બુધવાર, 25 ફેબ્રુઆરી, 2015

ઊલટું માર્ગદર્શન - સંબંધોનાં ઘડતર અને સંસ્થાનાં નવરૂપાંતરણની એક મહત્ત્વની કડી

- કૌશલ માંકડ
image

થોડા દિવસ પહેલાં મારી આઠ વરસની દીકરી તેના દાદાને શિખવાડતી હતી કે નવાં ખરીદેલાં એલ ઈ ડી ટીવી પર કેમ સહેલાઈથી 'સર્ફ' કરવું, પ્રોગ્રામ કેમ રેકોર્ડ કરવા, સર્વિસીઝના સંદેશા ક્યાંથી અને કેમ વાંચવા વગેરે "ખૂબીઓ" વિષે શિખવાડતી હતી.

તે જ રીતે ઘણી કંપનીઓમાં નવી ટેકનોલોજિ જેવા વિષયો પર પ્રવર કર્મચારીઓને પ્રશિક્ષણ આપવા માટે યુવા લોકોને બોલાવાતા હોય છે.

શીખવા-શિખવાડવાની આ પ્રક્રિયાને શું નામ આપશું ?

જવાબ બહુ સીધો જ છે -

દુનિયાની વસ્તી વધારે ને વધારે યુવાન વર્ગ તરફ ઢળતી જોવા મળે છે, જે લોકો તેમના જ વર્ગનાં યુવાન ગ્રાહકો કે કર્મચારીઓની ભાષામાં વિચારે છે. તે ઉપરાંત, એ પેઢી નવી ટેકનોલોજિઓમાં જ ઉછરી છે; એટલે મોટી ઉમરનાં લોકોની જેમ તેઓએ બધું શીખવું નથી પડતું, તેમને તો એ (જાણે) જન્મજાત આવડતું જ હોય છે ! એટલે જે દિશામાં સાવ જ નવી દૃષ્ટિથી જ જોવાની જરૂરિયાત પહેલી શરત છે એવી પરિસ્થિતિઓમાં આ યુવાવર્ગ તેમનાં મોટી ઉમરનાં સાથીઓને ઘણું શિખવાડી શકવાની આવડત ધરાવતાં હોય છે.

બદલાતા જતા વિશ્વની ઝડપથી ફરી રહેલી ચિત્રપટ્ટી, તેમજ તેની સાથે એટલી જ ઝડપથી બદલાતા જતા સ્પર્ધાના માહોલના વિશાળ ફલકને એક નજરમાં સમાવી શકે અને પલક ઝપકતાં સમજી શકે તેવા મુઠ્ઠીભર લોકોના પક્ષમાં અનુભવ અને પાંડિત્યનું ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર ખસી રહ્યું છે. પોતાનાં વધારે અનુભવી, પ્રવર સહકર્મચારીઓનાં આ પ્રકારની 'આવતીકાલની વાતોનાં આજે' પ્રશિક્ષણની બાગડોર આવાં નવલોહિયાંને સોંપવામાં આવે છે.

ઊલટું, માર્ગદર્શન એ આવો જ એક રચનાત્મક પ્રશિક્ષણ અભિગમ છે જે આ સંકલ્પનાનો મહત્તમ લાભ ઉઠાવી શકવા માટે અપનાવાઈ રહ્યો છે. સામાન્ય રીતે જેમ માર્ગદર્શક સંકલ્પનામાં કરાતું હોય છે, તેમ જ એક કે બે પ્રવર કર્મચારી સાથે નવી પેઢીના કર્મચારી સાથે જોડકાં ઘડી કાઢવામાં આવે છે. માર્ગદર્શન સત્રો વિધિપુરઃસર સંરચિત હોય તે ઇચ્છનીય છે. દરેક સત્ર કલાક કે બે કલાકનું જ હોય તેની પણ કાળજી લેવાય છે. તે ઉપરાંત અનૌપચારિક સ્તરે તો શીખવાની પ્રક્રિયા ચાલુ જ રહે છે.

આમ સામ સામે એકબીજાનાં જોડકામાં ઔપચારિક સત્રો દ્વારા કે વ્યક્તિગત અથવા સમૂહમાં અનૌપચારિક સ્તરે ઊલટાં માર્ગદર્શનની પ્રક્રિયા પરંપરાગત માર્ગદર્શન કાર્યક્રમોને સમાંતર જ ચાલતી રહે છે. રીત ગમે તે હોય, પણ એટલું તો ચોક્કસ છે કે શીખવાની પ્રક્રિયા દ્વિપક્ષી તો રહે જ છે.

પ્રવર કર્મચારીઓ જે પરિપ્રેક્ષ્યમાં જે જે કૌશલ્યો શીખ્યાં હતાં તે પરિપ્રેક્ષ્યો તેમ જ કૌશલ્યો એ બંનેમાં જે ઝડપથી અને જે વ્યાપકતાથી બદલાવ આવી રહ્યા છે, તેણે ઊલટાં માર્ગદર્શનનું મહત્ત્વ અનેકગણું વધારી નાખ્યું છે. તે સાથે જ દરેક વ્યક્તિને દરેક સમયે બધું જ એક સરખી ક્ષમતાથી આવડે નહીં, તે વાત નાનાંથી માંડી મોટાંને એકસરખી લાગુ પડે છે એ વાત વરિષ્ઠ સંચાલકોએ પણ સ્વીકારવી રહી.

અ પ્રકારની માર્ગદર્શન પહેલમાં સક્રિય ભાગ લઈ રહેલ એક વરિષ્ઠ સંચાલકે ખરું જ કહ્યું છે કે આજના નેતૃત્વ માટે હવે ઝૂલા કુદાવવાની રમતનાં દોરડાંઓ કયાં અને કેટલે છે તેટલાં કૌશલ્યોમાં નિપુણતા મેળવવા ઉપરાંત માર્ગદર્શન પ્રશિક્ષણ સમયે એક સજાગ ગ્રાહકની જેમ નવુંનવું શીખતા વિદ્યાર્થીની ભૂમિકા પણ ભજવતા રહેવું જરૂરી બની ગયું છે. માર્ગદર્શન એ પાવરપોંઈટ પ્રેઝન્ટેશન દ્વારા શિખવાડાતા પ્રશિક્ષણના પાઠને અમલમાં ઉતારવા માટેનું માધ્યમ છે.

કોણ શું પામશે ?

માર્ગદર્શક
  • પોતાનાથી બીજી ઘણી બાબતોમાં વધારે અનુભવી અને પોતાનાથી પ્રવર એવાં સહકર્મચારીને માર્ગદર્શન પૂરું પાડવાંમાં (યુવા) માર્ગદર્શકને પણ વણખેડેલાં ક્ષેત્ર ખેડવાનો પડકાર ઝીલવાનો છે-પોતાના રોજબરોજના જીવનમાં તો તે એ કર્મચારી પાસેથી વ્યૂહરચનાના અમલ માટેની સૂચનાઓ, ભૂતકાળના અનુભવોમાંથી મળેલી શીખના પાઠ ભણવાની ભૂમિકા ભજવે છે.
  • આ અનુભવ યુવા માર્ગદર્શકમાં આત્મવિશ્વાસ જગાવશે અને તેને ઊંચા સ્તરે પણ લઈ જશે. 
  • માર્ગદર્શાની સાથે નવા જ પ્રકારનું સમીકરણ રચાવાથી માર્ગદર્શક માટે અન્યથા ઉપલબધ ન હોય તેવા અનુભવોના ખજાનાની ચાવી હાથ લાગી શકે છે.
માર્ગદર્શનાર્થી
  • માર્ગદર્શનાર્થીને સીધો ફાયદો તો એ છે કે તેના સાથી પાસેથી તેને નવી નવી ટેકનોલોજિ જેવી "અધરી' બાબતો સહેલાઈથી શીખવા મળી જાય છે.
  • યુવાવર્ગની મનોદશા, વિચારસરણી, જીવનપદ્ધતિ જેવી બાબતો સાથે પ્રત્યક્ષ પરિચય થાય છે જે આજના યુગમાં સ્પર્ધાત્મક સરસાઈ માટે બહુ જ મહત્ત્વની જરૂરિયાત છે.
સંસ્થા માટે
  • અર્થપૂર્ણ જોડાણની કડી:

ઊલટું માર્ગદર્શન મોટી વયના કર્મચારીઓ માટે નવપલ્લવિત થવામાં મદદ કરવાની સાથે યુવાન કર્મચારીઓને અર્થપૂર્ણ રીતે કાર્યરત કરતી જોડાણ કડી બની રહી શકે છે. સાથે કામ કરવાની સાથેસાથે એકબીજાની પસંદ-નાપસંદ અંગેની વિચારસરણી અને માન્યતાઓ સમજવામાં પણ આ પ્રક્રિયા મદદરૂપ બની શકે છે. જુનિયર કર્મચારીને તેના અનુભવી સહકર્મચારીની કાર્યપદ્ધતિ, તેના અનુભવોને લાગુ પાડવાની આવડત જેવી બાબતો એક જ મંચ પર રહીને જોવા- શીખવા મળે છે, તો મોટી વયનાં કર્મચારીઓને નાના લોકોની અપેક્ષાઓ, કાર્યપદ્ધતિ અને વિચારસરણીને નિષ્પક્ષભાવે જોવા જાણવાની તક મળે છે.

  • મજબૂત સંબંધો:

અલગ અલગ સ્તરના, મોટા ભાગે અલગ અલગ પેઢીના, કર્મચારીઓને એક્બીજાની ઘણી બાબતો સમજવા મળે છે. વરિષ્ઠ સંચાલકો અને પ્રથમ હરોળના યુવા સંચાલકો વચ્ચે પણ સંસ્થાની અન્ય પ્રત્યાયન કડીઓ સિવાયની નવી કડીઓ પ્રસ્થાપિત કરી શકાવાની શક્યતાઓ વધે છે.
  • રચનાત્મક અને તાજા આઇડિયાઓને વિકસવા માટેનો પ્રેરણાસ્ત્રોત :

યુવા કર્મચારીઓના નવા આઇડિયાઓને સંસ્થાની વિધિપુરઃસરની ચેનલમાં તો બંધાઈ પડવાની શક્યતાઓ જ ગણી હોય છે. તે જ રીતે વરિષ્ઠ કર્મચારીઓને પણ તેમના બિનપરંપરાગત પ્રયોગોની ચકાસણી કરવા એક બહુ જ અસરકારક પ્રયોગશાળા મળી રહી શકે છે. આમ, શીખવા-શિખવાડવા ઉપરાંત રચનાત્મક આઇડિયાઓને જન્મવા માટે, અને તે પછીથી વિકસવા માટેનું વાતાવરણ પણ મળી રહે.
  • સર્વપક્ષે ફાયદો:

થોડા સમય પહેલાં આપણે કુદરતમાં જોવા મળતી સહજીવન જેવી જ ભૂમિકા સંસ્થાના કર્મચારીઓમાં પણ ઊભી કરવા વિષે લેખ - માનવ સંસાધનોનું કૉર્પોરેટ સામાજિક જવાબદારી સાથેના સહજીવનનું અનોખું સમીકરણ - આ મંચ પર વાંચ્યો છે. બસ, એ જ પરિસ્થિતિની જ સર્વ પક્ષે થતા ફાયદાની અહીં વાત છે.

  • અહંનો અહં ઓગળવો:
એક સમય હતો જ્યારે વરિષ્ઠ કર્મચારી કોઈ દિવસ ભૂલ કરી જ ન શકે, તેમણે તો ઘણી દિવાળીઓ જોઈ નાખી છે એ માન્યતાઓ સ્વયંસિદ્ધ સત્યો મનાતી. પરંતુ હવે જ્ઞાન એ તો દ્વિપક્ષી સંવાદ છે તે સ્વીકારવા માટે ઊલટાં માર્ગદર્શનનો કાર્યક્રમ લાઠી ભાગ્યા વગર સાપને ભગાડી મૂકવાની ભૂમિકા ભજવી શકે છે, એ વાત માન્યતાની બહાર નીકળી સ્વીકૃતિના સ્તરે પહોંચી ચૂકી છે.

શ્રી કૌશલ માંકડનાં સંપર્ક સૂત્રઃ