સોમવાર, 24 માર્ચ, 2014

શ્રેણી - દૂરંદેશીનું મૂલ્ય :: ૬ :: જૅસ્સૅ લીન સ્ટૉનર :: ડેનીયલ બુર્રૂસ


                   ભાવિદૃષ્ટિ : વિકાસ અને સમૃદ્ધિની સફરનો નકશો - ડેનીયલ બુર્રૂસ

"તાતી જરૂરિયાતો વિષે કોંગ્રેસને ખાસ સંદેશ'માં* ૨૫મી મે, ૧૯૬૧ના રોજ એક યુવા રાષ્ટ્રપ્રમુખે આપણી સમક્ષ ઝીંદાદીલ જબાનમાં, પાગલપન જણાય તેવું, આત્મવિશ્વાસથી છલકતું ચિત્ર રજૂ કર્યું હતું: આપણે મનુષ્યને ચંદ્ર પર મોકલીશું, અને સહીસલામત પરત પણ લાવીશું - એક જ દાયકામાં.

અને એ ઉન્માદની ખરી મજા તો એ છે કે, આપણે તેમ કરી પણ શક્યાં.


  જ્હૉન કેનેડીએ તે દિવસે જે અખત્યાર કર્યું હતું તેને હું ભાવિદૃષ્ટિ (Futureview®) કહીશ, જે આજની તારીખમાં આપણા દેશ સામેના સહુથી અગત્યના પડકારોમાં અગ્રીમ સ્થાને છે.

ભાવિદૃષ્ટિ એ આપણાં ભવિષ્યમાં આપણને જોઇ શકવાની ક્ષમતા છે,જ્યાંથી પાછળ ફરીને ભવિષ્યના એ સંદર્ભમાં આપણી આજની સ્થિતિ પર આપણી નજર પહોંચે છે. ભાવિદૃષ્ટિ એ ધ્યેય કે યોજના કે મહાત્વાકાંક્ષા કે અપેક્ષા નથી. આપણે જે ઇચ્છીએ છીએ કે જેના માટે આપણે મહેનત કરવાનાં છીએ તે પણ એ નથી. લિંકન મેમોરીયલનાં પગથિયાં પર ઉભીને જ્યારે માર્ટીન લ્યુથર કિંગે મહાન લોકોને તેમનાં બહેતર ભવિષ્યમાટે સંબોધ્યાં હતાં**, ત્યારે તેણે "મારી પાસે એક યોજના છે" એમ નહોતું કહ્યું.

ભાવિદૃષ્ટિ એ આપણને દેખાતું, જે ભવિષ્યમાં આપણે માનીએ છીએ અને ભવિષ્ય પાસેથી આપણે જે અપેક્ષા કરીએ છે તેવું આપણું ભવિષ્ય છે - પછી ભલે એ સારૂં હોય કે નરસું હોય.

આપણે ભવિષ્યને કઇ દૃષ્ટિએ જોઇએ છીએ તે આપણાં આજનાં પગલાંને ઘડે છે; આપણાં આજનાં પગલાં આપણી ભાવિ સફર નક્કી કરે છે. આપણી ભાવિદૃષ્ટિ આપણાં ભવિષ્યનો નિર્ણય કરે છે.

મારી ચિંતાનો વિષય એ છે કે આજનાં મોટા ભાગનાં અમેરિકનો માટે ભાવિદૃષ્ટિ નિસ્તેજ છે.

ભારત અને ચીનમાં હાલમાં પ્રચલિત ભાવિદૃષ્ટિ સકારાત્મક છે. નાનાંથી માંડીને મોટાં, બધાં જ તેમનાં ભવિષ્યની બાબતે ઉત્સાહથી થનગને છે. સમગ્ર વાતાવરણમાં આશાવાદ, 'કરી શકીશું'ની ઉર્જા, પ્રસરી રહેલ અનુભવાય છે.

બૈજીંગ ઍરર્પૉર્ટ પર એક ટર્મીનલથી બીજાં ટર્મીનલ લઇ જતી ટ્રેનની સફર કરી જોવા જેવી છે. તેની દિવાલો પર ચીની ઉદ્યોગ સાહસિકોનાં સ્વપ્ન અને સિધ્ધિઓને બીરદાવતાં ભીંતપત્રો જોવા મળે છે. ટ્રેનમાંથી ઉતરી શહેરમાં જતાં વેંત જ અશક્ય પરિકલ્પનાઓનાં મૂર્ત સ્વરૂપ સાકાર થયેલાં જોવા મળે છે.દરેક જગ્યાએ સ્વપ્નો નજરે પડતાં રહે છે.

આનાં પરિણામ શું? લોકો તેમનાં ભવિષ્યનાં ઘડતરની દિશામાં સક્રિયતાથી આગળ વધે છે. તેમને ભવિષ્ય ઉજ્જવળ જણાય છે. એટલે તેનાં ઘડતરમાં જોમ અને ઉત્સાહ છે.

જેની સામે અમેરિકામા, કમનસીબે, ભાવિદૃષ્ટિ, મહદ્‍અંશે, દહેશત અને ડરને કારણે, નકારાત્મક છે. બીજાં વિશ્વ યુધ્ધ પછીની આ પહેલી પેઢી છે જેમને પોતે જેવી જીવી ગયાં તેવી સમૃધ્ધ અને બહેતર જીંદગી તેમનાં બાળકો માટે નજરે નથી પડી રહી.

અશક્યને શક્ય બનાવવું

થોડાં વર્ષ પહેલાં, ચંદ્ર પર સહુથી પહેલું પગલું પાડનાર, નીલ આર્મસ્ટ્રોંગ સાથે મારે વાત કરવાનો મોકો થયો હતો.તેમનું કહેવું હતું કે કેનેડીએ ધ્યેય જાહેર કર્યા પછીનાં વર્ષોમાં NASAનાં એન્જીનીયરોને વારંવાર એવી અડચણોનો સામનો કરવો પડતો અને લાગતું કે આ ધ્યેય તો અશક્ય જ છે.

એ દરેક પ્રસંગે જે કોઇ પણ અગ્રણી પદ સંભાળતાં, તેમનો એક જ પ્રતિભાવ રહેતો: “આપણે ચંદ્ર પર જઇશું જ.”

આ સાંભળીને વધારે જોમ અને અશક્ય ને શક્ય કરવાના નિર્ધાર સાથે બધાં પોતપોતાનાં કામે લાગી જાય. દરેક અવરોધ સમયે પેલી અડગ ભાવિ દૃષ્ટિ તેમને એ જોમ પૂરૂં પાડતી રહેતી.

આર્મસ્ટ્રોંગ આગળ કહે છે કે, “જેનો કોઇ નીવેડો ન દેખાતો હોય એવી આ બધી સમસ્યોને તેઓ ઉકેલતાં રહ્યાં. આખરે એક દિવસે ચંદ્રની ધરતી પર મેં પગ મૂક્યો જ."

આજે હવે એ ઘટનાનાં પચાસ વર્ષ પછી, આપણાં ભવિષ્ય માટે એવું પાગલ જણાતું, આત્મવિશ્વાસથી છલકતું ચિત્ર કોણ દોરી આપે છે? એવાં અશક્ય જણાતાં ઝીંદાદીલ સ્વપ્નનો કોણ ચિતાર કરી આપે છે, જે તેને સિધ્ધ કરવા આપણને જોમ અને ઉત્સાહ ભરતું રહે?

અત્યારે તો જવાબ નકારમાં જણાય છે. બધાં એકબીજાં પર દોષારોપણ કરી પ્રશ્નોની ગુંચમાં ગુંચવાવામાં વ્યસ્ત છે.

પણ કાળાં દેખાતાં વાદળોને પણ આશાની રૂપેરી ધાર હોય તેવા સારા સમાચાર પણ છે: પ્રવર્તમાન ભાવિ દૃષ્ટિએ જેટલું દેખાય છે, નવીનીકરણ, વિકાસ અને નવસમૃધ્ધિની તેનાથી ઘણી વધારે સંભાવનાઓ અમેરિકામાં હજૂ પણ છે. અમેરિકા ફરી એક વાર ટેક્નોલોજી-પ્રેરીત રૂપાંતરીય પરિવર્તનની શક્યતાનાં ઉંબરે આવી ઊભાં છીએ.માની કે ન માનીએ, પણ નવાં ઉપાદનો, નવી સેવાઓ, નવાં બજારો અને નવી કારકીર્દીઓનાં મડાણ કરવાની અભૂતપૂર્વ ક્ષમતાઓ આપણી પાસે છે - બશર્તે તે માટે જરૂરી છે તેવી ભાવિ દૃષ્ટિને આપણે કામે લગાડીએ.

જો તેને કામે નહીં લગાડીએ, તો આ ક્ષમતાઓ ઓજલ બની રહેશે. જે દેખાય નહીં તેનું ઘડતર પણ ક્યાંથી કરી શકાય?

આજે આપણી સમક્ષના પ્રશ્નો છે તે માત્ર આર્થિક કે ટેક્નોલોજીને લગતા નથી.મહદ અંશે તે આપણી માનસીકતાના પ્રશ્નો છે તેમ કહી શકાય. આપણે જે કંઇ જોઇ રહ્યાં છીએ તેને બહુ જ ઘનીષ્ઠપણે, નવી દૃષ્ટિથી જોવાની જરૂર છે.

આપણી સમક્ષ પડેલી આ અસાધારણ તકોને આંખ સમક્ષ રજૂ કરી તેને સિધ્ધ કરવા માટે જોમ પૂરે તેવાં પાગલપણાં સરીખા આત્મવિશ્વાસનું ચિત્ર જેટલું વહેલું જોવા લાગીશું, તેટલું વહેલું એ તકોને ઝડપી લેવા અને, આવનારી કેટલીયે પેઢીઓ સુધી આપણા સમાજને નવપરિવર્તનની કેડીએ ચડાવવાનાં કામે લાગી જવાશે.
પાદ નોંધઃ

આ લેખમાં જે બે વ્યક્તવ્યોનો ઉલ્લેખ કરાયો છે તે નીચે દર્શાવેલ લિંક પર ક્લીક કરવાથી સાંભળી શકાશેઃ

ડૅનીયલ બુર્રૂસ ટેક્નોલોજીના એક અગ્રણી ભવિષ્યવેત્તા અને વ્યૂહરચનાકાર ગણાય છે. ટેક્નોલોજી પ્રેરીત પ્રવાહોપર વૈશ્વિક સ્તરે નજર હેઠળ  રાખનારાં સંશોધનો અને માર્ગદર્શનો પૂરી પાડતી બુર્રૂસ  રીસર્ચનાં તે સંસ્થાપક અને મુખ્ય સંચાલક છે. તેમના ગ્રાહકોને ટેક્નોલોજી-સંબંધી, સામાજીક અને વ્યાપારી પ્રભાવી પરિબળોમાં છૂપાયેલ સંભાવનાઓને હસ્તગત કરવાં તેઓ સક્રિયપણે મદદ કરે છે.ન્યુયોર્ક ટાઇમ્સ અને વૉલ સ્ટ્રીટ જર્નલે જેને સહુથી વેંચાતું પુસ્તક Flash Foresightના તેઓ લેખક છે.
Futureview® બુર્રૂસ રીસર્ચ એસોશીયેટ્સ્‍,ઇન્ક. અને ડૅનીયલ બુર્રૂસનો પંજીકૃત કરાયેલ ટ્રેડમાર્ક છે..

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ માર્ચ ૨૪, ૨૦૧૪