બુધવાર, 29 ઑક્ટોબર, 2014

બેબલમાં પણ વૈવિધ્ય નથી - દેવદત્ત પટ્ટનાઇક

clip_image003જે છોકરી સાથે દુષ્કર્મ થયું હતું તે તુલુ બોલતી હતી, પણ પોલીસ સ્ટેશનમાં તેની જે ફરિયાદ નોંધાઇ હતી તે મરાઠીમાં હતી, અને કોર્ટનો જે ચુકાદો આવ્યો તે અંગ્રેજીમાં હતો. ભારત સાથેની આ એક કમનસીબી છે. આપણે ત્યાં બહુ ઘણી ભાષાઓ અને તેનાથી પણ વધારે બોલીઓ છે : રૂપિયાની નોટ પર ૧૭, અને બ્રેલને પણ ગણીએ તો ૧૮ ભાષાઓ જોવા મળશે. ઘણી વાર એમ વિચાર આવે કે અમેરિકાના ડૉલરની નોટની જેમ એક જ ભાષા હોય તો કેવું સારું ? જો કે ભાષાનાં વૈવિધ્યની સમસ્યા યુરોપમાં પણ છે - યુરોપીય યુનિયનની માન્ય ભાષા જર્મન રાખવા જાય તો ફ્રેંચ લોકો બાંવડા ચડાવે, અને સ્પેનિશ કે ઇટાલીયન કે ગ્રીક તો કચવાતા જ ફરતા હોય !

એક જ વૈશ્વિક ભાષા કે એક જ ઢાંચાની પોતાની પણ સમસ્યાઓ પણ છે જ, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ બાઇબલમાં કહેવાયેલી ટાવર ઑફ બૅબલની કહાનીમાં જોવા મળે છે.


મહા પૂર પછી લોકોને નિમરૉડની રાજ્યસત્તા હેઠળ રહેવાનું થયું.મહારાજ નિમરૉડે લોકોને એક જ ઉદ્દેશ્ય આપવાનું નક્કી કર્યું - વિશ્વનો સહુથી ઊંચો મિનારો બનાવો જેની ટોચ આકાશનાં વાદળો સાથે વાત કરતી હોય. આ મિનારો ટાવર ઓફ બૅબલ તરીકે ઓળખાયો અને માનવીની મહાનતાનું પ્રતિક બની રહ્યો. ત્યાંથી જેટલે સુધી નજર પહોંચતી એ બધાં પર નિમરૉડને માલીકી અનુભવાતી, સમગ્ર માનવજાત તેનાં કદમ ચૂમતી હતી.આ મિથ્યાભિમાન અને મૂર્ખતાથી ભડકી ઉઠેલા ઈશ્વરે ત્યાંની સમગ્ર પ્રજાની જીભ જ વાંકી કરી નાખી, જેને પરિણામે લોકો હવે જૂદી જૂદી બોલી બોલતાં થઇ ગયાં. શરૂઆતમાં આને કારણે અંધાધુંધી પણ ફેલાણી. પછી જે જે લોકો સમાન બોલી બોલતાં હતાં તેઓએ પોતપોતાનાં જૂથ બનાવવાનું ચાલુ કરી અલગથી રહેવાનું શરૂ કર્યું. આમ વિશ્વમાં અલગ અલગ વિચારધારા, અલગ અલગ ભાષા ધરાવતા દેશો અસ્તિત્વમાં આવ્યા. તેમના વચ્ચેના તફાવતોએ નાનામોટા વિવાદોથી માંડી ને યુદ્ધોસુધીનાં સ્વરૂપ પણ જોયાં.

આ કહાણીને અસલામત અને ઇર્ષાળુ ઇશ્વરની વાત કહી શકાય જેણે લોકો તેની સામે એક ન થઇ જાય એટલા માટે કરીને લોકોની જીભ વાંકી કરી અને તેમને અલગ અલગ બોલી બોલતાં કરી નાખ્યાં. કે પછી આ કહાણીને લોકોને એક ભાષા અને એક ઉદ્દેશથી એક કરવાની વિચારસરણીની વાતની દૃષ્ટિએ પણ જોઇ શકાય. કેમ કે જ્યારે જ્યારે આમ થયું છે ત્યારે ત્યારે વિચારોનું વૈવિધ્ય ખતમ થયું છે, અને એટલે બૅબલના મિનારાને ચણવાનો પડકાર પણ ઓગળી ગયો છે.

એક ભાષા એ વૈવિધ્યની મૂળભૂત પરિક્લ્પનાની સાથે જ સુસંગત નથી. વૈવિધ્ય વિના ટકી રહેવું પણ મુશ્કેલ જ છે. કુદરતમાં પણ એકવિધતા નહીં પણ વૈવિધ્ય જ જોવા મળે છે. જ્યારે સંસ્કૃતિ સમાનતાની તરફેણ કરે છે, પણ તેમ કરવા જતાં, નિમરૉડની જેમ, વૈકલ્પિક વ્યક્તિત્વને ખતમ કરી નાખે છે.

આપણે પણ ભારતમાં રહેલ વૈવિધ્યને એક સમસ્યા સ્વરૂપે જ જોતાં આવ્યાં છીએ. એથી વૈવિધ્યમાં 'એકતા' માટે સજાગ પ્રયત્નો પણ થતા રહ્યા છે. એમ માની જ લેવામાં આવે છે કે વૈવિધ્ય વિઘટનકારી જ હોય. હા, વૈવિધ્ય વિવાદ જરૂર છેડે છે, પરંતુ તેને કારણે નવા નવા વિચારોને પણ જન્મવાનો મોકો પણ મળે છે. આ વિષે આપણી (ક્યારેક વધારે પડતી પણ) ખેંચતાણ ચાલ્યા જ કરે છે. જો કે તેના પરિણામે દુનિયાને નવા દૃષ્ટિકોણથી જોવાની તક પણ આપણને મળે છે અને સાથે સાથે આપણાને હંમેશાં યાદ પણ રહ્યા કરે છે કે, ગમે તેટલું મથો પણ જીવન સીધું અને સરળ તો કદાપિ નહોતું, અને ન સરળ રહેશે. બદલતા જતા ઇતિહાસ અને બદલતી રહેતી ભૂગોળના ચળ પરિપ્રેક્ષ્યમાં જૂદા જૂદા સમયે જૂદાં જૂદાં લોકો જૂદી જૂદી ભાષાથી તેને અલગ અલગ સ્વરૂપે જ જોતાં રહેશે.

clip_image001 'મીડ ડે'માં સપ્ટેમ્બર ૨૨, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો