શુક્રવાર, 6 નવેમ્બર, 2015

આવો, આપણી આગવી વિશિષ્ટતાઓને ઓળખીએ અને જીવનની દિશા જ બદલી નાખીએ

- કૌશલ માંકડ
એક સમયે, જર્મનીની એક મોટી કંપનીમાં કર્મચારીઓ તેમના બપોરના ભોજન પરથી પાછાં ફરી રહ્યાં હતાં. સામે પ્રવેશદ્વાર પર નજરે ચડે તે રીતે એક સૂચનાપટ ટીંગાતું હતું. તેમાં લખ્યું હતું : "આ કંપનીમાં તમારા વિકાસની આડે આવેલ વ્યક્તિનું ગઈ કાલે મૃત્યુ થયું છે. નીચે રમતગમતના કક્ષમાં યોજાયેલી શોકસભામાં જોડાવાની વિનંતિ કરવામાં આવે છે."

પોતાના સહકર્મચારીના અવસાનના સમાચાર જોઈને બધાંની પહેલી લાગણી તો અફસોસ વ્યક્ત કરવાની જ હતી. પણ પછી તરત જ બધાંને એ જાણવાની ઉત્સુકતા પણ હતી કે આપણા વિકાસની આડે આવેલી વ્યક્તિ કોણ હતી તે તો જોવું જોઈએ. એક પછી બીજા એમ કાનોકાન પણ વાત ફેલાઇ ગઈ અને લગભગ બધાં જ એ શોકસભામાં પહોંચી આવ્યાં. 'કૉફીનમાં પોઢી ગયેલ એ વ્યક્તિ છે કોણ?' એ સવાલ દરેકના ચહેરા પર હવે સ્પષ્ટ વાંચી શકાતો હતો. પોતાનાં સહકાર્યકરોમાંથી કોઇ અહી હાજર નથી તેમ પણ દેખાતું ન હતું, એટલે હવે ઉત્સુકતા ધીરે ધીરે ઉત્તેજનામાં પરિવર્તિત થઈ રહી હતી.

એક પછી એક દરેક કર્મચારી કૉફીન પાસે જઈને તેમાં નજર કરીને અંજલિ પાઠવવાં લાગ્યાં. જેમ જેમ કર્મચારી કૉફીનમાં નજર કરી આવતાં હતાં તેમ તેમ તેમના ચહેરા પર એક નવા પ્રકારનાં આશ્ચર્યનો ભાવ જોવા મળતો હતો.કૉફીનમાં નજર કરતાંવેંત દરેક કર્મચારી અંદરથી છેક મન સુધી સડક થઇ જતાં હતાં.

કૉફીનમાં એક મોટો અરીસો હતો : જે કોઇ અંદર નજર કરે તેને તેમાં પોતાનું પ્રતિબિંબ દેખાતું હતું. એ અરીસાની બાજુમાં લખ્યું હતું : "તમારા વિકાસની આડે માત્ર એક જ વ્યક્તિ આડી આવી શકે છે -
તમે પોતે."
image
આપણા બૉસનાં કે સહકાર્યકરનાં કે મિત્ર કે કાર્યસ્થળ કે સગાંવહાલાંનાં બદલાઈ જવાથી આપણે નથી બદલાતાં.

આપણું જીવન તો જ બદલાય જો આપણે ખુદ બદલીએ. આપણને સિમિત કરતા આપણા વિચારો, આપણી માન્યતાઓ, આપણી ધારણાઓ, આપણી અપેક્ષાઓ કે પછી આપણી જરૂરિયાતો બદલવા માટે બદલવું તો આપણે જાતે જ રહ્યું.

જેવો આપણે આપણામાં બદલાવ લાવીએ છીએ તેવું જ આપણું જીવન પરિવર્તન પામવાનું શરૂ કરી દે છે. આપણે જાતે જ દોરેલી, આપણી જ્ઞાતઅજ્ઞાત સીમારેખાઓને ફરીથી આંકવાની શક્તિ અને જવાબદારી આપણી ખુદની જ છે. જો મનથી નક્કી કરીએ તો આપણાં જીવનમાં ધરમૂળ ક્રાંતિ પણ આપણે જ લાવી શકીએ છીએ. આપણી અનુભૂતિઓ , આપણા દૃષ્ટિકોણ, આપણો અભિગમ જ આપણાં સુખદુઃખની વ્યાખ્યા નક્કી કરે છે. અને તેમાંથી જ આપણી સફળતા, કે નિષ્ફળતા પણ નિપજતી હોય છે. આપણને મદદ કરી શકે તેવી વ્યક્તિ આપણે ખુદ જ છીએ. જીવનનો સૌથી મહત્ત્વનો આપણો સંબંધ પણ આપણી જાત સાથેનો સંબંધ છે.

આપણાં દરેક માટે એક આગવું વિશ્વ હોય છે, જેમાં આપણી પોતાની મસ્તીમાં આપણે રાજા - કે રાણી - હોઇએ છીએ. બસ, એ વિશ્વ ખોળી કાઢવું રહ્યું. જો કે, આમ તો એ વિશ્વ પણ આપણને ખોળી જ પાડે છે.... જે કામ પાણી કરી શકે તે પેટ્રોલ ન કરી શકે અને જે જે કામ તાંબું કરી શકે તે સોનું ન કરી શકે.

એકદમ નાની છે એટલે કીડી બધે જ પહોંચી શકે છે, તો વૄક્ષનાં થડમાં કડકાઈ છે તો તે ટટ્ટાર ઊભું રહી શકે છે. દરેક વસ્તુ, અને દરેક વ્યક્તિ, કોઈને કોઈ અનોખી શક્તિનાં એક ચોક્કસ પ્રમાણ વડે રચાયેલ છે. એ અનોખાપણું એક ચોક્કસ લક્ષ્યને સિદ્ધ કરવા જ આપણને મળેલ છે. એ લક્ષ્ય સિદ્ધ કરવું હોય તો એ અનોખાપણું જ કામ આવશે. આમ આપણાં લક્ષ્યને, માત્ર, અને માત્ર, આપણે જ સિદ્ધ કરી શકીએ. હું તમારૂં લક્ષ્ય સિદ્ધ નહીં કરી શકું, અને તમે મારૂં લક્ષ્ય નહીં પામી શકો. આપણે અહીં આપણે જ બનવા સર્જાયાં છીએ.. માત્ર આપણે જ.

આપણે જે છીએ તેને ઓળખી કાઢીએ અને તેને શ્રેષ્ઠ બનાવીએ. આપણે આપણી જાત ખોળી શકીશું , તો દુનિયા પણ આપણને ખોળી કાઢશે. આપણે જો આપણને જ ન ઓળખી શકીએ તો દુનિયા પણ આપણને નહીં જ ઓળખે.

આવો....આપણી ઓળખ ખોળી કાઢીએ અને તેનો ઓચ્છવ કરીએ....આપણાં જીવનની રાહ જ બદલી નાખીએ !!!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો