રાજકીય અને ફિલ્મી ગરમાગરમીની ચારેબાજુ ગુંજતી રહેતી
દરરોજની ગપસપથી કંટાળીને આપણે પવિત્ર વિચારમય કળા તરફ નજર કરીએ. પરંપરાગત
ધાર્મિક ચિત્રકળામાં માત્ર દેવ દેવીઓનાં ચિત્રોની જ વાત નથી હોતી, તેમાં ઊંડાણથી જોઈએ તો પ્રગાઢ ચિંતન અને સમયાતીત વિચારોના સંદેશનું એક
અનોખું વિશ્વ આપણી સમક્ષ ખડું થાય છે. વિચારોને કોઇ આકાર નથી હોતો. તે નિર્ગુણ હોય
છે. અવાજની મદદથી તેમને આકાર આપી સગુણ બનાવી શકાય છે. આમ મંત્રો્ચ્ચાર અસ્તિત્વમાં
આવ્યો. આ વિચારોને મુદ્રાઓ દ્વારા કહેવાયેલા સંકેતોનું સ્વરૂપ પણ અપાયું છે.
ભૌમિતિક આકૃતિઓ કે રચનાઓનું 'યંત્ર' સ્વરૂપ પણ તેમને અપાયું છે, જેનો વધારે સંબંધ તાંત્રિક વિદ્યાઓમાં જોવા મળે છે. મુખ્યત્વે ભારતના
ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળતી ધાર્મિક કળા કૃતિઓમાં બહુ વિશાળ પાયે દૃશ્ય વિષયક શબ્દભંડોળના
પ્રયોગ વડે ભાત ભાતના વિચારો સમજાવાયેલા જોવા મળે છે. જેમ કે :
ટપકું કે બિંદુ કદાચ સૌથી વધારે પ્રચલિત આકાર છે. તે પ્રછન્ન સંભાવનાઓ અને શક્યતાઓનું
પ્રતિક છે. કંઇ પણ શરૂઆત પણ બિંદુથી જ થાય . અનેક દેવી દેવતાઓ દર્શાવવા માટે બહુ
બધાં બિંદુઓનો પ્રયોગ કરવામાં આવે છે, જેમ કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ
કે લક્ષ્મી , સરસ્વતી અને દુર્ગા માટે ત્રણ ટપકાં વપરાય છે. સાત દેવીમા માટે સાત ટપકાં અને
વિષ્ણુના દસ અવતાર માટે દસ ટપકાં વપરાય છે.
રેખા જીવનનું
પ્રતિક છે. ઊભી દોરેલી તિલક તરીકેની રેખા સકારત્માકતા બતાવે છે. જ્યારે આડી કે
ઉપરથી નીચે તરફ ઢળતી રેખા મૃત્યુનું પ્રતિક મનાય છે.
તાંત્રિક કળામાં, આડી લીટી પાણી, નીચેથી ઉપર તરફ
ઢળતી લીટી વધતા જતા અગ્નિ અને નીચે તરફ ઢળતી ઊભી લીટી ચકાચૌંધ કરતી ધરતી દર્શાવે
છે. કર્ણરેખા પવનનું પ્રતિક છે.
એકબીજાંને કેન્દ્રમાં વિચ્છેદિત કરતી ચાર રેખાઓનો
સમૂહ મુખ્ય અને ક્રમવાચક દિશાઓ વડે સ્થળ
(અવકાશ)સૂચવે છે. વર્તુળ એ ક્ષિતિજ દ્વારા દર્શાવાતું સ્થળનું પ્રતિક છે. વર્તુળ
પુનરાવર્તક કાળનું પણ પ્રતિક છે.
એક તરફ વર્તુળ એ પ્રાકૃત્રિક વિશ્વ દર્શાવે છે તો
બીજી બાજૂ ચોરસ માનવસર્જિત વિશ્વ બતાવે છે. વર્તુળમાં આવર્તિત ચોરસ માનવે
કુદરતમાંથી રચેલ સંસ્કૃતિ દર્શાવે છે.
તો વળી બિંદુને જો બીજ ગણીએ તો વર્તુળ એ બીજમાંથી
નીપજતું ફળ છે અને ચોરસ એ વર્તુળમાંથી ફલિત થતું પરિણામ છે. વિશ્વનાં પ્રતિક સમાં
વર્તુળનું કેન્દ્ર બિંદુ છે જે વિશ્વના રચયિતા - ઈશ્વર, કે પછી મન (?) - દર્શાવે છે.
સર્પિલ (પેચદાર) રેખા પુનરાવર્તક વિશ્વ સાથે મનની પ્રતિક્રિયાની દ્યોતક છે.
તેજીની પાછળ મંદી, ઉનાળા પાછળ
શિયાળો કે ભરતીની પાછળ જ આવતી ઓટ દુનિયાની પરાવર્તનશીલતા બતાવે છે. આવી દુનિયાની પરાવર્તનશીલતાની
પ્રતિક્રિયા, મન આશા નિરાશા
કે ડહાપણ મુર્ખતાના ઉપરાછાપરી થતા વાળાઢાળાને બદલે, બહારની બાજૂએ ફેલાતા સર્પાકારની જેમ
વિકસતાં પ્રસન્નચિત સ્વરૂપે કરે છે. અંદરની તરફ ગતિ કરતી સર્પાકાર રેખા
અંદરને અંદર ઘુંટાતાં મનને સૂચવે છે.
ચાર ભુજાવાળી વિષ્ણુની આકૃતિ સાથે ઘણાં ભૌમિતિક પ્રતિક
સંકળાયેલ છે. તેમના એક હાથમાંનો શંખ પેચદાર આકાર છે, ચક્ર વર્તુળ છે તો ગદા રેખા છે. બે ચોરસનાં વિચ્છેદન વડે પૂર્ણ વિકસિત આઠ
પાંદડીઓવાળાં કમળની રેખાકૃતિ બને છે.
ભૂમિતિનો પોતે આમ કોઈ અર્થ ન જણાય. કળાના સર્જક કળાકાર
અને તેને નિહાળનાર દર્શકની દૃષ્ટિ તેને અર્થ આપે છે. ભૂમિતિને અર્થવિહિન
ધર્મનિરપેક્ષ રચનાઓનાં સ્વરૂપે પણ જોઈ શકાય કે તેનામાં આવૃત પવિત્રતાના
સ્વીકારરૂપે પણ જોઈ શકાય.ગામડાંઓની સ્ત્રીઓએ સદીઓથી તેમનાં માટીનાં ઘરોને ભૌમિતિક
આકૃતિઓથી ઉત્સવોના પ્રસંગોએ સજાવ્યાં છે.તેઓએ આ આકૃતિઓ વડે આપણને બોલકા વિચારો
જણાવ્યા ન હોત તો પુરુષો દ્વારા રચાયેલાં, પુરુષો સુધીજ મર્યાદિત, ઉન્નત પુસ્તકોના
શબ્દો જ આપણને જોવા મળતા હોત. બંને વડે નિરાકાર વિચારો પ્રદર્શિત થાય છે, પણ ગામડાનાં લોકો વડે રચાતી ભૌમિતિક આકૃતિઓને આપણે અંધશ્રધ્ધાનાં પ્રતિક
ગણી બાજૂએ કાઢી નાખીએ છીએ અને શિક્ષિત પંડિતોના શબ્દોને મૂર્તિમંત ડહાપણનો ખજાનો
ગણી લઈએ છીએ.
'ધ મિડ-ડે'માં જાન્યુઅરી
૨૬, ૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
અસલ અંગ્રેજી લેખ, Between Tantrik Lines, વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર મે ૨૪, ૨૦૧૪ના રોજ Society ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ નવેમ્બર ૧૧, ૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો