બુધવાર, 12 નવેમ્બર, 2014

ગીતા અને તેનાં અન્ય સ્વરૂપો - દેવદત્ત પટ્ટનાઇક

clip_image003ભગવદ ગીતા એટલે 'ઈશ્વરનું ગાન'. અર્જુનના સારથિની ભૂમિકા ભજવવાનું નક્કી કરી ચૂકેલા શ્રીકૃષ્ણએ, કુરુક્ષેત્ર પરનાં યુદ્ધને આગલે દિવસે અર્જુનને યુદ્ધના સારાસાર વિષે સમજાવતાં, જે બોધ આપ્યો તે ગીતાબોધ તરીકે ઓળખાય છે. ગીતા(જી) તરીકે વધારે ઑળખાતો આ ગ્રંથ એક માન્યતા પ્રમાણે ઈ.સ. પૂર્વે ૩૦૦માં લખાયો હોવાનું મનાય છે, તો કેટલાક મત મુજબ તે, ઉપનીષદના સમયકાળ ઇ.સ. પૂર્વે ૮૦૦માં લખાયો છે.૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકોમાં વિસ્તરેલા આ ગ્રંથમાં હિંદુ ધર્મનો નિચોડ આવરી લેવાયો છે. જીવનનાં સત્યનાં કથન સ્વરૂપ આ ગ્રંથ સંસ્કૃતમાં લખાયેલ છે અને હિંદુઓ માટે સહુથી વધારે પવિત્ર ગ્રંથોમાં તેનું સ્થાન છે.નોંધપાત્ર વાત એ છે કે ભારતના દીર્ઘ ઇતિહાસકાળમાં પણ ૫ %થી વધારે લોકો સંસ્કૃત જાણતાં નથી. તે સામાન્ય લોકોની નહીં પણ, પંડિતો અને રાજવીઓની જ ભાષા રહી છે. તેમ છતાં લોકકથાકારો અને ધર્મોપદેશકોનાં ગીતો અને કહાણીઓ થકી ગીતામાં રહેલા વિચારો સામાન્ય લોકો સુધી પ્રસરી રહેલ છે.

ઘણી વાર ભગવદ ગીતાને ગીત ગોવિંદ કે ભાગવત સમજવાની ભૂલ થતી રહે છે.ત્રણે રચનાઓ સંસ્કૃતમાં જ છે. ભગવદ ગીતા એ મહાકાવ્ય મહભારતના છઠ્ઠા પર્વ - ભિષ્મ પર્વ-નો એક ભાગ છે, જ્યારે ગીત ગોવિંદ એ, ૧૨મી સદીમાં, જયદેવ રચિત મહા કાવ્ય છે જેમાં કૃષ્ણની રાધા સાથેની લીલાનું વર્ણન છે.ભાગવત, કે ભાગવત પુરાણ, એ વિષ્ણુની કથા છે, જેમાં વિષ્ણુના કૃષ્ણાવતાર કેન્દ્રમાં રહેલ છે. તે પણ ઇસવી સનની આઠમીથી તેરમી સદીમાં લખાયાનું મનાય છે. આમ ભગવદ ગીતા એ ગીત ગોવિંદમ કે ભાગવતથી કમસે કમ ૧૦૦૦ વર્ષ પહેલાં લખાયું હશે.

ગીતા કહીએ એટલે તેનો સંદર્ભ 'ભગવદ ગીતા' સાથે જ જોડાય, પણ તે ઉપરાંત હિંદુ સાહિત્યમાં ગીતાનાં અનેક સ્વરૂપો પણ છે. જેમ કે:
  • અનુ ગીતા, જે પણ કૃષ્ણએ જ અર્જુનને કહી સંભળાવેલ્છે, પણ યુદ્ધ પૂરૂં થયા પછી, જ્યારે અર્જુનના ભાઇઓ, પાંડવો, તેમના પિત્રાઇઓને મહા યુદ્ધમાં પરાજિત કરી પોતાનું રાજ્ય પ્રસ્થાપિત કરી ચૂક્યા હતા.
  • ઉદ્ધવ ગીતા, જે ભાગવત પુરાણમાં 'હંસ ગીતા' તરીકે પણ ઓળખાય છે. અહીં કૃષ્ણએ પૃથ્વી લોક છોડીને વૈંકુઠ તરફ પરયાણ કરતાં પહેલાં તેમના ખાસ સખા ઉદ્ધવ સાથે જીવનના સારનો જે બોધ કહ્યો છે તે ગ્રંથસ્થ થયેલ છે.
  • વ્યાધ ગીતા, પણ મહાભારતમાં છે, જેમાં એક કસાઇ ગર્વિષ્ઠ સાધુને પોતાનો ધરમ નિભાવતા અને બીજાંઓની સેવા કરતા ગૃહસ્થનાં અદ્ધ્યાત્મિક માહાત્મયને સંસારનો ત્યાગ કરી પાત્ર પોતાના જ ઉદ્ધાર માટે મથતા સાધુ જેટલું જ કેમ છે તે સમજાવે છે.
  • ગુરૂ ગીતા, જે સ્કંદ પુરાણમાં છે. અહીં શિવ તેમનાં સહધર્મચારિણી શક્તિના પ્રશ્નના ઉત્તરમાં આધ્યાત્મિક વિકાસ કરનારનો અર્થ સમજાવે છે.
  • ગણેશ ગીતા, જે ગણેશ પુરાણનો ભાગ છે. અહીં ગજાનનનાં સ્વરૂપમાં ગણેશ રાજા વરેણ્યને વિશ્વનું સત્ય સમજાવે છે.
  • અવધુત ગીતા એ તાંત્રિકોના સર્વ પ્રથમ ગુરૂ એવા ભિક્ષુક દત્તાત્રેયનું વાસ્તવિકતાની ખૂબીઓનું ગાન છે.
  • અષ્ટાવક્ર ગીતા એ ઋષિ અષ્ટાવક્રની, રાજા જનકના સવાલના ઉત્તઅરમાં આત્માની લાક્ષણિકતાઓની ખોજની કથા છે.
  • રામ ગીતા, જેમાં રામ સીતાને વનમાં છૉડીને મહેલમાં પાછા ફરેલા વ્યથિત લક્ષ્મણને સાંત્વના આપે છે.
clip_image001 'મીડ ડે'માં સપ્ટેમ્બર ૧૫, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
  • અસલ અંગ્રેજી લેખ, Many Gitas લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ફેબ્રુઆરી ૧, ૨૦૧૪ના રોજ Indian MythologyMahabharataMyth TheoryRamayana ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ નવેમ્બર ૧૨, ૨૦૧૪