(નોંધઃ આ લેખના પહેલા ભાગમાં આપણે ટેક્નોલોજીની અસરો અને સંભાવનાઓને પાછળ તરફ દૃષ્ટિ કરીને જોઇ ગયાં. હવે આગળની તરફ નજર કરીએ......)
હવે જોઇએ આની બીજી અણધારી આડઅસર. જ્યાં ટેકનોલૉજીનું સ્તર નહિવત હોય અને જ્યાં માણસ યુવાવસ્થા સુધી પહોંચે તેવી શકયતાઓ બહુ અનિશ્ચિત હોય, ત્યાં ભવિષ્ય લાચારી અને અનિશ્ચિતતાનું જ હોય. ત્યાં વધારે બાળકો થવાં તે જ કદાચ સુરક્ષા કવચ ગણાય. આવાં સમુદાયોને કારમા દુકાળો કે અન્ય કુદરતી આપત્તિઓથી પણ શું ખોવાનું રહે ? આજે એક બાજુથી આણ્વિક શસ્ત્રો ઘરઘરાઉ ઉદ્યોગના સ્તરે ફેલાવાને આરે છે, તો બીજી બાજુથી દુકાળો કે કુદરતી આફતોનો કાળો કેર દર વર્ષે દુનિયાના કોઇને કોઇ ભાગમાં વર્તાતો રહે છે. એવામાં સમાજના જુદા જુદા સ્તરે આવકની અસમાનતાના ઓછાયા લાંબા ને લાંબા થતા જાય છે, જે વિકસિત તેમ જ અલ્પવિકસિત દેશો માટે બહુ જ નવા પ્રકારનું જોખમ બનીને ઊભરી રહ્યા છે. આવી સમસ્યાઓનું નિરાકરણ શિક્ષણ માટે વધારે કાર્યક્ષમ અને અસરકારક સગવડો ઊભી કરીને, ટેકનોલૉજીના ક્ષેત્રે, ઓછીવત્તી સ્વનિર્ભરતા અને વૈશ્વિક સાધનોની ન્યાયિક વહેંચણી જેવા ઉપાયોથી લાવવું વધારે ઉચિત છે. દાખલા તરીકે, મોઢેથી ગળવાની પરંપરાગત ગર્ભનિરોધક ગોળીઓને બદલે વધારે સલામત ઔષધોની જરૂર તો છે જ. પરંતુ આ પ્રકારનાં ક્ષેત્રોમાં કેમ કોઇ કામ થતું નથી જણાતું ?
કેટલીક ટેકનોલૉજીઓ બહુ જ ઓછી ખર્ચાળ છે, તો બીજી કેટલીક બહુ જ ખર્ચાળ. આપણે એના પર આધારિત બધા વિકલ્પોનો ઘનિષ્ઠપણે વિચાર કરવાની જરૂર છે. એક છેડે ગામડાંઓમાં તળાવોમાં બહુ જ ઓછા ખર્ચે શેવાળ, ઝીંગા અને માછલીઓનો ઉછેર કે ઘરઆંગણે શાકભાજીઓ ઉગાડવા જેવા ટેક્નોલોજીના સાદા વિકલ્પો ઉપલબ્ધ છે. જ્યારે બીજે છેડે, અંતરિક્ષમાં પરિભ્રમણ કરતાં શહેરોના વિકાસ દ્વારા અંતરિક્ષ સંસાધનોનો પૃથ્વી પરનાં સંસાધનોમાં ઉમેરો કરવાના જટિલ વિકલ્પો પર પ્રાયોગિક સ્તરે કામ થઇ રહ્યું છે. આવાં અંતરિક્ષ શહેરોને પ્રવર્તમાન માનવીય - આર્થિક કે સામાજીક કે રાજકીય - પૂર્વગ્રહોથી પર હોય એવા સમુદાયોનાં સ્વરૂપે વસાવી કે વિકસાવી શકાય તેવી આદર્શવાદી સંકલ્પનાઓ પણ વિચારાઇ રહી છે. જો કે પાયાના પ્રશ્નોના નિવારણને આપણે પૃથ્વી પર સ્પર્શવા નથી માગતા અને એના ઉપાય અંતરિક્ષમાંથી શોધીએ છીએ. એવા પૂર્વગ્રહ મુક્ત સમાજોનું નિર્માણ અંતરિક્ષમાં કરવાની ઇચ્છા છે તેવા સ્વનિર્ભર નાના સમાજોની રચના પૃથ્વી પર બહુ ઓછા ખર્ચે કરી શકાય. જો કે અંતરિક્ષમાં જ ઉપલબ્ધ છે તેવાં સંસાધનોના પૃથ્વી પરના માનવ સમાજ માટેના ઉપયોગો માટે જે પ્રયત્નો કરવા પડે, તે અલગથી વિચારણા જરૂર માગી લે છે.
એક વાત ચોખ્ખી છેઃ એટલા બધા ટેકનોલૉજી પ્રકલ્પો શક્ય છે , જે આપણે, કોઇ એક સમયે હાથ પર ન લઇ શકીએ, કે કોઇ એક સમયે કદાચ પોષાય પણ નહીં. તે પૈકી કેટલાક પ્રકલ્પ ચલાવવાની દૃષ્ટિએ બહુ ઓછા ખર્ચાળ હોય, પણ તેમને શરૂ કરવાનો ખર્ચ એટલો વધારે આવે છે કે પ્રકલ્પોને હાથ પર લેવાનું જ શકય ન બને. તો વળી બીજા કેટલાક પ્રકલ્પ એવા છે કે જેમાં શરૂઆત કરવા માટેનાં સંસાધનો ભેગાં કરવાનું હિંમત માગી લે, પણ તેના ફાયદા સમાજ માટે સુક્રાંતિરૂપ નીવડી શકે. આવા પ્રકલ્પો વિશે બહુ સંભાળપૂર્વક વિચાર કરવો જોઇએ. આમાંની મોટા ભાગની વ્યૂહરચનાઓમાં ઓછાં જોખમ સામે ઠીક ઠીક વળતર અથવા ઠીકઠાક જોખમની સામે ઘણાં વધારે વળતરના હિસાબ પણ માંડવા પડે.
આ પ્રકારની ટેક્નોલોજી પહેલને સમજવા માટે, અને તેમને ટેકો કરવા માટે, વિજ્ઞાન અને ટેક્નોલોજીની જાહેર સમજણ મહત્વની બની રહે છે. આપણે લોકો વિચારશીલ પ્રાણીઓ છીએ. વિચારશક્તિ માનવ જાતને અન્ય પ્રાણી જગતથી અલગ પાડે છે.બીજાં ઘણાં પ્રાણીઓ કરતાં માનવી વધારે ચપળ કે શક્તિશાળી કદાચ નથી, પણ માનવી વધારે બુદ્ધિશાળી છે. વિજ્ઞાન સંબંધી વધારે જાણકાર સમાજના દેખીતા ફાયદાઓ ઉપરાંત, વિજ્ઞાન અને ટેક્નોલોજી પરની આપણી વિચારણા આપણી શક્તિઓ તેમ જ મર્યાદાઓ સમજવામાં મદદ કરે છે. આપણે જે અટપટાં, ગૂઢ અને અદ્ભૂત વિશ્વમાં રહીએ છીએ, વિજ્ઞાન તેની શોધખોળ કર્યા કરે છે. તેના અભ્યાસુઓ તેમાંથી નીપજતા આગવા જ, ભલે કદાચ ક્વચિત મળતા ઉલ્લાસની મજા જાણે અને માણે છે. એ એવો આનંદ છે જેનો અનુભવ બીજા સુધી પહોંચાડી શકાય છે. ટેક્નોલોજી સંબંધી નિર્ણય પ્રક્રિયામાં વધારે અર્થપૂર્ણ સહયોગ, અને ટેક્નોલોજી સમાજથી મોટા ભાગનાં લોકોની એક પ્રકારનાં અંતરની અનુભૂતિ ઘટાડવા માટે વિજ્ઞાનનાં શિક્ષણનો તેમ જ તેની શક્તિઓ અને આનંદોના વ્યાપ અને અસરકારકતાનો પ્રચાર અને પ્રસાર કરવાની જરૂર છે. આ અંગેની શરૂઆતનું પહેલું પગલું છે વિજ્ઞાન શિક્ષણની યુનિવર્સિટીઓને વધુ સુદૃઢ તેમ જ સુગમ બનાવવાનું, તેમ જ વિજ્ઞાનનાં ઉચ્ચ શિક્ષણ પ્રતિ વધતી જતી ઉદાસીનતાના પ્રવાહને પાછા વાળવાનું. તે માટે જે કંઇ પ્રોત્સાહનો, અનુદાનો કે કોઇ પણ પ્રકારની અન્ય મદદ કરવા માટે. સરકારો અને આ ક્ષેત્રોમાં કામ કરતી સંસ્થાઓએ સક્રિય થવું જોઇશે.
સામાન્ય નાગરિક સુધી વિજ્ઞાનને પહોંચાડવામાં ટેલીવિઝન, ફિલ્મો, અખબાર પત્રો, સામયિકો જેવાં જાહેર માધ્યમો મહત્વનો ફાળો આપી શકે છે, બશર્તે તેમાં વિજ્ઞાન અંગેની પ્રતિકુળ રજૂઆતને ઓછી નીરસ, ઓછી ભૂલચૂકવાળી, ઓછી ભારીભરખમ અને હાંસીને પાત્ર ન બને તે રીતે રજૂ કરાઇ હોય.
વિજ્ઞાનની ઘણી અજાયબ અને દૂરગામી શોધખોળોની અને એ શોધખોળોની માનવજાતનાં વર્તમાન અને ભાવિ અસ્તિત્વ પરની અસરો તેમ જ, માનવીનાં ભૂતકાળનાં પગલાંઓની પશ્ચાદ્વર્તી અસરોની સમાજના સંદર્ભે જાહેર માધ્યમો, શાળા-કૉલેજો કે રોજબરોજની વાતચીતમાં ચર્ચા થતી રહે તેમ કરવું જોઇએ.
આ સવાલો તેમ જ શારીરીક અને માનસિક શક્તિઓનાં સંવર્ધન પ્રત્યેનો સમાજનો અભિગમ તે સમાજની ઓળખ બની રહે છે. આ સવાલોના વ્યાસંગ વડે બ્રહ્માંડમાં આપણાં સ્થાનને સમજવાના પ્રયાસ માટેના અધુનિક વિજ્ઞાનના મિજાજ માટે ખુલ્લાં મનની સર્જકતા, કસોટીનાં એરણે ચડાવતી રહેતી શંકાકુશંકાઓ અને આશ્ચર્ય માટેની તાજગીભરી વૃત્તિ જોઇશે. આ લેખની શરૂઆતમાં જે વ્યાવહારિક સવાલોની આપણે વાત કરી હતી તેના કરતાં આ સવાલો જૂદા છે. પરંતુ નિર્ભેળ સંસાધનોને જેટલું પણ પ્રોત્સાહન પૂરૂં પાડીશું તે આ પ્રકારની વર્તમાન અને ભાવિ વ્યવહારિક સમસ્યાઓને સમજવા માટે બૌદ્ધિક અને તકનીકી સામગ્રી બની રહેશે તે નિઃશંક છે.
આજના યુવાન વર્ગમાંનો બહુ જ અલ્પ અંશ વિજ્ઞાન સંબંધીત કારકીર્દી વિકલ્પોને પસંદ કરતો હોય તેવું જણાય છે.તેનું કારણ કદાચ, શાળાજીવનથી જ તેમને તેમાં રસ જાગે તેવાં વાતાવરણનો મહદ્ અંશે અભાવ છે. ભવિષ્યનું વિજ્ઞાન સંબંધી નેતૃત્વ કઇ દિશામાંથી આવશે તે તો કહી ન શકાય - આલ્બર્ટ આઈનસ્ટાઇન, તેમની શાળા-જીવનના પ્રતિકુળ અનુભવ છતાં એક ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક થયા !
જો આપણે પ્રતિભાશાળી, સાહસીક અને જટીલ ઉપાયોને ગળે લગાડી લેવા તૈયાર હોઇએ તો આપણી સામે સમાજના ઘણા પ્રશ્નોનું સમાધાન શક્ય છે,. આવા ઉપાયો માટે એવાં જ પ્રતિભાશાળી, શાસીક અને જોખમ ખેડવા તૈયાર લોકો પણ જોઇએ. મજાની વાત તો એ છે કે આપણને ખાતરી છે દરેકે દરેક સમાજમાં દરેકે દરેક આર્થિક સ્તરમાં આ પ્રકારનાં લોકો છે. યુવાવર્ગનું પ્રશિક્ષણ માત્ર ટેક્નોલોજી કે વિજ્ઞાન પરસ્ત જ મર્યાદીત ન રાખવું જોઇએ. નવી ટેક્નોલોજીને માનવીય પ્રશ્નોનાં નીરાકરણ માટે ખરી અનુકંપાસહ કામે લગાડવા માટે માનવ પ્રકૃતિ અને માનવ સંસ્કૃતિની ઊંડી સમજ જરૂરી છે, જે સહુથી વિસ્તૃત સ્વરૂપે અપાતા, દરેક પ્રકારના શિક્ષણ દ્વારા જ શક્ય છે.
આપણે માનવ ઇતિહાસને ત્રિભેટે છઇએ. અત્યારની ક્ષણ જેવી ખતરનાક -અથવા તો આશાસ્પદ - ઘડી કદી આવી નથી. આપણા પોતાના વિકાસને આપણા જ હાથમાં લઇ લેનાર આપણે પહેલી પ્રજાતિ છીએ. પહેલી જ વાર આપણા હાથમાં, જાણ્યેઅજાણ્યે, સર્વનાશનાં બધાં જ સાધન છે. ટેક્નોલોજીની તરૂણાવસ્થા પાર કરી જઇને, આપણી પ્રજાતિનાં સભ્યો માટે, દીર્ઘાયુ, સમૃદ્ધ અને પરિપૂર્ણ પરિપક્વતા લાવી શકવાની સંભાવના પણ આપણી સમક્ષ જ છે. પરંતુ આપણી આવનારી પેઢીઓને ભવિષ્યના કયા વળાંક પર જવા માટે આપણે તેમને દોરી જઇ રહ્યાં છીએ તે નક્કી કરવા માટે આપણા હાથમાં હવે બહુ સમય બચ્યો નથી, ++++++++++++++
[કાર્લ સેગનનાપુસ્તક, Broca’s Brain – Reflections on the Romance of Science ǁ ISBN 0-345-33689-5ǁનાં ચોથા પ્રકરણ "In praise of science and Technology " પર આધારિત]
+++++++++++++++++++++
સાભારઃ આ લેખનો પહેલો ભાગ વેબ ગુર્જરી પર જૂન ૩, ૨૦૧૪ના રોજ અને બીજો ભાગ જૂન ૪, ૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો