બુધવાર, 1 એપ્રિલ, 2015

દિવ્ય લગ્ન - દેવદત્ત પટ્ટનાઈક

image

તંગદિલી સ્વાભાવિક જ છે. એક બાજૂ શિવને કોઇ કોઇ વાર નિરાકાર દેવ તરીકે "અલખ નિરંજન'ની આહલેક લગાવતા બ્રહ્મચારી નાથ-પંથીઓ છે. બીજી બાજૂ કુદરતનાં દરેક સ્વરૂપમાં અને સ્ત્રીત્વના દરેક તબક્કામાં દેખાતી જોગણીઓ છે.

નાથ-પંથીઓમાટે દૈવી શક્તિને કોઇ સ્વરૂપ નથી. તે બધી જ દુન્યવી બાબતોથી પ્રદુષિત નથી : મોટા ભાગે આ દૈવી શક્તિને તેઓ શિવ કહે છે. નાથ પંથીઓ 'સિધ્ધ' હોય છે, એટલે કે જે બહુ જ ગૂઢ જ્ઞાન ધરાવનારા છે. તેમનાં બ્રહ્મચર્યની શક્તિઓને એકત્ર થઈ, તેમની તપોનિષ્ઠ વ્યવહાર પ્રણાલિઓમાંથી તેમનું જ્ઞાન નિપજે છે. એ લોકો કાનફટા યોગી તરીકે ઓળખાય છે, કારણ કે તેમના પંથમાં દિક્ષાની વિધિના ભાગ રૂપે, સામાન્ય રીતે કાનની બૂટ્ટી પહેરવા માટે કાનના નીચેના લબડતા ભાગને વિંધવાને બદલે તેમના કાનના મધ્ય ભાગમાંથી સોંસરવું છેદ કરવામાં આવે છે. તે લોકો શરીરે રાખ ચોપડે છે, રૂદ્રાક્ષની માળા પહેરે છે, અને માયા, ભક્તિ અને શક્તિનાં ગીતો ગાતા, અને કથાઓ કહેતા, ગામે ગામ ભ્રમણ કરે છે. તેઓ તેમનું મૂળ આદિ-નાથથી થઈને મત્સ્યેન્દ્રનાથથી થઈને ગોરખનાથ સુધી લઈ જાય છે. પ્રથમ ગુરુ, આદિનાથે તેમનું જ્ઞાન નદી, પર્વતો, ઝાડપાન, પ્રાણીઓ, પક્ષીઓ, મધમાખીઓ અને માનવજાતનાં નિરીક્ષણ દ્વારા કુદરતનાં તત્ત્વોમાંથી મેળવેલ છે. મત્સ્યેન્દ્રના થનો જન્મ માછલી રૂપે થયેલો કહેવાય છે, પણ શિવ અને તેમનાં સહધર્મચારિણી વચ્ચેની વાતચીત સાંભળીને તે મહાન સાધુ બન્યા. ગોરખનાથનો જન્મ તો સ્ત્રીની કૂખેથી નહીં પણ પવિત્ર રાખનાં છાણના ખાડામાંથી ઘાટ ઘડતાં થયો હતો.

બીજી બાજૂએ ૬૪ જોગણીઓ છે, જે સ્ત્રીત્વના દરેક તબક્કાને અને કુદરતનાં દરેક પાસાંનું પ્રતિનિધિત્વ કરે છે, ગોળાકાર દરેક મંદિરોમાં તેઓ સ્થપાયેલ જોવા મળે છે. ગોળાકાર દિશાઓ માટે તેમનો કોઇ આગ્રહ નથી તે બતાવે છે.તેમને આદિમ, હિંસ્ર, શક્તિ (raw power) અને નિરંકુશ કામુકતા સાથે સાંકળવામાં આવે છે. જો તેમને ન સ્વીકારાય કે તેમની પૂજા ન કરાય તો તે માંદગી માટે કારણભૂત બને છે અને પ્રજનનક્ષમતા તેમજ પ્રારબ્ધને અસર કરે છે. તેઓ દેવીનો યુધ્ધોમાં સંગાથ કરે છે અને તેમના પુરૂષ વિરોધીઓ જમીન પર પડીને પુનર્જિવિત થાય તે પહેલાં તેમનું લોહી પી જાય છે. કેળાંની વનરાજીની વચ્ચે આવેલ સ્ત્રીઓના પ્રદેશ,કદળી,થી નાથ-યોગીઓ પણ થથરે છે.કદળીની રાણી, કમળા, આકાશમાં ઊડતા ગાંધર્વનાં જનનાંગો જોઇને હસી પડેલ. આથી ક્ષોભિત થયેલ ગાંધર્વએ તેને શ્રાપ આપેલ કે કોઇ પુરૂષ તેના પ્રદેશમાં પ્રવેશી નહીં શકે, જેને કારણે રોમાંચ અને મૈથુનિક સંબંધો માટે તેને જીવન પર્યંતની નિરાશામય ઝંખના રહેશે. પોતાની જાદુઈ શક્તિની મદદથી જ્યારે મત્સ્યેન્દ્રનાથ ત્યાં પ્રવેશ કરી શકે છે ત્યારે તેઓ કમળાના વિષયાશકત વશીકરણમાં ફસાઇ જઇ, આસપાસની દીનદુનિયા ભૂલીને ભૌતિક રંગરાગમાં પડી જાય છે. મત્સ્યેન્દ્રનાથને આમાંથી બચાવવા અને ગૃહસ્થ જીવનથી દૂર રહેવાના પરમાનંદ અને શક્તિઓ વિષે યાદ કરાવવા ગોરખનાથ ગવૈયાનો સ્વાંગ રચી ને ગીતો ગાય છે.

સાધુ પુરૂષ અને વિષયાશક્ત સ્ત્રી વચ્ચેનાં સંબંધોનો તણાવ પુરણમલની કહાણીમાં પણ ચાલુ રહે છે. પુરણમલ એક રાજકુમાર હતો જેના પિતા, રાજા, ને એવી ખોટી શંકા પડી હતી કે તેના દીકરાને પોતાની સહુથી નાની રાણી સાથે યૌન સંબંધો છે, તેથી રાજાએ તેના હાથપગ કાપી નખાવ્યા હતા.એક કૂવામાં ત્યજાયેલી હાલતમાં તે ગોરખનાથને મળી આવ્યો. તેનાં વિચ્છેદિત અંગો પર રાખ છાંટીને ગોરખનાથ તેનાં અંગોને ફરીથી જીવીત કરી આપે છે અને તેના પિતાને મળીને સાચી વાત જણાવવા કહે છે. પુરણમલ આ વાતને સ્વીકારતો નથી અને નાથ-પંથનો અનુયાયી બની જાય છે. હવે પછીથી તે કામુક વાસનાઓથી જેનાં ચારે અંગ વિચ્છેદિત થયાં હતાં, પણ સંન્યસ્ત સારવારને કારણે પુનઃપ્રાપ્ત થયેલ એવા ચૌરંગી-નાથ તરીકે ઓળખાયેલ છે.

એવી જ બીજી એક કહાની એક દેખાવડા રાજકુમાર, ગોપીચંદ,ની છે, જેને નાની ઉમરે થનાર પોતાનાં મૃત્યુને ટાળવા માટે કરીને, વિષયમાયાની દુનિયાની મોજમજાથી મોં ફેરવી, જલંદર-નાથના શિષ્ય થવું પડે છે. એ જ રીતે શાશ્વતસાધુ, ટેકરીઓના નિવાસી બાલક-નાથ, સ્ત્રી સંસર્ગથી દૂર, મોર પર સવારી કરતા ફરે છે. ભૃતૃહરી-નાથની કહાનીમાં તેમની પત્ની રાજાના ઘોડારના રખેવાળના પ્રેમમાં છે, જે પોતે પાછો સફાઇ કામ કરતી છોકરીના પ્રેમમાં છે. આ બધા ભ્રમથી મુક્ત થતાં વેંત તે સાધુ થઇ જાય છે અને બધી વિષય વાસનાઓના ત્યાગ માટેના ઉપદેશનો પ્રસાર કરવા લાગે છે. કદાચ સહુથી વધારે જાણીતી પ્રેમ કથા રાંઝાની છે, જે પોતાની પ્રેમિકા હીર સાથે પરણી ન શકવાને કારણે સંન્યાસીઓના રહેવાસ, જોગીયા ટીલ્લા,માં આશરો લે છે અને કાનફટ્ટો યોગી બની જાય છે.

મહાન વેદાંત ગુરુ શંકરાની કહાનીમાં પણ આવાં ઘટકો જોવા મળે છે. આવી શૃંગારીક કળાઓ વિષેનાં તેનાં જ્ઞાનને માંડણ મિશ્રનાં પત્ની ઉભયાભારતી પડકારે છે. શંકરા તો બ્રહ્મચારી સંન્યાસી છે એટલે તેને આવી બધી બાબતો વિષે તો કંઇ જ ખબર નથી હોતી , એટલે શંકરા મૃત રાજા અમારૂનાં તેનાં મૃત્યુ સમયનાં શરીરમાં દાખલ થઇ તેને પુનર્જીવિત કરે છે, અને એ રીતે મહેલની અંદર રાણીઓ અને દાસીઓ સાથે મહિનાઓ સુધી ઈન્દ્રિય સુખો માણે છે. જો કે મત્સ્યેન્દ્રનાથની જેમ શંકરા શારીરીક સુખોને સાવે સાવ વશ નથી થતા અને અંતમાં રાજાનું શરીર છોડી દઇને સંન્યસ્ત જીવન અપનાવીને શરીર ઉપર મનનાં ચડિયાતાંપણાને સિધ્ધ કરે છે.

મધ્ય યુગની આ દંતકથાઓમાં,વૈરાગ્ય, માયા, અજ્ઞાનતા, હૃદયભગ્નતા કે શોક કે દુન્યવી નિરાશાઓ અને માનવીય લાચરીઓથી ભાગી છૂટવાનો માર્ગ ગણાતો જણાય છે.સાધુત્વનો માર્ગ બધાં જ દુઃખો પરના વિજયની શકયતાઓ ખોલી નાખતી દેખાય છે. આ માન્યતા વૃધ્ધ્ત્વ, મૃત્યુ, જરા, વ્યાધિ અને દુન્યવી પીડાઓના કાયમી ઉકેલની શોધ કરવા માટે કરીને પોતાની પત્ની, પુત્ર અને રાજપાટને ત્યજી દેનાર બુધ્ધના સમયમાં પણ પ્રચલિત હોય તેમ પણ જણાય છે. તેનાથી આગળ વધીને, વૈદિક સમયમાં પણ, પોતે પેદા કરેલ સર્વપ્રથમ નારી ઉષાની પાછળ પડવાને કારણે બ્રહ્માના શિરચ્છેદ કરતા શિવની કથામાં પણ માન્યતાઓ રૂઢ થયેલ દેખાય છે.

અને તેમ છતાં પુરાણો અને આગમો સમાધાન ખોજે છે. દેવો અને દેવીઓએ લગ્ન કરવાં જ જોઈએ. શિવે પોતાનાં નેત્ર ખોલી, પોતાની ગુફામાંથી બહાર આવી, કૈલાસ પર્વતના બર્ફીલા ઢાળ પરથી ઉતરીને ગંગાને કિનારે, કાશી નગરીમાં શંકર તરીકે ગૃહસ્થ ધર્મ અપનાવવો જ જોઈએ. પ્રાકૃત અને આપખુદ કાલિએ પોતાના વાળ ઓળી, પોશાક વસ્ત્રો ગહણ કરી અને સીધીસાદી ગૃહિણી તરીકે ગૌરીનું સ્વરૂપ ભજવવું જોઈએ. અહીં માન્યતાઓની વક્રોક્તિ નજરમાં આવ્યા સિવાય રહેતી નથી : જે ભૂખથી પર થઇ ચૂકેલ છે તેમણે રસોડાનાં દેવી અન્નપૂર્ણાને પોતાનાં પત્ની તરીકે સ્વીકારવાનાં છે, બંનેએ મળીને સંતાનોને જન્મ આપવાનો છે, જે માનવતાને સાચવશે અને સંવારશે અને તેમને માન્યતા બક્ષશે.

પરંતુ આ લગ્ન સાવ કાચે તાંતણે બંધાયેલું અને દૈવી ઘરસંસાર વિવાદોથી ઘેરાયેલ છે. શિવ અને શક્તિ વચ્ચે સતત ઝઘડા ચાલ્યે જ રાખે છે, એક પુત્રને લાગે છે કે તેના પર ધ્યાન જ નથી અપાતું, એટલે તે ઘર છોડી જતો રહે છે, બીજાને ઇર્ષ્યા થવાથી અત્યાવેશમય ક્રોધ થતો રહે છે.

આપણને એમ લાગે કે અહીં નર અને નારીની વાત કરાઇ રહી છે કે કોઈ બીજાંની ! બધીજ હિંદુ બાબતો જેમ, અહીં પણ, જવાબ 'બંને ' છે.

દેખીતી રીતે તો વાત નર અને નારીની જ થઇ રહી છે, નર બ્રહ્મ ચારી હોય અને નારી એક જ પુરૂષને વફાદાર રહે તેનાં ગુણગાન ગવાતાં લાગે. આની પાછળ સ્ત્રીની કામુકતાની સામે ઊભા રહેવા માટેની પુરૂષની ચિંતા છે. મનુષ્ય જાતિની કામુકતા મોટા ભાગનાં પ્રાણીઓથી સમાગમનો ચોક્કસ સમય અને તે સમયે અનુભવાતા કુદરતી આવેગની બાબતમાં અલગ પડે છે. પુરૂષ ને સ્ત્રી એ બંને માટે મૈથુન એ માત્ર પ્રજનન માટેની જરૂરીયાત નથી, પણ એક આનંદનું સાધન છે.શારીરીક રીતે પુરૂષ મોટો કે શક્તિશાળી હશે, પણ તેની જાતિય પરાકાષ્ટા બહુ જ તીવ્ર અને ક્ષણિક છે, જ્યારે સ્ત્રીના પ્રતિભાવો લગભગ બહુ જ પ્રમાણમાં લાંબા સમય સુધી પ્રસરતા અને પહેલી નજરે પણ ન ચડે તેવા સુક્ષ્મ,હોય છે. પુરૂષ કદિ પણ ખાતરીપૂર્વક કહી નથી શકતો કે તેણે સ્ત્રીને સંતુષ્ટ કરી છે કે આ બાળક તેનું જ છે; આને કારણે પુરૂષની અસલામતીની ભાવના વધારે પ્રબળ બને છે અને તેને વધારે માલીકીભાવ ધરાવતો, વર્ચસ્વ ધરાવવાની દાનત ધરાવતો અને ભૈતિકવાદી બનાવે છે.પત્ની પ્રક્ષુબ્ધ પુરૂષનાં લંગરનું મૂર્તિમંત કરે છે જ્યારે પતિ સ્વતંત્ર નારીને ગૃહસ્થીની જવાબદારીઓના સંયમમાં રાખતું સ્વરૂપ છે. આ પરિસ્થિતિમાં તંગદિલીનું થવું તો સ્વાભાવિક છે.

સાંકેતિક સ્તરે, આ કથાઓ (પુરૂષ પાત્રોનાં સ્વરૂપમાં)સ્વ અને સ્ત્રી પાત્રોનાં સ્વરૂપમાં) અન્ય વચ્ચેના સંબંધોની વાત છે.બ્રહ્મા અને તેના પુત્રો કે દેવો, અસુરો કે રાક્ષસોની જેમ સ્વ ભીતિને પાત્ર બની રહે છે. અન્ય વિષે નિરપેક્ષ રહેતા અને તેમની ત્રૂટીઓ વિષે અધીરા બની જતા શિવની જેમ કે બીજાં પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અને તેમની ત્રૂટિઓ વિષે અનુગ્રહશીલ થતા વિષ્ણુની જેમ સ્વ પણ આ ભીતિને અતિક્રમી શકે છે. સ્ત્રી આકૃતિઓ સ્વની બહારનાં ભૌતિક અને વૈચારિક વિશ્વને મૂર્તિમંત કરે છે. આ ભૌતિક અને વૈચારિક વિશ્વની એક બીજાં સાથે સંકળાયેલાં હોવા છતાં પણ પોતપોતાની સ્વાયત્તતાને ન સ્વીકારી શકવામાંથી તંગદિલી પેદા થાય છે. આ સ્વીકૃતિ આવે છે ભીતિમાંથી અને બધાંને પોતાને વશ કરવાના પ્રયત્નો તરફ સ્વને દોરી જાય છે, જેમાંથી નિપજતો તનાવ પૂર્ણ સુખના માર્ગમાં અંતરાય બની રહે છે.
clip_image001 ધ સ્પીકીંગ ટ્રીમાં માર્ચ ૧૭,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ