બુધવાર, 19 નવેમ્બર, 2014

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી - "વિશિષ્ટ બનીએ" - સંપુટ પાંચમો - ગુચ્છ ૨

#206 – ભારપૂર્વક આભાર માનીએ !
| નવેમ્બર ૧૨, ૨૦૦૯ના રોજ પ્રકાશિત થયેલ
clip_image002


બધાં જ જાણે છે વિકાસ કરવા માટે કૃતજ્ઞતાની ભાવના બહુ મહત્ત્વની બની રહે છે. આપણાં દાદા-દાદી કે માતા-પિતા તો આપણને મદદ કરનાર માટે હંમેશાં આભારવશ જ રહેવાની શીખ દેતાં રહ્યાં હતાં.

હું પણ એ વિચાર સાથે પૂરેપૂરો સહમત છું.

આપણે આજે જ્યાં છીએ ત્યાં પહોંચવામાં કેટલાંય નામી-અનામી લોકોની પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ આપણને મળી હશે. આપણને મદદ કરનાર લોકોને ભૂલી જવું આસાન છે. ઘણી વાર તો આપણે એમ પણ માની જ લેતાં હોઇએ છીએ કે આપણી સફળતા આપણી પોતાની શક્તિને કારણે જ છે. હા ક્યાંક કોઇ નાની મોટી મદદ કદાચ મળતી રહી હશે ! મોટા ભાગના કિસ્સાઓમાં આ માન્યતા સાચી નથી હોતી. હકીકતે તો આપણે માની છીએ તેટલાં સ્માર્ટ આપણ હોતાં નથી, અને ..આપણને આજનાં સ્થાન સુધી લઇ જવામાં ઘણાં લોકોનો ફાળો છે જ.

એટલે, પહેલું પગલું તો આપણી આસપાસનાં લોકોનાં સાચા અર્થનાં યોગદાનને સ્વીકારીએ, અને જેમણે જેમણે મદદ કરી હોય તેમનો આભાર માનીએ.

આભાર માનવાના ઘણા રસ્તા છે. જેમ કે :
  • ઇ-મેલ કરવોl
  • ફોન પર તેમનો આભાર માનવો
  • તેમને સાથે જમવા કે ચા-કૉફી પીવા આમંત્રવાં
  • તેમને આભારદર્શક ગ્રીટીંગ કાર્ડ મોકલવું
  • તેમને ભેટ મોકલવી
  • તેમને પૈસા ચૂકવવા
  • તેમને ફૂલો મોકલવાં
આભાર માનવાની આવી તો હજારો રીત અહીં લખી શકાય. કોઇ આસાન હોય, તો કોઇ મુશ્કેલ. કેટલીક્ની કોઇ જ કિંમત નથી ચૂકવવી પડતી તો કોઇ કોઇ ધોળે દિવસે તારા પણ બતાડી દે છે. કેટલીક સાવ અર્થવિહિન હોય, તો કોઇ બહુ જ અર્થપૂર્ણ હોય છે.

થોડો સમય ચિંતન કરીશું તો વિચારપૂર્ણ અને ભારપૂર્વકનો આભાર પ્રતિભાવ જરૂરથી મળી આવશે.

કોઇનો આભાર માનવાનો સહુથી સારો રસ્તો છે, તેમના પર બોજ બન્યા સિવાય,તેમનાં કામમાં મદદરૂપ થવાનો. કોઇનાં પણ જીવનને જરા સરખું પણ સમૃદ્ધ કરવાનો પ્રયાસ કરવો જ જોઇએ.

મોટા ભાગનાં લોકો એક કે એકથી વધારે અંગત અને /અથવા વ્યાવસાયિક કામોમાં વ્યસ્ત હોય જ છે(આ બાબતે વધારે "બીયોન્ડ કૉડ'નાં પ્રારંભિક પ્રકરણ જરૂરથી વાંચશો. તે અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે.) વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી હોય, દરેકને ક્યાંક ને કયાંક, કોઇક તો મદદની જરૂર પડતી જ હોય છે. આજના સામાજિક માધ્યમોના યુગમાં, કઇ બાબતે મદદરૂપ થઇ શકાય તે જાણવું બહુ અઘરૂં , કદાચ, નથી. થોડીક સમજ દાખવીએ તો તેમનાં કામમાં કેમ મદદરૂ થ ઇ શકાય તે વિચારી લઇ શકાય ખરૂં !

મહત્ત્વની વાત એ છે કે સામેની વ્યક્તિની મુશ્કેલીઓને કંઇક અંશે આસાન કરવાની કે તેમનાં કામમાં સહજ વૃદ્ધિ કરવાવાળી શકયતા ખોળી કાઢવી. અને જો તેમના પક્ષે કંઇ પણ વધારાનું કર્યા સિવાય એમ થ ઇ શકે તો તો બહુ જ સારૂં.

આવો, આપણને મદદરૂપ થયેલી વ્યક્તિઓનાં જીવનમાં આપણે પણ કંઇ મદદ કરી શકવા માટે સન્નિષ્ઠ, ભાર પૂર્વકનું, ચિંતન કરીએ..

#207 – વણકહેવાયેલ પર ખાસ ધ્યાન આપીએ
| જાન્યુઆરી ૨૯, ૨૦૧૦ના રોજ પ્રકાશિત થયેલ

જે કહેવાય છે તે તો મહત્ત્વનું છે જ.એટલું જ મહત્ત્વનું છે જે નથી કહેવાયું. જે વણકહેવાયેલ છે તે જો આપણાં ધ્યાન પર ન આવતું હોય તો બહુ ઘણું ચૂકી જવાતું હશે તેમ જાણવું.

આ વાતને હુ એક ગીત દ્વારા સમજાવીશ. ગીત ફિલ્મ 'Music and Lyrics 'નું છે, અને માત્ર બેએક મિનિટનું જ છે.

આ પ્રયોગમાં હું કહું તેમ જ કરવા વિનંતિ છે (એટલે કે અંચઇ ન કરી લેશો)

પહેલું કદમ : આ ગીતને વિડીયો જોયા વગર સાંભળો. જો એમ કરવા જેટલો સમય ન હોય તો સીધાં જ બીજાં પગલાં તરફ વળો. (ઇચ્છનીય તો નહીં, પણ ચાલી જશે).


બીજું પગલું : હવે ગીત સાંભળવાની સાથે સાથે વિડ્યો ક્લિપ પણ ધ્યાનથી જૂઓ. ગીતની સાથે સાથે જે વાત પણ કહેવાઇ રહી છે તેના પર ખાસ ધ્યાન આપજો. કોણ, શું, ક્યારે,શા માટે કરે છે તેના પર તો વિશેષ ધ્યાન આપજો.
ત્રીજું પગલું : હવે જે વાત નથી કહેવાઇ તેના પર વિચાર કરો. અને પછી જૂઓ કે હવે આ અનુભવ કેટલો રસપ્રદ લાગવા લાગે છે.
તમને વિચાર કરતાં કરવા માટે મેં મારા થોડા વિચારો અહીં રજૂ કર્યા છે. બધું જ જે કહી, કે વિચારી, શકાય તે બધું તો પૂરેપૂરૂં અહીં ન આવરી લેવાયું હોય. શક્ય છે કે તમારૂં પોતાનું અર્થઘટન વધારે અર્થપૂર્ણ હોય !:
0:00 કૅમેરા આખા રૂમમાં ફરી વળે છે, જેથી આપણને સમગ્ર પરિસ્થિતિનો અંદાજ આવી જાય. આપણને દેખાય છે કે કોઇ હૉટલનો પાર્ટીમાટેનો મોટો હૉલ છે.
0:0 પાછળ એક બેનર છે જેના પરથી સમજાય છે કે ૧૯૮૭ના ક્લાસનું પુનઃમિલન ગોઠવાયું છે.
0:0 સ્ત્રીઓનું એક ગ્રુપ હ્યુજ ગ્રાંટને ચીયર કરી રહ્યું છે. પુરુષનો એક બચ્ચો નજદીક નજરે નથી પડતો. હ્યુજ ગ્રાંટ સ્ત્રીઓમાં કેટલી હદે લોકપ્રિય છે તે ખ્યાલ આવે છે.
0:0 એક સ્ત્રીના બેજ પર નામ પણ જોઇ શકાય છે એટલે નક્કી જ થાય છે કે અહીં ભેગાં થયેલં બધાં એક જ વર્ગમાં હતાં.
0:3 પાછળ મોટા અક્ષરોમાં "૧૯૮૭" લખેલું વંચાય છે, એટલે એક વાર ફરીથી સુનિશ્ચિત થાય છે કે આ ૧૯૮૭ના વર્ગનું જ પુનઃમિલન છે.
0:3 ઘણી સ્ત્રીઓએ POP! ટી-શર્ટ પહેરેલાં જોવા મળે છે (POP!એ '૮૦ના દાયકાનું બહુ જ લોકપ્રિય બૅન્ડ હતું).
0:૫૦ કેટલાક કંટાળેલા પુરુષો જોવા મળે છે, જાણે મનથી કહેતા હોય કે આ ગીત હમણાં ને હમણાં જ પુરૂં થ ઇ જાય તો મજા આવે. એટલે વળી એમ પણ સમજાય છે કે હ્યુજ ગ્રાંટનું લક્ષ્ય તો સ્ત્રી શ્રોતાવૃંદ જ છે.
0:૫૨ હ્યુજનાંમૅનેજર પણ ગીતમાં તલ્લીન થઇને ગીતની સાથે ઝૂમે છે.બંને વચ્ચેના સંબંધની પ્રગાઢતા પણ અહીં જોઇ શકાય છે.
૧:0 ગીત અર્ધું પુરૂં થવામાં છે, ત્યાં ડ્ર્યુ બેરિમૉર અને તેની બહેન એમ બીજી બે સ્ત્રીઓ દાખલ થાય છે. બેરિમૉરની બહેનના ચહેરાના ભાવ પરથી જ ખબર પડી જાય છે કે તે હ્યુજ ગ્રાંટની જબરી ચાહક હશે.
૧:૨0 ડ્ર્યુ બેરિમૉરની બહેનેતો પહેલી હરોળમાં જવાનો ઉત્સાહ કાબુમાં નથી રહેતો, એનો અર્થ એમ પણ કરી શકાય તે બીજાં ચાહકો કરતાં કંઈ ખાસ છે.
૧:૨૪ ડ્ર્યુ બેરિમૉર અચંબામાં ડોકું ધુણાવે છે , એટલે કે (એ સમય પુરતી તો) આ દીવાનાપનમાં તે શામેલ નથી જણાતી.
: ૫૧ ડ્ર્યુ બૅરીમોરના હોઠ પર દેખાતું હાસ્ય કહે છે કે હ્યુજ તેને પણ ગમે તો છે અને તેના ડાન્સમાં તેને મજા આવી રહી છે.
૨:00 હ્યુજનો મેનેજર નકલ કરે છે (કે હ્યુજને કંઇક ઇશારો કરે છે.) જેના પરથી સમજાય છે કે તે મૅનેજરથી વિશેષ હ્યુજનો મિત્ર પણ હશે.
૨:0 નૃત્ય કરતાં કરતાં હ્યુજની પીઠમાં કંઇક ઈજા થઇ આવે છે, જેના પરથી તેની ઉંમરનો પણ અંદાજ લગાવી શકાય.
૨:3 હ્યુજનો મૅનેજર ચિંતાથી આગળ દોડી આવે છે. તેમની મિત્રતા કેટલી ગાઢ હશે તે પણ કલ્પી શકાય છે.
અને સહુથી વધારે તો મહત્ત્વની નોંધવાલાયક વાત એ છે કે આ ગીતનાં રેકોર્ડીંગમાં ખાસ્સૂ વિચાર મંથન કરાયું લાગે છે - નાનામાં નાની ઘટના પણ સકારણ જ થાય છે.
વ્યાપાર જગતની વાસ્તવિક ઘટનામાં દરેક વખતે આટલું બધું જોવાલાયક ન પણ હોય, પણ વણકહેવાયેલ વાતને ન અવગણવાવાળી વાત તો ખરી જ ઉતરશે.
કહેવાય તે તો (મોટા ભાગનાં) બધાંજ સાંભળે છે,પણ બહુ થોડાં લોકો "વણકહેવાયેલ વાત" પકડી પાડે છે અને સમજી શકે છે.

#208- (પરોક્ષ) જવાબદારી ભૂલાય નહીં.
| ફેબ્રુઆરી ૧, ૨૦૧૦ના રોજ પ્રકાશિત થયેલ
clip_image006


થોડા સમય પર સૅન ફ્રાંસિસ્કો એરપોર્ટ જવાનું થયું, ત્યારે એક્સેનચ્યૉરની ટાઇગર વુડવાળી જાહેરાત નજરે ચડી ગઇ. જાહેરાતમાંના સંદેશ - ઉચ્ચ કામગીરીનો માર્ગ હંમેશાં પાકો, બાંધેલો, નથી હોતો - સામે મને કોઇ વાંધો નથી, પણ ટાઇગર વુડ્સની જીંદગીમાં તે સમયે થયેલી ઘટનાઓના સંદર્ભમાં જાહેરાતમાં તેમની હાજરી થોડી ખૂંચે ખરી.

જો કે આમ કહેવું જ સહેલું છે. આવી કેટલી ય જાહેરાતો બહુ ઘણી જગ્યાએ, બહુ ઘણાં માધ્યમો દ્વારા રજૂ થતી હોય છે, એટલે તેને બદલવાનો ખર્ચ લાખો ડૉલરમાં પહોંચતો હોય છે. ખેર આ તો આડવાત છે.

[નોંધઃ આ વાત ૨૦૧૦ની છે, એટલે તેને માત્ર ઉદાહરણ તરીકે જ જોઇશું, કારણ કે તે પછી આ બાબતે કોઇ ફેરફારો થય પણ હોય. વળી, તે ફેરફારો કેમ, ક્યારે અને શી રીતે, કરાયા તે આપણી વાતનો વિષય નથી.)

આપણે બીજા દૃષ્ટિકોણથી આખી વાત જોઇએ. એક્સેનચ્યૉરને આ ખર્ચના જે ખાડામાં ઉતરી જવું પડ્યું હશે તેમાં તેઓ પોતે તો કારણભૂત છે જ નહીં. એક્સેનચ્યૉરે જ્યારે ટાઇગર વૂડ સાથે કરાર કર્યો ત્યારે ટાઇગર વુડ પોતાની અંગત અને વ્યાવસાયિક એમ બંને છાપને તે સમયનાં સ્તરે જાળવી રાખશે તેવી તેમની નૈતિક જવાબદારી બની રહે છે. જો આ પરિબળ ન હોય તો તેમને જાહેરાત માટે જે કિંમત ચુકવાઇ હતી તે કદાચ ન ચુકવાઇ હોત.

આવી કોઇ કલમ એ કરારમાં નહીં હોય તે વાત પણ એટલી જ સાચી.પણ દરેક લખાયેલા કરારની સાથે એક વણલખાયેલો (જેને આપણે નૈતિક જવાબદારી કહી શકીએ) કરાર પણ ઇંગિત રહેતો હોય છે.એ વિષે કોઇ સ્પષ્ટતા ન પણ થઇ હોય તો પણ કરારના બધા પક્ષ આવા વણલખાયેલા કરારનું સંન્નિષ્ઠપાણે પાલન કરશે તે અપેક્ષિત જ હોય છે.

બધાં લોકોનું ટાઇગર વુડ જેવું અતિમોભાદાર સ્થાન હોય તે જરૂરી નથી, પણ તેથી કોઇ પણ વ્યક્તિની પોતાની આસપાસનાં લોકો અને પોતાની (વર્તમાન અને ભૂતકાળની) સંસ્થામાટેની પરોક્ષ(નૈતિક) જવાબદારી ઘટી નથી જતી.

આપણી પણ !

આપણે જે શાળા કે કૉલેજમાં ભણ્યાં, જે શિક્ષકોએ આપણને ભણાવ્યાં, આપણું કુટુંબ વગેરે પ્રત્યે આપણી એ પરોક્ષ જવાબદારી છે કે આપણે આપણા વ્યવહારોને અપેક્ષિત માપદંડના સંદર્ભે ઉણા ન પડવા દઇએ. આપણી જરા સરખી ચૂક માત્ર આપણને જ નહીં, પણ આપણી સાથે સંકળાયેલાં સહુ કોઇ માટે નુકસાનકારક નીવડી શકે છે. આપણને નુકસાન ન થાય એ જેમ આપણી પ્રત્યક્ષ ફરજ છે, તેમ બીજાં કોઇને જાણ્યે કે અજાણ્યે "નુક્સાન" ન પહોંચે તે જોવું એ આપણી પરોક્ષ ફરજ છે.T

આ (પરોક્ષ) ફરજ ક્યારે પણ ભૂલાવી ન જોઇએ.

#209 – આપણાં સુવાહ્ય કૌશલ્યોને વધારે દાણાદાર બનાવીએ
| ફેબ્રુઆરી ૨૪, ૨૦૧૦ના રોજ પ્રકાશિત થયેલ
નોંધઃ લેખનું શીર્ષક થોડૂં અટપટું અને જટીલ છે. પરંતુ આખો લેખ વાંચવાથી શીર્ષકનો સંદર્ભ યાદ જરૂર રહી જશે.
કોઇ પણ કાર્ય સંપન્ન કરવામાં આપણાં બે પ્રકારનાં કૌશલ્યો કામે લાગે છે :

૧. મૂળ કૌશલ્યો – જે આપણી પાયાની આવડત છે, જેમ કે જો તમે એન્જીનીયર હો તો તમારા વિષયનું જ્ઞાન અને અનુભવ આપણાં પાયાનાં કૌશલ્ય થયાં.

2. સુવાહ્ય કૌશલયો – જેને આપણે "ટેકારૂપ" કૌશલ્યો પણ કહી શકીએ. અહીં "ટેકારૂપ"નો અર્થ એવો કરાય કે તે આપણને આપણું કામ કરવામાં મદદ કરવાની સાથે અપણો વિકાસ પણ કરવામાં સહાયરૂપ નીવડે છે. આ કૌશલ્યો સામાન્યતઃ પર્દા પાછળ કામ કરતાં રહે છે - જેમકે અસરકારક પ્રત્યાયન, ટીમ સંચાલન, તાણવાળા સંજોગ સમયે શાંત રહી શકવું, વગેરે.

મૂળ કૌશલ્યમાં કચાશ હશે તો ટુંકા ગાળામાં નુકસાન વેઠવું પડે, જ્યારે સુવાહ્ય કૌશલ્યોમાં કચાશ લાંબે ગાળે નુકસાનકારક નીવડે છે.

જો મૂળ કૌશલ્યમાં કચાશ હશે તો તરત જ પાધરા પડી જવાય, જેને કારણે પણ નુકશાન તો છે જ. જ્યારે સુવાહ્ય કૌશલ્યની કચાશને કારણે બીજાં કરતાં જુદા નથી તરી આવી શકાતું, જે પણ ટુંકા ગાળે નુકશાનકારક નીવડે છે.

તમે તમારાં મૂળ કામને બરાબર કરો તેમાં તેમને વધારે રસ હોય એટલે, આપણા નોકરીદાતા તમારાં સુવાહ્ય કૌશલ્યને સુધારવા બહુ મહેનત નહી ઉઠાવે. તમારી સુવાહ્ય આવડતોને વિકસાવવી અને સંવારવી એ તમારી પોતાની જવાબદારી બની રહે છે. જો કે કામ કરતાં કરતાં બહુ થોડે અંશે તો ખપ પૂરતાં સુવાહ્ય કૌશલ્ય પણ વિકસશે તો ખરાં, કેટલાંક્નો વિકાસ કાયમી બની રહે છે તો કેટલાંક કૌશલ્યો વપરાશ ન થાય તો બહુ તુરત ક્ષીણ થઇને લુપ્ત પણ થઇ શકે છે. એટલે નોકરીદાતાને કર્મચારીનાં એવાં કૌશલ્યો વધારવામાં ખપ પુરતો જ રસ હોય તે સ્વાભાવિક પણ છે.

પણ ભવિષ્યના પડકારોને સફળતાથી પાર કરવા એમાં આપણને તો પૂરેપૂરો રસ હોવો જ જોઇએ.

આપણાં સુવાહ્ય કૌશલ્યોને વધારે દાણાદાર બનાવવાં એ તે માટેનો એક બહુ જ મહત્ત્વપૂર્ણ વિકલ્પ છે.

દાણાદાર હોવું એટલે મૂળ કૌશલ્યોના, તેમ જ સહકાર્યકરોના, સંદર્ભમાં આ સુવાહ્ય કૌશલ્યોની વિગતપ્રચુરતા, તે બાબતે ઊંડાણ, તેને કેળવવા માટેની આપણી સજાગતા જેવી બાબતો. આ બાબતો પર જો પૂરતું ધ્યાન ન અપાયું હોય તો આપણાં સુવાહ્ય કૌશલ્યો તેટલી હદે ઓછાં દાણાદાર થશે, કારણ કે સામાન્ય રીતે રોજબરોજ વપરાતાં કૌશલ્યો લાંબા ગાળાની જરૂરીયાતે જરૂરી કૌશલ્યો કરતાં વધારે જ ધ્યાન લઇ જવાનાં. આજની તાત્કાલિક જરૂરિયાતને ભવિષ્યની મહત્ત્વની જરૂરિયાતની સાથે સંતુલિત કરવા માટે સભાન પ્રયત્નો જ કામ આવે. બીજા શબ્દોમાં કહીએ તો ટુંકા ગાળાની જરૂરિયાત અને લાંબા ગાળાનાં મહત્ત્વનાં કૌશલ્યોને વિકસાવવા અને કેળવવા બાબતે યથોચિત પ્રાથમિકતા આપવા માટે બહુ જ સભાન પ્રયત્ન કરતાં જ રહેવું જોઇએ. આપણાં સુવાહ્ય કૌશલ્યને વિકસાવવા માટે કોઈ બાહ્ય દબાણ કે પ્રેરકબળ ન હોય, એટલે જો આપણે જ ધ્યાન નહીં આપીએ તો કંઇ જ નહીં થાય, દાખલા તરીકે, આપણાં મૂળ કૌશલ્યમાં કચાશ હશે તો આપણા નોકરીદાતા કે ગ્રાહક કે અન્ય સાથીદાર તરત જ તેમા તરફ ધ્યાન ખેંચશે અને એક ચોક્કસ સમયમાર્યાદામાં તેને સ્વીકાર્ય કક્ષાએ લઇ જવા માટે દબાણ પણ કરશે.આ વિષે આજના સમયમાં ઉપયોગી માહિતી અને સાધનો તો આજે બહુ ઘણાં ઉપલબ્ધ છે, જે આપણાં સુવાહ્ય કૌશલય્ને ઉપલાં સ્તર પર લ ઇ જવામાં મદદરૂપ થઇ શકે. પણ તેનો યથોચિત ઉપયોગ કરવા માટેનું, અને તે સ્તરે ટકી રહેવા માટેનું, પ્રેરણાબળ તો આપણી અંદરથી જ આવી શકશે.

#210 – કોઇ પણ સંબંધે સારી રીતે જોડાવાનાં "અંતર"ને આંબતા પુલ બાંધીએ
| જુલાઇ ૧૭, ૨૦૧૦ના રોજ પ્રકાશિત થયેલ
clip_image008


ગયું અઠવાડીયું યાદ કરીએ. શક્ય છે કે એ સમયમાં ઘણા લોકોને અંગત સ્તરે કે વ્યાવસાયિક સ્તરે મળવાનું થયું હશે કે સંપર્ક થયો હશે. પણ તેમાંથી બહુ જ થોડાં લોકોએ એ સંપર્કને સંબંધ સુધી આગળ વધાર્યો હશે. થોડા સમય પછી આપણે તેમની યાદમાંથી ભુંસાઇ જશું.

આવું જ આપણા તરફથી પણ થાય - આપણે પણ જેટલાં લોકોને મળીએ છીએ તેમાંથી કેટલાં સાથે સંબંધ વિકસાવીએ છીએ કે વર્ષ પછી કેટલાં લોકોને યાદ રાખીએ છીએ !

અંતર ક્યાં પડે છે ?

જે લોકો આપણને મળે છે તે કેમ આપણી જોડે સંબંધ બાંધતાં નથી ?

અંતર છે - તેમનાં કાર્યક્ષેત્ર (કે કૌશલ્ય કે સ્વભાવ)નુ આપણાં કાર્યક્ષેત્ર (કે કૌશલ્ય કે સ્વભાવ) સાથે પ્રસ્તુત હોવું કે પૂરક હોવું.

વાત વિચારવા લાયક છે.

ઘણાં લોકો પોતાની નિપુણતા કે સંબંધો કે સિદ્ધિઓ કે પ્રભાવ બહુ તરત પ્રસ્થાપિત કરી શકે છે. આવાં ઉદાહરણો કે પુરાવાઓ પણ ઘણા જોવા મળશે. શરૂઆતની સફળતા બાદ તો તેમની એ સફળતા જ આ કામ કરવામાં મહત્ત્વનું પરિબળ બની જાય છે. આને કારણે "વાહ'"વાહ' કારનું વાતાવરણ ખડું થાય કે કોઇ ચોક્કસ વિષય બાબતે તેમની વિશ્વનિયતા બની રહે તેવું બને. પણ તેમ છતાં તેને 'આપણી સાથે શું સંબંધ' વાળી અધૂરાશ તો ઊભી જ રહે છે. એ સંબંધના જોડાણની એ અધૂરાશનાં અંતરને આંબવાની જરૂર છે.

પણ એવું કેમ થતું નથી ?

જવાદ બહુ સીધો છે - આપણને શેની સાથે લાગેવળગે છે તેની પરવા કરવી એ સામેની વ્યક્તિ માટે અઘરો વિષય છે. તેમનાં યોગદાનથી આપણને શું અસર થશે તે પ્રસ્થાપિત કરવું પણ એટલું આસાન નથી. અને તે સીધી રીતે માપી શકાય તેવી પણ પ્રક્રિયા નથી. કેમ ? જો પોતાની જ વાત કર્યે રાખવી હોય તો સાંજ પડી ગયા સુધી પણ વ્યક્તિ બોલતી જ રહી જાય. પણ સામેની વ્યક્તિના સંદર્ભમાં પ્રસ્તુતિ પ્રસ્થાપિત કરવા માટે વિચારવું પડે. અને તે પહેલાં આપણને શેની સાથે લાગેવળગે છે તે વિષે તેમની સાથે તેમને પણ લાગતુંવળગતું થવું જોઇએ.

હવે, બીજી બાજૂએ , આપણો જેમની સાથે સંબંધ બંધાઇ ચૂક્યો છે તે વિષે થોડું વિચારો. જોઇ શકાશે કે મોટા ભાગના કિસ્સાઓમાં તેમને આપણી (કંઇકને કંઇક) પરવા હતી, અને એથી પણ અગત્યનું એ છે કે તેઓ પાસે એવું કંઇક હતું જેની સાથે આપણને લાગતું વળગતું હતું .

જો કે બહુ મુંઝાવાની જરૂર નથી ! 'ખરા અર્થમાં સંબંધ બાંધવા'ના માર્ગ પર બહુ ભીડભાડ નથી હોતી. મોટા ભાગનાં લોકો પોતાનાં સબળ પાસાંની રજૂઆત કરીને, અને તેમને શામાટે માન મરતબો મળવો જ જોઇએ તે કક્ષાએ, અટકી જાય છે. એટલે જે લોકો સંબધ બાંધવામાં કે ટકાવી રાખવાનાં અંતરને આંબવાના પુલ બાંધે છે, તેને અપવાદરૂપ જ ગણી શકાય.

ખરેખર સામેની (યોગ્ય) વ્યક્તિમાટે પરવા રાખીને અને તેમના માટે આપણાં યોગદાનને પ્રસ્તુત રાખીને એ અંતરના પુલને આંબીને આપણે વિશિષ્ઠ બની શકીએ.

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ પાંચમો - ગુચ્છ ૨ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ નવેમ્બર ૧૯, ૨૦૧૪