બુધવાર, 15 ઑક્ટોબર, 2014

લાયક સ્ત્રીઓના તારણહાર ? ! - દેવદત્ત પટ્ટનાઈક

clip_image003એક જાણીતાં અઠવાડીકમાં એક મહિલા સંસદ સભ્યનું એવું નીવેદન છપાયું હતું કે દ્રૌપદી જેટલાં દાર્શનીક સ્તરે ન હોવાથી કૃષ્ણ તેમની મદદે દોડી આવે તેવી અપેક્ષા આજની સ્ત્રીઓએ ન રાખવી જોઇએ. એ વાંચીને મારાં એક ખાસ મિત્ર બહુ નારાજ થઈ ગયાં. જો કે, હિંદુ પુરાણોનાં એક નવા જ પ્રકારનાં અર્થઘટનની દૃષ્ટિએ,મને એ તથાકથિત નીવેદનમાં રસ પડ્યો.

દ્રૌપદીની કહાણી પર એકવાર ફરીથી નજર કરીએ. પાંચ પાંડવ ભાઇઓ પત્નીને દ્યુતના ખેલમાં એક વસ્તુ તરીકે દાવ પર લગાવીને હારી બેસે છે. દ્યુતના વિજયી એવા પિત્રાઇ ભાઇઓ, કૌરવો, તેને રજસ્વલા હાલતમાં પણ પોતાના નિવાસમાંથી ઢસડતા ઢસડતા, તેનાં વસ્ત્રહરણ માટે દ્યુતસભામાં ખેંચી જાય છે. દ્રૌપદી રોવે છે, કકળે છે અને કાકલુદીઓ કરે છે.પણ આવડી મોટી સભામાં હાજર એવું કોઇ તેની મદદે નથી આવતું. પણ જેવાં તેનાં વસ્ત્રોનું હરણ થવા લાગે છે એટલે તેણે પહેરેલી સાડીનો છેડો જ નથી આવતો, જેમ જેમ દુઃશાસન ખેંચતો જાય છે તેમ તેમ એ વસ્ત્ર લંબાતું જ રહે છે. આ ચમત્કારની પાછળ કૃષ્ણ છે.

આ કથાને દુઃખિયારી દ્રૌપદીની વહારે આવેલા 'તારણહાર' કૃષ્ણની સાદી નજરે જોઇ શકાય. આ કથાને "લાયકાત'ના સીધા સાદા દૃશ્ટિકોણથી પણ જોઇ શકાય : જો આપણે દ્રૌપદી જેટલાં "લાયક" હોઇએ, તો કોઇને કોઇ "કૃષ્ણ" આવીને બચાવશે. એટલે જ્યારે આપણા પર થઇ રહેલા દુષ્કર્મ વખતે કોઇ બચાવવા ન આવે, તો આપણે દ્રૌપદી જેટલાં લાયક નથી એમ માનવું રહ્યું. જે સ્ત્રી સાથે દુષ્કર્મ થાય છે તેના માટે તો આવાં અર્થઘટનોથી બેવડો માર પડે છે - એક તરફ તો દુષ્કર્મની પીડા ભોગવવી, અને બીજી બાજૂ પાછું એમ પણ ઠસાવું કે તાત્વિક સ્તરે તે ગેરલાયક છે.આવાં અર્થઘટન અત્યંત પીડાકારક પરવડે છે - દુષ્કર્મ સહન કરનાર માટે તો ખાસ.

તારણહાર અને યોગ્યતાની જોડીનાં મૂળ ઘણા (બધાજ નહીં) ધર્મપ્રચારકો અને ગુરૂઓના પ્રાચીન ઉપદેશો સુધી પ્રસરતાં જોવા મળે છે.એ બધામાં સૂર વ્યક્તિને પોતાને શરમમાં નાખવાનો, ઉતરતી કક્ષાનું હોવાનો અને અશુદ્ધ અનુભવવાનો જ રહે છે. પછીથી ધર્મપ્રચારકો કે ગુરૂઓ પોતાને સર્વોચ્ચ તારણહારના પ્રતિનિધિ તરીકે ગણાવીને એ વ્યક્તિને પોતાને શરણે આવવાથી મુક્તિનો માર્ગ બતાડે છે.

કૃષ્ણની કહાણીને ક્રિશ્ચીયન દૃષ્ટિકોણથી પણ જોવાતી રહી છે. કૃષ્ણ અને ઈશુ ખ્રિસ્તની સરખામણી પણ ઘણાં લોકો કરતાં રહ્યાં છે. ૨૦મી સદીના પ્રારંભમાં જ્યારે હિંદુ સમાજ બ્રિટીશ શાસકો તરફથી હિંદુસ્તાન ખંડની વિચારધારા માટે માન્યતા મેળવવા મથી રહ્યા હતા ત્યારે આ પ્રકારની સરખામણીઓ બહુ જોવા મળતી.પછીથી, ઘણા ભારતીય ગુરૂઓએ પોતાના પાશ્ચાત્ય શિષ્યોની અનુવાંશીક આસ્થા સ્વરૂપ ઈશુ અને અનુભવાતીત આસ્થા સ્વરૂપ કૃષ્ણ વચ્ચેની દ્વિધાનાં સમાધાન માટે પણ આ સરખામણીનાપ્રયોગ કર્યા છે.

જો કે ઈશુ ખ્રીસ્ત એ રેખીય પૌરાણિક પરંપરમાંથી ઉતરી આવે છે જેમાં એક જ જીવન જીવી જવાની વાત છે, જ્યારે કૃષ્ણ ચક્રીય પૌરાણિક પરંપરામાંથી ઉતરી આવે છે, જેમાં અનેક વાર જીવ જ્ન્મ લે છે, અને દરેક જ્ન્મમાં એ જન્મ માટેનાં કારણની તેને તલાશ હોય છે. એટલે, એ દૃષ્ટિએ તો આ સરખામણી પરાણે કરેલી સરખામણી ગણી શકાય. દરેક પરંપરાને પોતપોતાનું આગવું મહાત્મય છે, જેને બીજા સાથે સરખાવવાની કોઇ જ જરૂર નથી.

કૃષ્ણનુ દ્રૌપદીની મદદે જવું તેમના પહેલાંના અવતારો સાથેપણ સાંકળવું જોઇએ : પરશુરામ તરીકે તેમણે પોતાની માતા રેણુકાનો શિરચ્છેદ માત્ર એટલા સારૂ કરી નાખ્યો હતો કે તેમની માતા એ કોઇ અન્ય પુરૂષની ઝંખના કરી હતી; રામ તરીકે તેમણે માત્ર ગામના મોઢેથી ચાલતી એક માન્યતાને કારણે સીતાનાં ચારિત્ર્યને દાગી ગણી તેનો ત્યાગ કરી દીધો હતો. પરશુરામ, રામ અને કૃષ્ણ એ ત્રણે રક્ષણકર્તાદેવ વિષ્ણુના અવતાર મનાય છે. કૃષ્ણ તરીકે એક બાજૂ એ એક સ્ત્રીની વહારે ધાય છે, તો પરશુરામ તરીકે એક નાની સી ચૂક માટે કરીને તે સ્ત્રીને મત્યુદંડ આપે છે, તો બીજી બાજુ રામ તરીકે માત્ર લોકવાયકાના આધારે, પોતાના કોઇ જ વાંક વગર એ એક સ્ત્રીની સાથે અન્યાય કરે છે. ઋષિમુનિઓએ આવું જટિલ પાત્રાલેખન શા સારૂ કર્યું હશે?

શક્ય છે કે ઋષિમુનિઓ રેણુકા, સીતા અને દ્રૌપદી દ્વારા પૃથ્વીને એક દેવીનાં સ્વરૂપે રજૂ કરી રહ્યા છે : માનવી તેને કૌરવોની માફક નિર્વસ્ત્ર કરે છે, કે પાંડવોની જેમ મૂક સાક્ષી બનીને તેના હાલબેહાલ જોતા રહે છે, કે પરશુરામની જેમ નાની સરખી ચૂકની મોટી સજાઓ દેતા રહે છે, રામની જેમ વિના વાંકે ત્યાગી દેતા રહે છે કે પછી કૃષ્ણની જેમ બચાવ કરતો રહે છે. પણ આ બધાંમાં આપણે એક બહુ જ મહત્ત્વની વાત ભૂલી રહ્યાં છીએ કે માનવાજાતની બધી જ કમીઓને કોરાણે કરીને પ્રુથ્વી પોતાને નવપલ્લવિત કરવા સામર્થ્યવાન છે.

clip_image001 'મીડ ડે'માં સપ્ટેમ્બર ૧, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
  • અસલ અંગ્રેજી લેખ, Saviour of Worthy Women?! લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જાન્યુઆરી ૨૨, ૨૦૧૪ના રોજ BlogIndian MythologyMahabharata ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઑક્ટોબર ૧૫, ૨૦૧૪








ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો