સોમવાર, 3 માર્ચ, 2014

ઇતિહાસોની શંકાસ્પદ સચ્ચાઇઓ - દેવદત્ત પટ્ટનાઇકઇતિહાસ ન હોવાને કારણે યુરોપીઅન વિદ્વાનો હિંદુસ્તાનની ઠેકડી ઉડાવતા. જો કે તે કંઇ એવી હસી કાઢવા જેવી વાત તો નથી, પરંતુ આજે આપણી માન્યતા બની ગઇ છે કે  ઇતિહાસનું હોવું તે આપણે સંસ્કૃત- વિકસીત છીએ તેનું પ્રતિક છે. સદીઓ સુધી હિંદુસ્તાનમાં ઇતિહાસને મહત્વ નહોતું મળતું. આપણે પુરાણશાસ્ત્રોને વધારે મહત્વનાં ગણ્યાં હતાં. છેલ્લી બે એક સદીઓથી, પુરાણો પરના આ વિશ્વાસને કારણે આપણે કંઇક અંશે રક્ષણાત્મક અને ક્ષમાયાચક રહ્યાં છીએ. આપણે પણ ઐતિહાસીક છીએ તે સાબિત કરવા માટે એટલી હદ સુધી પ્રયત્નો કરેલ છે કે જે વિશ્વવિદ્યાલયોમાં માત્ર ઇતિહાસ ભણાવાય છે અને પુરાણશાસ્ત્રોનો કશે ઉલ્લેખ પણ નથી જોવા મળતો.  અને તેમ છતાં રાજકારણીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ  સાચાં ઐતિહાસીક વિષયવસ્તુ માટે  બાખડતાં રહે છે. આપણને હકીકતો જોઇએ છે. આપણે હકીકતોને જ મહત્વ આપીએ છીએ. ખરેખર?
હકીકત તો એ છે કે અકબરનાં કોઇ પણ જીવનચરિત્રમાં જોધાબાઇનો ઉલ્લેખ જ નથી.અકબર ખરેખર માન સિંહની બેન, રાજપુત કુંવરીને પરણ્યો હતો ખરો? એક હિંદુ રાજકુમારીને દિલ આપી દઇને મહાન મુસ્લીમ બાદશાહની થયેલ પ્રેમયુદ્ધની હારવાળાં કથાનકોવાળી બૉલીવુડની ફિલ્મો અને ટેલીધારાવાહીકોથી પ્રભાવીત , કોઇ પણ સરેરાશ ભારતીયને આ સવાલ પૂછશો તો, જવાબ 'હા'માં જ હશે. તેમાં પાછું આપણું સહનશીલતાની ભાવના ભળે, એટલે ચિત્ર પાછું વધારે ગાઢું બને.સત્ય-શોધકો અને ખરા ઇતિહાસચાહકોને આવી વાતો ખટકે છે. આપણને હિંદુ મુસ્લીમ એકતાની વાત ન કરતી એવી સચ્ચાઇ જોઇએ છે કે તેનો ઉત્સવ મનાવતું કાલ્પનિક સાહિત્ય ? સમાજ માટે શું જરૂરી છે ?
રાણા પ્રતાપની કહાણીઓમાં તો મામલો હજૂ વધારે ગુંચવાઇ જાય છે. આપણે પીંછીના એ જ લસરકામાં તેમને માત્ર બહાદુર રાજા જ નહીં પણ એક મહાન દેશભક્ત પણ ચીતરી કાઢીએ છીએ. એ જ ચિત્રમાં હવે અકબર હુમલાખોર ખલનાયક બની રહે છે.
ઇતિહાસ પુરાવાઓના આધાર પર લખાય છે. તેને આસ્થા જોડે લેવાદેવા નથી. પરંતુ માનવીય સંસ્કૃતિ આસ્થા પર અધાર રાખે છે. યુરોપીઅન શોધખોળકર્તાઓએ અમેરિકા પર તેમનો હક્ક યુરોપીઅન રાજ્યસતાને નામે જમાવ્યો, જે વળી કેથોલીક દેવળ સત્તા પાસેથી "રાજાઓ માટેના ઇશ્વરીય હક્ક"'ના આશીર્વાદ વડે ધન્ય થયેલ. અહીં કોઇ લોકતાંત્રીક પ્રક્રિયાનું અનુસરણ નથી થયું. આજનાં અમેરિકાનાં લોકતંત્રો બધાં જ પ્રકારની ધાર્મિક માન્યતાઓથી પર હોવાનો દાવો જરૂર કરે છે,પણ એ ધરતીની કુદરતી, જન્મજાત પ્રજા અને તેમની સરકારોનું નીકંદન કાઢી નાખવામાં એ દૈવી સત્તાની જૂની માન્યતા જ મદદરૂપ થઇ હતી.  પોર્ચુગીઝ ભાષા બોલતાં બ્રાઝીલ સિવાય આખું દક્ષિણ અમેરીકા સ્પૅનીશ શા માટે બોલે છે? કારણ કે નામદાર પોપે , તેમના અધિકારની રૂએ દોરેલી એક લીટી વડે સ્પેન અને પોર્ચુગલના રાજાઓ વચ્ચે એ વિજયોપહારને વહેંચી કાઢેલ હતો.એ અધિકાર તેમને કોણે આપ્યો હતો? તે તો ઇશ્વરોદત્ત દૈવી અધિકાર હતો !
ભલે કદાચ આપણને સંકોચ થાય, પણ ઇતિહાસ અને આજનાં રજકારણનાં ઘડતરમાં પૌરાણીક માન્યતાઓનો ફાળો નકારી શકાય તેમ નથી.આજે આપણે તાર્કીકતાને નામે 'ઇશ્વર'નો સ્વીકાર નથી કરતાં, પણ આપણે 'લોકશાહી'ને વરી ચૂક્યાં છીએ : જે લોકોના અવાજને ન સાંભળતા હોય એવા અન્ય ધર્મ આધારીત દેશો પર બોમ્બ ફેંકવાનો હક્ક બક્ષે છે. એ જ કારણસર યુરોપીઅન યુનિયનમાંથી વેટીકન બાકાત રખાયેલ છે. આ બધાં પગલાંઓનો અધાર હકીકત છે કે કલ્પના? વાસ્તવિકતા કે માન્યતા?
ભારત વર્ષનાં ઋષિઓએ ઇતિહાસને ખપની દૃષ્ટિએ જ જોયો છે. તેમના મત પ્રમાણે દુનિયાને સમજવા માટેની આપણી કલ્પનાનો જે રીતે ઉપયોગ કરીએ છીએ તે ઇતિહાસ છે. એ દૃષ્ટિએ હીટલર દ્વારા કરાયેલી યહુદીઓની સામુહિક હત્યાને ઇતિહાસનાં મોટા ભાગનાં  અભ્યાસ પુસ્તકો સામૂહિક નરસંહાર તરીકે ઓળખાવે છે.  પણ, જાણી  જોઇને અપનાવાયેલ આર્થિક નીતિઓને કારણે સરજાયેલા કૃત્રિમ દુકાળો વડે આચરાયેલ આફિક્રન કે આદીઅમેરીકન જાતિઓનાં, ૧૯મી સદીની વસાહતવાદી સત્તાઓ વડે તે જ સ્તરે આદરાયેલાં, નીકંદનને એ જ ભાષામાં નથી વર્ણાવાયાં.  શું સત્ય છે અને શું નહીં, શું હકીકત છે અને શું નહીં, તે આપણી મનોદશા નક્કી કરે છે. જ્યાં સુધી મનોવિજ્ઞાનનો વિકાસ નહોતો થયો ત્યાં સુધીની ૨૦મી સદી સુધી મોટા ભાગની દુનિયા આ "હકીકત"નો અસ્વીકાર કરતી રહી હતી.
*       'મીડ ડે'માં જુન ૨૩, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
v  અસલ અંગ્રેજી લેખ, The Doubtful Reality of Histories, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર નવેમ્બર ૦૫, ૨૦૧૩ના રોજ Indian MythologyModern MythmakingMyth TheoryWorld Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ માર્ચ ૦૩, ૨૦૧૪