એ રાજા ભર્તૃહરિ તરીકે જાણીતો છે. તેણે પોતાનું રાજય પોતાના નાના ભાઈ વિક્રમાદિત્યને સોંપી દીધું હતું, જે પછીથી બહુ જ ખ્યાતિ પામ્યો. મધ્યકાલિન યુગમાં ભર્તૃહરિની કથા બહુ લોકપ્રિય હતી. એ સમયમાં સમાજ તંત્ર અને દેવદાસીઓની વિષયાસક્ત પરંપરાઓ અને વેદાંત અને આચાર્યોની વૈરાગ્યની પરંપરાઓ વચ્ચે વહેંચાઈ ગયો હતો.કહેવાય છે નિરાકાર ઈશ્વરને ભજતા અને વૈરાગ્યના પંથે ચાલતા અને બ્રહ્મચર્ય પાળનારને સિદ્ધિ શક્તિ પ્રાપ્ત થાય છે એમ માનતા નાથ સંપ્રદાયનો ભર્તૃહરિ વડો હતો. એની બહેનના દીકરા ગોપીચંદને શ્રાપ હતો કે તેનું નાની વયે જ મૃત્યુ થશે, જેમાંથી બચવા માટે તેણે સંન્યસ્ત લેવા સિવાય કોઈ બીજો ઉપાય જ નહોતો. આ બધી કથાઓમાં પ્રેમ, આનંદ કે સમ્બંધો જેવી દુન્યવી બાબતોની ભ્રમણાઓ ભાંગી પડતી હોય એમ જણાય છે.
એક દંતકથા પ્રમાણે ભર્તૃહરી કૃષ્ણ પક્ષના સમયમાં સંન્યાસી તરીકે અને શુક્લ પક્ષના દિવસોમાં ગૃહસ્થ જીવન ગાળતો હતો. કૃષ્ણ પક્ષના દિવસોમાં એ યોગ અને ત્યાગને લગતાં કાવ્યો રચતો, જ્યારે શુક્લ પક્ષના દિવસોમાં તે ભોગ અને પ્રેમનાં કાવ્યો રચતો.
ભર્તૃહરિની સાથે ત્રણ પ્રકારનાં કાવ્યોને સાંકળવામાં આવે છે. પહેલો પ્રકાર છે શૃંગારનો જેમાં શૃંગાર અને પ્રેમના ભાવ હોય. બીજો પ્રકાર છે વૈરાગ્યનો જેમાં આધ્યાત્મ અને વિરક્તિના ભાવનું પ્રાધાન્ય હોય. અને ત્રીજો પ્રકાર છે નીતિનો જેમાં રાજ્યવ્યવસ્થાની બાબતો આવરી લેવાઈ હોય. આમ એ એક પ્રેમી, સંન્યાસી અને રાજા એ ત્રણે સ્વરૂપમાં જોવા મળે છે.
આજના સમયના આપણા દેશના અગ્રણી રાજકીય પક્ષોમાં પણ અપરિણિત,ગાંધીમૂલ્યે રંગાયેલા, સિધ્ધાંતનિષ્ઠ, શુધ્ધ ચારિત્ર્યવાળાં નેતાઓ જોવા મળે છે. તેમનામાં શૃંગારના ભાવનો છાંટો પણ નથી. નથી. તેમને નથી કોઈ પ્રેમબેમ કે નથી કોઈ વિષયવાસના. તેમને મહદ્ અંશે લલિત કળાઓમાં પણ બહુ રસ નથી. રાગરંગ માટે તેમને જબરી સૂગ છે. એ લોકો પણ ભર્તૃહરિની જેમ હૃદયભંગ છે ? પ્રેમ અને આનંદથી સાવ વિરક્ત હૃદય એક ઉત્કૃષ્ટ શાસક બની શકે ખરૂં? કે પછી પોતાનાં ભગ્ન હૃદયની ભાવનાઓને અતિક્રમવાના પ્રયાસો છતાં, એવાં શુષ્ક હૃદયો દ્વારા ઘડાતી નીતિઓ અને લેવાતા નિર્ણયોમાં કડવાશ હોય? જે લોકો જીવનને માણવામાં માનતાં હોય તેમના માટે તીવ્ર અણગમો હોય ? આગળ ઉપર શું થશે તે જોવા માટે રાહ તો જોવી જ રહી.
- અસલ અંગ્રેજી લેખ, A poet called Bhartrihari , વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર એપ્રિલ ૨૯, ૨૦૧૪ના રોજ Society ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઓગસ્ટ ૧૯, ૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો