સોમવાર, 24 ફેબ્રુઆરી, 2014

શ્રેણી - દૂરંદેશીનું મૂલ્ય :: જેસ્સૅ લીન સ્ટૉનર : ૪: ડગ કૉનન્ટ સાથે મુલાકાતકેમ્પબેલ સૂપના ભૂતપૂર્વક મુખ્ય સંચાલક ડગ કૉનન્ટ સાથે મુલાકાત

ઍવૉનના નવ-પદોન્નીતત બીન-કાર્યકારી અધ્યક્ષ અને કેમ્પબેલ સૂપના ભૂતપૂર્વ અધ્યક્ષ અને મુખ્ય સંચાલક ડગ કૉનન્ટ સાથે મુલાકાત કરવાનો એક સુખદ મોકો મને મળી ગયો. કેમ્પ્બેલ સૂપના કાર્યકાળ દરમ્યાન તેમણે વેચાણ અને કર્મચારીઓનાં વચનબધ્ધ જોડાણનાં ઘટતાં જતાં વલણની સામે કંપનીનું નાટ્યાત્મક પરિવર્તન કરી બતાવ્યું હતું. તેમનાં નેતૃત્વ હેઠળ, કંપનીએ ગુણવત્તા સભર વેચાણ વૃધ્ધિ અને છેલ્લાં દસ વર્ષમાંનાં કર્મચારી વચનબધ્ધતાના ક્રમાંકમાં સતત અગ્રેસર સ્થાન મેળવ્યું.

ડગ કૉનન્ટના દીર્ધદૃષ્ટિ પરના વિચારો અહીં રજૂ કરવામાં હું અનેરો આનંદ અનુભવું છું.

~ જેસ્સૅ લીન સ્ટૉનર

દીર્ઘદૄષ્ટિ વિષે આજકાલ તમે લોકોનો શું અભિગમ જોઇ રહ્યા છો?

'ગુગલ'ની આ સદીની યુવાન પેઢીથી લઈને વૅનગાર્ડ'ની ચાળીસીવાળી પેઢીનાં લોકો સામેનાં મારાં વ્યક્તવ્યો સમયે મેં જોયું કે તેઓને દીર્ધ દૃષ્ટિમાં ઓછો અને 'કેમ પાર પાડવું?'માં વધારે રસ છે. અગ્નિશામક નાળચામાંથી વહી આવતા પ્રવાહમાંથી તેઓ જીંદગીનાં ઘુંટડા ભરવાનાં હવાતીયાં મારે છે, અને એટલે, ઢકરાઇ પણ જાય છે.

તેમની સામે જે કંઇ આવે છે તેનાથી તેઓ અભિભૂત થતાં રહે છે. દરરોજના સો એક ઇ-મેલ અને કંઇ કેટલી માંગથી તેઓ ઘેરાયેલાં રહે છે. અને માંડ હજૂ એ ઢગલામાંથી બહાર જ આવ્યાં હોય, ત્યાં ટેણીયાંની શાળામાંથી ફોન આવે કે તેની તબિયત નરમ જણાય છે. બધું એક બાજુએ રાખીને તેઓ તેમનાં કામને ન્યાય આપી શકવા માટે કરીને સમય વ્યવસ્થાપનની કવાયત જેવાં ક્ષેત્રોમાં 'કેમ પાર પાડવું?'ના નુસ્ખાઓની શોધમાં રહે છે.

આના પ્રતિસાદમાં અગ્રણી (નેતૃત્વ)એ શું કરવું જોઇએ?

આપણે તેમને સમજાવવું રહ્યું કે આ બહુમુખી માંગની જટિલતા અને એક બીજાં સાથે હરીફાઇ કરતી પ્રાથમિકતાઓ સાથે કામ પાર પાડવું એ તેમનું જ કામ છે.

૨૧મી સદીનાં નેતૃત્વ સામેના પડકારો પૈકી આ એક મહત્વનો પડકાર છે. આપણે એક નવાં જ પ્રકારનાં માહોલમાં રહીએ છીએ, જેની સાથે આપણે કામ તો પાર પાડવું જ રહ્યું. પર્યાવરણ બદલી રહ્યું છે, અને એ ઉન્મત્ત પર્યાવરણમાં આપણે નેતૃત્વનાં નવા ઢાંચા અંગે વિચારવાનાં સીધાં ચઢાણ ચડવાં રહ્યાં.જો કે સિધ્ધાંતો તો તેના તે જ છે.

તમારૂં કહેવું છે કે "સિધ્ધાંતો તો તેના જ છે." કયા છે એ સિધ્ધાંતો ?

સંસ્થા પાસે મહાત્વાકાંક્ષી ધ્યેય હોવું જોઇએ જે 'કામ કરવાની રોજબરોજની પ્રવૃત્તિઓ'થી કંઇક સવિશેષ હોય. કામ અર્થપૂર્ણ રહેવું જરૂરી છે. ધ્યેય અનુભવાતીત હોવું જોઇએ જેની સાથે લોકો પોતાની જાતને સાંકળી શકે અને જે તેમને આપોઆપ જ પ્રોત્સાહીત કરે. આ તબક્કે દીર્ઘ દૃષ્ટિની જરૂર તો પડે જ છે, પરંતુ માત્ર તેનું હોવું એટલું જ પૂરતું નથી.અગ્રણી નેતૃત્વએ સંસ્થા સાથે સહયોગાત્મક રીતે સાયુજ્ય સાધીને મહાત્વાકાંક્ષા પૂરી થાય તેવી દીર્ધ દૃષ્ટિ કંડારી કાઢવાની રહે છે. તે સાથે, ભાવિ સફર માટેનો તેમણે અનુભવી (અને જોઇ) શકાય તેવાં અમલીકરણનો વાસ્તવિક દૃષ્ટિકોણ પણ ઘડી કાઢવો રહે.

આજે તેમાં શું ફરક છે ?

જૂનાં અધિશ્રેણીક ઢાંચામાં, આપણે લોકોને કહેવાનું જ રહેતું હતું કે આપણું દીર્ધ દૃષ્ટિ કથન શું છે. આજે એ રીત કામ નહીં આવે. આજે તો એવો મંચ જોઇશે જે દરેક વ્યક્તિ માટે અર્થસભર બની રહે.

આ કામ અગ્રણીઓ એકલા હાથે નહીં કરી શકે. તેમણે તેમના સહયોગીઓનો સક્રિય, સકારાત્મક સહકાર મેળવવો પડશે. અને જો હજુ વધારે અસરકારક પણે સફળ થવું હોય, તો સમગ્ર સંસ્થાનો સહયોગ મેળવવો પડશે. દીર્ધ દૃષ્ટિ કથનનું ઘડતર ખરા અર્થમાં સામુહીક સ્તરે થવું જોઇશે, જેનું સ્થાપત્ય લોકો તેની સાથે પોતાને સાંકળી શકે તેવું મુક્ત હોય.

બધાં જ પોતાને જેની સાથે સાંકળી શકે તેવો મચ કેવો હોવો જોઇએ?

કેમ્પબેલમાં અમે તે કર્યું હતું, અને હવે હવે એવૉનમાં પણ એવો નકશીદાર ચાકળો ભરી રહ્યાં છીએ. એ ચાકળામાં, બધાં જ માટે કંઇ ને કંઇ છે. જો તમે વિશ્લેષણાત્મક હશો તો તમે એક તરફ દોરવાશો. જો તમે લોકાભુમુખી હશો તો વળી બીજી તરફ ઢળશો.આપણે શું છીએ અને કઇ દિશામાં જઇ રહ્યાં છીએ તેનું તે બૃહદ ચિત્ર બની રહેશે.

લોકો તેને પોતાને અનુરૂપ પડે તે રીતે પકડી શકે છે અને અંગત પણે ઉત્તરદાયી બની રહે છે. તેઓ દરરોજ પોતાને સવાલ કરી શકે છે કે, "શું હું આ દીર્ધ દૃષ્ટિની ભાવનાના દાયરામાં રહીને કામ કરૂં છું?

તમે અંગત અને સંસ્થાકીય દીર્ઘ દૃષ્ટિની વાત કરી. એ બંને વચ્ચે શું સંબંધ છે?

જો કંપનીની દીર્ઘ દૃષ્ટિ સુસ્પષ્ટ હશે, તો તેને આપણાં ધ્યેય, મુલ્યો અને સ્વપ્નોસાથે સુસંગત થઇ અને તેમના પર છવાઇ જવાતી જોવા મળશે.

એ તો વેન ડાયાગ્રમ જેવું છે. જો સવળું હશે તો જ એકબીજાંને અંશતઃ આવરી લેશે. જો એવું પરસ્પર વ્યાપ્ત થયેલ ન જોવા મળે, તો એનો અર્થ એટલો જ કે આપણે ક્યાંક ખોટાં છીએ.

તમારા વિષે કંઇક કહેશો ? એક અગ્રણી તરીકે તમારૂં અંગત દીર્ઘ દર્શન શું છે?

ઘણાં વર્ષો પહેલાં, નૅબીસ્કૉના મારા મુખ્ય સંચાલકે તેમની સંચાલક ટીમને અંગત શૈલીની આકારણી કરવા કહેલું. બધાંની વિચારવાની અલગ અલગ શૈલીઓ જોઇએ તેમને બહુ જ કૂતૂહલ થઈ આવ્યાનું મને યાદ આવે છે. વિચારવાની શૈલીનાં એ ઉખાણાંને મેં "આદર્શવાદી- વાસ્તવવાદી" તરીકે નામાભિધાન કર્યું. તેમાં દરેક પ્રકારની વિચાર શૈલીની ભૂમિકાઓનાં ઉદાહરણો હતા. મારી ભૂમિકા પરિચારક તરીકેની હતી. થોડો વિચાર કર્યા પછી, મને તે સમજાયું. પરીચારકનું દીર્ઘ દર્શન લોકોની અને સમાજની ખુબ જ લગન અને નિષ્ઠાથી સેવા કરવાનું હોય છે. જરૂર પડ્યે તેઓ બાંય ચડાવીને પરિસ્થિતિનાં હાડમાંસની સાથે પનારો પાડવામાં પાછી પાની નથી કરતાં. તેમનું કામ સેવા કરવાનું છે, જેથી કરીને તેમની આસપાસનું વિશ્વ એક બહેતર જગ્યા બની રહે. આ કામ તેઓ મૂર્ત સ્વરૂપે કરે છે. આજે જ્યારે હું મારી જાત વિષે વિચારું છું, ત્યારે ઘણા અર્થમાં હું મારી જાતને કૉર્પોરેટ પરિચારકની ભૂમિકામાં જોઉં છું.

લોકોને આદર્શવાદ જોઇએ છે, અને તે સાથે એવું નેતૃત્વ પણ જોઇએ છે જે રોજબરોજની વાસ્તવિકતાની સાથે કામ પાડીને તે આદર્શને સિદ્ધ કરે.

બસ, હવે મારી જીંદગીનું પણ એ જ કામ છે : ૨૧મી સદીનાં નેતૃત્વને સુધારવું.


કૉનન્ટ લીડરશીપના સ્થાપક, ડગ કૉનન્ટ ઍવૉન પ્રોડક્ટ્સના બીન-કાર્યકારી અધ્યક્ષ, કેમ્પબેલ સૂપના ભૂતપૂર્વ પ્રમુખ, મુખ્ય સંચાલક અને નિયામક તેમ જ નૅબીસ્કો ફુડ્સના ભૂતપૂર્વ પ્રમુખ છે. તે ઉપરાંત તેઓ નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટીનાં કેલોગ એક્ઝીક્યુટીવ લીડરશીપ ઇન્સ્ટીટ્યુટના સ્થાપક અને અધ્યક્ષ, (પહેલાં Committee Encouraging Corporate Philanthropy તરીકે ઓળખાતી) CECPના અધ્યક્ષ, અમેરીસૉર્સબર્ગન કંપની, ન્યુ યોર્કનાં નિયામક મંડળના સભ્ય તરીકે પણ સેવાઓ આપે છે. તેઓ Touchpoints: Creating Powerful Leadership Connections in the Smallest of Moments પુસ્તકના ન્યુ યૉર્ક ટાઇમ્સના સહુથી વંચાતા લેખક તેમ જ ૨૧મી સદીનાં નેતૃત્વ વિષે બહુ જ સ્વીકૃત વક્તા અને લેખક પણ છે. ડગ કૉનન્ટની સફરમાં સાથી બનવા માટે ConantLeadershipની અને તેમની સાથે સંવાદનો તંતુ જાળવી રાખવા માટે Twitter | Facebook | LinkedIn | YouTube | Pinterest | Instagram | Google+ ની મુલાકાત લેતાં રહીએ.

  •  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ફેબ્રુઆરી ૨૪, ૨૦૧૪