સોમવાર, 31 માર્ચ, 2014

વિચારથી વિચારની યાત્રા - દેવદત્ત પટ્ટનાઇક

બહુ જ અનુદાર અંદાજ પ્રમાણે ઇસવી સન પૂર્વે ૧૫૦૦માં લખાયેલા ઋગવેદમાં એક ઋષિકવિને આશ્ચર્ય પામતા બતાવાયા છે કે,"પહેલાં શું પેદા થયું? પહેલાંથી પણ પહેલાં શું હતું?" આમ તેઓ ભૌતિક નહીં પણ માનસીક યાત્રા વડે અવનવાં વિશ્વોની શોધખોળ કરતા રહે છે. વીસમી સદીના રહસ્યવાદી, રમણ મહર્ષિ, જ્યારે કહે છે કે અરૂણાચલમનાં તેમનાં નિવાસસ્થાનમાંથી તેમણે સમગ્ર વિશ્વનું ભ્રમણ કરેલ છે, ત્યારે આ જ ભાવના પર વિચાર કરતા જણાય છે.આમ એક જગ્યાએથી બીજી જગ્યા સુધીની ભૌતિક સફર જ નહીં, પણ એક વિચારથી બીજા વિચાર પર માનસીક સ્તરે વિચરવું તે પણ યાત્રા જ છે. પૂજ્ય મનાતા વેદ ગ્રંથોમાંના શ્લોક ભાષ્યોના રચયિતા ઋષિ કવિઓ માટે તો જે બાહ્ય યાત્રાની સાથે આંતર્‍યાત્રા સંકળાયેલ હોય તો જ તે યાત્રા અર્થપૂર્ણ બની રહેતી.તેઓ આર્ષદૃષ્ટા હતા - બીજાંને જે ન દેખાય તે તેઓ જોઇ શકતા.
આપણે એ તો જાણીએ જ છીએ કે પૂર્વમાં સરસ્વતીથી લઇને પશ્ચિમમાં ગંગા નદી સુધી ઋષિઓ વ્યાપકપણે સફર કરતા રહેતા; સરસ્વતી નદી સુકાઇ ગયા પછી પણ તેનાં ગુણગાન ગાતાં ગીતો વેદોમાં જોવા મળે છે. રામાયણમાં અગત્સ્ય ને રામની કથાઓ દ્વારા આપણે જોઇએ છીએ કે ગંગા નદીના તટથી કાવેરી અને ગોદાવરીની ખીણ સુધી પણ તેઓની અવર જવર હતી. સહુથી પહેલા શોધખોળકર્તાઓ પણ   ઋષિ કવિઓ જ હતા. તેમની મુસાફરીઓ વિજયો માટે નહોતી, તેઓ તો માનવ સમાજની પરિસ્થિતિઓને સમજવા ભમતા રહેતા હતા.  પવિત્ર સ્થળોની મુલાકાત અને રસ્તે મળતા સંત કે અજાણ વ્યક્તિઓ સાથે સંવાદ કરતા રહેવાના ઋષિઓના માર્ગને અનુસરી, પોતાની વિચાર શક્તિને વિકસાવતા રહેવાનું મહાભારતમાં વનવાસ માટે નીકળેલા પાંડવોને જણાવાયું હતું.
વિચાર શક્તિને વિસ્તારતાં રહેવું તે વેદોનું સતત વિષય-વસ્તુ રહેલ છે. મંત્રો કાયમ 'મહાન કે 'વિસ્તૃત' અર્થવાળા બ્રહ્મનને જાગૃત કરતા રહે છે. છેવટે એ શબ્દનો અર્થ ઈશ્વર થઇને રહ્યો.'બ્રહ્મન'ની વ્યુત્પતિ મૂળ સંકૃત બ્રહ્‍ (વિસ્તારવું અને માનસ (મન, વિચાર શક્તિ)પરથી થઇ છે.  આમ બ્રહ્મન એવી વ્યક્તિ છે જેનું મન (વિચાર શક્તિ)અનંતપણે વિસ્તાર પામેલ છે. હાલનાં સ્તરે બહુ જ અબખે પડતાં પહેલાં બ્રાહ્મિન (બ્રાહ્મણ), આમ, મનના વિસ્તારને રજૂ કરતો પ્રયોગ હતો. તે  મન-વિસ્તાર કરતી આચાર પધ્ધતિઓ સમજાવતા ગ્રંથો તેમ જ તે ગ્રંથો અને ગ્રંથોમાંની વિગતોને યાદ રાખે એવી વ્યક્તિઓ સૂચિત કરતો શબ્દપ્રયોગ હતો.
'યજ્ઞ' તરીકે ઓળખાતી કર્મકાંડની રીત તેના કર્તાને ઇશ્વરના કે વિચારોનાં ક્ષેત્રમાં સફર કરાવતી, જેને પરિણામે લૌકિક સંસારમાં બહુ જ ઓછી માત્રામાં જોવા મળતાં અત્યાનંદ અને અમરત્વનો, આપણે આજે જેને ઍડ્રેનલીનના પવાહનો ધસમસાટ કહીએ છે તેવો, અનુભવ થતો. તેથી જ મંત્રોમાં ગ્રહો અને તારાઓ, નદીઓ અને સમુદ્રો અને વનરાજીઓની સાથે સાથે જ મન, ઇંદ્રિયો અને હૈયાંના ઉલ્લેખ જોવા મળે છે. શારીરીક અને માનસીક વિશ્વ વચ્ચેની ભેદરેખા એટલી પાતળી છે કે વેદનો અભ્યાસ કરી અર્થઘટન કરનારાંઓ નક્કી નથી કરી શકતાં કે વેદ મંત્રો લૌકિક વિશ્વની વાત કરે છે કે આધ્યાત્મિક વિશ્વની વાત કરે છે. શક્ય છે કે આ બંને વિશ્વની વાત કરાતી હોય - એક સ્થળેથી બીજાં સ્થળે કરાતી મુસાફરીની જેમ એક વિચારથી બીજા વિચાર સુધી પણ સફર થઇ શકે છે. રાજમાર્ગો, કર્મકાંડો, વ્યાપાર માર્ગો કે તિર્થ યાત્રાઓની લાંબી સફરનું ગંત્વય તો જ્ઞાનનો બોધ પણ છે.
*       'મિડ્‍ ડે'માં જૂન ૩૦, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
v  અસલ અંગ્રેજી લેખ, Travelling from Thought to Thought, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર નવેમ્બર ૧૪, ૨૦૧૩ના રોજ Indian MythologyMahabharataMyth TheoryRamayana ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ માર્ચ ૩૧, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો