શનિવાર, 10 મે, 2014

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ચોથો - ગુચ્છ ૬


| જુલાઇ ૨, ૨૦૭ના રોજ પ્રકાશીત થયેલ

આપણને પોતાના માટે જ નક્કી કરેલ વચનો પાળવા# વિષે મેં પહેલાં પણ કહ્યું છે. એ એક કાર્યપદ્ધતિમાં જ ફરક કરી નાખવાથી આપણી બાકીની જીંદગી જીવવાની રીતમાં આમૂલ ફેર પડી જશે.

આપણે આપણને પોતાને જ આપેલાં વચનોનું પાલન મુશ્કેલ કેમ બની જતું હોય છે? કારણો તો ઘણાં હોઇ શકે, પણ જે #૧ કારણ મારા ધ્યાનમાં આવે છે તે એ કે આપણાં વચન પાલન ન થવા માટેનાં "આપણાં પોતાનાં (જ)(નબળાં) બહાનાં આપણે સ્વીકારી લઇએ છીએ.

જેમ કે :
૧. આપણે નક્કી કર્યું : સવારે વહેલા ઊઠીને ધ્યાનમાં બેસવાનો અભ્યાસ કરવો છે.
દિવસો વીતતા ગયા પણ વહેલા ઊઠવાનું હજૂ શરૂ નથી થયું. "કાલે રાત્રે થાક લાગ્યો હતો" "રાતે બહુ મોડે સુધી કામ હતું" વડે સમજાવી દઇએ.
૨. આપણે નક્કી કર્યું : વર્ષાંત પહેલાં કેટલીક મહત્વનાં પુસ્તકો વાંચવાં છે..
એ યાદીમાંનું કે પણ પુસ્તક વંચાયું નથી. "એટલી બધી ઘટનાઓ બનતી ગઇ કે હું તો શું મારી જગ્યાએ કોઇપણ એક પણ પુસ્તક ન વાંચી શક્યું હોત" એમ કહીને મન તો મનાવી લઇ શકાય !
૩. આપણે નક્કી કર્યું : એક જ મહિનામાં જૂના મિત્રો પૈકી પાંચ સાથે તો સંપર્ક સાધવો જ.
કોઇ એક સાથે સંપર્ક નથી કરી શકાતો. જવાબ હાજર છે, "બહુ પ્રયત્નો કર્યા પણ ઇન્ટરનેટ પરનાં એક પણ સામાજીક માધ્યમ પર તેઓ જોડાયેલ નથી જણાતાં, કે ન તો તેમનો સંપર્કની કોઇ એક કડી જોવા મળી.”
કારણો કદાચ સાચાં જ હશે, પણ ખરી સમસ્યા છે તેમને સ્વીકારી લેવામાં. હકીકત તો એ છે કે કારણ ગમે તેટલું મોટું જણાતું હોય, પણ મૂળ મુદ્દે તો તે એક બહાનું જ છે. તેને પૂર્ણપણે સ્વીકારી લઇને આપણે આપણાં વચન માટેની આપણી જવાબદારી અને ઉત્તરદાયિત્વનું સ્તર જ નીચું લઇ જઇએ છીએ. અંતે નુકસાન પણ આપણું, અને માત્ર આપણું જ છે.

આપણી આજુબાજુનાં ઘણાં લોકોને તો આ પ્રકારનાં આપણાં, આપણા જ માટેનાં, વચન અંગે કોઇ અંદેશો પણ નથી હોતો. એટલે તેને તોડવાથી, મોટે ભાગે તો જવાબ પણ પોતાને જ આપવાનો રહેતો હોય છે.જો આપણી જાતને એ બહાનાંની 'વજૂદ' સમજાવી શકવામાં સફળ થવાય તો વચન ભંગની ગુન્હાહીત લાગણીથી તો તત્કાલિત રાહત મળી જવાની શક્યતાઓ ઉજળી થઇ જતી હોય છે - ભવિષ્યમાં કેટલી મોટી કિંમત ચૂકવવી પડશે તેનો અંદાજ તો નહીં જ હોય તેમ માનવું રહ્યું.

હવે પછી, કારણો / બહાનાંઓને સરખી પરીક્ષાને એરણે ચડાવીએ અને પછી જોઇએ કે તે પછી પણ તેનાથી સમજી જવાય છે કેમ. "નબળાં બહાનાંઓને સ્વીકારી લેનાર' બનવા કરતાં તો વચન ન પાળી શકવાના ભારની "ગુન્હાહીત લાગણીનો ભાર" વહન કરવો સારો.

#મૂળ અંગ્રેજી લેખ - Ways to distingish yourself – #33 Keep promises you make to yourself - અને તેનો અનુવાદ - #33 આપણને પોતાને જ આપેલાં વચન પાળીએ - પણ આ સંદર્ભમાં જરૂરથી વાંચશો.

******************************
#177 (ખરા અર્થમાં) કોઇની પડખે ઊભાં રહીએ

| જૂલાઇ ૧૯, ૨૦૦૭ના રોજ પ્રકાશીત થયેલ 

આપણી આસપાસની દરેક વ્યક્તિ વ્યસ્ત તો હોય જ છે.

કદાચ, દરેકે દરેક તો નહીં જ (વ્યસ્ત) હોય !

હકીકતે, મોટા ભાગનાં લોકો વ્યસ્ત હતાં , પણ હાલમાં વ્યસ્ત હોય તેમ જરૂરી નથી. જ્યારે તો વ્યસ્ત હતાં, ત્યારે તેમની પાસે કોઇને માટે પણ સમય નહોતો. પણ પોતાની વ્યસ્તતામાંથી એક વાર બહાર આવ્યા પછી, હવે તેમની પડખે કોઇ નથી ઊભું રહ્યું જણાતું.

આજનો સહુથી મોટો, ભલે તેમ સ્વીકારાતો ન હોય, પ્રશ્ન એકલતા છે. એકલાં પડી ગયેલાં લોકો માટે એ પરિસ્થિતિનો સ્વીકાર પણ મુશ્કેલ હોય છે. લોકો તેને આત્મસન્માનનો વિષય બનાવી બેસે છે. જો આપણે એકલાં છીએ, તેમ સ્વીકારીએ તો લગભગ આવી જ બન્યું છે તેમ જ માની લીધું છે તેમ કહેવાય ! આ વાત જ મુશ્કેલીઓનું મૂળ બની રહે છે.

જો આપણી આસપાસ એકલતા હોય, તો પણ તે કંઈ એકાદ બે દિવસમાં આવી નથી પડી. તે તો લાંબા સમયથી લોકો અંગેના લેવાયેલા આપણા નિર્ણયોની નીપજ છે.

બે બાબતો વિષે ખાસ ધ્યાન દોરવાનું :
૧. સાવ સરળ નિયમ તો એ છે કે જો આપણે ઘણાં વર્ષોસુધી મોટા ભાગનાં લોકો માટે પરવા ન કરી હોય, તો હવે આપણી પરવા કરવા માટે પણ બહુ લોકો નહીં રહ્યાં હોય.
૨. આ સરળ નિયમની સાથે જ લાગુ થતો બીજો નિયમ છે કે આપણે ઘણાં વર્ષો સુધી ઘણાં લોકોની પરવા કરી હોય, તો પણ વખત આવ્યે આપણી પરવા કરવા માટે બહુ લોકો ન પણ હોય.
આમ, જે પણ કંઇ હોય, આપણે એક વાતે તો સહમત છીએ જ કે પહેલો વિકલ્પ હંમેશાં વધારે ઇચ્છનીય છે.

આપણી એકલતાનાં કારણો ગમે તે હોય, તેમને દુર કરવાનું એટલું આસાન નથી. ભુતકાળમાં પાછાં જઇને, લોકો વિષેના આપણા નિર્ણયોના હાથ બદલા તો થઇ નથી શકવાના. એટલે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવાને બદલે નિવારણ એ જ વધારે ઉચિત છે.

આટલી ભૂમિકા બાંધ્યા પછી, આપણે મુખ્ય મુદ્દા તરફ વળીએ:
એકલતાથી પીડાતાં હોય, પણ તે એકલતા (કે એકલતાની પીડા) બીજાં કોઇ સાથે વહેંચવા તૈયાર ન હોય તેવાં લોકો આપણી આસપાસ નજરે પડે છે?

બીજાં સાથે એકલતા વહેંચવી તે નબળાઇની ચરમસીમાનું પ્રદર્શન છે. કોઇને પણ નબળાં દેખાવાનું ગમતું નથી હોતું. પણ જો યોગ્ય સંકેત મળી જાય તો જરૂર જાણી શકાય કે એ યક્તિ "એકલી" છે કે નહીં?

કોઇની એકલતા હજૂ હતાશા કે માંદગી જેવી વધારે ગંભીર સ્થિતિમાં પહોંચે તે પહેલાં જ કોઇની મદદે પહોંચી જવું સારૂં. જાણવા મળે છે કે સમગ્ર દુનિયામાં હતાશારોધક દવાઓનો વપરાશ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. પરિસ્થિતિ બહુ ડરામણી જરૂર લાગે છે, પણ અત્યારે સમય છે આપણે બધાંએ ખભે ખભા મેળવીને પ્રશ્નનું શક્ય એટલું નિરાકરણ લાવવામાં સહયોગ કરવાનો.

જો આપણે ખરેખર કોઇની પડખે ઊભાં રહીને તેમની એકલતા દૂર કરી શકીશું તો તે વ્યક્તિને નવજીવન બક્ષ્યાનું કામ થશે. તેમનામાં નવી અશા જગાડી શકાશે. તેમના માટે એ એવી ભેટ છે જે કોઇ બીજું તેમને નહીં આપી શકે.
***************************
#178 – નવા નિયમો આવકારીએ
| ઑગસ્ટ ૧૫, ૨૦૦૭ના રોજ પ્રકાશીત થયેલ 

બારાખડી લખવાનું શીખવાની શરૂઆત સમયે સાચી લખાયેલી બારાખડીમાટે મળતા શાબાશીના બે બોલ પૂરતા થઇ રહેતા. એ ખેલનો એ નિયમ હતો. શાળામાં દાખલ થયાં, ત્યારે અચાનક જ એ નિયમો બદલાઇ ગયા. હવે બારાખડી બરાબર લખવા કે કહી સંભળાવવા બદલ શાબાશી મળવા લાગી.

હું નથી માનતો કે એ સમયે આપણે કોઇ ફરિયાદ કરી હોય - કોઇએ પણ (આપણાં મિત્રો કે શાળામાં દાખલ થનાર મોટા ભાગનાં કોઇએ પણ) આ નિયમની સામે ફરિયાદ નહીં જ કરી હોય.

જ્યારે આપણે આપણા વ્યવસાયની શરૂઆત કરી ત્યારે, નિયમો ફરીથી બદલી ગયા. 'કામ' પર કોઇ એક નિશ્ચિત સમયે "પરીક્ષા" નહોતી, પણ આપણા હાથમાં જે કંઇ પણ કામ આવે તે જ "પરીક્ષા" બની રહી.

કારકીર્દીમાં જેમ જેમ આગળ વધતાં ગયાં તેમ તેમ નિયમો પણ બદલતા ગયા. જે કરતાં હતાં તે જ કરતાં રહેવાથી બઢતી મળશે જ તેવી કોઇ ખાત્રી રહી નહીં. નિયમો તો અહીં પણ બદલતા જ રહ્યા, ફરક માત્ર એટલો કે શાળાની જેમ નવા નિયમોને એકસાથે ફવડાવતાં કે આવકારતાં મિત્રો હવે સાથે નહોતાં. નવા નિયમો સાથે ઘેડ પાડવામાં હવે આપણે એકલાં છીએ.

મારા માનવા પ્રમાણે સફળતાના આપણા માર્ગમાં આપણું સહુથી મોટું દુશ્મન આપણી ભૂતકાળની સફળતાના સમયના નિયમો છે. નાણાંકીય ક્ષેત્રની ભાષામાં કહીએ તો "ભૂતકાળની કામગીરી ભવિષ્યની સફળતાની સૂચક હોય તેવું જરૂરી નથી." કારકીર્દીની બાબતમાં પણ આ સૂચના કદાચ એટલી જ ખરી છે.

તેમાં ય જો તમે જ્ઞાન-કર્મી હશો તો તો કારકીર્દીનાં દરેક પગથિયે નવા નિયમોથી જ રમતના દાવ મડાશે. પરિવર્તન સંચાલનની બાબતમાં તો, પરિવર્તન માટેનાં અનુકૂલન માટે આ ગીતાના પાઠ જેવી વાત કહી શકાય. હા, હું જે ગીતા જ્ઞાનની વાત કરૂં છું તેમાં વાત થોડી જૂદી છે - પરિવર્તન સાથે "અનુકૂળ" થવાને બદલે પરિવર્તનને "આવકારીએ". નવા નિયમોને આવકારીએ - બલ્કે તેમની આતુરતાથી રાહ જોઇએ. "અનુકૂળ" થવામાં આપણે કોઇ ખાસ "કામ" કરી રહ્યાં છીએ તેવો ભાવ આવી જતો હોય છે. 'નવા નિયમોને આવકારવામાં' જે અપેક્ષિત જ હતું તેની સાથે જ સંબંધ છે.તફાવત કદાચ બહુ જ થોડો હશે, પણ એ તફાવત છે બહુ જ મહત્વનો.

વિચારણા કરવા માટે કેટલાક સવાલો:
૧. હાલની સ્થિતિમાં કયા નવા નિયમોને આવકારી રહ્યાં છીએ ?

૨. કારકીર્દીની સીડીનાં 'ઉપરનાં પગથિયાં' સર કરવા માટે કયા નવા નિયમોને આવકારશો ?
*************************************
#179દરરોજ, નવી શકયતાઓમાં રોકાણ કરતાં રહીએ

| ઑગસ્ટ ૨૦, ૨૦૦૭ના રોજ પ્રકાશીત થયેલ 
હું બહુ નસીબદાર છું કે આંખોમાં આત્મવિશ્વાસથી છલકતાં સ્વપ્નોના સુરમા આંજેલાં ઘણાં યુવાનોને મારે મળવાનું થતું રહે છે. તેઓ દુનિયાને શી રીતે બદલી નાખવા માગે છે તે સમજાવતી વખતે તેમની આંખોમાં એક અનેરી ચમક જોવા મળે છે. તેમના વિચારો અદ્‍ભૂત છે. પણ કમનસીબી એ છે કે તેમાંનાં મોટા ભાગનાં લોકો આજે કોઇ પગલાં નથી લેતાં, કારણ કે તેઓ પહેલાં કઈક થશે તેની રાહ જોવામાં માને છે, ખાસ કરીને "કંઇક બહુ મોટું કરવાની તૈયારી"માં પ્રવૃત્ત રહેતાં જણાય છે.
* કંઇક કરતાં પહેલાં કોઇ એમબીએ થવાની રાહ જૂએ છે.

* કોઇ કંઇક કરતાં પહેલાં બહુ બધા પૈસા કમાઇ લેવા માગે છે.

* કોઇ કંઇક કરતાં પહેલાં થોડું પ્રસિધ્ધ થઇ જવા માગે છે.

* કોઇ વળી કંઇક મહત્વનું કરતાં પહેલાં નાણાંકીય રીતે સ્વતંત્ર થઇ જવા માગે છે.
બીજા શબ્દોમાં કહીએ તો આ બધાં લોકો, પોતાનાં સ્વપ્નની સિદ્ધિમાટે નીકળી પડતાં પહેલાં હજૂ નાણાં કે સંબંધો કે પ્રખ્યાતિ કે પદ જેવાં થોડાં વધારે સંસાધનોમાટે રાહ જોતાં જણાય છે.

દરરોજ નવી શક્યતાઓ ખોળી કાઢીને આપણે વિશિષ્ઠ બની શકીએ છીએ. આને શબ્દાર્થમાં લેવાનું નથી કહી રહ્યો. દરરોજથી મારા કહેવાનો મતલબ આજની તારીખમાં જે કંઇ સંસાધનો તમારા હાથમાં / પહોંચમાં છે તેનાથી છે. ચાલો થોડી વાર માટે આપણે તે વિષે વિચારીએ. એવાં કયાં સંસાધનો આપણી પાસે હાથવેંતમાં હોઇ શકે તેનાં થોડાં ઉદાહરણો જોઇએ:
* તમારો આજ સુધીનો અનુભવ

* તમારા સંબંધો - એવાં લોકો જેમની સાથે તમારે લાંબા સમયથી સંબંધો છે

* તમે અમલ કરી ચૂક્યાં છો તેવી પરિયોજનાઓ

* તમારી મૂડી

* તમે જ્યાં રહો છો તે - શહેર કે રાજય કે દેશ સુદ્ધાં પણ.

* તમારૂં કુટુંબ, મિત્રો , સહયોગીઓ

* તમે જે કંપનીમાં કામ કરો છો તે

* તમે જે કોઇ એસોશીએશનો કે સમુદાયોનાં સભ્ય છો તે

* તમે વાંચેલાં પુસ્તકો
અહીં તો ઘણી આવી વસ્તુઓ ઉમેરી શકાય. સવાલ તો એ છે આજે આપણી પાસે જે કંઇ સંસાધનો છે, તે ઉપરાંત આપણે આજે નવું શું ખોળી કાઢી અને તેને ઉપયોગમાં લઇ શકીએ તેમ છીએ ?

જ્ઞાન અને સંસાધનો સાથે સમસ્યા એ છે કે જેમ જેમ વધારે હોય તેમ તેમ વધારે સંસાધનો જોઇએ છે તેવી ભાવનાનું રહ્યા કરવું.આપણાં સ્વપ્નની સિદ્ધિ માટે કામે લાગી જતાં પહેલાં હજૂ વધારે સંસાધનો એકઠા કરવામાં જોખમ એ છે કે આપણા ઇંતજારનો સમય બહુ લાંબો થતો જઇ શકે છે. એટલે ખેલના નિયમ બદલી નાખીને, જે કંઇ આજે આપણી પાસે છે તેનાથી નવી સંભાવનાઓને ખોળી કાઢવાનું શરૂ કરી ન દેવું જોઇએ ?

બીજા શબ્દોમાં કહીએ તો, આપણાં મહાસ્વપ્નને સિદ્ધ કરવા માટે જરૂરી સંસાધનો એકઠાં કરી રહ્યાં હોઇએ, ત્યારે, સમાંતરે, જે કંઇ આજે હાથમાં છે તેના વડે કયાં નવાં સ્વપ્નો આપણી નજરમાં ભરવાનું શરૂ કરી શકાય તેમ છે ?
********************************
#180આપણાં ભવિષ્યમાં પરિવર્તનક્ષમતા ચણી રાખીએ

| ઑગસ્ટ ૨૩, ૨૦૦૭ના રોજ પ્રકાશીત થયેલ 

પરિવર્તનશીલ હોવું એ બહુ મોટી અસ્કમાયત છે. ઝડપથી બદલી જઇ શકવું તે પણ મહત્વની સંપત્તિ છે. આપણે સાંભળતાં તો રહીએ જ છીએ કે "જડ ન બનો, લવચીક પણ બનો.". આપણને ખબર છે કે આ સલાહ છે તો કામની, પણ તેમ છતાં આપણે જોઇએ તેટલાં લવચીક નથી બની શકતાં.

આજે પરિવતનક્ષમ ન હોવાનું એક કારણ હોઇ શકે છે આપણાં ભૂતકાળનાં કાર્યો. કેટલીક શક્યતાઓ પર નજર કરીએ :
* આપણી હદની બહાર તણાઇને એક મજેનું ઘર ખરીદી ચૂક્યાં છીએ અને તેનાપરની લોનના હપ્તાઓ ભરી રહ્યાં છીએ. એ દરમ્યાન કોઇ આપણી સમક્ષ એક બહુ જ આકર્ષક નવાં સાહસનો પ્રસ્તાવ મૂકે છે. પગાર થોડો ઓછો, પણ ઘણા વધારે શેરની ભાગીદારીનો વિકલ્પ છે, જેનું ઘણું જ સારૂં વળતર પણ Theમળે તેમ છે, અને વળી કામ પણ બહુ જ સારો અનુભવ ગાંઠે કરી શકાય તેવું છે. સામાન્ય સંજોગોમાં, જો આપણા હાથ બંધાયેલ ન હોત, તો આ તક છોડી હોત ?

* આજથી બારેક મહિના પહેલાં એક એમબીએના અભ્યાસક્રમમાં શામિલ થયાં છીએ. ત્રણ વર્ષનો અભ્યાસક્રમ છે જે અંગેનો મોટા ભાગનો ખર્ચ કંપની ઉઠાવી રહી છે. એ દરમ્યાન એક બીજી કંપની તરફથી એક આકર્ષક દરખાસ્ત રજૂ થાય છે. તેને ઝડપી લેવી જ જોઇએ, પણ તેમ કરી નથી શકાતું. હાથ પર લીધેલો પેલો એમબીએનો અભ્યાસક્ર્મ પૂરો કરવો બહુ જ જરૂરી છે, તેમાં પણ જ્યારે મોટા ભાગનો ખર્ચ કંપની ઊઠાવી રહેલ હોય !

* તમને કળા વિષે અદમ્ય શોખ છે. કળાકાર થવું તે તમારી હંમેશની ખ્વાહીશ રહી છે. હા, તમારૂં શિક્ષણ એન્જીનીયરીંગ ક્ષેત્રે થયું, એટલે આજે તમે હવે એક એન્જીનીયર બની ચૂક્યાં છો.કળાકાર બન્યાં હોત તે કરતાં આજની કક્ષાએ એન્જીનીયર તરીકે પૈસા પણ સારા એવા મળે છે. એટલે, કળા તરફ જવાનો નિર્ણય હજૂ એક વાર ઠેલી દઇને તમે એન્જીનીયરનો પાઠ હજૂ વધારે સમય સુધી ભજવવા ફરીથી કમર કસી લો છો.\
આજની પરિવર્તનક્ષમતાનો આધાર આપણાં ગઇ કાલનાં પગલાંઓ પર ટકી રહ્યો છે. એ જ રીતે આજનાં પગલાંઓ આપણી આવતી કાલની પરિવર્તનક્ષમતાને ઘડશે. ભૂતકાળ તો વીતી ચૂક્યો, પરંતુ ભવિષ્ય તો હજૂ આવવાનું છે. એટલે આપણાં કામપરનાં, કે ઘરનાં ક્ષેત્રે લેવાઇ રહેલાં, કેટલાંક પગલાંઓ વિષે આપણી ભવિષ્યની પરિવર્તનક્ષમતા પરની સંભવિત અસરોના સંદર્ભમાં નવેસરથી ફેરવિચાર કરવો જોઇએ. 

સંસ્થાઓ ચકોર અને ચપળ હોવી જોઇએ તેમ આપણે બધાં જ કહેતાં રહીએ છીએ. આ જ વાત આપણને , સંસ્થાથી પણ વધારે, વ્યક્તિગત સ્તરે લાગૂ પડે છે. આપણાં આજનાં પગલાં આપણને ભવિષ્યમાટે કડક બનાવી દેવાનાં હોય તો આપણે આપણા માટે એવો ખાડો (ધીમે ધીમે) ખોદી રહ્યાં છીએ જેમાંથી બહાર નીકળવું આપણા માટે જ મુશ્કેલ બની રહે. ફેરવિચારણા કરવાનો સમય પાકી ગયો છે ને !?

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ચોથો  - ગુચ્છ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ મે ૧૦, ૨૦૧૪