સોમવાર, 14 એપ્રિલ, 2014

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ચોથો - ગુચ્છ ૫

#171 – અધૂરાશને પણ માણવાની તૈયારી દાખવીએ

| નવેમ્બર ૨૩, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ

હું ખાત્રીપૂર્વક કહી શકું છું કે છેલ્લા દાયકામાં સમયની સહુથી વધારે બચત મને અધૂરાશને માણવાની તૈયારી દાખવવાને કારણે થઇ છે. આ વાત આમ કદાચ થોડી વિચિત્ર જરૂર લાગે, પણ તે સફળ થઇ છે તેમાં બેમત નથી. હું થોડાં ઉદાહરણો રજૂ કરીશ:
*  ધારો કે આપણને કોઇ ફિલ્મ વચ્ચેથી છોડી દેવી પડે, જેટલો ભાગ જોયો હોય તેમાં પૂરેપૂરી મજા પણ આવી હોય, અને તેમ છતાં તે અંગે કોઇ પણ અફસોસ પણ ન રહ્યો હોય.
* ધારો કે ભલે અડધેથી જોવાનું શરૂ કરેલ હોય, અને પૂરો થાય તે પહેલાં ઊઠી પણ જવું પડ્યું, તેમ છતાં પણ ટીવી પરનો એ કાર્યક્ર્મ જોવાની મજા આવી હોય.
* ધારો કે કોઇ પુસ્તકનાં થોડાં જ પ્રકરણ ગમ્યાં હોય.
* ધારો કે પીરસાયેલ ભોજનમાંની બે ત્રણ વાનગીઓ જ ચાખો ત્યાં જ અચાનક જ કોઇ જગ્યાએ ભાગવું પડ્યું હોય.
આ ઉદાહરણોમાં એક વાત ખાસ નોંધવા મળશે કે કોઇ પણ જગ્યાએ જવાબદારીમાંથી છટકવાની વાત નથી. જેમ કે હું એમ નથી કહી રહ્યો કે - ગયે અઠવાડીયે, અધૂરૂં કામ છોડી દેવાનું આવ્યું તો પણ સંતોષ થયો હતો. આ તો જરાક વધારે પડતું થઇ જતું ગણાય.

જો કે આપણે બધાં એટલું તો ચોક્કસપણે સ્વિકારીએ જ છીએ કે પૂર્ણતા એ ઘણી વધારે સારી વાત છે. વળી , આપણે એ પણ જાણીએ છીએ કે કોઇ પણ બાબતે સંતોષ અનુભવવો એ આપણાં નિયંત્રણની વાત છે. એવો તો કોઇ નિયમ નથી કે અધૂરૂં રહેલ કંઈક ન જ માણી શકાય. કોઇએ ક્યાં ફરજ પાડી છે કે હો માણવો હશે તો પેલો ટીવીનો કાર્યક્ર્મ આખોને આખો જોવો જ પડશે કે અધૂરો જોયેલો કાર્યક્રમ ન જ માણી શકાય. જે કોઇ નિયમો અભિપ્રેત હોય છે તે બધા, મોટે ભાગે, તો આપણે જાતે બનાવી કાઢેલા હોય છે. અને જો આપણે કોઇ નિયમો બનાવ્યા જ હોય, તો તેમને ફેરથી પણ ઘડી શકાય – એ રીતે જે આપણને ફાયદાકારક પરવડી રહે.

હું એમ પણ નથી કહી રહ્યો કે આપણે શરૂ કરેલ કામ જાણી જોઇને અધૂરાં છોડવાં અને પછી તેને લગતા આનંદથી વંચિત રહેવું. મારો કહેવાનો મુદ્દો એ નથી.મારૂં તો કહેવું માત્ર એટલું જ છે કે (ઘણી વાર) એવું બનતું હોય છે કે ક્યાંક અધૂરાશ રહી જાય, અને જો તેમ થાય તો એ અજાણે રહી ગયેલી અધૂરાશને માણવાની તૈયારી આપણે દાખવીએ.
એક અઠવાડીયાં પૂરતી અજમાયશ કરી જોજો. અધૂરાશને માણી લેવાની તૈયારી દાખવી અને તેન કારણે જે ફેર પડી જાય તે અનુભવી જોજો !



| ફેબ્રુઆરી ૪, ૨૦૦૭ના રોજ પ્રકાશીત થયેલ
મોટા ભાગે આપણને આપણાં યોગદાનની કદર થાય તેવી અપેક્ષા તો રહેતી જ હોય છે. યોગદાનનો પ્રકાર, તે કેટલું મોટું છે અને તે કેટકેટલા સમયે કરવું પડ્યું છે તેના પ્રમાણે એ કદરની અપેક્ષા - બઢતી, કે વખાણ, કે નાણાંકીય વળતર કે પછી યોગદાનની માત્ર કોઇને કોઇ પ્રકારની નોંધ લેવાય - બની રહેતી છે. પરંતુ, બહુ સગવડ મુજબ, આ બધાંમાં આપણાં યોગદાનને લગતી ચૂકવવી પડતી કિંમત આપણે જોવાનું ચૂકી જતાં હોઇએ છીએ.

આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, આપણાં યોગદાનની એક કિમંત પણ ચૂકવવી તો પડતી જ હોય છે. એક સાદો દાખલો જ લઇએ. ધારોકે તમે કોઇ એક કંપનીના વેચાણ વિભાગમાં છો, તો તમારી સાથે જોડાયેલી, કે કદાચ તેનાથી ક્યારેક કંઇક વધારે પણ, કિંમત આ પ્રકારની હોઇ શકે:
* તમારો દરમાયો (પગાર, કમીશન અને બોનસ)
* તમારાં કામ અંગે બીજાં લોકો સાથે વીતાવવો પડે તે સમય (વેચાણ પહેલાંની બેઠકો, તમારાં સંચાલક મંડળ સાથે વ્યૂહરચના ઘડવા માટેની બેઠકો, વગેરે)
* તમારા કામકાજ સાથે સંકળાયેલા - મુસાફરી, મુસાફરી દમ્યાન ભથ્થાંઓ, ટેલીફોન કે અન્ય સંદેશા વ્યવહારને લગતા - ખર્ચાઓ
* તમારી સવલતો અને સેવા ભથ્થાંઓ - તમને અપાયેલ ફોન કે ઇન્ટરનેટ સુવિધાનો ખર્ચ, કે કોઇ વ્યાવસાયિક મડળનાં સભ્યપદ કે પુસ્તકાલયનાં સભ્યપદનું લવાજમ વગેરે
* CRM જેવાં કે વેચાણની શક્યતાઓ જાણવા માટેનાં વેચાણ અંગેનાં સાધનો
* તમારાં જ્ઞાનને સતત નવા પ્રવાહો સાથે અવગત રાખવા માટે જરૂરી પ્રશિક્ષણનો ખર્ચ
આ ઉદાહરણમાંના બધા જ સીધા અને આડકતરા ખર્ચનો જો સરવાળો કરવામાં આવે તો ખ્યાલ આવે કે આપણાં યોગદાનનાં વળતરની ઉજાણી કરવાનો ખરો સમય ક્યારે પાકી શકે - સોદો નક્કી થાય ત્યારે કે તે નફાકારકતાપૂર્વક પૂરો થાય ત્યારે.

આ તો એક ઉદાહરણ માત્ર છે, જેને કોઇ પણ વ્યવસાય માટે યોગ્ય સ્વરૂપમાં ઢાળી કે વિચારી શકાય. વ્યવસાય કોઇ પણ હોય, યાદ એ રાખવાનું છે કે આપણાં કોઇ પણ યોગદાનની સાથે ઘણા સીધા કે આડકતરા અન્ય ખર્ચાઓ સંકળાયેલા તો હશે જ. આપણાં યોગદાનનું વળતર એ ખર્ચાઓથી વધે તો જ આપણે જવાબદારી નહીં પણ અસ્કમાયત છીએ તેમ કહી શકીએ.

આને હવે બીજા છેડા સુધી પણ ન ખેંચવું જોઇએ. હું ભારપૂર્વક કહીશ કે આપણી નાની નાની જીતને પણ ઉજવવી# તો જોઇએ જ. જો કે (હળવા સૂરમાં !!) એ પણ યાદ રહે કે એ નાની નાનીની જીતની ઉજવણીઓનો પણ ખર્ચ તો થતો જ હોય છે, જે કોઇને કોઇએ તો ભોગવવો પણ પડતો હોય છે.

# મૂળ અંગ્રેજી લેખ - Ways to distinguish yourself – #7 Celebrate small victories - અને તેનો અનુવાદ - #7 નાની જીત પણ ઉજવો - પણ આ સંદર્ભમાં જરૂરથી વાંચશો.

| માર્ચ ૫, ૨૦૦૭ના તો રોજ પ્રકાશીત થયેલ 
અકસ્માતોને કારણે જેમની શોધ થઇ હોય તેવાં ઉત્પાદનોના કિસ્સાઓનો તો કોઇ સુમાર જ નથી. કેટલાંક ઉદાહરણો :
૧. એલેક્ઝાંડર ફ્લેમિંગ દ્વારા થયેલ જીવાણુનાશક પેનિસિલીનની શોધ એ એક અકસ્માત જ હતો.
૨. મીનેસોટા માઇનીંગ એન્ડ મેન્યુફેક્ચરીંગ કંપનીનું નામ સાંભળ્યું છે ? નહીં, 3Mનું નામ તો સાંભળ્યું જ હશે ! લગભગ દરેક જયાએ જોવા મળતી સ્કોચ પટ્ટીના ઉત્પાદક તરીકે લગભગ બધાંજ તેને ઓળખે છે. એ 3M (એટલે કે 3M = MMM = Minnesota Mining and Manufacturing Company)નું ઘરેઘરે જોવા મળતું એ ઉત્પાદન માસ્કીંગ ટેપ બનાવતાં અક્સ્માતે બની ગયેલ છે !
૩. ડ્યુ પૉન્ટના રસાયણવિદ ડૉ. રૉય પ્લન્કેટ્ટ કામ કરી રહ્યા હતા ફ્રીઓન સંબંધી શમિક પર અને જઇ ચડ્યા ટેફ્લોન (પોલીટેટ્રાફ્લૉરૉઇથીલીન) પર.
હું પાછળ ફરીને મારાં જીવન પર નજર નાખું છું, તો ત્યાં પણ કેટલાય અકસ્માતો નજરે ચડે છે.
૧. મારી પહેલી કંપનીનું વ્યવસાય મૉડેલ ભંગી ચૂક્યું હતું. તે પછી જે નવું મૉડેલ અમલમાં આવ્યું તે તો સાવ અકસ્માત જ હાથ લાગી ગયું હતું.
૨. "બીયોન્ડ કૉડહું વ્યવસાયિક ધોરણે પ્રકશીત કરવા જ નહોતો ઇચ્છતો. મારી ઇચ્છાતો સ્વ-પ્રકાશનનીજ હતી. પરંતુ ટીમ સૅન્ડર્સસાથેનાં એક બપોરનાં ભોજન દરમ્યાન આ વિષયની વાત અકસ્માત જ નીકળી પડી, એ વાતચીતને કારણે બધું જ બદલી ગયું.જોકે જે થયું તે માટે મને બહુ જ ખુશી છે.
૩. આ બ્લૉગ લખવાનું મુખ્ય પ્રયોજન તો મારાં પુસ્તકને ટેકો કરવાનું હતું. જો કે હવે તે એક માત્ર પ્રયોજન રહ્યું નથી. પાછળ જોતાં એમ લાગે છે કે જો એ પુસ્તક ન હોત તો આ બ્લૉગ લખવાનું શરૂ જ ન કર્યું હોત.
૪. મારાં એક નવાં સાહસ માટે હું નાણાંકીય રોકાણ કરનારાંઓની શોધ કરી રહ્યો હતો. કોઇની ભલામણથી મને એક અદ્‍ભૂત નેટવર્કીંગ ગ્રુપમાં જોડાવાની તક મળી.એ ગ્રુપમાં પ્રવેશ માટેની મુલાકાતો દરમ્યાન એક એવ સજ્જન સાથે મિત્રતા થઇ જે બંને કંપનીઓ માટે ફાયદાકારક એવાં અધિગ્રહણમાં પરિણમી.
આવાં તો કેટલાંય ઉદાહરણો આપી શકાય. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મારી જીંદગીની ઘણી મહ્ત્વની ઘટનાઓ મારી સાથે થતા (સુખદ) અકસ્માતોનો લાભ ઉઠાવી શકવાને કારણે શક્ય બની છે. હું આ બધું એકલે હાથે કરી શક્યો હોત કે કેમ તે તો કહેવું મુશ્કેલ છે. એ માટેનું મહદ્‍ શ્રેય મારાં માર્ગદર્શકો અને વિદ્વાન મિત્રોને ફાળે જાય છે - તેમણે મારી એકલપંડે દૃષ્ટિને આ બધી સંભાવનાઓ જોઇ શકવા માટે કાબેલ બનાવવામાં મહ્ત્વની ભૂમિકા ભજવી છે.
મને ખાત્રી છે કે તમારાં જીવનમાં પણ આવા (સુખદ) અકસ્માતો તો થતા જ રહેતા હશે. તેનો મહત્તમ લાભ ઉઠાવી શકવા માટે તમે  શું તૈયારી રાખી છે ? એ અકસ્માતોનો લાભ ઉઠાવી શકવામાં તમને મદદરૂપ થાય તેવું મિત્ર/ સંપર્ક વર્તુળ તમારી આસપાસ છે ખરૂં?

| મે ૨૬, ૨૦૦૭ના રોજ પ્રકાશીત થયેલ
લિસા હૅનબર્ગ તેમનાં પુસ્તકો અને વ્યક્તવ્યોમાં પતંગિયાં અસર વિષે વાત કરતાં હોય છે- પતંગિયાં અસર વિષે વધારે જાણવા અહીં મુલાકાત લો.
પતંગિયા અસરઅરાજકતા સિધ્ધાંતમાંની પ્રારંભિક પરિસ્થિતિઓપરનાં સંવેદનશીલ આવલંબનના વધારે તકનીકી ખ્યાલોને આવરી લેતો શબ્દપ્રયોગ છે. અરૈખિક ગતિશીલ તંત્ર [nonlinear dynamical system]ની પ્રારંભિક સ્થિતિમાં થતા નાના ફેરફારો તંત્રની લાંબા ગાળાની વર્તણૂક પર મોટા ફેરફારો કરી શકે છે.
આ શબ્દપ્રયોગ એવા વિચારને રજૂ કરે છે જેમાં પતંગિયાંની પાંખોના ફફડાટથી થતા વાતાવરણમાંના નાના ફેરફારો અંતે બહુ મોટા ચક્રવાતમાં પરિણમે (કે ચક્રવાતને થતો અટકાવે). પાંખોનો ફફડાટ તંત્રમાંની પ્રારંભિક સ્થિતિ દર્શાવે છે, જે મોટા પાયે પરિણમતી ઘટના માટેની શ્રેણીબદ્ધ પરિસ્થિતિઓ સર્જે છે. જો પતંગિયાંએ પાંખો જ ન ફફડાવી હોત તો તંત્રની ગતિ કોઇ બહુ જ અલગ દિશામાં જતી રહી હોત.
'પતંગિયાં અસર'નો લાભ શી રીતે લઇ શકાય? - સીધો હિસાબ છે કે એવાં નાનાં પતંગિયાંઓ (કર્તા) બનીએ અને બીજાંઓનાં જીવનમાં બહુ જ મોટાં સકારાત્મક યોગદાન કરીએ.
કોને ખબર, આપણે આપણી જીંદગીમાં એ પતંગિયાં અસરનો લાભ ઉઠાવી પણ રહ્યાં હોઇએ ! અહીં રજૂ થયેલા કેટલાક સવાલોના જવાબ આપો:
ગયાં અઠવાડીયામાં તમે કેટલાં લોકોને સુખદ આશ્ચર્ય પમાડ્યું છે?”
અને / અથવા
આવતાં કેટલાંક અઠવાડીયામાં કેટલાં લોકોને સુખદ આશ્ચર્ય પમાડી શકાય ?"
આ સવાલોનો કોઇ જવાબ સાચો કે ખોટો  નથી. આ સવાલોના જવાબ આપ્યા પછી હવે આ સવાલનો જવાબ આપો:
ગયે વર્ષે જેટલાં લોકોને સુખદ આશ્ચર્ય પમાડી શક્યાં હતાં તેના કરતાં વધારે લોકોને આ વર્ષે સુખદ આશ્ચર્ય પમાડવા માટેની ક્ષમતા અને સાધનો આપણી પાસે છે ?”
આપણામાંના મોટા ભાગનાં લોકોમાં, આપણાં સંપર્ક વર્તુળની અંદર, કે બહાર, નિયમિતપણે કોઇને કોઇને સુખદ આશ્ચર્ય પમાડવાની ક્ષમતા હોય જ છે. જરૂર છે માત્ર આપણી આસપાસનાં - પરિચિત કે પછી બીનપરિચિત - લોકોમાટે થોડી  "વધારે કાળજી". મારાં એક શિક્ષકેમારામાં સાવ સ્વાભાવિક્પણે ઘર કરી જાય તે રીતે  આજથી લગભગ દસેક વર્ષ પહેલાં આ વાત શીખવાડી હતી. તેનું પૂરતું વળતર મળતું રહ્યું છે ? હા, ચોક્કસ જ. ધાર્યું હોય તેનાથી ઘણું વધારે.
મારાં જીવનમાં બનેલી ઘણી રસપ્રદ ઘટનાઓનું મૂળ આ પ્રકારની કોઇ માટે પરવા કરતાં લેવાયેલાં એક કે બે પગલાંઓમાં રહેલ છે. એ પગલાંઓની મારે કોઇ ખાસ કિંમત નથી ચૂકવવી પડી - જરૂર હતી માત્ર સ્વીકૃત માપદંડથી થોડી વધારે પરવા કરવાની.
તો, હવે પછીનાં અઠવાડીયાંઓમાં આપણે કેટલાં લોકોને, યાદ રહી જાય તે રીતે, સુખદ આશ્ચર્ય પમાડીશું?

| જુન ૨૪, ૨૦૦૭ના રોજ પ્રકાશીત થયેલ 
નોંધ: મારા માટે આ બહુ જ ખાસ પૉસ્ટ છે. આ પૉસ્ટ હું એ બધાં લોકોને અર્પણ કરૂં છું જેઓએ મારાં જીવનમાં લાંબા સમય સુધી ટકી રહે તેવી અસર કરી છે. અંતમાં, બધાં વાચકોએ જે પગલાં લેવાં જોઇએ તેના માટેનો સંદેશ કહ્યો છે. :) 
લાંબા સમય સુધી ટકી રહે તેવી અસર કેમ પાડવી?
આમ તો આ સવાલનો કોઇ સરળ જવાબ મને નથી દેખાતો, પણ આ જવાબ સહુથી વધારે ઉપયુક્ત જણાય છે  -
આપણાં માટે જે લોકો મહત્વનાં છે તેઓને તેમના ભૂતકાળમાં જો આપણી ખોટ સાલે તો આપણે લાંબા સમય સુધી ટકી રહેતી અસર પાડી છે તેમ કહી શકાય.
થોડું વિગતે સમજીએ. મારે જે કહેવાનું છે તે આ બે હકીકતો પર આધાર રાખે છે:
૧. આપણે બધાંએ એક જિંદગી જ જીવવાની છે. ક્રિકેટની ભાષામાં કહીએ તો, જીંદગીમાં એક જ ઇન્નિંગ્સ રમવાની છે. એટલે તમે જે ધાર્યું હોય તે કરી લેવું જોઇએ, જે સમય વીતી ગયો તે ફરી ક્યારે પણ પાછો નથી આવવાનો.
૨. જીવનના અલગ અલગ તબક્કામાં આપણે, આપણાં જીવન પર લાંબો સમય ટકી રહે તેવી અસર પાડી રહે એવાં જુદાં જુદાં લોકો - મિત્રો, વેપાર ધંધાના ભાગીદારો, શીક્ષકો, માર્ગદર્શકો, અનુશિક્ષકો વગેરે-ને મળવાનું થતું રહે છે. આ એવાં લોકો છે જેમને આપણે પહેલી વાર મળ્યાં નથી હોતાં ત્યાં સુધી તેઓ આપણાં જીવનમાં ક્યારે પણ આવ્યાં નથી હોતાં.
આમાંના કેટલાંક લોકો તો આપણાં જીવન પર લાંબા સમય સુધી "ખરેખર" ટકી રહે તેવી છાપ મૂકતાં જાય છે. તેઓ આપણને ભૂતકાળમાં દોરી જતાં જણાય - ફરક માત્ર એટલો કે હવે એ ભૂતકાળનો તેઓ પણ એક હિસ્સો બની રહ્યાં છે. એ લોકોને આપણે જીવનના બહુ મોડા તબક્કે મળ્યાં હોઇએ, તો તે સંબંધ બહુ બહુ તો આપણાં જીવનના અંત સુધીનો રહે. પરંતુ.... એ લોકો એટલી હદે સારાં હોય કે આપણને એમ થાય કે આપણે છેતરાઇ ગયાં - તેઓએ તો ખરેખર આપણા ભૂતકાળમાં બહુ પહેલાં આવવું જોઇતું હતું.
આપણાં જીવનમાં જે લોકો મહત્વનાં છે તેઓને આપણે તેમના ભૂતકાળમાં સાથે નહોતાં તેની ખોટ સાલે  એ કક્ષાની વ્યક્તિ આપણે છીએ ? જવાબ જો "ના"માં હોય તો, એ કક્ષાએ પહોંચવા માટે આપણે આજે, અને હવે પછી, શું કરી શકીએ ?
યાદ રહે કે તે કક્ષાએ પહોંચવા માટે કોઇ યુક્તિ- પ્રયુક્તિ નથી - બીજાંનાં જીવનમાં ફરક પાડી શકીએ તે કક્ષાની વ્યક્તિ તો આપણે જાતે જ બનવું પડે.
આટલું જરૂર કરજો:
મને ખાત્રી છે કે તમારી આસપાસ એવાં ઘણાં લોકો હશે જેમણે તમારાં જીવનમાં એટલો મોટો પ્રભાવ પાડ્યો હશે કે આપણા હજૂ વધારે લાંબા ભૂતકાળમાં તેઓ શા માટે નહોતાં તે બાબતનો ધોખો રહે. તમે પણ મારા જેમ જ એટલા વ્યસ્ત રહેતાં હો કે આપણા માટે તેઓ શું મહત્વ ધરાવે છે તે જણાવવાનો પણ સમય મળ્યો ન હોય.
મારી તમને આગ્રહભરી વિનંતિ છે કે, થોડો સમય ફાળવીને તેમને જણાવો કે "મારા ભૂતકાળમાંની તમારી ખોટ મને સાલે છે."
આવો એક નાનો લાગણીથી ભરેલો સંદેશો તેમનો દિવસ તર કરી દેશે......!!!!


શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ચોથો  - ગુચ્છ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ એપ્રિલ ૧૪, ૨૦૧૪




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો