાન હતા.
* આજે પણ આપણા ઘણા નિર્ણયો લાગણીપ્રધાન હોય છે.
* આવતી કાલે પણ આપણા ઘણા નિર્ણયો લાગણીપ્રધાન હશે.
આમ થવું એ યોગ્ય છે કે નહીં તેમ પણ મારૂં કહેવું નથી. આ વાતને ઉખેળવા પાછળ મારો મુદ્દો તો આપણે જ્યારે પણ લાગણીપ્રધાન નિર્ણય લેતાં હોઇએ તે સ્થિતિને સભાનપણે સ્વીકારવાનો છે.
જેમ કે, ઘણાં લોકો માટે તેમનાં પહેલાં ઘરની ખરીદીનો નિર્ણય લાગણીપ્રધાન રહેતો હોય છે. પરંતુ તે વિષે સભાન ન હોવાને કારણે તેના તર્કને સિધ્ધ કરવામાં આપણે કલાકો દલીલ કરતાં રહીએ છીએ, પણ એ ઘર લેવું કે ન લેવું એ નિર્ણય તેમાં કોઇ જ ફેર નથી પડતો. જો આપણો પહેલો જવાબ "હા" હશે તો પછીનાં બધાં જ તાર્કીક સંશોધનો  તે નિર્ણયને યોગ્ય ઠેરવતાં જ તારણો સામે લાવી મૂકશે. વિરોધી જણાતા અભિપ્રાયો બહુ જ ઠાવકાઇથી હાંસિયામાં ધકેલાઇ ગયેલા જોવા મળશે. સહુથી પહેલો જવાબ "ના હશે, તો આ આખી પ્રક્રિયા તેના ટેકામાં ચાલતી રહેશે.
આપણી વ્યાવસાયિક જીંદગીમાં પણ લાગણી પ્રધાન નિર્ણયો થાય અને તેને તર્કનાં વાજબીપણાથી સજાવાય તેમ થતું  જ જોવા મળશે. જ્યાં સુધી જે કંઇ થઇ રહ્યું છે તે આપણે સમજી રહ્યાં હોઇએ, ત્યાં સુધી તો આમાં કંઇ ખોટું નથી.પણ જ્યારે તેનો સ્વીકાર નથી કરાતો, ત્યારે ન હોય ત્યાંથી પણ તર્ક ખોળી લાવવા આપણે મથીએ છીએ.
લાગણીપ્રધાન નિર્ણયોને તાર્કીક ઠરાવવામાં મૂળ મુદ્દે કેટલી બાબતો આ મુજબ છે :
૧. તેમાં બહુ ઘણી મહેનત છે, અને વળતર ઓછું.
૨. જ્યાં કાંઇ છે જ નહીં તેવા તર્કને શોધવામાં અને વિશ્વસ્તપણે રજૂ કરવામાં બધી જ લાગણીઓ નચોવાઇ જાય છે.
3. અને તેમ છતાં આ પ્રયાસો સામાન્ય કક્ષાનાં લોકો પર જ કારગર નીવડે છે, કારણ જે થોડાં પણ સમજુ લોકો તો આપણા પ્રયત્નોને પારખી જ પાડતાં હોય છે.
૪. કદાચ વધારે પડતી વાત કહી શકાય પણ આ પ્રકારના પ્રયત્નો માટે ખર્ચવો પડતો સમય અને શક્તિની છૂપાયેલી કિંમત પણ હોઇ શકે છે - એટલો સમય આપણે વધારે સક્રીયાત્મક ઉત્પાદક અને આપણાં ધ્યેયલક્ષી કામમાં વાપરી શક્યાં હોત.

| ઑક્ટોબર ૧, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
ઘણી વાર એવું બનતું હોય છે - લોકો એટલી હદે પાછળ પડી જાય કે આપણે ગાંડાંઘેલાં પગલાં લઇ બેસતાં હોઇએ છીએ. લોકો જ્યારે આદુ ખાઇને જ પાછળ પડ્યાં હોય, અને બચાવાનો કોઇ માર્ગ દેખાતો ન હોય, ત્યારે તેની સામે ટકી રહેવા માટે સામી છાતીએ લડી લેવું તર્કસંગત ન કહેવાય ?
આપણી સાથે જ આવું બને છે એમ કહેવાનો આશય નથી, બીજાંઓને પણ આ અનુભવ થતા જ હોય છે. કોઇ વાર સકારણ તો કોઇ વાર આપોઆપ જ, આમ થતું રહેતું હોય છે.  કોઇ સામે કડક રૂખ અપનાવવી પણ પડે - કદાચ ઘણાં લોકોનાં દેખતાં જ. આ સમયે જો ઢીલાં પડ્યાં તો તે વ્યક્તિને હંમેશ માટે નાજૂક પરિસ્થિતિમાં ધકેલી દેવાનો પ્રસંગ પણ પડી શકે - તે એટલી હદે કે, જ્યાં સુધી તે વ્યક્તિ એ સ્થિતિનો સામનો કરીને તેમાંથી બહાર ના અવે ત્યાં સુધી તેણે તેમાં ભરાઇ રહેવાની નોબત આવી પડતી હોય છે. સામનો તો તે જરૂર કરશે. બીજી કોઇ વાતની પરવા કર્યા સિવાય. પછી ભલે એ પગલાં વિષે કદાચ પસ્તાવાનો વારો પણ આવે. જો કે જે કંઇ નુકસાન થવાનું હોય તે તો થઇ ચૂક્યું જ હોય.
આવી પરિસ્થિતિમાં શું થઇ શકે ? એક સરળ ઉપાય એ છે કે બંધ કરતી વખતે બારણાંને તસુભાર ખુલ્લું રાખવું - એ વ્યક્તિને માનભેર, સ્વબચાવમાટે, કોઇ એક માર્ગ મળી રહે તેવી તક છોડી મૂકવી. એ વ્યક્તિ, ભલે આજ નહીં પણ કાલે જરૂર, આ માટે આભારી રહેશે.
વિચારી જજો - એ વ્યક્તિને બરાબરનો પરચો બતાડીને આપણે આપણો સંદેશો તો તેને પહોંચાડી જ દીધેલ છે. જો તેનામાં થોડી પણ સમજ હશે તો તેને તે સમજાઇ પણ ચૂક્યું હશે. તે પછી તેને વધારાના દબાવમાં રાખવાથી કોઇ વધારે અર્થ તો સરવાનો નથી. દરવાજો થોડો ખુલ્લો રાખવાથી 'શેહ'ની અનિર્ણીત પરિસ્થિતિ ટાળી શકાય છે, આમ પણ 'શેહ' દેવા ની પરિસ્થિતિએ પહોંચવાને કારણે જીત તો થઇ ગઇ જ કહેવાય ને!
હું જ્યારે જ્યારે આ વિષે વાત કરૂં છું, ત્યારે એકાદ બે વિરોધના સૂર તો ઉઠતા હોય છે. તેમનું કહેવું છે કે કોઇને છેલ્લે પાટલે જવું પડે તેવી પરિસ્થિત જ જ શા માટે થવા દેવી? હું પણ તેમ જ માનું છું. આમ જૂઓ તો એવી ઘણી આદર્શ પરિસ્થિતિઓ છે જે બધાંની અહીં નોંધ કરવું કદાચ શક્ય નથી. જીંદગી પોતે જ નિયમો મુજબ જ ચાલતી આદર્શ કહાની ક્યાં છે ! આવી 'આદર્શ' સ્થિતિઓમાં રાચતાં લોકો માટે વિચારવા માટે એક અપવાદ રજૂ કરીશું. ધારો કે આપણે જીવનમાં કદીયે કોઇને છેલ્લે પાટલેવાળી પરિસ્થિતિમાં નથી મૂકી દેતાં (આવું આમ તો બને નહીં, પણ એક ઉદાહરણ તરીકે ધારી લઇએ). એવું પણ બને કે કોઇ એક આખા સમુદાયની સાથે કોઇ એક વ્યક્તિને 'છેલ્લે પાટલે'વાળી સ્થિતિમાં મૂકાવું પડ્યું હોય, અને આપણે તેના મૂક સાક્ષી બની રહ્યાં હોઇએ. બસ, આવી પરિસ્થિતિમાં એ વ્યક્તિમાટે તસુભાર દરવાજો ખુલ્લો મૂકીને તેને પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ કરી શકવાની તક ઝડપી લેવી જોઇએ.

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ચોથો  - ગુચ્છ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ફેબ્રુઆરી ૧૭, ૨૦૧૪