સોમવાર, 17 માર્ચ, 2014

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ચોથો - ગુચ્છ ૪

                                                                                                                             | ઑક્ટોબર ૨, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ

“તમે શું વિચારો છે તે નહીં…તમે જે કહો છો તે”

                  - સુસાન સ્કૉટ્ટ - ('ફીઅર્સ કનવર્સેશન્સ'માંથી)

લોકો સાથે થયેલાં થોડાંક તાજેતરમાં થયેલ "મુશ્કેલ" સંવાદોને યાદ કરજો. સામેની વ્યક્તિએ જો કોઇ અજુગતી ટીપ્પણી કરી હોય, તો તે પ્રતિસાદ હતો કે પ્રતિક્રિયા?

જ્યારે પણ કોઇ વ્યક્તિનું વર્તન અકારણ જણાતું હોય છે ત્યારે, સામાન્યતઃ, તે પ્રતિસાદ નહીં પણ પ્રતિક્રિયાને કારણે હોય છે. જો હું એમ કહું કે એ વ્યક્તિના (પ્રતિસાદને બદલે) પ્રતિક્રિયારૂપ વર્તન માટે તમે જવાબદાર છો, તો તેમાં તમને નવાઇ ન લાગવી જોઇએ. એ બંને વચ્ચેની ભેદ રેખા બહુ ઝાંખી છે. એવું પણ બન્યું હોય કે તમારી (પ્રતિસાદ નહીં પણ) પ્રતિક્રિયા સામેની વ્યક્તિની પ્રતિ-પ્રતિક્રિયામાટે કારણભૂત હોય ! પાછળથી જે માટે બંને પક્ષને દીલગીરી અનુભવાય તેવાં અધોગામી વર્તન-વમળની કડીને કોઇકે તો તોડવી જ રહી.

બંને પક્ષમાંથી જેના પર આપણું કંઇ પણ નિયંત્રણ હોઇ શકે તેવી વ્યક્તિ આપણે જ હોવાને કારણે સંવાદ પ્રતિક્રિયા-પ્રચુર નહીં પણ પ્રતિસાદોન્મુખ રહે તે માટેનો સિંહફાળો આપણા પક્ષે જ રહે તેમ કરવાની જવાબદારી આપણી જ બની રહે છે. જેમ કે:

તમે મારા ફોનના કદી પણ જવાબ નથી આપતાં - એમ કહેવાને બદલે

            તમે બહુ વ્યસ્ત રહેતાં હશો તેથી મારા ફોનના જવાબ આપવામાં તમને સમય લાગી જતો હશે - એમ કહીએ તો..

તમે હંમેશાં બહું જ ગુંચવી મારો છો - એમ કહેવાને બદલે

          આ બાબત તમારૂં ધ્યાન નહોતું લાગતું.તમારૂં ધ્યાન ક્યાંય બીજે હતું કે પછી મારી સૂચનાઓ સ્પષ્ટ નહોતી? - એમ કહીએ તો...

મારૂં કહેવાનું તમને ક્યારે ય નહીં સમજાય - એમ કહેવાને બદલે

           ચાલો જોઇએ કે હું જે કંઇ કહું છું તે સમજવામાં મુશ્કેલી(ઓ) શું છે. શક્ય છે કે મારી કહેવાની રીત બરાબર ન હોય.. - એમ કહીએ તો....

તમે સમજુ તો છો જ, એટલે બે ઘડી થોભીને વિચારશો તો તમને પણ આવાં ઘણાં ઉદહરણો મળી જ રહેશે. આ વાતની આપણને ખબર નથી એ સમસ્યા નથી, વાંધો છે અમલમાં. હવે જ્યારે એવો મુશ્કેલ સંવાદ કોઇ જોડે કરવાનો પ્રસંગ પડે ત્યારે કેમ વર્તવું એ જોઇ જજો.

          ક) આપણો પ્રતિભાવ પ્રતિક્રિયા નહીં પણ પ્રતિસાદ હોય, અને

         ખ) આપણે એવું કંઇ ન કહીએ જેનો જવાબ સામી વ્યક્તિની (પ્રતિસાદ નહીં) પણ પ્રતિક્રિયા બની રહે

તેમ કરવા માટે આપણે શું શું કરવું જોઇએ .......???!!!


#167 – વિચારશીલ બનીએ

                                                                                                                                 | ઑક્ટોબર ૧૨, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ

આપણે બધાં વિચારશીલ તો છીએ જ. ખરેખર? આમ તો વાત બહુ સીધી સાદી જણાય છે, પરંતુ એટલી સીધી પણ નથી.

કહે છે કે આપણે ક્યાં તો ભૂતકાળમાં શું થયું કે પછી હવે પછી શું થશે તેનો જ વિચાર કર્યા કરતાં રહીએ છીએ. એટલે પછી 'વર્તમાન'માં વિચારશીલ રહેવાનો સમય ક્યાંથી કાઢવો ? આજે આપણે કેટલાં વિચારશીલ હતાં ? - ચાલો એક ત્વરિત તપાસ કરી લઇએ. જવાબ ભલે કોઇ પણ હોય, જો આપણી વિચારશીલતા વિષે બીજાં કોઇને પૂછીશું, તો તેમનો જવાબ આપણા જવાબ સાથે બંધ બેસતો હશે?

વીચારશીલ થવું ઇચ્છવું સહેલું છે, પણ તેમ થવું મુશ્કેલ છે. સામા પક્ષના દૃષ્ટિકોણથી વિચારવાની વધારાની મહેનત તે માટે કરવી પડે છે. પ્રસ્તુત છે કેટલીક વિચારશીલ પરિસ્થિતિઓઃ

૧. અનુભવ ખાતર

ગયે અઠવાડીયે અમે લેગૉ લૅન્ડમાં ગયાં હતાં. તેનાં રેશ્તરાંમાં અમે નાસ્તો કરવા ગયાં. વેઈટર બીલ લઇને આવ્યો. બીલ જેમાં મૂક્યું હતું તે તાસક લેગૉના પાસાઓની જ બનાવેલી હતી. લેગૉના વપરાશથી શું શું કરવું શક્ય છે તેનાં બધાં જ શક્ય નિરૂપણો રજૂ કરવાનો એક પણ મોકો તેઓ ચૂકવા નહોતાં માગતાં. ખરેખર બહુ અદ્‍ભૂત અનુભવ હતો.

૨. વિવેક અને સૌજન્ય ખાતર

આવું તો લગભગ દરરોજ થતું હોય છે, જેમ કે આપણી પાછળ આવનાર માટે દરવાજો ખુલ્લો રાખવો .

જો કે કોઇ વાર આ બહુ ધ્યાન માગી લે તેવી બાબત પણ બની રહે છે. (મારી સાથે આવી ઘટના એક જ વાર થઇ છે) મને એક બહુ જ વિચારશીલ વેઈટર યાદ આવે છે. મારે મારાં વ્યાપારાર્થ બપોરનાં ભોજન માટે જવાનું થયું હતું, જ્યાં મારા વ્યાવસાયિક સંપર્ક જોડે મહત્વની ચર્ચા કરવાની હતી. થોડી જ વારમાં જણાઇ આવ્યું તેમ વેઇટર બહુ જ ચબરાક અને વિચારશીલ હતો. થોડી પ્રારંભીક વાતચીત પછી તેણે કહું કે, 'અમે ભોજન અને વાતચીત બંનેને માણી શકીએ તે માટે પ્રયત્નશીલ તો રહેશે જ. આમ તો મારે વારંવાર તમને પૂછતા પણ રહેવું જોઇએ, પણ તમારી વાતચીતમાં કદાચ તેને કારણે ખલેલ પડે તેમ બને. હું આટલામાં જ રહીશ, બસ થોડો ઇશારો કરશો, એટલે હું આવી જઇશ." મારી દૃષ્ટિએ વિચારશીલતાપણાંનું આ બહુ જ 'આદર્શ' નિરૂપણ કહેવાય.

૩. સગવડ ખાતર

મારે વારં વાર સૅન યૉસૅ એરપોર્ટથી જવાનું બનતું રહે છે. ઘણીવાર તો કોઇને કોઇને લેવા કે મૂકવા જ જવાનું પણ બનતું રહે છે. ગઇ કાલે મારે મારા સહયોગીને મૂકવા જતી વખતે મારે તેની સાથે છેલ્લે થોડી મહત્વની વાત કરવાની હતી. સમય હતો બહુ જ થોડો, એટલે પાર્કીંગની જગ્યા ઝડપથી મળી જાય તે બહુ મહત્વનું હતું. પહેલાં આ રીતે જગ્યા શોધવામાં બહુ સમય લાગી જતો. પરંતુ, આ વખતે, મુખ્ય દરવાજાથી બહુ જ નજદીક, "માત્ર એક કલાક માટે"નાં દિશાચિહ્નો લગાડેલ કેટલીક, આરક્ષીત, પાર્કીંગ જગ્યાઓ જોવા મળતી હતી. કેટલો સરળ અને વિચારશીલ ઉપાય !

મને ખાત્રી છે કે આવા અનેક વીચારશીલ અનુભવો તમારા ભાથાંમાં પણ હશે જ ......!!   

| ઑક્ટોબર ૨૧, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
ના, આપણે જે કંઇ બોલીએ તેની હું વાત નથી કરી રહ્યો.
હું તો વાત કરી રહ્યો છું, જ્યારે જ્યારે -
ક) શબ્દો વડે કે
ખ) જે રીતે એ શબ્દો કહેવાય તે રીતે કે
ગ) આપણી શારીરીક સંકેત ભાષા વડે કે
ઘ) જે વિષે કંઇ ન કહેવાનું કરીએ તે વડે
- આપણે જે કંઇ પણ જણાવીએ છીએ તે પ્રકારનાં કોઇ પણ પ્રત્યાયનની.
રીત કોઇ પણ હોય, દરેક રીતનું મહત્વ છે. જેમ કે:
ઉદાહરણ ૧: થોડું થોડું અટકીને કે કોઇ ચોક્કસ જગ્યાએ થોભીને
અટકી અટકીને કે અમુક ચોક્કસ જગ્યાએ થોભીને કરાતા સંવાદની અલગ જ અસર પડે છે.તેના થકી જે કંઇ જણાવાઇ રહ્યું હોય, તેનો અર્થ બદલી શકાય છે.અહીં મેં અલગ અલગ જગ્યાએ થોભીને કહેવાયેલું એ જ વાક્ય બે અલગ અલગ જગ્યાએ થોભીને રજૂ કરેલ છે. બીજાં વાકયમાં અર્થ કેટલો બદલી ગયો છે તે જોઇ શકાશે.
પહેલી રીત:
બૉસે કહ્યું કે <થોડો વિરામ> તેમનાં કર્મચારી ગુસ્સે થયેલ છે.
બીજી રીત:
બૉસે <થોડો વિરામ> કહ્યું કે તેમનાં કર્મચારી <થોડો વિરામ> ગુસ્સે થયેલ છે.
ઉદાહરણ ૨: શારીરીક સંકેતની ભાષા
'હું તને ચાહું છું' એમ જરા મોઢું ચડાવીને કોઇને કહી જોજો. અરે, મોઢું ચડાવીને આ વાક્ય કહી પણ શકાય છે? અથવા એનો કોઇ અર્થ પણ ખરો?
ઉદાહરણ ૩: લઢણ
બહુ જ સાદી રીતે તો લઢણનો ઉપયોગ શબ્દો પર અપાતા ભાર પર કરાતો હોય છે. તેને કારણે પણ વાકયના અભિપ્રેત અર્થમાં બહુ મોટો ફરક પડી જતો હોય છે. મેક્ષ ઍટ્કીન્સનનાં રજૂઆતની કળા પરનાં નમૂના સ્વરૂપ પુસ્તક Lend Me Your Earsમાંથી કેટલાંક અવતરણો અહીં મૂક્યાં છે.
નોંધ: ઘાટા અને ત્રાંસા શબ્દો પર ખાસ ભાર મૂકાયેલ છે.
તમે કહ્યું કે: મેં નથી કહ્યું કે મેં લાલ ટોપી ચોરી છે.
જેનો અર્થ થાય: એટલે કે કોઇ બીજાં એમ કહ્યું છે.
તમે કહ્યું કે: મેં નથી કહ્યું કે તમે લાલ ટોપી ચોરી છે.
જેનો અર્થ થાય: મેં કહ્યું છે તેનો હું ઇનકાર કરૂં છું.
તમે કહ્યું કે : મેં નથી કહ્યું કે તમે મારી લાલ ટોપી ચોરી છે.
જેનો અર્થ થાય: મારો એવો કહેવાનો કે વિચારવાનો મતલબ, કદાચ, હોય પણ ખરો.
તમે કહ્યું કે: મેં નથી કહ્યું કે તમે મારી લાલ ટોપી ચોરી છે.
જેનો અર્થ થાય: મારૂં કહેવું છે કે કોઇ બીજાંએ ટોપી ચોરી છે.
તમે કહ્યું કે : મેં નથી કહ્યું કે તમે મારી લાલ ટોપી ચોરી છે.
જેનો અર્થ થાય:મારૂં કહેવું છે કે તમે તેની સાથે કંઇક બીજું કર્યું છે.
તમે કહ્યું કે : મેં નથી કહ્યું કે તમે મારી લાલ ટોપી ચોરી છે.
જેનો અર્થ થાય: મારૂં કહેવું છે કે તમે કોઇ બીજાંની લાલ ટોપી ચોરી છે.
તમે કહ્યું કે : મેં નથી કહ્યું કે તમે મારી લાલ ટોપી ચોરી છે.
જેનો અર્થ થાય: મારૂં કહેવું છે કે તમે મારી લીલી ટોપી ચોરી છે.
તમે કહ્યું કે : મેં નથી કહ્યું કે તમે મારી લાલ ટોપી ચોરી છે.
જેનો અર્થ થાય: મારૂં કહેવું છે કે તમે મારો લાલ ગલપટ્ટો ચોર્યો છે.
આપણાં જીવનમાં બનેલી એવી ઘટનાઓ યાદ કરીએ જેમાં શબ્દો કરતાં કંઇક વધારે મહત્વનું રહ્યું હોય.આપણે (શબ્દો વડે કે શબ્દો સિવાય કે શબ્દો ઉપરાંત) સમગ્ર પણે  જે કંઇ જણાવીએ છીએ તેની જવાબદારી સ્વીકારવાની સાથે જ આસાપાસની દુનિયા બદલી ગયેલી જણાશે. 
| નવેમ્બર ૩, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
હાજર રહેવું અને (વર્તમાનમાં) હાજરી પુરાવવી એ બંનેમાં તો ફરક છે જ. પરંતુ કેટલીક વાર તો હાજર ન રહેવામાં ફાયદો થતો હોય છે. અથવા તો એમ કહો કે આપણી  હાજરી વધારે નુકશાનકારક નીવડી શકે છે. અહીં એવાં કેટલાંક ઉદહરણો રજૂ કર્યાં છે, જેમાં તમે પણ તમારા તરફથી ઉમેરો કરી શકો છો:
૧. જ્યારે કોઇને એકલાં રહેવાનું / પડવાનું પસંદ હોય:
એવું ઘણી વાર બનતું  હોય છે, જ્યારે ઘણાં લોકો એકલાં રહેવાનું / પડવાનું પસંદ કરતાં હોય છે.
૨. જ્યારે કોઇને પોતાનાં (અંગત) કુટુંબ સાથે રહેવુ હોય:
આપણે "કાયમ", "ક્યાંકને ક્યાંક", એટલાં સંકળાયેલાં રહેતાં હોઇએ છીએ, જેને કારણે એક સંસ્થા તરીકે 'કુટુંબ'પર હંમેશ ભય તોળાયેલ રહે છે.જ્યારે કોઇ બધાંથી અલગ રહીને પોતાનાં કુટુંબ સાથે, સારી રીતે, સમય ગાળવા માગતું હોય, ત્યારે આપણે – ભૌતિક રીતે, અને હવે તો ઇન્ટરનૅટ વડે, અળગા થઇ રહેવું જોઇએ.
૩. જ્યારે કોઇ આપણી માટે હેતુલક્ષી પ્રતિભાવની અપેક્ષા કરતું હોય:
આપણી હાજરીમાં અપાતો, (આપણા વિષેનો) પ્રતિભાવ હેતુલક્ષી ન પણ બની રહે, કારણ કે મોટે ભાગે (સારાં) લોકો કોઇ પણ વ્યક્તિ દેખતાં તેને ખુશ કરે કે નાખુશ કરે તેવું કહેવાનું પસંદ નથી કરતાં હોતાં, જ્યારે આપણી અપેક્ષા છે કે પ્રતિભાવ આપનારી વ્યક્તિ પ્રમાણીક રહે, 'સારી' નહીં. આપણે જો તેવા સમયે ત્યાં હાજર ન રહીએ તો પ્રતિભાવનાં આદાન-પ્રદાનની પ્રક્રિયા કોઇ જાતના તણાવ વગર સંપન્ન થઇ શકે છે.
૪.  "સાચા અર્થમાં તો" જ્યારે આપણને કોઇએ બોલાવ્યાં(/ નીમંત્ર્યાં) જ નથી:
છે સાવ દેખીતી વાત, પણ તેને કારણે આવી પરિસ્થિતિઓ નથી થતી એમ તો ન કહેવાય !
૫. જ્યારે કોઇવાર આપણે એકલા રહેવું / પડવું હોય:
આપણી જાતને તાજા માજા કરવા કે કોઇ બાબત પર શાંત ચિત્તે વિચાર કરવા માટે કોઇ વાર આપણને એકલા રહેવા (/ પડવા)ની જરૂર હોઇ શકે. તે સમયે બહુ જ સલુકાઇથી તમારી આસપાસ લોકો હોય તેવી જગ્યાએથી સરકી જાઓ. એમ કરવાથી લોકોને ખરાબ લાગવાના ભયને પણ ટાળી શકાશે.
આવા તો ઘણા પ્રસંગો કે જરૂરીયાતો આપણા પોતાના અનુભવોથી ઉમેરી શકાય તે તો નક્કી જ છે !


| નવેમ્બર ૧૭, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
એવા ઘણા સવાલો હોય છે જેના 'સંતોષકારક" જવાબો શક્ય ન હોય. હું આવા સવાલોને 'અજાયબી સતોષવા પેદા થતા સવાલો' કહું છું.મારૂં એમ નથી કહેવું કે જો તે વિષયોમાં ખાસ રસ હોય તો તેને સાવ અવગણવા કે તે વિષે સાવ ન વિચારવું. જે કંઇ કરવું હોય તે આપણાં જીવનની પ્રાથમિકતાઓ અનુસાર કરવું જોઇએ. મારૂં તો કહેવું એટલું જ છે કે જો આવા સવાલો તમારા અતિ મહત્વના સમયને વ્યસ્ત કરી કાઢતા હોય, તો તે વિષે થોડું વધારે સભાનપણે જરૂરથી વિચારવું જોઇએ.
એવા નમૂનારૂપ કેટલાક સવાલો:
૧. ઇશ્વર છે?
2. વિશ્વ ક્યારે પેદા થયું?
૩. સફળતાની વ્યાખ્યા શું?
૪. મૃત્યુ પછી કોઇ જીવન છે ? (છે ને ખરો વિરોધાભાસ? !)
૫. <ઇતિહાસની કોઇ પણ ઘટના અહીં મૂકી દો>ને બદલે કંઇ જૂદી રીતે થઇ શક્યું હોત?
૬. જો હું <કોઇ પણ પ્રભાવશાળી કે સત્તાશાળી સ્થાનની અહીં કલ્પના કરો> હોત , તો મેં આમ કર્યું હોત....
૭. <કોઇ પણ બહુ ચર્ચીત વૈશ્વીક સમસ્યા અહીં મૂકો>નું સમાધાન હુ આ રીતે કરૂં....
માનું છું કે મારો કહેવાનો ભાવાર્થ તમે સમજી ગયાં હશો. તમારી પસંદના અન્ય બીજા સવાલો પણ આ ક્ક્ષાના સવાલોમાં હશે જ. જીવનને જો એક સૉફ્ટવેર (પ્રોગ્રામ) ગણીએ તો તેમાં  દરેકને ભાગે એક જ સંસ્કરણ આવે છે. નાના એવા ફેરફારો તો કરી શકાય, પણ આ ભવમાં તો સંસ્કરણ ૨.૦ની અપેક્ષા ન જ રખાય. આપણાં મનમાં કયા સમયે કયા સવાલો રમી રહ્યા છે તે તો આપણને જ ખબર હોય. એટલે આપણી પાસે ઉપલબ્ધ (મહત્વના / અણીના) સમયે કયા સવાલોના જવાબ ખોળવા તે નક્કી કરવાનું અને નિર્ણય કરવાનું તો આપણે જ રહે છે.


શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ચોથો  - ગુચ્છ ૪ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ માર્ચ ૧૭, ૨૦૧૪