બુધવાર, 21 જાન્યુઆરી, 2015

ભાષામાં ફરક - દેવદત્ત પટ્ટનાઈક


image

૯/૧૧નો અર્થ ૧૧ સપ્ટેમ્બર કે ૯ નવેમ્બર એ બેમાંથી શું થાય? આમ જૂઓ તો આપણે આપણી આખી જિંદગી બ્રિટિશ પદ્ધતિથી તારીખ લખવા ટેવાયેલાં છીએ, જેમાં તારીખ DDMMYY એ રીતે લખાય છે. એ દૃષ્ટિએ, ૯/૧૧ ૯ નવેમ્બર થાય. પણ તારીખ લખવાની અમેરિકન પદ્ધતિ MMDDYY મુજબ તેનો અર્થ ૯ સપ્ટેમ્બર થાય. લગભગ બધાં જ પ્રસાર માધ્યમોએ આ રીત સ્વીકારી પણ લીધી છે. એટલે હવે સવાલ એ થાય કે તારીખ લખવાની વધારે તાર્કિક રીત કઈ ગણાય? બ્રિટિશ પદ્ધતિ કે અમેરિકન પદ્ધતિ? બ્રિટિશ, કે યુરોપિયન, પદ્ધતિના અસ્વીકાર દ્વારા અમેરિકનો એ તેમનાં સાર્વભૌમત્વ અને સ્વાતંત્ર્યને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. આમાં કોઇ તર્ક નથી. અહીં તો માત્ર છે માનવીની આગવી ઓળખની જરૂરિયાતનો તેની તાર્કિકતા પર પ્રભાવ.

અને તેમ છતાં,બોમ્બેને મુંબઇ, મદ્રાસ ને ચેન્નઇ કે બેંગલોર ને બેંગલુરુ તરીકે નામકરણ કરવામાં આવે છે ત્યારે ઘણાં બૌધિકોને તે, પોતાનાં અસ્તિત્વની ઓળખનાં શક્તિશાળી પ્રતિકને બદલે, સસ્તો પ્રદેશવાદ દેખાય છે. તાર્કિક રીતે ભલે વિચિત્ર લાગે, પણ હકીકત એ છે કે મનુષ્ય કદી તાર્કિક પ્રાણી નહોતું કે આજે પણ તાર્કિક પ્રાણી નથી. લાગણી હંમેશાં તર્ક પર હાવી જ રહેલ છે.

એ જ રીતે અંગ્રેજી શબ્દ‘gay’નો અર્થ શું કરીશું? ૧૯મી સદીમાં તો તેનો અર્થ 'ખુશખુશાલ' એમ થતો હતો. ૨૧મી સદી સુધીમાં તેનો અર્થ સમલૈંગિક પુરૂષ થઇ ગયો છે. આમ એનો ખરો અર્થ શું હોઇ શકે ? કોઇ તાર્કિક અર્થ નીકળી શકે ખરો? આમ વિચારીએ તો જણાય છે કે જેમ તારીખ લખવાની પદ્ધતિ પ્રદેશ પ્રમાણે બદલી તેમ શબ્દોના અર્થ સમય પ્રમાણે બદલતા જતા રહે છે. શબ્દોને કોઇ એક નિશ્ચિત અર્થ નથી હોતો.જૂના શબ્દોના અર્થ લોકો બદલતાં રહે છે કે પછી શબ્દભંડોળમાં ના જૂના શબ્દોથી ન વર્ણવી શકાતા નવા અનુભવોના સંદર્ભમાં નવા અર્થઘટન સાથેના નવા શબ્દો ઉમેરતાં રહે છે.

આમ ભાષા હંમેશાં ગતિશીલ રહી છે,અને શબ્દો વડે દુનિયા સર્જાય છે, માટે દુનિયા પણ ગતિશીલ બની રહે છે. આવી જ ગતિશીલતા ધર્મમાં પણ જોવા મળે છે. સમયાંતરે ધર્મોનાં સ્વરૂપોમાં બદલાવ જોવા મળે છે. ખ્રીસ્તી ધર્મનાં પ્રાચીન સ્વરૂપમાં ગુલામી પ્રથા હતી અને સ્ત્રીઓ વરિષ્ઠ સ્થાનોમાં રહેતી. પછી જેમ જેમ ખ્રીસ્તી ધર્મ સંસ્થાગત થતો ગયો તેમ તેમ પોપનાં સ્થાન પુરૂષો લેતા ગયા.જ્યારે રોમન સામ્રાજ્યના સમ્રાટે ખ્રીસ્તી ધર્મ અંગીકાર કર્યો, ત્યારે ચર્ચ એક મહત્ત્વની રાજકીય સંસ્થા બની રહી અને તેની સાથે બાયઝૅન્ટીયમમાં પોપની નવી સત્તાવ્યવસ્થા વિકસી, જેણે રોમની સત્તાને પડકારી.એ જ રીતે એલેક્ઝેન્ડ્રીઆમાં પણ પોપની એક વ્યવસ્થા હતી જે ઇસ્લામના ઉદયને કારણે અસ્ત પામી. ધર્મયુદ્ધોના અંત સાથે બાયઝૅન્ટીયમનું પણ પતન થયું ત્યારે ગ્રીક પાંડિત્ય ફરીથી સમજાયું, જેને કારણે યુરોપમાં પ્રોટેસ્ટંટ ક્રાંતિની અને કેથોલિક ચર્ચમાં સુધારાની શરૂઆત થઈ.

વેદિક સમયના યજ્ઞ ક્રિયાકાંડથી આગળ વધીને હવે મંદિર સંસ્કૃતિના પૌરાણિક સમય સુધીમાં હિંદુ ધર્મ પણ ખાસો બદલાઇ ચૂક્યો છે. બ્રિટિશ શાસનના પ્રતિકારના સ્વરૂપે દયાનંદ સરસ્વતી અને વિવેકાનંદ જેવા સંત મહાત્માઓએ હિંદુ ધર્મની વ્યાખ્યા જ બદલી આપી તો ભક્તિ માર્ગના સાધુઓએ નિરાકાર ઈશ્વરની આરાધનાને પુષ્ટિ આપી.આજે ભારતના કે વિશ્વના જૂદે જૂદે ખૂણે અનુસરાતો હિંદુ ધર્મ એટલો જ અલગ અલગ સ્વરૂપમાં જોવા મળે છે જેટલાં વિવિધ સ્વરૂપો ખ્રીસ્તી ધર્મનાં પણ જોવા મળે છે.

આવું જ ઇસ્લામ વિષે પણ કહી શકાય. સુન્ની પંથીઓ આરબ સંસ્કૃતિનાં આદી જાતિના સમાનતાવાદની તરફેણ કરે છે તો શિયા પંથીઓ પર્શીયનોના વારસાગત શાસનના હિમાયતી રહ્યા છે.

આટલાં ગતિશીલ વિશ્વમાં ખરો હિંદુ કે ખ્રીસ્તી કે ઇસ્લામ ધર્મ શું છે તેનો જવાબ આપવો એ કપરૂં કામ છે. તે જ રીતે, 'gay' જેવા શબ્દો કે તારીખ લખવાની રીત માટે પણ કંઇ પણ નક્કી કરવું એટલું જ મુશકેલ છે. બધું બહુ જ સંદર્ભોચિત બની રહ્યું છે. સ્થળ અને કાળ મુજબ, તેમ જ એ સ્થળ અને કાળના સંદર્ભાનુસાર, અર્થઘટનથી દોરવાતાં લોકોની બદલતી જતી સમજ મુજબ એ તુલનાત્મક માપદંડ પણ બદલતા રહે છે.

clip_image001 'મિડ ડે'માં ઑક્ટોબર ૨૦, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જાન્યુઆરી ૨૧, ૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો