બુધવાર, 13 મે, 2015

'સત્યમેવ જયતે'નો ખરો અર્થ શું? - દેવદત્ત પટ્ટનાઈક

imageસ્વતંત્ર ભારતના ઘડવૈયાઓને આ શબ્દસમૂહ બહુ પસંદ હતો. આજે હવે ભ્રષ્ટાચાર વિરોધી ચળવળના પ્રણેતાઓને પણ તે પ્રિય બની ચૂકેલ છે. તેની વ્યાપક લોકપ્રિયતાએ આ ગહન વિચારને એક સગવડીયા, ચીલાચાલુ કહી શકાય તેવા, અર્થનાં સૂત્રની કક્ષાએ પહોંચાડી દીધેલ છે.

“અંતે જય તો સત્યનો જ થાય છે,” એવો આ વાકયનો શબ્દાર્થ થાય. આપણને શાળામાં તો આમ જ શીખવાડાતું. વાત તો બહુ સીધી સાદી છે, ખરૂં ને? પરંતુ, હિંદુ પુરાણમાં રજૂ થયેલ કોઇ વિચાર સાવ સીધો, સરળ નથી જ હોતો.

સત્યના અર્થને પામવા પાટે આપણે 'સત્ય' અને મિથ્યા' વચ્ચેનો તફાવત સમજવો પડશે. એ જ રીતે 'જય'નો અર્થ પામવા માટે આપણે 'વિજય' અને 'જય' વચ્ચેનો તફાવત સમજવો પડશે.

બુધ્ધ ભગવાન હોય કે જૈન તિર્થંકરો હોય કે પછી હિંદુ ઋષિઓ હોય, ભારતવર્ષના સંત મહાત્માઓએ મન ને એક ખાસ મહત્ત્વ આપેલ છે. તેઓએ સ્વીકાર્યું હતું કે આપણે જે જગતને જોઇએ છીએ તે ખરેખર તો આપણાં મનમાં ઉઠેલી છબી છે. આમ આપણે જે અવલોકીએ છીએ અને જેના વિષે મત બાંધીએ છીએ એ ખરેખર તો આપણી પાંચ ઈન્દ્રિયોએ ગ્રહણ કરેલ માહિતીપરથી બનતો એક ખ્યાલ, એક અનુભૂતિ છે. હોલીવુડની એક ફિલ્મ મેટ્રીક્ષમાં આ પરિકલ્પનાને બહુ જ અદ્‍ભૂત રીતે રજૂ કરાઇ છે. એ ફિલ્મમાં જો કે મનની અંદર સર્જાયેલ વિશ્વ, મેટ્રીક્ષ, અને મનની બહાર સર્જાતાં વાસ્તવિક વિશ્વ, ઝીઑન (કે સિયોન), વચ્ચે ફરક પાડવામાં આવ્યો છે.

હિંદુ પુરાણોમાં ઝીઑન જેવું કંઈ નથી; આપણે હંમેશાં મેટ્રીક્ષમાં જ વસીએ છીએ, બહુ બહુ તો એક મેટ્રીક્ષમાંથી બીજાં મેટ્રીક્ષમાં આવજા કરી શકી છીએ. મેટ્રીક્ષની અંદર જે સત્ય છે તે મિથ્યા છે, જ્યારે મેટ્રીક્ષની બહારનું સાચ એ સત્ય છે. માનસિક સત્ય એક - સંવેદનાત્મક માહિતીની સમજફેર - ભ્રમણા કે - કાલ્પનીક રચના - આભાસ કહી શકાય.

ખરી વક્રતા તો એ છે કે આપણે, અને આપણી આસપાસનાં સહુ, મિથ્યા (મનોસ્થિતિ)માં જ વસીએ છીએ - આપણે સત્યની માત્ર કલ્પના જ કરીએ છીએ. આ માનસિક સત્ય - મિથ્યા-માં આપણે બધું જ મૂલવીએ છીએ, સરખાવીએ છીએ અને નિષ્કર્ષ કાઢીએ છીએ. આમ સારું કે ખરાબ, સાચું કે ખોટું, પ્રમાણિક કે અપ્રમાણિક, સંકલ્પશીલવાન કે શિથિલ ચારિત્રવાન જેવી માન્યતાઓ પ્રસરી છે.આપણાં મનની બહાર આમાંનું કશું જ હોતું નથી. આ ખ્યાલ વગર આપણે આપણી ભૌતિક દુનિયા સાથે કામ પણ પાડી શકીએ તેમ નથી. જેને સભ્ય સમાજની સંસ્કૃતિ સરાહે છે કે નિંદે છે એ બધાં જ સામાજિક મૂલ્યો આપણાં માનસિક સત્યનાં મૂળમાં છે.

સત્ય વિષે આપણે બહુ બહુ તો ચર્ચાઓ કરી શકીએ કે અનુભવી શકીએ, પણ તેને પૂરે પૂરૂં વ્યક્ત તો ક્યારે પણ ન કરી શકીએ. સત્યને માનવ અભિપ્રાયથી અલગ કરીને જ જોઇ શકાય. જંગલમાં કોઇ માનવ અભિપ્રાય નથી હોતો, એટલે જ ત્યાં કોઇ નથી શિકાર કે નથી નાયક કે ખલનાયક કે નથી કોઈ શહીદ.

સત્યનું ભાન આપણને જાણકાર બનાવે છે, આપણને વસ્તુલક્ષીતાથી અવગત કરે છે અને દ્વૈતની વિસંગતતાનું ભાન કરાવે છે. આપણે નથી તો વિવાદ કરતાં કે નથી તો સહમત થતાં. આપણે તેની યથાર્થતા વિષે કંઇ કહેવાને બદલે માત્ર અવલોકન કરીએ છીએ અને અસ્તિત્વ ટકાવી રાખીએ છીએ. જ્યારે સત્યની સમજણ નિપજે છે, ત્યારે વિવાદ કે કોર્ટકચેરી કે યુધ્ધનાં મેદાનમાં હારજીતના ખ્યાલ નિઃશેષ બની જાય છે. આ 'જય'ની સ્થિતિ છે.

'જય'ની સ્થિતિમાં કોઇ પરાજિત નથી હોતું.'વિજય'માં કોઇ હારે છે અને કોઇ જીતે છે. 'જય' એ માનસિક વિજયો માટેની આંતરિક લડાઈ છે, જ્યારે 'વિજય' માત્ર ભૌતિક હારજીત માટેની બાહ્ય લડાઈ માત્ર છે.

આમ 'સત્યમેવ જયતે' એ સત્યની અનુભૂતિની કક્ષા છે જેમાં આપણે બીજાં પર રૂક્કો જમાવવાની દાનતમાંથી મુક્ત થઇએ છીએ. એ શૂરવીર યોધ્ધા માટે નહીં પણ સંન્યાસી માટેનો શબ્દપ્રયોગ છે. એમાં બહાદુરીની કોઇ વાત જ નથી કે નથી વાત દુનિયાને બધાં જ દૂષણોથી મુકત કરવા કટિબધ્ધ કે ન્યાયાલયોમાં 'સત્ય પ્રવર્તમાન થાઓ' માટે મથી રહેલ લોકોની.

મીડ ડેમાં માર્ચ ૩૦, ૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ મે ૧૩, ૨૦૧૫