અવતરણ જેવાં પ્રત્યયન સ્વરૂપની ખૂબી એ છે કે બહુ થોડા શબ્દોમાં જે સંદેશ પહોંચાડવા માગતાં હોઇએ તે બહુ જ અસરકારક રીતે વહેતો કરી શકાય છે.તોફાનની વચ્ચે માત્ર નેતૃત્વ જ એક માત્ર સલામત વહાણ છે.
આજે 'નેતૃત્વ' વિષેનાં એવાં અવતરણો અહીં રજૂ કરેલ છે.
- ફેય વૉટ્ટ્લટન - જાહેરજીવનનાં સક્રિય કાર્યકર્તા
બેશક, સંસ્થાની મહામૂલી મૂડી તેનાં લોકો જ છે. સંસ્થાનું કામ કંઇ પણ હોય,પણ સંસ્થા તેમાં કામ કરતાં લોકો થકી જ ઉજળી છે.
- મેરી કૅ ઍશ, ઉદ્યોગ સાહસિક અને અગ્રણી વ્યવસાયકાર
દીર્ધ દર્શન એ શું હોઇ શકે તેનું ચિત્ર માત્ર નથી, એ તો આપણી બહેતર જાતને ઢંઢોળતું દર્શન છે, જે વધારે ને વધારે સારૂં કરવા પ્રેરણા પૂરી પાડતું રહે છે.
- રોસાબૅથ મૉસ્સ કૅન્ટર, હાવર્ડ બીઝનેસ સ્કુલનાં પ્રાધ્યાપક
કલ્પનાની છલાંગો વિના કે સ્વપ્નો વિના આપણે સંભાવનાઓની ઉત્તેજના ખોઇ બેસીએ છીએ. સ્વપ્ન સેવવાં એ પણ એક પ્રકારનું આયોજન જ છે.
- ગ્લોરીઆ સ્ટાઇનૅમ - અગ્રણી નારીવાદી, પત્રકાર અને સક્રિય સામાજિક અને રાજકીય કાર્તકર્તા
નેતૃત્વ વ્યક્તિનાં દીર્ઘ દર્શનને નવી ઊંચાઇઓ પર લઇ જાય છે, તેની કામગીરીને ઊંચા માપદંડને સ્તરે પહોંચાડે છે અને તેનાં વ્યક્તિત્વને તેની સામાન્ય સીમાઓની પાર લઇ જાય છે.
- પીટર ડ્ર્કર - મેનેજમૅન્ટ સલાહકાર
લોકો જે ચાહે છે તે વિષે તેમની સાથે સંવાદ સાધી શકવો એમાં જ ૯૦% નેતૃત્વ ક્ષમતા સમાઇ જાય છે.
- ડાયન્નૅ ફૈનસ્ટીન, સૅન ફ્રાંસિસ્કોનાં ભૂતપૂર્વ મેયર અને અમેરિકાનાં સેનૅટર
વ્યવસ્થા તો વસ્તુઓની કરાય, પરંતુ લોકોને તો નેતૃત્વ પુરૂં પાડવું પડે. સંચાલન બાબતે આપણે એટલાં ઓટગોટ થઇ ગયાં છીએ કે નેતૃત્વને તો સાવ વિસરી જ ગયાં છીએ.
- ડૉ. ગ્રેસ મુર્રે હૉપ્પર, રીઅર ઍડમીરલ, અમેરિકન નૌકાદળ
સંસ્થાને નેતૃત્વ પુરૂં પાડવું એ નાની માછલીઓને તળવા બરાબર છે, વધારે પડતું હલાવ હલાવ કરવાથી ઘાણ બગડી જાય છે.
- દાઓ દે જિંગમાંથી
આપણે જેમનો સહુથી વધારે ભય સેવીએ છીએ તે ઉતારચડાવ, વિક્ષેપ કે અસંતુલન વગેરે તો રચનાત્મકતાના પ્રાથમિક સ્રોત છે.
- માર્ગરેટ વ્હીટલી, મૅનેજમેન્ટ સલાહકાર
પોતે નેતા બનવા માગતાં હોય તેવાં લોકોને બદલે જે બીજામાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવા માગતાં જોય તેવાં લોકોની જરૂર છે,
- ઍલા જે. બૅકર - નાગરીક અધિકારો માટેનાં સક્રિય લડવૈયા
ખરા નેતા તો સમજે જ છે કે નેતૃત્વ એ તેમના માટે નહીં પણ તેઓ જેમની દોરવણી કરે છે તેમના માટે છે. એ પોતાનાં પદગૌરવને ચડી વગાડવાની નહીં પણ બીજાંઓને ઊંચાઇઓ આંબવા માટેનું સંસાધન છે.
- શૅરી એલ. ડ્યુ, મુખ્ય પ્રબંધક, ડેઝર્ટ બુક કંપની
લોકોને તેમનાં ભવિષ્ય ભણી દોરવાનો સહુથી સારો રસ્તો છે તેમનાં વર્તમાનની ઊંડાઇઓસાથે સંકળાવાનો.
- જેમ્સ કૌઝેસ અને બેરી પૉસ્નર, ૩૦થી પણ વધારે વર્ષોથી સાથે કામ કરી રહેલા મૅનેજમૅન્ટ સલાહકારો
પાર્ક કરેલી ગાડીને સાચા માર્ગે વાળવી એ તો બહુ કંટાળાજનક કામ છે.
- હેન્રીએટ્ટા કૉર્નેલીઆ મીયર્સ, ખ્રીસ્તી ધર્મનાં કેળવણીકાર અને લેખિકા
જે લોકો આગળ નથી વધતાં તેમને પોતાને પકડી રાખતી સાંકળો દેખાતી નથી.
- રોઝા લક્ષમબર્ગ, ક્રાંતિકારી
મહત્ત્વનું એ છે કે જેવું કોઇ પણ બાબત વિષે સમજણ પડવા લાગે એટલે તરત તેનો અમલ કરવો, પછી ભલેને તે ગમે તેટલું નાનું જણાતું પગલું પણ કેમ ન હોય. એ દરેક પગલું આપણી મંજિલ તરફ જ દોરી જશે.
- સીસ્ટર હેલન પ્રીજ્યાં - મૃત્યુ દંડનાં પ્રખર વિરોધી
જેમને પોતાનાં સ્વપ્નોમાં વિશ્વાસ છે તેઓ જ પોતાનું ભાવિ ઘડી શકે છે.
- ઇલીઅનૉર રૂઝવેલ્ટ - અમેરિકાનાં ભૂતપૂર્વ પ્રથમ સન્નારી અને સક્રિય રાજકારણી
પોતે જેટલે સુધી જવા તૈયાર હોય ત્યાં સુધી લોકોને લઈ જવાં જોઇએ, નહીં કે જ્યાં સુધી તમે લઈ જવા માગતાં હો.
- જ્યાંનેટ્ટ રૅન્કિન,અમેરિકાની પ્રતિનિધિ સભાનાં 'પહેલાં, પણ આખરી નહીં' એવાં મહિલા
જે નેતાની હાજરી ભાગ્યે જ ધ્યાન પર ચડે, કામ જ્યારે પુરૂં થાય ત્યારે લોકો કહે કે એ તો અમે કર્યું, એ નેતા શ્રેષ્ઠ કહેવાય.
- લાઓ ત્ઝુ - ચીની તત્ત્વચિંતક અને તાઓવાદના સ્થાપક
જે લોકો ઉપર અસર થવાની છે તેમની જરૂરીયાતોમાંથી નેતૃત્વ ઊભરવું જોઇએ.
- મૅરીઅન એન્ડરસન - કોન્ટ્રાલ્ટો - સહુથી નીચા સૂરનાં ગાયિકા
લડાઇની શરૂઆત કરનાર નેતૃત્વ કરતાં શાંતિ લાવી આપનાર નેતૃત્વ વધારે હિંમતવાન છે.
- અસ્મા જહાંગીર, માનવ હક્કો માટેનાં પાકિસ્તાનનાં નિર્ભય લડવૈયાં
દેશને યુધ્ધમાં ધકેલી દેતાં પહેલાં જે નેતા અચકાતા નથી તે નેતૃત્વને લાયક નથી.
- ગોલ્ડા મૅયર, ઇસ્રાયેલનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી
પરિવર્તન ત્યારે જ આવ્યું જ્યારે લોકોએ નક્કી કર્યું કે મુક્ત થઇને રહેવું છે અને તેના અનુસાર પગલાં લીધાં.
- રોઝા લુઈ મૅકકૉલૅ પાર્ક્સ, ગોરા સહપ્રવાસી માટે બસમાં જગ્યા ખાલી કરવાની ના પાડનરાં,અમેરિકાનાં નાગરીક હક્ક માટેનાં લડવૈયાં
એકલપંડે તો આપણે બહુ થોડું સિદ્ધ કરી શકીએ, પરંતુ જો એક સાથે થઇએ તો કેટલું બધું કરી શકીએ.
- હેલન કેલર,નેત્રહીનો અને નારી હક્કો માટેનાં લડવૈયાં
'સંગઠિત થાઓ, પ્રક્ષુબ્ધ કરી નાખો અને કેળવણી આપો' એ જ આપણો યુધ્ધનાદ હોવો જોઇએ.
- સુસાન બી. એન્થની - સ્ત્રી-મતાધિકાર માટેનાં લડવૈયાં
આપણે જેવી દુનિયા ઈચ્છીએ છીએ તે માટે લડત કરવી એ આપણી ફરજ છે.
- મિશેલ ઓબામા,હાવર્ડનાં ન્યાયશાસ્ત્રનાં અનુસ્નાતક, કૉર્પોરેટ એટૉર્ની, અને અમેરિકાનાં વર્તમાન પ્રથમ સન્નારી
રસ્તાની વચ્ચે ઊભા રહેવાથી બંને બાજૂએથી આવતાં વાહનો સાથે ટકરાઇ પડવાનું જોખમ રહે છે.
- માર્ગરેટ થૅચર, 'લોખંડી સન્નારી',ત્રણ સળંગ કાર્યકાળ સુધીનાં બ્રિટનનાં,ભૂતપૂર્વ, પ્રધાનમંત્રી
જે સારાં અનુયાયી ન બની શકે તે સફળ નેતૃત્વ પણ ન કરી શકે.
- ઍરિસ્ટોટલ, ગ્રીક તત્ત્વચિંતક
નેતૃત્વને અનુયાયીની દૃષ્ટિથી જોવું પડે, પોતાના સંદેશને પોતાનાં જીવનમાં આત્મસાત કરી બતાડવો પડે. મેં તો જોયું છે કે લોકોને પ્રોત્સાહિત કરવા માટે તેમને તેમના પ્રભાવનાં સ્ત્રોત પાસે લઇ જવાં પડે છે.
- અનિતા રૉડિક, 'વિવેકબુદ્ધિથી સૌંદર્યપ્રસાધનોનો વપરાશ'નાં દીર્ઘ દર્શનનાં પ્રણેતા, બૉડી શૉપ'નાં સ્થાપક, ઉદ્યોગ સાહસિક
ડહાપણ વગરની સત્તા એ બુઠ્ઠી કુહાડી જેવી છે, જે ચકામું તો પાડી શકે પણ ફાડચાં ન કરી શકે.
સત્તા એ (અંતિમ) સાધ્ય નથી, પણ કોઇ નિશ્ચિત સાધ્યને સિધ્ધ કરવાનું એક સાધન છે.
- જ્યાં કીર્કપેટ્રીક,સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેનાં પ્રમુખ રૉનલ્ડ રીગનનાં અમેરિકાનાં રાજદૂત
મારૂં માનવું છે કે સત્તાની સોંપણી કરી ન શકાય, કારણકે યથાર્થ સત્તા એ ક્ષમતા છે. બળજબરીના પ્રયોગ કરતી સત્તા એ વિશ્વ માટે શ્રાપ સમાન છે, જ્યારે સહ-સક્રિય સત્તા દરેક માનવીના આત્માને સમૃદ્ધ અને વિકસિત કરે છે.
- મૅરી પાર્કર ફૉલેટ, સામાજિક કાર્યકર્તા, મૅનેજમેન્ટ સલાહકાર, અને સંસ્થાગત વર્તનવાદનાં અગ્રયાયી
નેતૃત્વ એટલે સત્તાનો યથોચિત પ્રયોગ. સત્તા એટલે ઈરાદાઓને વાસ્તવિકતામાં ઉતારવું અને ટકાવી રાખવું.
- વૉરન બેનિસ, મૅનેજમૅન્ટ સલાહકાર
ખરૂં નેતૃત્વ , ભલે કોઇ કોઇ વાર અધુરાશથી પણ, પ્રામાણિકપણે વ્યક્ત થતી વ્યક્તિગતતામાંથી ઉભરે છે..... અગ્રણીઓએ સંપૂર્ણતાને બદલે વિશ્વસનીયતામાટે મથવું જોઇએ.
- શૅરિલ સૅન્ડબર્ગ, ફેસબુકનાં મુખ્ય ઑપરેટીંગ અધિકારી
નેતાઓનો નૈતિક પ્રભાવ માનવીય સલામતીનું મહત્ત્વનું ઘટક છે.
- ફ્લોરેન્સ મ્પાયી, કાર્યવાહક નિયામક, NPI-Africa
જો આપણે સંસ્થાને સુધારવી હોય, તો આપણી જાતને પહેલાં સુધારવી પડે.
- ઇન્દ્રા નુયી,અધ્યક્ષ અને મુખ્ય સંચાલક, પેપ્સીકો
આપણામાંનું કનિષ્ઠ નહીં પણ શ્રેષ્ઠ બહાર લાવી શકે તેવા જ નેતાને અનુસરવાનું આપણે પસંદ કરીએ છીએ.
- રશૅલ મૅડ્ડૉ - MSNBC પરના The Rachel Maddow Showનાં રાજકીય સમીક્ષક
પેલાં જઇ રહેલાં લોકોની પાછળ પાછળ મારે પણ જવું જોઇએ, કેમકે હું તેમનો નેતા છું.
- એલૅક્સાંદ્ર ઑગસ્ત લેન્દ્રુ-રૉલીન - ફ્રાંસના રાજકારણીને નામે ચડાવાયેલું મનાતું કથન
દરેક જાતિની સ્ત્રીઓ,અને હબસી કે લઘુમતિ પુરૂષોમાં કેટકેટલી નેતૃત્વક્ષમત વણપારખી રહી ગઇ હશે તેનો કોઇ ચોક્કસ અંદાજ મળી તેમ શકે નથી.
- ગ્લોરીઆ સ્ટાઇનૅમ - લેખિકા, અધ્યાપક, સંપાદક અને સક્રિય નારીવાદી કાર્યકર્તા
નેતાની રાહ જોવાને બદલે પોતાના વ્યક્તિગત આપબળે જે પણ કંઈ બની શકે તે કરીએ.
- મધર ટૅરૅસા, શાંતિમાટેના નોબેલ ૧૯૭૯ના વર્ષનાપુરસ્કારથી નવાજાયેલાં ખ્રીસ્તી સાધ્વી
મુઠ્ઠીભર પ્રતિબદ્ધ લોકો દુનિયાને બદલી શકે છે એ વિષે જરા સરખો પણ સંદેહ સેવવા જેવો નથી, ખરેખર તો તેમના થકી જ બધું બદલતું રહ્યું છે.
- માર્ગરેટ મીડ, ૪૪ જેટલાં પુસ્તકો અને ૧૦૦૦થી વધારે લેખો લખનારાં નૃવંશશાસ્ત્રી
આ લેખના સમાપન પહેલાં લેખિકા, જેસ્સૅ લીન સ્ટૉનરનું જ કથન આવરી લેવાની લાલચ તો કેમ કરીને રોકી શકાય ........ નેતૃત્વ એ તો કશે જવાની સફર છે. જો આપણી પાસે દીર્ઘ દર્શન નહીં હોય તો ક્યાં જવું છે એ કેમ કરીને ખબર પડશે?
- જેસ્સૅ લીન સ્ટૉનર અને કૅન બ્લૅન્ચર્ડ , મેનેજમૅન્ટ સલાહકારો
- અસલ અંગ્રેજી લેખ, The 40 Best Leadership Quotes, લેખિકા જેસ્સૅ લીન સ્ટૉનરના બ્લૉગ પર, ૮ એપ્રિલ, ૨૦૧૪ના રોજ પ્રસિધ્ધ થયેલ છે.
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ માર્ચ ૨૫, ૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો