બુધવાર, 26 નવેમ્બર, 2014

તપોયીમાટેના ટુકડી ચોખા - દેવદત્ત પટ્ટનાઇક

clip_image002તટીય ઉડીશામાં ચોખાની ખુશ્કી છૂટી પાડવા માટે ઢીન્કી નામનું એક સાધન વપરાય છે. આ ઢીંકીને એક દેવી તરીકે પૂજવામાં આવછે, ખાસ તો એ સ્ત્રીઓ દ્વારા જે તેઓ ઉપયોગ કરતી હોય છે. તેને પવિત્રતાની દેવી મંગળા સાથે સાંકળવામાં આવે છે. મંગળા એ ગૃહસ્થીનાં દેવી ગૌરી અને સમૃદ્ધિનાંદેવી લક્ષ્મીનું સંયોજન છે. તેમને ખુદુ-રંકુણી તરીકે, અથવા તો લોકબોલીમાં, ખુદુરુકુણી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખુદુરુકુણી એટલે જેને ઢીંકી વડે ચોખામાંથી ખુસ્કી છૂટી પાડતી વખતે જે ચોખા તુટી ગયા છે એવા ટુકડી ચોખા, ખુડુ, ભાવે છે તે.સામાન્ય રીતે આ ટૂકડી ચોખા ગરીબોને વહેંચી દેવાય છે, પણ દુકાળ સમયે તેને સાચવી અને સંઘરી રખાય છે.આમ ભલે તેને દુર્ભાગ્ય જોડે સાંકળી લેવાતા હોય, તો પણ તેની દેવી તરીકે પૂજા એટલા સારૂ કરવામાં છે કે આખા ચોખા જેટલી જ તેની પૌષ્ટિકતા છે.

ભાદરવાના રવિવારના દિવસે નાની બાલિકાઓ ખુદુરુકુણી ઓસ ઉજવે છે. (ઉડીયા ભાષામાં ઓસ એટલે વ્રત.) પૂજા કરતી વખતે કેસુડાં, જાસુદ ચંપો ,મોગરો, કરેણ જેવાં ફૂલોની સાથે ટૂકડી ચોખા, ગોળ, મીઠું અને કાકડીમાંથી બનાવેલ ખાસ વાનગીનો પ્રસાદ હોય છે. આ પૂજા ભાઇઓનાં ભલાં માટે કરીને કરવામાં આવે છે. બધાં વ્રતની જેમ આ વ્રત સાથે પણ આ વ્રત કરનાર તપોયી નામની એક કિશોરીને દેવીએ કેમ મદદ કરી તેની કથા સંકળાયેલી છે.

તપોયીને સાત ભાઇઓ અને સાત ભાભીઓ હતી. એ જ્યારે માટીનાં રમકડાંથી રમતી હતી ત્યારે મોટી ઉમરની એક સ્ત્રીએ તેને કહ્યું કે તારો બાપ તો એટલો પૈસાદાર છે કે તારે તો સોનાનાં રમક્ડાંથી જ રમવું જોઇએ. એ બાઇ આમ તો લુચ્ચી ડાકણ હતી. પણ ભોળી તપોયીએ તો તેના બાપ પાસે સોનાનો ચાંદો માગ્યો. બાપે તે લાવી આપવાનું વચન પણ આપ્યું, પણ એ વચન પૂરૂં કરી શકે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું. પતિના દુઃખથી ભાંગી પડેલી તપોયીની મા પણ થોડા સમયમાં તેના પતિની પાછળ ચાલી નીકળી. તપોયીના મનમાં રંજ રહી ગયો કે તેની સોનાના ચાંદની માગણીએ જ તેના માબાપના ભોગ લીધા લાગે છે.

તપોયીનું કુટુંબ વ્યવસાયે દરિયાખેડુ વેપારી હતું. તેના ભાઇઓ માટે તો દક્ષિણ પૂર્વ એશિયા (સ્વર્ણભૂમિ)ની વાર્ષિક સફરનો સમય થયો એટલે તેઓએ તેમની પત્નીઓને તેમની ગેરહાજરીમાં નમાયી તપોયીની બરાબર સંભાળ લેવાની સુચના આપી. ભાભીઓએ પણ તપોયીની એટલી સારી સંભાળ લેવા માંડી કે પેલી ડાકણના પેટમાં તેલ રેડાયું. રામાયણની મંથરાની જેમ તેણે તપોયીની વિરૂદ્ધ ભાભીઓના કાન ભંભેરવા માંડ્યા. ધીમે ધીમે ભાભીઓનો તપોયી તરફનો વર્તાવ બગડતો ગયો. ચોખા અને ગોળની એક એકથી ચઢીયાતી વાનગીઓને બદલે હવે ભાભીઓએ તેને ટુકડી ચોખા અને ખુસ્કીની મીઠાં વગરની વસ્તુઓ ખવડાવવા માંડી. આમાં અપવાદ તેની સહુથી નાની ભાભી હતી, જે હજૂ પણ તપોયીનું બરાબર ધ્યાન રાખતી હતી.

ભાભીઓ તપોયીને આખો આખો દિવસ બકરાં ચરાવવા ખદેડી દેતી. ત્યાં તેનો મેળાપ દેવી મંગળાની પૂજા કરતી સ્ત્રીઓ સાથે થયો. તેઓનું કહેવું હતું કે ટુકડી ચોખા જેને પ્રિય છે એવી દેવી મંગળાની ભક્તિ કરવાથી તે તેમનાં દુર્ભાગ્યને સદ્‍ભાગ્યમાં ફેરવી કાઢશે. તપોયીની પ્રાર્થનાઓ પણ દેવીએ સાચે જ સાંભળી : તેને ઘરમણિ નામે એક બકરી મળી. ઘરમણિ તપોયીની સહુથી મોટી ભાભીને બહુ જ ગમતી હતી. તપોયીના ભાઇઓ પણ દરિયાની સફરેથી ધાર્યા કરતાં વહેલા પાછા આવી ગયા.આવતાંની સાથે જ તેઓએ તપોયીને દરિયા કિનારે બેઠી બેઠી રોતી જોઇ, એટલે તેમણે તેમની પત્નીઓને પાઠ ભણાવવાની મનમાં ગાંઠ વાળી લીધી. તપોયીને તેમણે દેવીની જેમ શણગારી, અને તેમની પત્નીઓને એક એક કરીને તેને પગે લાગવાનું કહ્યું. એ વખતે ભાઇઓએ આપેલી તલવારથી તપોયીએ, એક સહુથી નાની ભાભી સિવાય બાકીની ભાભીઓનાં નાક કાપી લીધાં.

ભાભીઓની સાન ઠેકાણે આવી ગઇ. તેઓએ માફી માગી. અને દેવી મંગળાને પ્રાર્થનાઓ કરી. દેવી મંગળા રીઝ્યાં અને તેમનાં નાક પાછાં લાવી આપ્યાં. તે સાથે તપોયીનાં ઘરમાં હર્ષોલ્લાસ પણ પાછાં ફર્યાં, અને બધાંએ ખાધું પીધું અને લ્હેર કરી.

પાદ નોંધ : ખુદુરુકુણી ઓસની પરંપરાગત ઉજવણીઃ


 
clip_image001 'મીડ ડે'માં સપ્ટેમ્બર ૮, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
  • અસલ અંગ્રેજી લેખ, Broken Rice for Tapoyi લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ફેબ્રુઆરી ૪, ૨૦૧૪ના રોજ Indian Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ નવેમ્બર ૨૬, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો