- તન્મય વોરા
ટ્વીટર પર મેં વાંચ્યું #2014in5Words અને મને પણ એ વિષે લખવાનું સૂઝ્યું. પાંચ અલગ અલગ શબ્દો વીતેલા વર્ષ -૨૦૧૪-ની મુખ્ય ઘટનાઓને મૂર્ત કરી શકે એ કલ્પના બહુ રસપ્રદ તો બની જ રહે !
૨૦૧૪નાં વીતેલા વર્ષ માટે મને તકો, પરિવર્તન, ક્રિયામૂલક શિક્ષણ દ્વારા સતત શીખતાં રહેવું, સુફલ યોગાનુયોગ અને પ્રેમ, એ પાંચ શબ્દસમૂહો નજર સામે તરી રહે છે.
તકો
ગત વર્ષ ૨૦૧૪માં મને મારી સાથે સંપર્કમાં આવેલી વ્યક્તિઓ સાથે અને મારાં વ્યાવસાયિક કાર્યક્ષેત્રમાં ચોક્કસ માત્રામાં ફરક પાડી શકવાની અનેક તકો મળી. એ નાની મદદથી માંડીને મહાકાય કન્સલ્ટિંગ કામ અને વચ્ચેની અલગ અલગ બધી જ કક્ષાની એ તકો હતી. બીજાંઓને મદદરૂપ થઈ શકવાની, મેં શીખેલા પદાર્થપાઠ બીજાં સાથે વહેંચવાની અને વળતરમાં હજુ વધારે શીખવાની એ બધી તકો માટે હું કૃતજ્ઞ છું.
મને મળેલો મહત્ત્વનો પદાર્થ પાઠ ?
તક પર તક નામની છાપ કદી હોતી નથી.એ સમસ્યાનાં સ્વરૂપે પણ આવી શકે કે કોઈ પરિસ્થિતિના રૂપમાં પણ સામે આવી શકે છે. કોઇનાં કહ્યા સિવાય જ આપણે એ સમસ્યાનો કે પરિસ્થિતિનો ઉકેલ કાઢવા માટે આપણી આવડત, અનુભવ અને ક્ષમતાને કામે લગાડવાં જોઈએ. નફામાં, વધારે ને વધારે તકો આપણી સમક્ષ આવવાની શક્યતાઓ વધતી રહે છે.પરિવર્તન
૨૦૧૪નું વર્ષ ખરા સંક્રમણનું હતું. એક મોટી નાણાંકીય સેવાઓનાં ક્ષેત્રની કંપનીમાં વરિષ્ઠ અગ્રણી ભૂમિકા સ્વીકારવાનું નક્કી કરવું જ મારી શ્રદ્ધાની અનેક રીતે કસોટી હતી. કુટુંબ સાથે બીજાં શહેરમાં સ્થળાંતર કરવું અને તેની સાથે નવાં લોકો અને નવી સંસ્કૃતિના અનુભવ કરવાના હતા. આ પરિવર્તનને ખાળવાનાં કારણો તો મારી પાસે ઘણાં હતાં, પણ તેમ છતાં, મેં તેમાં માથું મૂકીને ઝંપલાવ્યું જ. આ માત્ર પરિવર્તન જ નહીં, પણ સંક્રમણ વધારે હતું. પરિવર્તન બાહ્ય હોય છે અને આપણને બહારથી અસર કરે છે. પરિવર્તન એકંદરે સ્થૂળ હોય છે. સંક્રમણ આપણી અંદર થાય છે અને તે ઉપરછલ્લું કે દેખીતું ન પણ હોય. તે સૂક્ષ્મ હોય છે.
મને મળેલો મહત્ત્વનો પદાર્થ પાઠ ?
પરિવર્તનમાં આપણો બાહય વિકાસ થાય છે. સંક્રમણમાં આપણે અંદરથી બદલતાં જઈએ છીએ!ક્રિયામૂલક શિક્ષણ દ્વારા સતત શીખતા રહેવું
હું સ્વનિર્ધારીત, સ્વયંપ્રેરીત કાર્ય મૂલક શિક્ષણનો ચાહક છું. અત્યાર સુધી હું જે કંઇ શીખ્યો છું તે સ્વયંપ્રેરિત જ રહ્યું છે. એ સિલસિલો ચાલુ રાખવા માટે હું ઘણા વ્યાપક ઑનલાઇન કોર્સ કરતો જ રહું છું,વ્યાપાર મૅનેજમૅન્ટનાં પુસ્તકો તેમ જ કંઈ કેટલાય બ્લૉગ્સ વાંચતો રહું છું અને કેટલીય ટ્વીટર ચર્ચાઓમાં સક્રિય ભાગ લેતો રહું છું.
મને મળેલો મહત્ત્વનો પદાર્થ પાઠ ?
શીખવાની ચપળતા - સતત નવું શીખવાની ,જરૂર પડ્યે જૂનું ભૂલવાની આવડત અને પોતાની કારકિર્દી કે આપણાં વ્યાવસાયિક કાર્યક્ષેત્રમાં (અને અંગત જીવનમાં પણ) અસરકારકપણે અમલમાં ઉતારી શકવાની ક્ષમતા.સુફલ યોગાનુયોગ
હું પહેલેથી આયોજન કરી અને તે યોજનાઓને પૂરાં ઉત્સાહથી અમલમાં ઉતારવાનો આગ્રહી છું; પણ ૨૦૧૪ના અનુભવો પછીથી હવે સમજાય છે કે સુફલ યોગાનુયોગો પણ આપણી નિયતિનો જ એક મહત્ત્વનો હિસ્સો છે, જે આપણને અકલ્પ્ય દિશામાં ખેંચી જઈ શકે છે. આ નસીબના ખેલના પાસા સીધા પડવાની વાત નથી. આ તો બહુ જ સભાનતાથી કરેલાં કામો અને તેના થકી ઊભા કરેલા સંપર્કો અને જાણ્યાં અજાણ્યાં પાદચિહ્નોની વાત છે. સુફલ યોગાનુયોગ આ સંપર્કો કે પાદચિહ્નોને કમાલની રીતે યોગ્ય સમયે જોડી કાઢીને આપણી સામે તકનાં સ્વરૂપે પેશ કરી આપે છે. મારા સંજોગોમાં યોગ્ય સમયે સહી જગ્યાએ હાજર હોવા પૂરતો હું જરૂર ભાગ્યશાળી હતો. આ કમાલ મારાં આયોજનની નહીં, પણ મારાં સંન્નિષ્ઠપણે કામ કરતા રહેવાના, દરેક પરિસ્થિતિમાં શકય તેટલું સક્રિય યોગદાન આપવાના અને જે મારી પાસે છે તેને લોકો સાથે વહેંચવાના અભિગમને કારણે જે વાવ્યું હતું તે અણીના સમયે ઊગી નીકળવાની હતી.
મને મળેલો મહત્ત્વનો પદાર્થ પાઠ ?
આજનાં એકબીજાં સાથે ગૂંથાયેલાં વિશ્વમાં આપણી આવડત, અનુભવો,શીખ અને નિપુણતાને અન્ય સાથે વહેંચતાં રહેવાથી સુફલ યોગાનુયોગની સંભાવનાઓ વધી જાય છે; ભલેને આપણા પ્રયત્નોનાં પરિણામો દેખીતાં કે વસ્તુતઃ તાત્કલિક અસરમાં ફળદાયી ન પણ હોય !પ્રેમ
કહે છે કે “કોઇ પણ કામમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા માટે એ કામને ચાહવું એ પહેલી જરૂરીયાત છે.” બીજાં બધાંની જેમ હું મારાં કુટુંબ અને મિત્રોમાટે પ્રેમાળ લાગણી તો ધરાવું જ છું - એ પાયા પર તો હું ઉન્નત મસ્તક ઊભો છું. પણ તે ઉપરાંત મને પસંદ એવાં કામ મળવા માટે પણ હું દિલથી કૃતઘ્ન છું. આપણને કરવાં ગમે તેવાં કામ કરવાની તક મળતી રહે એ બહુ મોટી વાત છે.
મને મળેલો મહત્ત્વનો પદાર્થ પાઠ ?
પ્રેમ એ નેતૃત્વનું બહુ પાયાનું, મહત્ત્વનું સાધન છે - આપણી સાથે કામ કરતાં લોકો માટે, અને તેમનાં શ્રેય માટે આપણને કેટલી લાગણી છે એ તેની એક બહુ જ દેખીતી નિશાની છે. પ્રેમસભર નેતૃત્વ લોકોને તેમનાં કૌશલને નીખરાવવાની તક આપતું વાતાવરણ રચે છે અને તેના માટે જરૂરી સંદર્ભની ભૂમિકા ઘડી આપે છે. સંસ્થાનાં મૂલ્યો અને દીર્ધદર્શન સાથેનાં લોકોનાં તાદાત્મ્યનું પ્રેરક બળ આ પ્રકારની પર્યાવર્ણીય તંત્ર વ્યવસ્થા પૂરી પાડે છે.
- – - – -- – - – -- – - – -- – - – -
તમારાં ૨૦૧૪નાં વર્ષને કયા પાંચ શબ્દોમાં આવરી લેશો? ૨૦૧૫નાં વર્ષમાં કયા પાંચ શબ્દોની હરીભરી હાજરીની અપેક્ષા કરશો?
આપના પ્રતિભાવોનો ઈંતઝાર રહેશે.
- અસલ અંગ્રેજી લેખ, #2014in5Words: Opportunities. Change. Learning. Serendipity. Love.પરથી વેબ ગુર્જરીના "ગુણવત્તાનાં માનવોચિત સમીકરણો" પેટા વિભાગ પર ૧૬ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશીત થયેલ અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો