શનિવાર, 24 મે, 2014

ફિલ્મ 'વન્સ અપૉન એ ટાઈમ ઇન મુંબઈ'માંથી (મૅનેજમૅન્ટ) વ્યાવસાયિકોએ શીખવાલાયક એક બોધપાઠ - કૌશલ માંકડ

"जब दोस्त बनाकर काम हो सकता है, तो दुश्मन क्यों बनायें?" - થોડા સમય પહેલાં રજૂ થયેલી એક હિંદી ફિલ્મ -'વન્સ અપૉન એ ટાઈમ ઇન મુંબઈ'- ના નાયક સુલતાન મિર્ઝાના મોંઢે આવો એક ધારદાર સંવાદ સાંભળવા મળે છે.


સહકર્મચારીથી માંડીને સંબંધના દરેક સ્તરે વધારે ને વધારે "મિત્રો"નું નેટવર્ક ઊભું કરવું તેવા મૅનેજમૅન્ટ ક્ષેત્રના વ્યાવસાયિકો - કે કોઇ પણ ક્ષેત્રની વ્યસ્ત વ્યક્તિ - માટે બહુ જ મહત્ત્વના બોધપાઠની યાદ તાજી થઇ આવી.

આ છટાદાર સંવાદ "સારા- મિત્રાચારીપૂર્ણ સંબંધો" અને "કામનાં સ્થળે મિત્રો" કેળવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. મૈત્રીપૂર્ણવાતાવરણમાં કામ કરવામાં જે મજા આવે છે, તેનાથી કામનો બોજ લાગતો નથી;ઉત્પાદકતા અને સર્જનાત્મકતાને માટે પ્રેરણાદાયી પર્યાવરણ બની રહે છે. મજા આવે એવાં કામકાજનાં વાતાવરણને બનાવી રાખવાનો મંત્ર છે - એકબીજાંને 'સારી પેઠે સમજવું'. એકબીજાંનાં મંતવ્યો(અને /અથવા લાગણીઓ)ને સમજવાના કારણે આપણું કામ સરળ તો બને જ છે, પણ સાથેસાથે અન્ય લોકોને પણ આપણી સાથે કામ કરવામાં સરળતા રહે છે.

ગળાંકાપ હરીફાઈના આજના ઝડપથી વિકસતાઅર્થતંત્રમાં આપણી કામગીરીની સફળતા અને અસરકારકતા બહુ અંશે આપણાં મિત્રતાપૂર્ણ નેટવર્ક પર આધારિત છે. આ સંજોગોમાં સંસ્થાનાં દરેક ઘટક દરેક પરિસ્થિતિમાં (હંમેશાં) સફળતા જ મેળવતાં રહે, તેમ જ સંસ્થાનાં બૃહદ હિતમાં, દરેક વિભાગ અન્યોન્ય માટે આદર "જાળવી" શકે તે દિશામાં વિચારતાં રહેવું અને કાર્યાન્વિત રહેવું, તે આજના યુગની માંગ બની રહેલ છે.

આપણે પસંદગીપાત્ર બની રહેવું પણ જરૂરી છે. આ માટે આપણે કેટલાંક ખાસ કૌશલ્યો વિકસાવવા અંગે સજાગ પ્રયત્નો કરવાની જરૂર રહે છે. નાનામાં નાની જણાતી વાતોમાં નમ્ર અને સૌહાર્દ વર્તન, હાવભાવ, વ્યવહાર, દરેક બાબતો માટે મુકત અને વિશાળ દૄષ્ટિકોણ જેવી બાબતો, કુલ મળીને, મૈત્રીપૂર્ણ વાતાવરણ અને સમજદારીપૂર્ણ સંબંધો ઘડવા અને જાળવી રાખવામાં બહુ જ મદદરૂપ નીવડી શકે છે.

હા, એક સારાં માનવી બનવું અને આપણી સાથે કામ કરતાં લોકો માટે સન્માન અને લાગણી રાખવાં જ જોઇએ, તે વિષે તો કોઇ બેમત હોઈજ ન શકે.આપણાં વ્યક્તિત્વનાં આ પાસાં જ આપણને લાંબા ગાળે ફળદાયી નીવડશે. આપણાં જીવનનું મૂલ્ય તે કેટલાં લોકોને કામ આવ્યું છે, તેના પરથી જ આંકી શકાય.એકલદંડા મહેલમાં માપેલું સફળતાનું માપ હંમેશાં આભાસી જ રહ્યું છે. એવી કોઇ, કદાચ, ક્યાંક સફળતા મળી પણ જાય;તો તેનું આયુષ્ય બહુ લાંબું નથી હોતું. આપણું જે કંઈ છે તેને સહિયારાંપણાંના ભાવથી અન્યો સાથે વહેંચણી કરવી, એ બીજાંને કામ આવવાની સમગ્ર પ્રક્રિયાનું હાર્દ છે.

  • અનુવાદક : અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત



પ્રાસ્તાવિક પરિચય:
કૌશલ માંકડ 'સ્વભાવે સાહસિકવૃત્તિ ધરાવતા નવ-બ્લૉગર, અઢળક વાંચક, રચનાત્મક વિચારક અને ખાવાની બાબતે શોખીન' વ્યક્તિ છે. તેમની વ્યાવસાયિક કારકિર્દી બેંકીંગ અને નાણાંકીય સેવાઓનાં ક્ષેત્રે ખીલતી અને વિકસતી રહી છે.
લખવા માટે તેમને એક અલગ જ લગાવ છે. પોતાનાં લખાણો દ્વારા પોતાનાં અંગત તેમ જ વ્યાવસાયિક જીવન અને તેમની આસપાસનાં લોકોનાં જીવનમાં રસપ્રદ, હકારાત્મક અને અર્થપૂર્ણ ફેરફાર લાવી ઉત્કૃષ્ટતાને સર કરવાની તેમની ધગશ રહી છે.
તેમના શોખ છે  - રચનાત્મકતા, નાવીન્યકરણ, પરિવર્તન, સુધારણા, ગુણવત્તા, લોકો અને જીવન.


કૌશલ માંકડનાં સંપર્ક સૂત્રઃ
ઇ-પત્રવ્યવહારઃ mankad.kaushal@gmail.com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો