- તન્મય વોરા
આપણી આસપાસની કુદરતી ઘટનાઓથી માંડીને રોજબરોજની કોઈપણ બાબતે થતાં પરિવર્તન આપણે, મહદ્ અંશે, સ્વીકારીને જ ચાલીએ છીએ. પણ આપણી વ્યાવસાયિક જિંદગીમાં પરિવર્તનને આપણે એટલી આસાનીથી સ્વીકારતાં નથી. ગુણવત્તા સંચાલન હોય, કે સંચાલનનો કોઈપણ વિભાગ હોય, આજના વ્યાવસાયિક માટે પ્રક્રિયા અને સુધારણા સાથે ચોલી-દામનનો કાયમનો સંબંધ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. બંને વાતે, તાત્ત્વિકપણે, પરિવર્તન પણ સાથે જ જોડાયેલું રહે છે.
દરેક પરિવર્તન આપણને ગોઠી ગયેલાં આપણાં ફાવટનાં ક્ષેત્રોમાંથી વધતે ઓછે અંશે અસ્થિર કરે છે, જેની સામે આપણા પ્રયાસો આપણી આ ડોલતી નાવને સ્થિર કરી તેના નિશ્ચિત માર્ગ તરફ આગળ ધપાવવા માટેના રહે છે. આ ખેંચતાણમાં ક્યાંક ઉઝરડા તો પડવાના. પસંદ કરો કે ધિક્કારો, પરિવર્તન સાથે પડેલું પાનું તો નિભાવવું જ રહ્યું.
ડેવિડ એ. ગાર્વિન અને માઈકલ એ. રૉબર્ટો તેમના હાવર્ડ બિઝનેસ રીવ્યૂમાં પ્રકાશિત થયેલા લેખ Change Through Persuasionમાં પરિવર્તનના અસરકારક અમલ માટે સમજાવટના ચાર તબક્કાની ઝુંબેશની ભલામણ કરે છે :
૧) પરિવર્તનની યોજનાનું મંડાણ કરતાં પહેલાં જ લાગતાં વળગતાં કર્મચારીઓ / હિતધારકોને આ પ્રકારનાં પરિવર્તનની જરૂરિયાત વિષે સમજાવો.એક વાર પરિવર્તન લાવવાનું નક્કી કર્યા પછી જે પગલાં લેવાય તે એકદમ સંભાળી સંભાળીને જ લેવાં પડે છે. આગળના માર્ગમાંની અડચણોની ખબર હોય, કે પછી એ રસ્તો પહેલી જ વાર ખેડતાં હોઈએ, દરેક કદમ પર કંઈને કંઈ અનપેક્ષિત થશે તેવી તકેદારી તો દાખવતાં જ રહેવું પડે છે. એ સમયે કાર્યરત બહારનાં - આપણા પ્રભાવમાં હોય કે ન પણ હોય તેવાં -પરિબળોની ભૂમિકાની સાથે સાથે આ પહેલમાં જોડાયેલાં લોકોનાં, અને એ લોકો જેમની સાથે સંપર્કમાં આવતાં હોય તે લોકોનાં, વર્તન અને પ્રતિભાવોમાં હંમેશાં, કોઈને કોઈ આશ્ચર્ય તો સંતાયેલું હશે જ. આ આશ્ચર્યનું તત્ત્વ જ પરિવર્તનની પ્રક્રિયાને એક હાથે રોમાંચ બક્ષે છે, તો બીજા હાથે મુશ્કેલ પણ બનાવી દે છે.
૨) પરિવર્તનની જરૂરિયાત, તેના ઉદ્દેશ્યો, અપેક્ષિત પરિણામો જેવી તમારા પ્રસ્તાવને લગતી બધી જ વિગતો રજૂ કરો.
૩) પરિયોજનાના અમલના દરેક તબક્કે લોકોને પડતી તકલીફોનો સ્વીકાર કરીને લોકોની ભાવનાની કદર કરો. હજુ આગળ પણ કઠિન રસ્તો પાર કરવાનો જ છે, એ વાત પણ એટલી જ અફર છે, એ વિષે પણ તેમની સાથે સંવાદ ચાલુ રાખો.
૪) જેમ જેમ પરિવર્તનનાં અપેક્ષિત પરિણામો આવવા લાગે તેમ તેમ તેની સાથે લોકોના વ્યવહારોમાં જરૂરી ફેરફારો થતા રહે તેમ કરવું પણ મહત્ત્વનું છે, નહીં તો આટઆટલી મહેનત પછીથી ‘જૈસે થે’ની સ્થિતિમાં પાછાં ફરી જતાં વાર નથી લાગતી.
માઈક કાનાઝાવાનું કહેવું છે કે "લોકોને પરિવર્તન ગમતું નથી એવું નથી હોતું,પણ જો તેને કારણે પોતે પણ બદલવું પડશે તેમ લાગે તો તે તેમને ગમતું નથી હોતું."કોઈ પણ વ્યક્તિ વિચારથી ભલે સહમત થઈ હોય,પણ દિલની ઊંડાઈથી જો સહમત ન હોય, તો પરિવર્તનના દરેક તબક્કે તેની વર્તણૂકમાં અનપેક્ષિતતાનાં તત્ત્વની અનિશ્ચિતતાના અંશ રહેવાના જ.
આ કારણે જ આપણા ઇતિહાસના કોઈપણ સમયમાં સફળ પરિવર્તનનો સીમાચિહ્નો કરતાં અસફળ રહેલાં પરિવર્તનોના પાળિયા ઘણા વધારે જોવા મળે છે.
દરેક સફળતામાંથી, અને દરેક અસફળતામાંથી, સંન્નિષ્ઠપણે પાઠ શીખતાં લોકો માટે પણ દરેક પરિવર્તન એક નવો જ અનુભવ બની રહેવાની શક્યતાઓ ઘણી વધારે રહેલી હોય છે.
- અસલ અંગ્રેજી લેખ,Thoughts on Change Managementપરથી ભાવાનુવાદ
Ø અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો