બુધવાર, 4 માર્ચ, 2015

ઉત્તરથી દક્ષિણ - દેવદત્ત પટ્ટનાઇક

image

ઘણા વિરૂધ્ધમાં પુરાવાઓ હોવા છતાં ભારતનાં ઘણાં પાઠપુસ્તકોમાં પશ્ચિમ દિશામાંથી સિંધુ તટીય પ્રદેશોમાં 'આર્ય આક્ર્મણો'ની રજૂઆત થતી જ રહે છે.ઇસવી સન પૂર્વેના ૧૫૦૦ વર્ષ પહેલાના વેદના શ્લોકો કે ઇસવી સન ૩૦૦ની આસપાસના પુરાણના ગ્રંથોમાં પણ આવી કોઇ હિલચાલની નોંધ જોવા નથી મળતી.પણ પુરાણોમાં ઉત્તરથી દક્ષિણ તરફનાં ગમનની વાતો ભરી પડેલી જોવા મળે છે.ઉત્તરથી દક્ષિણ તરફનાં આ ગમન ખરેખર થયાં હતાં કે રૂપક સ્વરૂપે રજૂ થયાં છે, તે વિષે બહુ ચોખવટ જોવા નથી મળતી.

આ બધી કથાઓમાં રામની અયોધ્યાથી દક્ષિણે જતાં કિષ્કિન્ધા (દખ્ખણ પર્વતમાળા) તરફ જતાં વાનરો સાથેના મેળાપ, અને પછીથી હજૂ પણ વધારે દક્ષિણ તરફ જતાં તેમનો ભેટો રાક્ષસો સાથે થાય છે તે સહુથી વધારે દેખીતી કથા કહી શકાય.

આપણને એમ પણ જણાવવામાં આવ્યું છે કે રામ પહેલાં ઘણા ઋષિમુનિઓએ દક્ષિણ તરફની સફર કરી છે, જેમ કે પુલત્સ્ય અને તેમનો દીકરો વિશ્રવ, જેના વારસો યક્ષ અને રાક્ષસ બન્યા. આપણને એમ પણ જણાવાયું છે કે યક્ષના અગ્રણી કુબેરે દક્ષિણમાં લંકાની રચના કરી અને પછીથી રાક્ષસ અગ્રણી રાવણે તેમને ઉથલાવી લંકાનો કબ્જો કર્યો. કુબેર તેથી ઉત્તર ભણી આશ્રય મેળવે છે અને અલકા (કે અલંકા ?)ની સ્થાપના કરે છે.

એ પહેલાંની અગત્સ્યની પણ દક્ષિણાયનની કથા પણ સાંભળવા મળે જ છે. તેમને એમ કરવા માટે ઉત્તરમાં હિમાલયમાં વાસ કરતા શિવનો આદેશ છે, જેનો આશય બધા જ ઋષિઓ શિવનાં પ્રવચનો સાંભળવા ઉત્તર ભણી જતા રહેતા એટલે પૃથ્વી ઉત્તર તરફ ઝૂકતી જતી હતી તેની સામે વિશ્વમાં સંતુલન જાળવવાનો જ હતો. આમ અગત્સ્ય દક્ષિણ ભણી જવા નીકળી પડે છે, જ્યાં તેઓ વિંધ્ય પર વિજય મેળવીને તેને ઝૂકાવે છે.

અગત્સ્યનાં દક્ષિણ તરફ જવા માટે બીજું કારણ શિવના પુત્ર, કાર્તિકેય,ની ભાળ મેળવવાનું પણ કહેવાય છે. પોતાનાં માતાપિતા સાથે અણબનાવ થવાને કારણે કાર્તિકેય દક્ષિણ ભણી જતા રહ્યા છે. અગત્સ્ય સાથે પાર્વતી પહાડોને પોતાના દીકરાને રીઝવવા માટેની ભેટસોગાદ તરીકે મોકલે છે, જેથી કરીને દીકરાને ઘરની યાદ આવે. હિડિંબ આ પહાડોને કાવડમાં ભરાવીને લઇ જાય છે અને દક્ષિણમાં મુરૂગન તરીકે ઓળખાતા કાર્તિકેયનાં નિવાસસ્થાન તરીકે જાણીતી પાલની પર્વતમાળા તરીકે પ્રસ્થાપિત કરે છે.

એવી પણ બીજી કથાઓ છે કે પવનના દેવ વાયુએ પોતાનું કૌવત સાબિત કરવા સારૂ કરીને ઉત્તરના પહાડોને ઉડાડીને દક્ષિણમાં સ્થાપિત કર્યા.

શિવ અને તેમના બે પુત્રો વચ્ચેના સંબંધમાં ભૂગોળનું આ મહત્ત્વ ખાસ ધ્યાન ખેંચે છે. કાર્તિકેય દક્ષિણ ભણી જઇ વસે છે, જ્યારે ગણેશનો વાસ, મોટે ભાગે, ઉત્તરમાં જ રહ્યો છે. ઉત્તરમાં વસતા કાર્તિકેય કુંવારા છે, જ્યારે દક્ષિણમાં તેમના નિવાસમાં તેમને બે પત્નીઓ હોવાનું પણ કહેવાયું છે. ઉત્તરમાં ગણેશજીને બે પત્નીઓ હોવાનું કહેવાયું છે તો દક્ષિણમાં તેમને કુંવારા બતાવાયા છે. આનો શું અર્થ કરવો ? આને ઉત્તર અને દક્ષિણના મુરુગન / ગણેશ પંથની લાક્ષણિકતા ગણવી ? આને તાત્ત્વિક દૃષ્ટિએ જોવું? ચોક્કસ પણે કોઇ જ કંઇ કહી નથી શકતું.

ગણેશે રાવણના શિવને દક્ષિણમાં લઇ જવાના ઘણા પ્રયાસો અવરોધ્યા છે, પણ એ જ ગણેશ કેટલીય નદીઓને દક્ષિણ ભણી વાળવામાં કારણભૂત પણ રહ્યા છે.એક કથા મુજબ અગત્સ્ય એક ઘડામાં ગંગાનું પાણી લઈને દક્ષિણ ભણી નીકળ્યા હતા.ગણેશે કાગડાનું રૂપ લઈને એ ઘડાને ઢોળી નાખ્યો, જેમાંથી કાવેરીનો ઉદ્‍ભવ થયો હોવાનું કહેવાય છે.બીજી એક કથા મુજબ, ગણેશે ગૌતમને શિવપાસે આજીજી કરવા સમજાવ્યા હતા કે જેથી ગંગા દક્ષિણ તરફ વહે; અને આમ ગોદાવરીનો ઉદ્‍ભવ થયો હોવાનું કહેવાય છે.

અને આખરમાં, દક્ષિણ ટોચ પર, શાશ્વત કુમારિકા એવી કન્યાકુમારીનો વાસ છે જે શિવને પોતાના વર તરીકે મનાવીને તેમનું દક્ષિણ ભણી પ્રયાણ કરવાવા માગે છે. દેવો આ સમગ્ર પ્રયાસને એટલે સફળ નથી થવા દેવા માગતા કે જ્યાં સુધી કન્યાકુમારી કુંવારી રહેશે ત્યાં સુધી જ તે તે ધરતીના છેડા પર ટકી રહશે, જેને પરિણામે સમુદ્ર આ પવિત્ર ઉપખંડ પર હાવી ન થઇ જાય.
clip_image001 'મિડ ડે'માં નવેમ્બર ૧૦,૨૦૧૩ના રોજ પ્રકાશિત થયેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો