ગુરુવાર, 29 મે, 2014

દુષ્યંત-પ્રિયા - દેવદત્ત પટ્ટનાઇક

થોડા સમય પહેલાં મુંબઇ મરાઠી સાહિત્ય સંઘ, ગિરગામના ઉપક્રમે ભજવાયેલ,કાલિદાસનાં પ્રખ્યાત સંસ્કૃત નાટક 'શકુંતલાયમ' પરથી તૈયાર થયેલું મરાઠી નાટક 'દુષ્યંત-પ્રિયા' જોયું. જો કે આ નાટક થોડું અલગ હતું. આ નાટક પરનું નાટક છે, અને શકુંતલાનો પાઠ એક પુરુષ ભજવી રહ્યો હતો.

શકુંતલાનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રીને મુખ્ય મંચનના બે અઠવાડીયાં પહેલાં આ નાટકથી દૂર થવું પડે છે, એટલે એક પુરુષ અભિનેતાને, ભૂતકાળમાં જેમ પુરુષો સ્ત્રી-પાત્રો ભજવતા તેમ, આ કિરદાર ભજવવાનું કહેવામાં આવે છે. અને હવે જૂઓ જે મજા થાય છે !

દુષ્યંતનું પાત્ર ભજવી રહેલ અગ્ર કલાકાર, શકુંતલાનું પાત્ર ભજવતા પુરુષના પ્રેમમાં પડી જાય છે. પૌરાણિક કથાની જેમ, તેઓ પોતાના સંબંધને અંજામ પણ આપી દે છે, જેનાં પ્રતિક રૂપે આપણાં નાટકનો દુષ્યંત નાટકના શકુંતલાને તેના અમર પ્રેમની યાદમાં વીંટી પણ પહેરાવી દે છે. પણ અહીં સમાજ હવનમાં હાડકું નાખે છે, મૂળ નાટકના દુષ્યંતની જેમ, આ નાટકનો આપણો નાયક દુષ્યંત પણ મૂળ શકુંતલાની જેમ આપણા શકુંતલાને ઓળખવાનો કે તેના માટેના પ્રેમના સ્વીકારનો ઇન્કાર કરી દે છે. આમ નાટક વર્તમાન સમયના સમલૈંગિક સંબંધો પરની ટિપ્પણ માટેનું વાહન બની રહે છે.

પુરાણ અર્વાચીનમાં ભળી જાય છે. પુરુષ શકુંતલાને હવે ફિકર થાય છે કે તેના પિતા, ઋષિ કણ્વ, આ લૈંગિક સંબંધના અભિગમને સ્વીકારશે કે નહીં. સમાજનાં દબાણ હેઠળ આજનો આ દુષ્યંત આપણા શકુંતલાનું અપમાન કરે છે, તેમ જ તેનો સ્વીકાર પણ નથી કરતો, જેને કારણે પણ બહુ દુઃખ અને પીડાની લાગણી પણ પેદા થાય છે. અંતે, મૂળ નાટકની જેમ, દુષ્યંત પોતાની ભાવનાઓ પર કાબુ નથી રાખી શકતો. સમાજની વિરૂદ્ધ તે ઉભો થઇ જાય છે અને આપણા શકુંતલાનો સ્વીકાર કરે છે, બધાંના આશીર્વચનો વચ્ચે બંનેનાં લગ્ન પણ થાય છે. સમગ્ર શ્રોતાગણને પણ આ લગ્નની શુભેચ્છાઓ પાઠવવા માટે નિમંત્રવામાં આવે છે.

હું નાટક-વિવેચક તો નથી, પણ પુરાણમાંના સ્ત્રી અને પુરુષના પ્રેમમાં પડવાના, જુદાઇ ,અપેક્ષાઓ, અસ્વીકાર અને અંતમાં સુલેહની પરિકલ્પનાનાં માળખાંને, આ નાટકને આજના સમયના પુરુષ સમલૈંગિક સંબંધના ઢાંચામાં બહુ જ રસપ્રદ રીતે ઢાળી નાખવામાં આવેલ છે શક્ય છે કે હવે પછીની આવૃત્તિમાં કદાચ કોઇ સ્ત્રી દુષ્યંતની ભૂમિકા ભજવે અને શ્રોતાગણ સમાજની ભૂમિકામાં બે સ્ત્રીઓના સમલૈંગિક લગ્નને બીરદાવે.

આવું શક્ય છે ? આ તો એક પ્રકારે ઉથલપાથલ નથી ? આપણી પૌરાણિક કથાની શૈલિનું આ અપમાન નથી ? હાલમાં સર્વોચ્ચ ન્યાયાલય સમલૈંગિક સંબંધો રાષ્ટ્રનાં બંધારણની દૃષ્ટિએ ન્યાયિક છે કે નહીં તેના પર વિચારણા કરી રહેલ છે. સજાતિય લગ્નોની તો કોઇ વાત જ નથી. ડૉક્ટરો તેમના નૈતિક નિર્ણયોને તબીબી નિદાનોમાં ખપાવી દે છે, પાડોશીઓ ખુચ ખુચ કરે છે, પોલીસ ધરપકડો કરીને પૈસા પડાવે છે, ધર્મગુરૂઓ સગવડ મુજબ ન વંચાયેલા ગ્રંથોનાં કાલગ્રસ્ત લખાણોની દુહાઇઓ આપ્યા કરે છે અને તેમની ઇચ્છાઓ કે અભિગમની વિરૂદ્ધનાં જોડાંઓ બનાવવા માટે કુટુંબમાં દીકરા કે દીકરીઓને માનસિક સંતાપની રંજાડ સહેવી પડી રહી છે. અને આ બધું તો આપણા 'સહિષ્ણુ' દેશમાં થઇ રહ્યું છે !

પણ આ રીતની કથા કહેવાની શૈલિથી ધરપત તો થાય જ છે, પછી ભલેને તે બહુ જ નાના પાયા પર, માત્ર થોડી વ્યક્તિઓનાં જોમ અને જુસ્સાથી જ થઇ રહ્યું હોય. આપણને કોઇ ૧૦૦ કરોડની સફળતાવાળી ફિલ્મો જેવાં માધ્યમની જ જરૂર નથી. હકીકતે તો, બૉલીવુડના કોઇ પણ નિર્દેશક વડે બતાવતાં - હાસ્યાસ્પદ લાગતાં સજાતિય કે જાતીયપણે વિકૃત - પાત્રાલેખનો કરતાં બૌદ્ધિક સ્તરે કે લાગણીને સ્તરે કે રાજકીય સ્તરે અહીંની રજૂઆત ઘણી જ પરિપક્વ કહી શકાય તેવી છે. ટેલીવીઝન માટે પણ આ વાત એટલી જ લાગૂ પડે છે.

થોડા સમય પહેલાં મારે એક બહુ પ્રખ્યાત ઇતિહાસકારની સાથે મળવાનું થયું. મેં તેમને પૂછ્યું કે ભારતના ઇતિહાસમાં સમલૈંગિકતાનો ઉલ્લેખ કેમ નથી જોવા મળતો. તે થોડું ખચકાઇને મલકાઇ રહયા. એક અન્ય પરિષદમાં, મારે એક ભૂતપૂર્વ રાજદ્વારી અધિકારીને મળવાનું થયું હતું. તેમની આગળ મેં અચરજ વ્યક્ત કર્યું કે નવાં ભારતની કોઇ પણ રાજદ્વારી ઘોષણામાં 'અસુવિધાજનક લૈંગિક લઘુમતિ'નો ઉલ્લેખ કેમ નથી હોતો. તેમને પણ નવાઇ જ લાગી, તેમનાં મનમાં પણ આ વાત તો આવી જ નહોતી.આમ, સામાન્યતઃ ન્યાય અને સમાનતામાં માનતા સામાન્ય નાગરિક દ્વારા આ પ્રકારના સમુદાયને, ભૂતકળમાં કે ભવિષ્યમાં, અદ્ર્શ્યમાન કરી નંખાતો અનુભવાય છે.


*       'મિડ ડે'માં નવેમ્બર ૨૪, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
v અસલ અંગ્રેજી લેખ, Beloved of Dushyant ,લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર નવેમ્બર ૨૪, ૨૦૧૩ના રોજ Indian MythologyMyth TheoryRamayana ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ મે ૨૯, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો